આજના જમાનામાં વાતાવરણ અવાર-નવાર બદલાતું રહે છે, એક ઘડીએ ગરમી તો બીજી જ ક્ષણે કમોસમી વરસાદ વરસવા લાગે છે. તો આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે સિઝન વગર પણ તમે શાકભાજીની ખેતી કરી શકો છો, અને જેના દ્વારા તમને ઘણો સારો ફાયદો મળી શકે છે.
ક્લાયમેટમાં બદલાવથી થાય છે પાકને અસર
હાલમાં બદલાયેલા વાતાવરણનને કારણે કમોસમી માવઠા અથવા વધુ પડતો તાપ કે ઠંડી પડવાથી શાકભાજીના પાક પર તેની જલદી અસર થાય છે. જેના કારણે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિઝનમાં નફો લઈ શકતા નથી.
ઓફ સીઝનમાં આ રીતે શાકભાજીની ખેતી કરી શકાય છે.
- વધુ પડતી ઠંડી-ગરમી સહન કરવાની શક્તિ ધરાવતી સારી ગુણવત્તાવાળી જાતની પસંદગી
- વાવણી સમયમાં બદલાવ લાવીને
- પ્લાસ્ટિક / નોન-વુવન કાપડની ટનલનો ઉપયોગ
- પોલી હાઉસ | નેટ હાઉસના ઉપયોગ
- જુદા જુદા એગ્રો પરિસ્થિતિનો ઉપયોગ
- લો કોસ્ટ ગ્રીન હાઉસ કલાઈમેટ
ૠતુ અનુસાર પાકે તો સૌ ખાય, પણ પાકની ઋતુ સિવાય વસ્તુ ખાઈ જાણે તે સાચો ખેડૂત ગણાય. શાકભાજીની ખેતીમાં વધારે નફો મેળવવા ખેડૂતો હંમેશાં પ્રયત્નશીલ હોય છે. નફાનું ધોરણ બે રીતે વધે છે. એક વધુ ઉત્પાદન લઈ વધુ આવક મેળવીને અને બીજું ભાવ મળે તે સમયે શાકભાજીનું ઉત્પાદન લઈને, જેથી વધારે ભાવને કારણે ઓછા ઉત્પાદન છતાં નફો વધે. આપણે અહીં ત્રીજી રીતે નફો વધારાવાની વાત કરીશુ જેનાથી જગતના તાત કોઈ પણ ઋતુમાં, કમોસમી સિઝનમાં પણ ખેતી કરીને સારામાં સારો નફો મેળવી શકે છે.
ગુજરાતના આ જિલ્લાઓમાં ખેડૂતો કરી રહ્યાં છે ઓફ સિઝન ખેતી
કેટલાક કૃષિ તજજ્ઞોની સલાહ લઈને હવે સુરત, નવસારી, બારડોલી, વલસાડ વિસ્તારના કેટલાક ખેડૂતો ઓફ સિઝનમાં શાકભાજીની ખેતી કરતાં થયા છે, જેના કારણે ઓછા ઉત્પાદનમાં પણ શાકભાજીના ભાવ સારા રહેતા નફો વધુ મેળવતા થયા છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય ઋતુમાં મળતાં ભાવ કરતાં વધારે ભાવ લઈ વધારે આવક લેવા ઓફ સિઝનમાં શાકભાજી ઉગાડવા જોઈએ. તેની ખેતી ઓફ સિઝન પદ્ધતિની વિશેષ જાણકારી હોવી જોઈએ.
