હવે ખેડુતો કોઈ પ્રતિબંધ વિના વાંસની ખેતી કરી શકશે કારણ કે કેન્દ્ર સરકારે તેને વૃક્ષની શ્રેણીમાંથી દૂર કરી દીધું છે. તેની ખેતી વધારવા માટે નવ રાજ્યોમાં 22 વાંસના ક્લસ્ટરો શરૂ કરાયા છે. અત્યારે 13.96 મિલિયન હેક્ટરમાં વાંસની ખેતી થઇ રહી છે. વાંસની 136 પ્રજાતિઓ છે. તમે જેની ખેતી કરવા માંગતા હોય , તે જાતિઓ પસંદ કરી શકો છો. કેન્દ્રીય કૃષિ મંત્રાલયનો અંદાજ છે કે ખેડુતો તેની વાવણીથી દર વર્ષે હેક્ટર દીઠ 3.5. લાખ રૂપિયાની કમાણી કરી શકે છે. વાંસની ખેતી ખેડૂતો માટે 'ગ્રીન ગોલ્ડ' તરીકે ઉભરી રહી હોવાનું ફલિત થાય છે.
વાંસની મોટા પાયે ખેતી માટે મોદી સરકારે રાષ્ટ્રીય વાંસ મિશન બનાવ્યું છે. જે અંતર્ગત વાંસના વાવેતર માટે ખેડુતોને પ્લાન્ટ દીઠ રૂ .120 ની સરકારી સહાય પણ મળશે. કૃષિ અને ગ્રામીણ અર્થતંત્રના નિષ્ણાત બિનોદ આનંદે જણાવ્યું હતું કે, વાંસની ખેતી પર્યાવરણને અનુકુળ છે. કારણ કે આનાથી લાકડાનો નવો વિકલ્પ ઉભરી રહ્યો છે. જેના કારણે અંધાધૂંધ ઝાડ કાપવાની પ્રક્રિયા અટકશે. પરિણામે તેનાથી પર્યાવરણને ફાયદો થશે. સાથોસાથ તે પ્લાસ્ટિક, સ્ટીલ અને સિમેન્ટનો વિકલ્પ બનીને પર્યાવરણનું રક્ષણ પણ કરી રહ્યું છે.ઉપરાંત તે ખેડૂતોનો મિત્ર છે. આથી જ સરકાર વાંસની ખેતી માટે માત્ર ખેડૂતોને જ સહાય આપી રહી નથી, પરંતુ તેની સાથે સંકળાયેલા નાના અને કુટીર ઉદ્યોગો માટે પણ 50 ટકા સુધીની સબસિડી આપવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
3થી 4 વર્ષમાં તૈયાર થાય છે વાંસની ખેતી
વિવિધ હેતુઓ માટે વાંસની વિવિધ જાતો છે. તેથી તમે કયા હેતુથી તેની ખેતી કરી રહ્યા છો તે અનુસાર તમારે વાંસ ની પ્રજાતિઓ પસંદ કરવાની રહે છે. વાંસની ખેતી સામાન્ય રીતે ત્રણથી ચાર વર્ષમાં તૈયાર થઈ જાય છે.
લણણી ચોથા વર્ષે શરૂ થઈ શકે છે. તેનો છોડનું ત્રણથી ચાર મીટરના અંતરે વાવેતર કરવામાં આવે છે. વાંસની વચ્ચે રહેલી જગ્યામાં અન્ય પાકની ખેતી પણ કરી શકો છો.
સરકાર તરફથી મળતી નાણાકીય સહાય
ત્રણ વર્ષમાં સરેરાશ પ્લાન્ટ દીઠ રૂપિયા240 સુધીનો ખર્ચ આવશે. આમાંથી 120 રૂપિયા પ્રતિ પ્લાન્ટને સરકારી સહાય આપવામાં આવી રહી છે. ઉત્તરપૂર્વ સિવાયના વિસ્તારોમાં તેની ખેતી માટે 50 ટકા સહાય આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.
50 ટકા સરકારી હિસ્સામાં 60 ટકા કેન્દ્ર સરકાર અને 40 ટકા રાજ્ય વહેંચશે. જ્યારે પૂર્વોત્તરમાં 60 ટકા સહાય સરકાર આપશે અને 40 ટકા ખેડૂતો વાવેતર કરશે. 60 ટકા સરકારી સહાયમાં 90 ટકા કેન્દ્ર સરકાર અને 10 ટકા રાજ્ય સરકાર આપશે. તમામ જિલ્લામાં તેના નોડલ અધિકારી દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. ભારતમાં વાંસનું વાવેતર જુલાઈ મહિનામાં કરવામાં આવે છે. આ માટે તેના રોપાઓ સરકારી નર્સરીમાંથી મફત મળી રહે છે.
વાંસની ખેતીથી ખેડૂતોને થતી આવક
પ્રજાતિ અનુસાર એક હેકટરમાં 1500થી 2500 રોપાઓનું વાવેતર કરી શકાય છે. જો તમે 3 x 2.5 મીટર પર રોપા રોપશો, તો એક હેક્ટરમાં લગભગ 1500 છોડ વાવવામાં આવશે. કૃષિ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ચાર વર્ષ પછી 3થી 3.5 લાખ રૂપિયાની આવક શરૂ થશે. ઉપરાંત તમે ખેતરની પટ્ટી પર 4 બાય 4 મીટર વાંસ વાવી શકો છો. આ સાથે ચોથા વર્ષથી એક હેક્ટરમાં આશરે 30 હજાર રૂપિયાની આવક શરૂ થશે. દર વર્ષે રિપ્લાન્ટેશન કરવાની જરૂર રહેતી નથી. વાંસના છોડ લગભગ 40 વર્ષ સુધી ચાલે છે. તે પૃથ્વી પર સૌથી ઝડપથી વિકસતા છોડ છે. તેની કેટલીક જાતિઓ એક દિવસમાં 8 થી 40 સે.મી. સુધી વધતી જોવા મળી હોવાનું જાણવા મળે છે.
Share your comments