આપણા આહારમાં શાકભાજીનું ખૂબ જ મહત્વ છે. શાકભાજી ઉત્પાદનમાં જીવાતોનો ઉપદ્રવ થવાથી ઉત્પાદન અને ગુણવતા પર વિપરીત અસર થાય છે. એક અંદાજ મુજબ આશરે ૪૦ ટકા સુધી ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે. જેથી શાકભાજીમાં પ્રાકૃતિક જીવાત નિયંત્રણ એક તાતી જરૂરીયાત છે. ખેડૂતો તાત્કાલિક પરિણામો મેળવવા માટે જંતુનાશકોનો ઉપયોગ કરતા હોય છે.
આવા રસાયણિક જંતુનાશકોના એકધારા અને અવિવેકી ઉપયોગના કારણે પાકની જીવાતોમાં પ્રતિકારક શક્તિ કેળવવી, જીવાતોનો વસ્તી વિસ્ફોટ થવો, શાકભાજીનાં ઉત્પાદનમાં કૃષિ રસાયણોનાં અવશેષોની અસર રહેવી, જૈવિક નિયંત્રકો અને પરપરાગનયનમાં મદદ કરતા કીટકો પર માઠી અસર થવી જેવા વિપરીત પરિણામો જોવા મળતા હોય છે. ઉપરાંત શાકભાજીમાં બે વીણી વચ્ચેનું અંતર ખૂબ જ ઓછુ હોય તથા મોટાભાગનાં શાકભાજી જલ્દીથી બગડી જતાં હોવાથી આ બધી મર્યાદાઓને ધ્યાનમાં રાખી નીચે જણાવેલ કેટલાક સંકલિત જીવાત નિયંત્રણ અંગેના મુદ્દાઓ ધ્યાનમાં રાખી જીવાતોનું નિયંત્રણ કરવું જોઈએ.
રીંગણનાં પાકને નુકસાન કરતી જીવાતોમાં ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ, તડતડીયા, સફેદમાંખી, મોલો અને પાનકથીરીનો સમાવેશ થાય છે. ટામેટાનાં પાકને નુકસાન કરતી જીવાતોમાં લીલી ઈયળ અને પાનકથીરી મુખ્યત્વે જોવા મળે છે. ભીંડાના પાકમાં લીલા તડતડીયા, પાન વાળનાર ઈયળ, પાનકથીરી, સફેદમાંખી, કાબરી ઈયળ તેમજ મોલો જોવા મળે છે. કોબીજ અને કોલીફ્લાવરમાં મુખ્યત્વે હીરાફૂદું, મોલો, લીલી ઈયળ ( દડા કોરનાર ઈયળ ), લશ્કરી ઈયળ ( પાન ખાનારી ઈયળ ) અને થ્રીપ્સ જોવા મળે છે.
ઉનાળામાં ઉંડી ખેડ કરવાથી જે તે જીવાતની સુષુપ્ત અવાસ્થા નાશ પામે છે. પાકની કપની બાદ ઉંડી ખેડ કરવાથી ફલામાખી, લાલ અને કાળા મરિયા, લીલી ઈયળ અને પાન ખાનારી ઈયળ (સ્પોડોપ્ટેરા) જેવી જીવાતોના કોશેટા જમીનની સપાટી ઉપર બહાર આવે છે. જેને કીટકભક્ષી પક્ષીઓ ખાઈ જાય છે અથવા સૂર્યનાં તાપનાં સીધા સંપર્કમાં આવતા નાશ પામે છે.
પ્રતિકારક જાતોની પસંદગી:
સંશોધનનાં આધારે કેટલાક પાકમાં જીવાતો સામે પ્રતિકારક જાતો વિકસાવવામાં આવેલ છે. જે તે વિસ્તારને ધ્યાનમાં લઈ જે તે પાકોની અનુરૂપ જાતોની પસંદગી કરી વાવેતર કરવામાં આવે તો જીવાતોનો ઉપદ્રવ પ્રમાણમાં ઓછો રહે છે અને રાસાયણિક જંતુનાશક દવાનાં છંટકાવની માત્રા ઘટાડી શકાય છે. રીંગણીનાં પાકમાંડુંખ અને પાન કોરી ખાનારી ઈયળ, મોલો, તડતડિયાઅને સફેદમાંખી સામે ગુજરાત સંકરરીંગણ - ૨, સીલેકશન- ૪ અમુક અંશે પ્રતીકારકતા ધરાવે છે. આમ બજાર અને વિસ્તાર ને ધ્યાનમાં રાખી જે તે જાતોની પસંદગી કરાવી જોઈએ. મરચીનાં પાકમાં જ્વાલા અને જી- ૪ જાતો થ્રીપ્સ સામે પ્રમાણમાં ટક્કર જીલી શકે છે.પ્રતિકારક જાતો જે તે વિસ્તારને અનુરૂપ હોય તેની પસંદગી કરી વાવેતર કરવાથી સારા પરિણામો મેળવી શકાય.