ઓફ સિઝનમાં ઉગાડાતા શાકભાજી
આપણે ત્યાં સમાન્ય રીતે નીચે પ્રમાણે શાકભાજી ઓફ સિઝનમાં ઉગાડવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ટામેટા, ભીંડા, કાકડી, તરબુચ, રિંગણ, કોબીજ, ફ્લાવર આખા વર્ષ દરમિયાન મળતાં થયાં છે. તેમણે કહ્યું કે આ શાકબાજીના પાકોમાં સંશોધનને અંતે તૈયાર થયેલી સંકરજાતોને કારણે શક્ય બન્યું છે. ખાસ કરીને ટામેટા અને કોબીજ સંકર જાતનું વધારે વાવેતર થાય છે. કોબીજની સંકર જાતોમાં ગરમી સહન કરવાની વધારે શક્તિ હોય આખા વર્ષ દરમિયાન દ્વિકલ્પ વિસ્તારમાં સારી રીતે ઉગાડી શકાય છે. આ જાતો જુદાજુદા હવામાનમાં અનુકુળ થવાની શક્તિ ધરાવે છે.
હાલમાં તાપી જિલ્લામાં ઓફ સિઝન શાકભાજી જેવા કે ભીંડા, ટામેટા અને તરબુચની ખેતી ખેડૂતો કરતાં થયા છે અને ધીમેધીમે એનો વિસ્તાર વધી રહેલો છે. ત્યારે હવે કેટલાક આર્થિક રીતે સધ્ધર ખેડૂતો કે મોટા ખેડૂતો હવે ગ્રીનહાઉસમાં ખેતી કરીને બારેમાસ જે તે શાકભાજીનો પાક લઈ રહ્યાં છે અને આર્થિક કમાણી પણ કરી રહ્યાં છે.
ઉનાળામાં ટામેટાની ખેતી
સામાન્ય રીતે શિયાળામાં ટામેટાની ખેતી થાય છે. ઉનાળાના ગરમ વાતાવરણમાં ટામેટાની ખેતી ખુલ્લા ખેતરમાં સારી રીતે કરવી થોડી મુશ્કેલી છે. ઉનાળા દરમિયાન ટામેટાની ખેતી ઓછા ખર્ચાવાળા સાદા ગ્રીન હાઉસમાં કરી શકાય છે. આવા ગ્રીન હાઉસ ઉપર પ્લાસ્ટિક તેમજ બાજુઓમાં નેટ નાખીને સૂર્યપ્રકાશ તેમજ ગરમી ઘટાડી શકાય છે. ખુલ્લા ખેતરમાં ટામેટાની ખેતી માટે હાર કરવી. ત્યારબાદ બે હાર મકાઈને વાવી ઉનાળા દરમિયાન ટામેટાની ખેતીનો પ્રયોગ કરવા જેવો છે. ઉનાળામાં ટામેટાની ખેતી માટે જાતની પસદંગી પણ અગત્યનું પાસું છે.
શિયાળામાં ભીંડાની ખેતી
સામાન્ય રીતે ભીંડા ચોમાસા અને ઉનાળાના ગરમ વાતાવરણમાં સારી રીતે થઈ શકે છે. જ્યારે શિયાળામાં આ પાક ઉગે ખરો પરંતુ ઠંડી અને ઓછા સૂર્યપ્રકાશને કારણે છોડનો વિકાસ બરાબર થતો નથી, અને રોગનું પ્રમાણ ખુબ વધારે આવવાથી ઉત્પાદન મળતું નથી. ઓક્ટોબરથી નવેમ્બર માસની 15 તારીખ સુધી ગરમીનું વાતાવરણ હોય એ દરમિયાન ભીંડાના પાકને વાનસ્પતિક વિકાસ થઈ ફૂલ આવવાની શરૂઆત થઈ જાય છે. પછી ઠંડીની અસર ઓછી જોવા મળે છે. ભીંડાના ભાવો નવેમ્બરથી જાન્યુઆરી માસ સુધી સારો મળે. આથી ભીંડાનું વાવેતર ઓક્ટોબર માસના પહેલા અઠવાડિયામાં કરવું. હાલમાં દક્ષિણ ગુજરાતની આદિવાસી વિસ્તરની પૂર્વ પટ્ટીમાં શિયાળામાં ભીંડાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે.
