અંગ્રેજીમાં વિન્ટર ચેરી તરીકે ઓળખાતી અણમોલ ઔષધિ ભારતમાં અશ્વગંધાના નામે જાણીતી છે. વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ વિધાનિયા સોમ્નીફેરા છે કે જે ભારતમાં અગત્યની તેમજ ‘દિવ્ય ઔષધિ’ તરીકેની નામના ધરાવે છે. વિવિધ અલ્કેલોઇડસ ધરાવતી આ વનસ્પતિ ભારત સિવાય અન્ય ઘણા દેશોમાં જોવા મળે છે. ભારતમાં મુખ્યત્વે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આ વનસ્પતિનું વાવેતર થાય છે. જેમાંથી મધ્યપ્રદેશના મન્દસૌર, નીમચ જિલ્લામાં અંદાજીત ૩૦૦૦ હેકટર ક્ષેત્રફળમાં અશ્વગંધાનું ખુબ જ વાવેતર જોવા મળે છે તેમજ રાજસ્થાનમાં ચિતોડગઢ અને ગુજરાતના જંગલોમાં પણ અશ્વગંધા જોવા મળે છે.
ત્રણ થી છ ફૂટ ઉંચા એવા આ છોડના લીલા પાંદડા તથા મુળીયાને મસળીને સુંઘવાથી ‘‘ઘોડાની લાદ તથા મૂત્ર’’ જેવી વાસ આવે છે જેના લીધે તેનું નામ અશ્વગંધા પડયું છે. આ ઔષધિના સેવનથી મનુષ્ય તાકાતવાન બને છે. લોકભાષામાં કહીએ તો, ઘોડા જેવી શક્તિ આવે છે. અનેક રોગોનો ઇલાજ સારતી આ ઔષધિનું સેવન શરીરને નવ ચેતના પ્રદાન કરે છે. અશ્વગંધાના મૂળનો બજારમાં ભાવ રૂ. ૮૦ થી ૧૪૦ રૂ. પ્રતિ કિલો છે. મધ્યપ્રદેશના મન્દસૌર–નિમચમાં અશ્વગંધાની જણસનું વિશાળ માર્કેટ જોવા મળે છે. આ સિવાય ભારતમાં લગભગ દરેક ઔષધિ નિર્માતાને તેની જરૂર પડતી હોવાથી તેના વેચાણ માટે ખેડૂતોને ઘણું બહોળું તેમજ સતત ચાલતું માર્કેટ મળી રહે છે. ઓછો ખેતી ખર્ચ અને વધુ નફો કરી આપતી આ ઔષધિની ખેતી ખુબ જ ફાયદાકારક છે.
જમીનની તૈયારી :
અશ્વગંધાને કાળી ચીકળી, લાલ માટીવાળી અથવા જે જમીનમાં મૂળિયાની ખેતી (મૂળા, ગાજર, ડુંગળી જેવા કંદ) થતી હોય તેવી જમીન માફક આવે છે. ૭.૫ થી ૮.૦૦ ની પી.એચ. અને પાણીના નિકાસની વ્યવસ્થા તથા લાંબો સમય પાણી ન ભરાતું હોય એવી જમીન વધુ યોગ્ય છે. કૃષિ નિષ્ણાંતોના મતે નબળી જમીનમાં પણ આ પાકની લાભદાયક ખેતી શક્ય છે.
સામાન્ય રીતે ઓગસ્ટસપ્ટેમ્બર મહિનામાં પ્રથમ વરસાદ થયા પછી વાવેતર માટે ખેતર તૈયાર કરી લેવું. કયારો બનાવી, જમીન સપાટ કરી ૧||’-૧||’ ના પારા કરીને વાવેતર થાય છે. અશ્વગંધાનું બીજ તલ જેવું લાલ રંગનું હોય છે. સીધું ચાસમાં બીજ વાવી, ક્યારીમાં બી છાંટીને અથવા ધરૂ વાડીયું તૈયાર કરીને વાવેતર કરી શકાય છે. બધી જ પદ્ધતિમાં સારું પરિણામ મળે છે. સીધા જ બીજ વાવેતર માટે એકરે ૩ કિલો બીજ જરૂર પડે છે. આ ખેતી માટે દેશી ખાતર ખાસ જરૂરી છે. જો ચાસમાં ખાતર ભરીને વાવેતર કરવામાં આવે તો મૂળિયા ઉંડા લાંબા તેમજ દળદાર થાય છે. બીજને વાવતા પહેલા ગૌમૂત્ર (તાજું), થોડો ચુનો અને ગાયનું દૂધ પાણીમાં મેળવી, કપડાથી ગાળી બિયારણને ભભરાવીને પટ આપી ૪ થી ૬ કલાક છૂટું છૂટું કર્યા બાદ વાવવાથી બીજનો સારો ઉગાવો જોવા મળે છે. વાવેતર બાદ હલ્કી સિંચાઇ અને બીજા દિવસે વ્યવસ્થિત સિંચાઇ કરવી. જો વરસાદ પડે તો સિંચાઇની જરૂર પડતી નથી. ઓછા પાણીમાં પણ સારૂ પરિણામ આપે છે. દેશી ખાતર ન હોય તો ડીએપી અથવા એસએસપી ખાતર તથા યુરિયાની એકરે એક થેલીની જરૂર પડે છે.
કુ. જૈના વિ. પટેલ , શ્રીમતી ધરા ડી. પ્રજાપતિ વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગ, આણંદ કૃષિ યુનીવર્સીટી, આણંદ
Share your comments