વાવેતરનો સમય:
જીવાતનાં ઉપદ્રવને ધ્યાનમાં રાખી જે તે પાકની રોપણી, વાવેતરનાં સમયમાં ફેરફાર કરવાથી જીવાતોનાં આક્રમણથી પાકને બચાવી શકાય છે અથવા નુકશાનની માત્રા ઘટાડી શકાય છે. રીંગણીની ફેરરોપણી જાન્યુઆરીનાં બીજા પખવાડિયામાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં કરવાથી ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળનો ઉપદ્રવ ઓછો આવે છે. ભીંડાની વાવણી મેં માસની શરૂઆતમાં કરવામાં આવે તો મોલોનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. રીંગણીની રોપણી સપ્ટેમ્બર બાદ કરવાથી પ્રમાણમાં ડુંખ અને ફળ કોરી ખાનાર ઇયળનો ઉપદ્રવ ઓછો રહે છે. કોબીજનું રોપણ ઓક્ટોબરનાં છેલ્લા અઠવાડીયાથી નવેમ્બરનાં પ્રથમ અઠવાડીયાં દરમ્યાન કરવાથી લીલી ઇયળનો ઉપદ્રવ ઓછો જોવા મળે છે. વેલાવાળા શાકભાજીનું વાવેતર નવેમ્બર માસમાં કરવામાં આવે તો લાલ અને કાળા મારિયાનાં ઉપદ્રવથી પાકને બચાવી શકાય છે.
બીજ માવજત:
ભીંડાને વાવતા પહેલા એક કિલોગ્રામ બીજ દીઠ ૭.૫ ગ્રામ ઇમીડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યુએસ અથવા ૪.૫ ગ્રામ થાયામેથાક્ઝામ ૩૦ ડબલ્યુએસનો પટ્ટ આપવાથી ચુસીયાં પ્રકારની જીવતો સામે દોઢ મહિના સુધી રક્ષણ મળે છે.
પીંજર પાક:
પીંજર પાક મુખ્ય પાકની જીવાતોને આકર્ષી ઉપદ્રવ ઘટાડવામાં મદદરૂપ થાય છે. ટમેટીના ખેતરમાં લીલી ઈયળ માટે પીંજર પાક તરીકે આફ્રિકન પીળા ફૂલવાળા હજારીનાં છોડ ખૂબ જ અસરકારક જોવા મળે છે. કોબીજની દસ હરોળ પછી રાયડાની બે હરોળ તેમજ ખેતરની ફરતે રાયડાનું વાવેતર કરવાથી મોલો નો ઉપદ્રવ ઘટાડી શકાય છે. ટમેટીનાં ખેતરની ફરતે તેમજ ટમેટીની દર પાંચ હરોળ બાદ કરેલ પાળા ઉપર ખાલા પુરવા બીજી વખત પાણી આપવામાં આવે ત્યારે હજારીનું ધરું રોપી હજરીમાં ફૂલની શરૂઆત થતાં માદા ફૂદીઓ ટમેટીનાં છોડને બદલે હજારીનાં ફૂલ તથા કળીઓ ઉપર ઈંડા મુકવાનું વધુ પસંદ કરે છે. તદઉપરાંત હજારી ગોટા ઉપર મુકાયેલાં આ ઈંડાનું પરજીવીકરણ પણ ટ્રાયકોgramaગ્રામાં ભમરીથી સારા પ્રમાણમાં થતું રહે છે.
