ગુજરાતમાં ઉગાડવામાં આવતા વિવિધ શાકભાજી પાકોમાં મૂળ વર્ગના શાકભાજી પાકોમા ગાજર, મૂળા અને બીટ આગવું સ્થાન ધરાવે છે. ગુજરાત રાજ્યમાં ગાજરનું વાવેતર વિશેષ કરીને પાટણ શહેરની આજુ બાજુના ગામડાઓમાં થાય છે. આ ઉપરાંત અમદાવાદ, ખેડા, વડોદરા, વલસાડ અને સુરત જિલ્લામાં થોડા ઘણા વિસ્તારમાં થાય છે.
ગાજરના કંદ શાકભાજી ઉપરાંત અથાણાં તથા મીઠાઈ બનાવવામાં ખુબ જાણીતા છે. ગાજરમાં પ્રોટીન, ચરબી, શર્કરા ઉપરાંત ખનીજ તત્વ વિપુલ પ્રમાણ છે. ગાજરના કંદમાં કરોટિન નામના રંગદ્રવ્યનું પ્રમાણ ખુબજ રહેલું છે. જેનુ યકૃતમાં પાચન થતાં વિટામીન ‘એ’ પુષ્કળ પ્રમાણમા બને છે. આ ઉપરાંત તેના પાનમાં પણ પ્રોટીન વિટામીન તથા ખનીજ તત્વો વિપુલ પ્રમાણમાં હોઈ પશુ આહાર માટે ઉતમ ખોરાક ગણાય છે. કેમકે તેનાથી પશુ તંદુરસ્ત બને છે અને વધુ દૂધ આપી શકે છે. ગાજર આંતરપાક તરીકે પણ અનુકૂળ છે.
આબોહવા
ગુજરાત રાજયમાં ગાજર શિયાળુ પાક તરીકે ઉગાડવામાં આવે છે. ગાજરના બીજના ઉગવા માટે મૂળના શરૂઆતમાં વિકાસ માટે તેમજ મૂળના રંગ ઉપર તાપમાન મહત્વના ભાગ ભજવે છે. ૧૬· સે. થી ૨૧· સે. તાપમાને ગાજરના રંગના વિકાસ સારો થાય છે. ગાજરના પાકને સરેરાશ ૧૦· સે. થી ૨૪· સે.તાપમાને ગાજર ટુકા અને જાડા થાય છે. રંગ અને સ્વાદ ફિક્કો થઈ જાય છે. ઉત્પાદન ઘટે છે.
જમીન
ગાજર પાકને સારા નીતરવાળી બેસર ગોરડું જમીન માફક આવે છે. ભારે કાળી જમીનમાં મૂળનો વિકાસ બરોબાર થતો નથી. વધુ આમ્મ્લતાવાળી જમીન પણ ગાજરને માફક આવતી નથી પોટસ તત્વ વધારે હોય તેવી જમીનમાં આ પાક સારો થાય છે.
સુધારેલી જાતો
ગાજરની જાતો બે ગ્રુપમાં વહેચવામાં આવેલ છે.
૧. એશિયાઇ જાતો ૨. યુરોપિયન જાતો
ગુજરાતમાં ઉગાડવામાં આવતા ગાજર એશિયાઇ ગ્રુપના છે. આ ગ્રુપની જાતો વર્ષાયું છે. એક જ ઋતુમાં ગાજર અને બીજ ઉત્પાદન લઈ શકાય છે.
એશિયાઇ જાતોના મૂળ લાલ તેમજ કેસરી રંગના, વધારે રસાળ તેમજ લાંબા હોય છે. વધારે ભરાવદાર પણ હોય છે. પરંતુ યુરોપીયન જાતો કરતાં કેરોટીનનું પ્રમાણ ઓછું હોય છે.
જેમ કે પુસા કેસર, પાટણ લોકલ, પુસા યમદાગીની, પુસા વસુદા, પુસા મેઘાંલી અને હિસ્સાર ગારલીક.
