Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Kheti Badi

ખારેકની વૈજ્ઞાનિક પધ્ધ્તિ ખેતી કરી દૂર કરો ગરીબી

ખારેક (ખજૂર) એ દુનિયાનું સૌથી જૂનું ફળ છે. જેની ખેતી આશરે ૪૦૦૦-૫૦૦૦ વર્ષ પહેલાથી કરવામાં આવે છે. ઈરાકમાં આવેલ ઉર પાસેના ભગવાન સૂર્યનું મંદિર તેની સાબિતી છે. આરબ દેશોમાં આ ફળને મુખ્ય ખોરાક તરીકે માનવામાં આવે છે.

Sukhadev Thakor
Sukhadev Thakor

ખારેક (ખજૂર) એ દુનિયાનું સૌથી જૂનું ફળ છે. જેની ખેતી આશરે ૪૦૦૦-૫૦૦૦ વર્ષ પહેલાથી કરવામાં આવે છે. ઈરાકમાં આવેલ ઉર પાસેના ભગવાન સૂર્યનું મંદિર તેની સાબિતી છે. આરબ દેશોમાં આ ફળને મુખ્ય ખોરાક તરીકે માનવામાં આવે છે. તાજી ખારેક અને સૂકી ખારેક એ એક જ ઝાડમાંથી મળે છે પણ ફળની પરિપક્વ અવસ્થા અને રંગ પ્રમાણે તેના જુદાં જુદાં નામો છે. પૃથ્વી પરનાં કર્કવૃત પર આવેલા વિવિધ દેશોમાં ખારેકની ખેતી થાય છે જેમ કે, ઈજીપ્ત,ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, અલ્જિરીયા, સુદાન, પાકિસ્તાન, લીબીયા, ઓમાન, મોરોક્કો, યુનાઈટેડ અરબ એમરેટસ, યુ.એસ.એ.(કેલીફોર્નિયા) અને ઈઝરાયેલ. ભારતમાં વ્યાપારિક ધોરણે ખારેકની ખેતી માત્ર કચ્છ જિલ્લામાં જ થાય છે અનેઆશરે ૫૦૦ વર્ષથી ખારેકની ખેતીકરવામાં આવે છે. કચ્છ જિલ્લામાં અંજાર, મુંદ્રા, માંડવી, રાપર, ભચાઉ, ભુજ વગેરે તાલુકામાં ખારેકની ખેતી માત્ર બીજ વાવીને કરવામાં આવે છે.

ખારેક (ખજૂર)ની જાતો

ભારતમાં હાલ ૪૦ જેવી ખારેકની જાતો ઉપલબ્ધ છે. જે પૈકી કચ્છ માટે બારહી, હલાવી, ખદ્રાવી, સામરાત, ઝાહીદી, મેડઝૂલ, જગલૂલ, ડેગલેટનુર અને ખલાસ જાતો આશાસ્પદ છે. આ બધી જાતોમાંથી બારહી જાત સારી ગુણવત્તાવાળી છે, જે ઈરાકની જાત છે, જેના ફળનો આકાર સોપારી જેવો ગોળ અને રંગ પીળો હોય છે, ખાવામાં ખૂબ જ મીઠી હોય છે તેમજ પુખ્ત વયના ઝાડ સરેરાશ ૧૦૦-૧૨૦ કિ.ગ્રા. ઉત્પાદન આપે છે.

પિયત

ખારેકના ઝાડને શિયાળામાં ૧૫ દિવસે અને ઉનાળામાં ૭-૮ દિવસનાં ગાળે પિયત આપવું જોઈએ. જમીનમાં પાણીનું તળ ઉંચું હોય તો આ ઝાડની ખેતી બિનપિયત પણ થઈ શકે છે. આ ઝાડના મૂળ ખૂબ ઊંડા જતા હોવાથી તે જમીનના તળમાં જો પાણી હોય તો પિયત મેળવી લે છે. આ ઝાડને પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે.

ખાતર

ખારેકના પુખ્ત ઝાડને દર વર્ષે ૫૦ થી ૧૦૦ કિ.ગ્રા. છાણિયું ખાતર અને રાસાયણિક ખાતરોમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટશ ૧:૧:૧ કિ.ગ્રા. ના પ્રમાણમાં ખોળ સ્વરૂપે ઝાડદીઠ ચોમાસાની શરૂઆતમાં આપવાં જોઈએ.