આ પણ વાંચો : મે મહિનામાં કરો મરચાની ખેતી, થશે જોરદાર નફો
કોબીજ-ફ્લાવરની વહેલી રોપણી
કોબીજ અને ફ્લાવરનું ધરુ ચોમાસા દરમિયાન ઉછેલવાની ખુબ જ મુશ્કેલી પડે છે. આ માટે પોલી હાઉસમાં ચોમાસા દરમિયાન અને ત્યારબાદ ચીતરાના તાપમાં નેટ હાઉસમાં ધરુ ઉછેરી શકાય છે. ખુલ્લી નર્સરીમાં ધરુ ઉછેરવાની ખુબજ મુશ્કેલી પડે છે. સપ્ટેમ્બર માસમાં પોલી હાઉસ કરતા નેટ હાઉસમાં ધરુ સારી રીતે ઉછેરી શકાય છે. આવી રીતે કરેલા ધરૂ ઓક્ટોબર- નવેમ્બરમાં ઠંડી પડતાં ખુલ્લા ખેતરમાં ફેર રોપણી કરી એકથી દોઢ માસ વહેલા કોબીજ ફ્લાવર બજારમાં મુકી વાધરે ભાવ મેળવી શકાય છે.
તરબૂચની વહેલી વાવણી
તરબુચ સમાન્ય રીતે જાન્યુઆરી માસમાં વાવવામાં આવે છે, પરંતુ તેને બદલે નવેમ્બર કે ડિસેમ્બર માસમાં તરબુચના બીજ પોલિથિન કોથળીમાં વાવી પોલિહાઉસ કે પોલિથિન સીટની ટનેલ બનાવવી, તેમાં છોડ રાખી એકથી દોઢ માસ ત્યાં ઉછેરવા દેવા. જાન્યુઆરી માસમાં જ્યારે ઠંડી ઓછી થાય કે તરત જ જમીનમાં કોથળીમાં તૈયાર કરેલા છોડ રોપી દઈને તરબુચનો પાક વહેલો લઈ શકાય છે. આ ઉપરાંત ચોમાસામાં ડાંગરનો પાક ઊભો હોય ત્યારે ડાંગર કાપણીના મહિનો અગાઉ ઉપર જણાવ્યા પ્રમાણે તરબુચના છોડને બેગમાં ઉગાડી ઓક્ટોબરના આખરમાં સીધા ખેતરમાં વવાણી કરવાથી શિયાળામાં તરબુચનું ઉત્પાદન મેળવી શકાય છે અને વધારે ભાવ મેળવી શકાય. ખેતરમાં મોટાભાગે તરબુચનો પાક 65 દિવસમાં તૈયાર કરી શકાય છે.
પાંદડાંવાળાં શાકભાજીની બારેમાસ ખેતી
કોથમીર, પાલક તાંદળજો વગેરે પાંદડાવાળા શાકબાજીની માંગ બજારમાં બારેમાસ રહે છે. આ શાકભાજી શિયાળા દરમિયાન ખુલ્લા ખેતરોમાં સારી રીતે થાય છે. પરંતુ ઉનાળા/ ચોમાસામાં ખુલ્લી ખેતરોમાં સારી રીત થઈ શકતા નથી. ખુલ્લા ખેતરો કરતાં મધ્યમકક્ષાના ગ્રીનહાઉસમાં પાંદડાળા શાકબાજીની વૃદ્ધિ સારી થાય છે. ઝડપી અને વધારે ઉત્પાદન આપે છે. એક સંશોધનના પરિણામ પરથી જાણવા મળ્યું છે કે સાદા ગ્રીનહાઉસમાં ઉગાડેલા પાંદડાવાળા શાકભાજીની ગુણવત્તા સારી હોય છે. તેમજ ઉત્પાદન વધારે છે.