બાયોફોર્ટીફાઇડ જાત – ગુજરાત ના જુનાગઢ જિલ્લા ના પ્રગતિશીલ ખેડૂત એવા શ્રી વલ્લભભાઇ વશરામભઇ મારવાનીયા એ મધુબન ગાજર નામ ની જાત વિકસાવી છે. જેમાં બીટા કરોટિન નું પ્રમાણ ૨૭૭.૭૫ મી.ગ્રામ/કિલો અને આર્યન નું પ્રમાણ ૨૭૬.૭ મી.ગ્રામ/કિલો જેટલું છે. તેમાથી જુદી-જુદી પ્રકારની મૂલ્યવાર્ધિત વસ્તુઓ જેવીકે વેફર, જ્યુસ અને અથાણું પણ બનાવવામાં આવે છે.
ગાજરના બીજ નું પ્રાપ્તિ સ્થાન
૧. ડિપાર્ટમેન્ટ ઓફ સીડ, પંજાબ, એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, લુધિયાણ, પંજાબ
૨. સીડ ડિપાર્ટમેન્ટ, વેજીટેબલ રિસર્ચ સ્ટેશન,ફૂલવેલી, કટ્રેઇન,પંજાબ
જમીન ની તૈયારી
ગાજરના મૂળ જમીનમાં વિકાસ પામતા હોઈ જમીનમાં ઉડી ખેડ કરી જમીન પોચી અને ભરભરી બનાવવી આગળના પાક ના જડિયા, માટીના ઢેફા ગાજરના મૂળના વિકાસને અવરોધે છે. અને મૂળનો આકાર પણ બદલાઈ જાય છે.
જમીન તૈયાર કરતી વખતે અગાઉનો પાક લઈ લીધા પછી હેકટરે ૨૫ ટન છાણિયું ખાતર નાખી ખેડ કરવી. ખેડ માટે જમીનમાં ભેજ ન હોય તો પિયત આપવું. સમાર મારી જમીન સપાટ બનાવી. જમીનના ઢાલને અનુલક્ષીને યોગ્ય માપના ક્યારા બનાવવા.
વાવણી સમય
ગાજર વાવણી જમીન અને હવાના તાપમાનને આધારે કરવી જોઈએ. ગુજરાતમાં ગાજરની વાવણી શિયાળામાં સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ઓક્ટોંબરના પ્રથમ અઠવાડિયામાં કરવામાં આવે તો વધારે ઉત્પાદન મળે છે.
બિયારણનો દર
એક હેકટરે ગાજરની વાવણી કરવા માટે ૫ થી ૬ કિ. ગ્રામ બીજની જરૂર પડે છે. ગાજરના બીજ ઉપર ઝીણી રૂવાટી હોવાથી વાવવામાં (પુખવામાં) અગવડતા રહે છે. તે માટે વાવણી પેહલા બીજને છાણમાં રગદોડવામાં આવે તો રૂવાટી બેસી જાય છે. ગાજરના બીજ કદમાં નાના હોવાથી વાવતા પેહલા ઝીણી રેતી અથવા દિવેલીના ખોળ સાથે ભેળવીને વાવેતર કરવું જોઈએ.
બીજનો ઉગાવો
ગાજરના બીજના ઉગાવા ઉપર બીજનું કદ અગત્યનો ભાગ ભજવે છે. જેમ બીજ મોટા તેમ બીજનો ઉગાવો વહલો અને વધારે,સંપુર્ણ પરિપક્વ બીજનો ઉગાવો સારો હોય છે. મોટા બીજના ગાજર પણ મોટા થતાં હોય છે.
બીજ માવજત
ગાજરના બીજને વાવતા પેહલા ૧૨ થી ૨૪ કલાક પાણીમાં પલાળી વાવવાથી ઉગાવો ઝડપી થાય છે. આ ઉપરાંત બીજને ૦.૨ ટકાના મેગેનીઝના દ્રાવનમાં ૨૪ કલાક માટે પલાળી વાવવાથી ઉગાવો અને ઉત્પાદન વધારે મળે છે.
