ગુજરાતમાં વવાતા વિવિધ પાકો પૈકી દિવેલા એ ખુબ જ અગત્યનો પાક ગણાવી શકાય. દિવેલાના ઉત્પાદનમાં રોગ, જીવાત અને હવામાન અગત્યનાં પરિબળો છે, તે પૈકી દિવેલાના પાકની જુદી- જુદી અવસ્થાએ વિવિધ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ વત્તા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. જીવાતોનો ઉપદ્રવ દિવેલાનાં પાકમાં વધારે હોય તો દિવેલાનાં પાક ઉત્પાદન અને બઝાર ભાવ પર માઠી અસર પડે છે. દિવેલામાં આવતી જીવાતોમાં ઘોડીયા ઇયળ, લશ્કરી ઇયળ, ડોડવા કોરી ખાનાર ઇયળ, સફેદમાખી, પાન કથીરી, લીલી પોપટી, થ્રીપ્સ વગેરેનો સમાવેશ થાય છે, જેમાં ધોડીયા ઇયળ અને લશ્કરી ઇયળ મુખ્ય ગણાવી શકાય. આ જીવાત સામે નિયંત્રણ મેળવવા તાત્કાલિક પગલાં લઇ શકાય તે માટે જરૂરી માહિતી આ લેખમાં આપવાનો પ્રયાસ કરવામાં આવેલ છે, જે નીચે મુજબ છે.
(1) ધોડીયા ઇયળ:
જીવાતની ઓળખ: આ ઇયળનો રંગ ઉંમર પ્રમાણે જુદો જુદો હોય છે. શરુઆતમાં કાળો ત્યારબાદ રાખોડી અને છેવટે બદામી રંગ ધારણ કરે છે. ઇયળો શરીરનો વચ્ચેનો ભાગ ઉંચો કરીને ચાલે છે. જીવાતનું નુકશાન: નાની ઇયળો પાનમાં અનિયમીત આકારનાં કાણાં પાડે છે. મોટી ઇયળો પાનની ધારેથી ખાઇ ફક્ત નસો છોડીને બાકીના છોડને ઝાંખરા જેવો બનાવી દે છે.
જીવાતનું સંકલિત વ્યવસ્થાપન:
1. દિવેલાની વાવણી ૧૫ જુલાઇથી ૧૫ ઓગષ્ટ સુધીમાં કરવાથી ઘોડીયા ઇયળનો ઉપદ્રવ પ્રમાણમાં ઓછો જોવા મળે છે.
2. દિવેલાનો પાક લિધેલ ખેતરમાં ઉનાળામાં ઉંડી ખેડ કરવી જેથી કોશેટાનો નાશ થાય. રાતના સમયે પ્રકાશ પિંજર ગોઠવવાથી ફુદાઓને આકર્ષી તેની વસ્તી ઘટાડી શકાય છે.
3. શક્ય હોય તો એકલ દોકલ દેખાતી ઇયળ હાથથી વિણી નાશ કરવો જોઇએ.
4. ખેતરમાં ફુદાઓની હાજરી જણાતા ઇંડાના પરજીવી ટ્રાઇકોગ્રામા ભમરી ૧ લાખ પ્રતિ હેક્ટર પ્રમાણે દર અઠવાડિયે છોડવાથી સારું પરિણામ મળે છે.
5. છોડ દિઠ ચાર ઇયળો જોવા મળે ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઇ.સી. ૨૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસ.સી. ૩ મિ.લી. અથવા ઇંડોક્ઝાકાર્બ ૧૪.૫ એસ.સી. ૫ મિ.લી. અથવા સ્પીનોસાડ ૪૫ એસ.સી. ૨ મિ.લી. અથવા એમામેક્ટીન બેન્ઝોએટ ૫ ડબલ્યુ.જી. ૪ ગ્રામ પૈકી કોઇ પણ એક દવાને ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
(2) લશ્કરી ઇયળ (પ્રોડેનીયા):
જીવાતની ઓળખ:
આ જીવાતનું પુખ્ત કિટક આછા ભુખરા રંગનું હોય છે. ઇંડાનો સમુહ બદામી રંગના મખમલ જેવા તાંતણાથી ઢંકાયેલ હોય છે. જ્યારે નાની ઇયળો લીલાશ પડતી અને શરીરનાં આગળનાં ભાગે કાળા ટપકાં ધરાવતી હોય છે. જ્યારે મોટી ઇયળો કાબર ચિતરા ભુખરા રંગની થાય છે. જીવાતનું નુકશાન: નાની ઇયળોનો સમુહ પાનની સપાટીનો લીલો ભાગ ખોતરી ખાય છે. જેથી પાન અર્ધ-પારદર્શક બની જાય છે. મોટી ઇયળો પાન કાપી ખાય છોડને ઝાંખરા જેવો બનાવી દે છે.
માહિતી સ્ત્રોત - જે. એન. કોટક, ડો. કે. ડી. શાહ અને એ. આર. રાઠોડ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ.
Share your comments