તુરિયાં-કાકડી પણ ઓફ સિઝનમાં મેળવી શકાય
ઓફ સિઝનમાં હાલમાં ઘણા શાકભાજીના પાક લેવાય છે. ઓફ સિઝન હોવાથી ભાવ પણ સારા મળી રહે છે. માટે ઓફ સિઝનમાં શાકભાજીની ખેતી આર્થિક રીતે લાભદાયક બની રહે છે. શિયાળાની સિઝનમાં તુરિયા, કાકડી અને ભીંડાની ખેતી પણ કરવામાં આવે છે. અત્યારે ભીંડાના ભાવ ચોમાસા કરતાં સારા મળે છે. આટલું યાદ રાખો શાકભાજીની ખેતીમાં વધારે નફો મેળવવા ખેડૂતો હંમેશા પ્રયત્નશીલ છે. નફાનું ધોરણ ત્રણ રીતે વધે છે. એક વધુ ઉત્પાદન લઈ વધુ આવક મેળવવું, બીજુ ખર્ચ ઓછો કરી ઉત્પાદન તેટલું જ મેળવવું અને ત્રીજુ વધારે કરી વધારે ભાવ મળે તે સમયે શાકભાજીનું ઉત્પાદન લઈને જેથી વધારે ભાવને કારણે નફો વધે.
સુરણની વહેલી લણણી
સામાન્ય રીતે સુરણની લણણી રોપણીના 7-8 મહિના બાદ કરવામાં આવે છે પરંતુ બજાર ભાવને ધ્યાનમાં રાખીને, રોપણીના 4-5 મહિના બાદ કંદની વહેલી લણણી કરવાથી ટૂંકા સમયગાળામાં ઓછા ઉત્પાદન છતાં વધુ નફો મળી રહે છે. ખેડૂતમિત્રો, આમ કોઈ પાકના બજારભાવ ધ્યાનમાં લઈ બજારમાં મોકલવાથી કે ઓફ સિઝનના પાક કરવાથી ખેતીમાં મહેનતની સાથે સારો નફો મળી શકશે.
તુવેરનું વહેલું વાવેતર
તુવેરના પાક માટે ફૂલ અને શિંગો આવવાના સમયે ઠંડુ હવામાન માફક આવે છે. જેથી ઉનાળાની ઊંચી ગરમી (40-40° સે.) દરમિયાન તુવેરના છોડ ઉપર ફૂલ અને શિંગો આવવી શક્ય નથી. તેમ છતાં આ વધારે ગરમીના સમયગાળા દરમ્યાન વાનસ્પતિક વૃદ્ધિ થાય તે રીતે વાવણી સમયનું આયોજન કરી, મે-જૂન સિવાય વર્ષ દરમ્યાન તુવેરની આંતરપાક તરીકે વાવણી કરવામાં આવે છે. શરૂઆતના સમયગાળામાં આ પાકની સાથે અન્ય શાકભાજી પાકોનું ઉત્પાદન મળે છે અને આ સમયગાળા દરમ્યાન તુવેરની વાનસ્પતિક વૃદ્ધિ થાય છે. અને ચોમાસામાં વરસાદ પડવાની સાથે તાપમાન નીચું જતાં તુવેર ઉપર ફૂલ આવવાની શરૂઆત થાય છે. અને લીલી શિંગોનું ઉત્પાદન મળવાની શરૂઆત થાય છે. આ વખતે શિંગોના બજારમાં ખૂબ જ ઊંચા ભાવ મળતા હોય છે. તુવેરના પાક માટે વૈશાલી તથા જીટી-102 જાતની રોપણી કરી ડાંગરની પરાળ અથવા શેરડીની પતારીનું આવરણ ગરમીના સમયગાળામાં છોડ માટે લાભદાયક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : આ 5 વૃક્ષોની વિગતો છે જે ભારતમાં સૌથી વધારે ઝડપથી વિકસે છે
Share your comments