આ પણ વાંચો : સ્ટ્રોબેરીની ખેતી કેવી રીતે અને કયા મહિનામાં થાય તેની સંપૂર્ણ માહિતી
જૈવિક નિયંત્રણ:
સંકલિત જીવાત નિયંત્રણમાં કુદરતી દુશ્મનોનું ઘણું જ મહત્વ છે. કોઈપણ સંકલિત જીવાત નીયંત્રણમાં તેના કુદરતી દુશ્મનની ખૂબ જ અસરકારક રીતે સફળ પુરવાર થયા છે. કુદરતમાં મોટાભાગની જીવાતોનું કુદરતી રીતે નિયંત્રણ થતું રહે છે. કેટલીક જીવાતોને કાબુમાં લેવા માટે આવા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરી જીવાતની વસ્તી ઘટાડવામાં ઉપયોગ યોજવામાં આવતા હોય છે. કોબીજ અને ટામેટીમાં નુકશાન કરતી લીલી ઈયળનાં નિયંત્રણ માટે બજારમાં મળતું લીલી ઈયળ માટેનું એચ. એન. પી. વી. ૧૦ મી. લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી તંદુરસ્ત ઇયળોને રોગ લાગુ પડતા નિયંત્રણ મેળવી શકાય છે. તેવી જ રીતે પાન ખાનારી ઈયળના નિયંત્રણ માટે એસ. એન. પી. વી. પણ બજારમાં મળે છે. જે ૧૦ મી. લી. ૧૦ લીટર પાણીમાં પ્રમાણે છંટકાવ સાંજના સમયે તથા ઈયળ નાની અવસ્થામાં હોય ત્યારે કરવો હિતાવહ છે. બેસીલસ થુરીન્જીન્સીસ ( બી. ટી.) આધારિત બજારમાં ઉપલબ્ધ પાવડર ૨૦ ગ્રામ, ૧૦ લીટર પાણીમાં ભેળવી જે તે પાકમાં છંટકાવ કરવાથી લીલી ઈયળ અને ભીંડાની ડુંખ અને ફળ કોરનાર ઈયળ સામે રક્ષણ આપે છે. ટ્રાયકોgramaગ્રામાં ખૂબ જ અસરકારક ઈંડાનું પરજીવી છે. ટમેટીનાં પાકમાં લીલી ઈયળની ફૂદી ઈંડા મુકતા થાય એટલે તુરત જ હેકટર દીઠ ૩,૬૦,૦૦૦ ટ્રાયકોગ્રામાંભમરી અઠવાડિયાનાં અંતરે બે થી ત્રણ વખત છોડવાથી ઉપદ્રવ નિયંત્રિત કરી શકાય છે.
શાકભાજી ઉતારવાનો સમય:
શાકભાજી ટૂંકા ગાળે ઉતારવાના થતાં હોવાથી દવાનો છંટકાવ કરતા પહેલા શાકભાજી ઉતારી લેવા જોઈએ, અને ત્યારબાદ તરત જ દવાનો છંટકાવ કરી શક્ય હોય તેટલા મોડા શાકભાજી ઉતારવાથી દવાના અવશેષો ઓછા રહે છે.
યાંત્રિક પધ્ધતિથી નિયંત્રણ:
રિંગણી અને ભીંડાની ડુંખ અને ફળ કોરી ખાનાર ઇયાળથી નુકશાન પામેલ ડુંખને ઈયળ સહીત કાપી લઇ નાશ કરવો તેમજ રિંગની અને ભીંડાની દરેક વીણી વખતે નુકશાન પામેલ ફળ ને જુદા તારવી યોગ્ય રીતે નાશ કરવો. ફળમાંખીને અસર પામેલા અને ટુંઆ પડેલા ફળો વેલાવાળા શાકભાજીની વાડીમાંથી નિયમિત રીતે વીણીને જમીનમાં ઊંડો ખાડો કરી તેમાં નાખી અને તેનાં પર જંતુનાશક દવાની ભૂકી ભભરાવી તેને દાંટી દેવા જોઈએ.
ફેરોમોન ટ્રેપ:
વિવિધ જીવાતોનાં નાર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ બજારમાં ઉપલબ્ધ છે. રીંગણનાં પાકમાં ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળનાં નર ફૂદાને આકર્ષવા વીઘે ૧૦ ટ્રેપ ગોઠવવાથી સારા પરિણામ મેળવી શકાય છે. તેવી જ રીતે ભીંડામાં કાબરી ઈયળ નાં નર ફૂદાં માટે, કોબીજ અને કોલીફ્લાવરમાં લીલી ઈયળ, પાન ખાનાર ઈયળ અને હીરાફૂદાં માટે ૧૦ – ૧૦ ટ્રેપનો ઉપયોગ હેક્ટર દીઠ કરવાથી આવી જીવાતોની વસ્તીમાં ઘટાડો કરી શકાય અને જીવાતની પ્રવુતિ પાન જાણી શકાય. વેલાવાળા શાકભાજીમાં નર ફળમાંખીને આકર્ષી પાકમાં જીવાતનું નુકશાન ઘટાડવા માટે ક્યુ લ્યુરનાં ટ્રેપ હેક્ટર દીઠ ૧૫ થી ૨૮ ની સંખ્યામાં મુકવાથી સારા પરિણામ મેળવી શકાય.