છાંટણી તથા પારવણી

ખારેકમાં માત્ર સૂકા પાનની છાંટણી કરવી જોઈએ. ફલીનીકરણ અને ફળોને ઉતારવાની કામગીરીમાં સરળતા રહે તે માટે પાન પરના સોયાની પણ છંટણી કરવી પડે છે. આ છાંટણી સામાન્ય રીતે ફલીનીકરણના સમય પહેલાં ડીસેમ્બર-જાન્યુઆરી માસમાં કરવામાં આવે છે.

ફળોનું કદ તેમજ ગુણવત્તા વધારવા માટે ફળોની પારવણી કરવી જોઈએ. ફળોની પારવણી ખારેકનું ફળ ચણા જેવડું હોય ત્યારે ત્રણ રીતથી થઈ શકે છે. ૧) લૂમમાંથી ત્રીજા ભાગની સાંકળો કાઢી નાખવી. ૨) આખી લૂમની દરેક સાંકળ ત્રીજા ભાગની કાપી નાખી સરખી કરવી. ૩) એક લૂમમાંથી અમુક ફળો કાઢી નાખવામાં આવે છે.

આંતર પાકો અને મિશ્ર પાકો 

ખારેકનું વાવેતર ૮ × ૮ અથવા ૧૦ × ૧૦ મીટરના અંતરે પીલાથી કરવામાં આવેલું હોય તો શરૂઆતના ત્રણ વર્ષ સુધી ઉત્પાદન મળતું નથી અને ઝાડનો ઘેરાવો ઓછો હોવાથી બે ઝાડ વચ્ચેની ખુલ્લી જગ્યામાં શાકભાજી, ઘાસચારા કે કઠોળ વર્ગનાં પાકો લઈ શકાય તેમજ મિશ્ર પાકો તરીકે ખારેકનાં બગીચામાં લીંબુ વર્ગનાં બીજોરૂ અને ચીકુનો પણ ઉછેર કરી શકાય છે.

ઉત્તમ ફળની લાક્ષણિકતાઓ

૧) તાજા ફળો તૂરા ન હોવા જોઈએ અને તેના ઝાડ નિયમિત વધુ ઉત્પાદન આપતાં હોવા જોઈએ.

૨) ફળ વહેલા પરિપક્વ (ખલાલ) થતાં હોવા જોઈએ.

૩) ફળમાં વધુ શર્કરાના ટકા હોવા જોઈએ અને સ્વાદમાં મીઠાં હોવા જોઈએ.

૪) ફળ બગડે નહિ તેવા એટલે કે વરસાદ સહન કરી શકે તેવા હોવા જોઈએ.

૫) ફળમાંથી સૂકી ખારેક કે ખજૂર બનાવી શકાય તેવા હોવા જોઈએ.

૬) ફળ તેની ટોપીમાં ટકાઉ હોવા જોઈએ.

ઉત્પાદન

ખારેકમાં ફળ ઉત્પાદન ઝાડની ઉંમર અને તેની જાત ઉપર આધાર રાખે છે. કચ્છમાં બીજ દ્વારા પ્રસર્જન થયેલા ઝાડમાંથી ૫૦ થી ૩૦૦ કિલોગ્રામ ફળ ઉત્પાદન મળે છે. સામાન્ય રીતે પુખ્ત વયનું ઝાડ આશરે ૧૦૦-૨૦૦ કિલોગ્રામ તાજી ખારેકનું ઉત્પાદન આપે છે.

પાક સંરક્ષણ 

ખારેકને એકમાત્ર રોગ ગ્રાફિયોલા લીફસ્પોટ જોવા મળે છે. ભેજવાળા વાતાવરણને લીધે આ રોગ થાય છે જેથી રોગપ્રતિકારક જાતોનું વાવેતર કરવું. ખારેકમાં થતી જીવાતોમાં નાળિયેરીના કાળા માથાવાળી ઈયળ, તાડનું લાલ સૂઠિયું અને ગેંડા કીટક જોવા મળે છે. જેમાં નાળિયેરીના કાળા માથાવાળી ઈયળ પાનના નીચેના ભાગમાં રહીને પાનનો લીલો ભાગ ખાતી હોવાથી તે ભાગ સૂકાઈ જાય છે. જેથી ઉપદ્રવવાળા પાન કાપી તેનો ઈયળો સાથે બાળીને સામૂહિક રીતે નાશ કરવો. તાડનું લાલ સૂઠિયાના દેશી ઉપાય તરીકે ગોળ અને પાણીનું મિશ્રણ બનાવી શરૂઆતના ઉપદ્રવવાળા થડના કાણાંથી જમીન સુધી આ પાણી છાંટવાથી કીડીઓ આવશે જે કીડીઓ આજીવાતનો નાશ કરશે.

Share your comments

Subscribe Magazine

More on Kheti Badi

More