વાવણી પદ્ધતિ
ગાજરની વાવણી બે પદ્ધતિથી કરવામાં આવે છે. બેસર- ગોરાડું જમીનમાં સપાટ ક્યારા બનાવી પુંખીને વાવણી કરવી, જ્યારે ભારે કાળી જમીનમાં ચાસ ઉઘાડીને જાડા પાળા બનાવીને ઓરીને વાવણી કરવી.
No tags to search
વાવણી અંતર
વાવણી અંતર વાવણી પદ્ધતિ ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે બે છોડ વચ્ચે ૬ થી ૮ સે. મી નું અંતર રહે તે રીતે વાવણી કરવી. ગાજરના બીજ એક થી દોઢ સે. મી. ઉંડાઇ સુધી વાવવાથી વધુ સારો ઉગાવો થાય છે.
ખાતર
ગાજરનો પાક સેન્દ્રિય અને રસાયણિક ખાતારોને પુરતો પ્રતીભાવ આપે છે. એક હેક્ટર ગાજરની વાવણી માટે જમીન તૈયાર કરતી વખતે ૨૫ ટન છાનીયુ ખાતર, ૫૦ કિ. ગ્રામ નાઇટ્રોજન (૧૦૦ કિ. ગ્રાં. યુરિયા), ૫૦ કિ. ગ્રામ ફોસ્ફરસ (૩૦૦ કિ. ગ્રાં. સીંગલ સુપર ફોસ્ફટ) અને અને ૫૦ કિ. ગ્રામ પોટાશ (૮૬ કિ. ગ્રાં. મ્યુરેટ ઓફ પોટાશ) ખાતર આપવું જોઈએ. ત્યાર પછી વાવણી બાદ એક મહિને પૂર્તિ ખાતર તરીકે હેકટરે ૫૦ કિ. ગ્રામ નાઇટ્રોજન યુક્ત ખાતર આપવું.
પિયત
ગાજરના બીજની વાવણી પછી તુરંત પિયત આપવું. ત્યાર પછી બીજું પિયત ૪ થી ૬ દિવસે આપવું જોઈએ. બાકીના પિયત જરૂરિયાત મુજબ આપવા.
નીંદામણ નિયંત્રણ
ગાજરના પાકને નીંદામણથી વધારે નુકસાન થાય છે. તેથી શરૂઆતથી જ જરૂરિયાત મુજબ હાથથી નીંદામણ દુર કરતા રેહવું.
કાપણી અને ઉત્પાદન
વાવણી પછી ગાજર ૯૦ થી ૧૧૦ દિવસમાં શાકભાજીના ઉપયોગ માટે તૈયાર થઈ જાય છે. જ્યારે ગાજરના બહારના પાંદડા સુકાવા લાગે ત્યારે ગાજર ખોદવા લાયક હોય છે. પરંતુ બજાર કિમત વધારે મળતી હોય તો થોડા વેહલા પણ ખોદી શકાય છે.
ગાજરને જમીનમાથી ખોદી કાઢતા પેહલા એકાદ દિવસ અગાઉ પિયત આપવું સાંજના સમયે ગાજર ખોદવા અને વેહલી સવારે બજારમાં વેચાણ માટે મોકલી આપવા. બજારની માંગ મુજબ પાણીથી સાફ કરેલા, પાંદડા સાથે અથવા પાંદડા વગર શણના કોથળામાં ભરીને બજારમાં મોકલવામાં આવે છે. જો ગાજરનું ગ્રેડિંગ કરવામાં આવે તો બજાર ભાવ વધારે મળી શકે છે.એક હેકટરમાથી અંદાજે ૮૦ થી ૧૦૦ ટન ગાજરનું ઉત્પાદન થાય છે.
આ પણ વાંચો:આધુનિક ખેતી તરફ પ્રયાસ ; ખેતી માં નોન વુવન ક્રોપ કવર નો ઉપયોગ
Share your comments