પરંપરાગત ખેતી પદ્ધતિથી હટકે, નવતર અને આધુનિક ખેત ઉત્પાદન તરફ વળી રહેલા ડાંગના ખેડૂતોને તેમની સીમિત જગ્યામા વધુ વળતર મળી રહે, તે દિશામા વાળવાનો સ્તુત્ય પ્રયાસ ડાંગ જિલ્લાના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા હાથ ધરવામા આવી રહ્યો છે.
ખાસ કરીને નાગલી, વરઇ, અડદ, અને ડાંગરનુ જ મહતમ વાવેતર કરતા, ડાંગ જિલ્લાના ખેડૂતોને મૂલ્યવર્ધિત ખેત ઉત્પાદન તરફ પ્રોત્સાહિત કરીને તેમની આવક વધારવાના પ્રયાસના ભાગરૂપે, ડાંગ જિલ્લાની પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા, જિલ્લાના ત્રણેય તાલુકાઓના 160 લાભાર્થી ખેડૂતોને પ્રાયોગિક ધોરણે હળદરની ખેતી કરાવવામા આવી છે.
આહવા તાલુકાનાં 60, અને વઘઇ તથા સુબીર તાલુકાના પસંદગીના 50/50 ખેડૂતોને પ્રાયોજના કચેરીની ગ્રાન્ટમાથી હળદરનુ વાવેતર કરાવવામા આવ્યુ છે. તેમ જણાવતા પ્રાયોજના વહીવટદાર કે.જે.ભગોરાએ, ઔષધિય પાક ઉત્પાદનના આ નવતર પ્રયોગથી અહીના ખેડૂતો પોતાની સીમિત જગ્યામા, અન્ય પાક ઉત્પાદનની સરખામણિયાએ વધુ ઉત્પાદન મેળવી શકે છે, તેમ ઉમેર્યું હતુ.
ઔષધિય પાક ઉત્પાદનના આ લાભાર્થી ખેડૂતોને પ્રાયોજના કચેરી ધ્વારા જરૂરી તાલીમ/માર્ગદર્શન સહિત ગુણવતાયુક્ત બિયારણ, ઉપરાંત ખેત ઉત્પાદનની બજાર વ્યવસ્થા સુધીની ચિંતા કરવામા આવી છે, તેમ ભગોરાએ વધુમા જણાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાની પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી દ્વારા વિવિધ ખેતલક્ષી યોજનાઓ, જેવી કે બાગાયતી પાકો, શાકભાજી પાકો, બિયારણ, કીટસ, ખેત ઓજારો, જૈવિક ખાતરનો ઉપયોગ, તથા એ અંગેની પ્રોત્સાહક શિબિરો વિગેરે માટે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કુલ રૂ 426.96 લાખનો ખર્ચ કરવામા આવ્યો છે. જેનો લાભ અહીના 27232 ખેડૂત લાભર્થીઓ લઇ ચૂક્યા છે.
આ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષોમા શાકભાજીના બિયારણ, અને ખાતર માટે કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત, જિલ્લાના 11870 ખેડૂતોને લાભ પહોચાડવામા આવ્યો છે. તેમ પણ પ્રયોજના વહીવટદાર કે.જે.ભગોરાએ એક મુલાકાતમા જણાવ્યુ હતુ.
આ પણ વાંચો - કરો લેમન ગ્રાસનો કારોબાર અને પામો વર્ષે 1.50 લાખ સુધીનો લાભ, આ રહી A TO Z માહિતી
Share your comments