વિષ પ્રલોભીકા:
વેલાવાળા શાકભાજીમાં વિષ પ્રલોભીકાનો ઉપયોગ કરી ફળમાંખીને કાબુમાં લઇ શકાય છે. વિષ પ્રલોભીકા બનાવવા માટે ૪૫૦ ગ્રામ ગોળને ૧૦ લીટર પાણીમાં ઓગાળી ૨૪ કલાક રાખી મુકવું, ત્યારબાદ તેમાં ફેન્થીઓન ૧૦૦૦ ઇસી ૧૦ મી. લી. અથવા મેલાથીઓન ૫૦ ઇસી ૨૦ મી. લી. ભેળવીને ફૂલ આવ્યા બાદ દર અઠવાડીએ એકવાર વેલા પર છાંટવાથી માખીનો નાશ કરી શકાય.
વનસ્પતિજન્ય દવાનો ઉપયોગ:
લીમડાની લીંબોળીનાં મીજનો ઉપયોગ વિવિધ જીવાતોથી પાકને બચાવવા અસરકારક પુરવાર થયેલ છે. રીંગણમાં ડુંખ અને ફળ કોરી ખાનાર ઇયળથી થતાં નુકશાનને અટકાવવા લીંબોળીનાં મિજ ૩૦૦ ગ્રામ ( ૩ ટકા ) અથવા નીમ્બીસીડીન ૩૦૦ પીપીએમ ૩ મી. લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી રીંગણીની ડુંખો ચિમળાતી જોવા મળતા છંટકાવ કરવો જોઈએ. મરચીમાં લીમડાની લીંબોળીની મિજ ૫૦૦ ગ્રામ ( ૫ % ) ૧૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવાથી સફેદમાખી તથા લીલી ઈયળ નો ઉપદ્રવ નિવારી શકાય છે અને મરચાનું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. કોબીજમાં લીમડાની લીમ્બોળીની મીજ ૫૦૦ ગ્રામ (૫ %) ૧૦ લીટર પાણીમાં મિશ્રિત દ્રાવણ છાંટવાથી લીમડામાં રહેલ ખાધ પ્રતિરોધક તત્વને લઈને કોબીજના પાન ખાઈને નુકશાન કરતી જીવતો ભૂખી રહેતા મરી જાઈ છે. તેમજ હીરાફુદા, લીલી ઈયળ, લશ્કરી ઇયળની ફૂદીઓ ઈંડા મુકતી અટકે છે. લીમડાયુક્ત દવાઓ જેવી કે ગ્રોનીમ ૧ % ઇસી ૫ મી. લી. અથવા અચૂક ૦.૧૫ ઇસી ૪૦ મી. લી. અથવા લીંબોળીની મીજ ૫૦૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં મિશ્રિત કરી છંટકાવ કરવાથી આ જીવાત ઈંડા મુકતી અટકે છે. તેમજ ખાધ પ્રતિરોધક શક્તિને કારણે ટામેટી ને નુકશાન કરી શકાતી નથી. આ વનસ્પતિજન્ય દવાઓનો ભીંડાનાં પાકમાં ઉપયોગ કરતા તડતડીયાની માદા, ફળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ અને લીલી ઈયળની માદા ફૂદીઓ ભીંડા પર ઈંડા મુકતી અટકે છે. ઉપરાંત ઇયળનો ઉપદ્રવ પણ કાબુમાં રહે છે.
ડો. જે. જી. દુલેરા
મદદનીશ પ્રાધ્યાપક
પક્ષીશાસ્ત્ર વિભાગ, આણંદ કૃષિ યુનિવર્સીટી, આણંદ
આ પણ વાંચો : એરંડાનો ભાવ પહોંચ્યો આસમાને, ખેડૂતોમાં બમણી ખુશીનો માહોલ
Share your comments