તમને બધાને ખબર જ હશે કે ગુજરાતમાં કપાસનું વાવેતર દેશમાં સૌથી વધારે થાય છે અને મોટા ભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે કપાસના પાકમાં રોગ પણ વધારે આવતા હોય છે તેમા પણ ખાસ કરીને મીલીબગ અને પાનકથીરનો રોગ આ બે રોગ એવા છે કે જેના કારણે ખેડૂતો ત્રાહિમામ થઈ જાય છે ખેડૂતોના કપાસના ઉભા પાકને આ બે રોગ બરબાદ કરી નાખે છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી આજે અમે તમને જણાવીશુ કે કપાસના પાકમાં આવતા આ બે રોગને કેવી રીતે નિયંત્રીત કરી શકાય છે અને પોતાના કપાસના પાકને કઈ રીતે રોગ મુક્ત કરી શકાય છે.
મીલીબગ (ચીકટો) રોગના લક્ષણો
- આ જીવાતનાં બચ્ચાં તથા પુખ્ત બંને અંડાકાર, પોચા શરીરવાળા મહદ અંશે ભૂખરા-આછા પીળા રંગનાં અને 3-4 મિમી લંબાઈના હોય છે.
- બચ્ચાની પાછલી અવસ્થઆ અને પુખ્ત મિલીબગના શરીર ઉપર મીણ જેવાં સફેદ પાઉડરનું આવરણ જોવા મળે છે.
- બચ્ચા તથા પુખ્ત (માદા) બન્ને છોડના પાન, કુમળી ડુંખો, ફૂલ, કળી, કુમળા જીડવા, ડાળી અને થડ ઉપર સમૂહમાં સ્થાયી થઈ સતત રસ ચૂસે છે. જેના કારણે છોડ નબળા પડે છે.
- કુમળા પાન અને ફૂલ ચીમળાઈ પીળા પડી ખરી પડે છે. ડુંખ સુકાઇ છે અને વધુ ઉપદ્રવ હોય તો આખો છોડ સુકાય જાય છે.
- મિલીબગ તેના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ બહાર કાઢે છે. જેના પર કાળી ફૂગ વિકાસ પામે છે.
- આ ચીકણા મધ જેવો પદાર્થ તરફ મંકોડા અને કીડીઓ આકર્ષાઈને આવે છે. જે મિલીબગને તેના પરજીવી અને પરભક્ષી સામે રક્ષણ પૂરું પાડે છે,
- તેમજ એક છોડ પરથી બીજા છોડ ઉપર ફેલાવવામાં પણ મદદ કરે છે.
મીલીબગ (ચીકટો) રોગને આ રીતે નિયંત્રણમાં લાવી શકાય છે
- મીલીબગ બહુભોજી જીવાત છે. તે વિવિધ યજમાન છોડ પર નભે છે. તેથી ખેતર તથા શેઢા પાળા સાફ રાખવા.
- કપાસના ઉગ્યા બાદ શેઢા પાળા અને ખેતરમાં મિથાઈલ પેરાથીયોન 2 ટકા ભૂકી 20 કિ.ગ્રા/હેકટર પ્રમાણે છંટકાવ કરવો.
- શરૂઆતમાં શેઢા પાળા નજીકના એકલદોકલ છોડ પર મીલીબગ જોવા મળે કે તરત જ ઉપદ્રવિત ડુંખો અથવા છોડ કાપી નાશ કરવો.
- મિલીબગનાં ઉપદ્રવ સાથે જ કુદરતી પરભક્ષી કીટક, કરોળિયો, દાળીયા અને પરજીવી ભમરી દ્વારા પરજીવી કરણ થયેલા મિલીબગ જોવા મળે છે. આ પરજીવી ભમરીઓ દ્રારા કપાસની પાછળની અવસ્થામાં 40 થી 70 ટકા પરજીવીકરણ કરતા જોવા મળે છે. આ કુદરતી દુશ્મનોની જાળવણી કરવી ખૂબ જ જરૂરી છે.
- કપાસના વાવેતરના 30 દિવસ બાદ મિલીબગનો ઉપદ્રવ શરૂ થયે લીંબોળીનું તેલ 50 મિલિ+ 10 ગ્રામ કપડાં ધોવાનો પાવડર પ્રતિ 10 લિટર પાણીમાં ભેળવી 8-10 દિવસના અંતરે જરૂરીયાત મુજબ 2-3 છંટકાવ કરવા.
- જૈવિક નિયંત્રકો જેવા કે વર્ટીસીલીયમ લેકાની, બીવેરીયા બેસીયાના, મેટારીઝયમ એનીસોપ્લી ફૂગનું કલ્ચર 4-5 ગ્રા. /લિટર પાણી મુજબ પાકની શરુઆતની અવસ્થાએ વાતાવરણમાં ભેજ જણાય ત્યારે છંટકાવ કરી શકાય.
- વધુ પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળે તો પ્રોફેનોફોસ 20EC 20 મિલિ, મિથાઈલ પેરાથીયોન 50 EC 20 મિલિ, કિવનાલફોસ 25 EC 20 મિલિ, મેલાથીયોન 50 EC 20 મિલિ, મોનોક્રોટોફોસ 36 SL 12 મિલિ પૈકી કોઈપણ એક દવા 10 લિટર પાણીમાં ઉમેરી તેમાં સેન્ડવીટ / ટ્રાઈટોન / ટીપોલ / અપસા-80 જેવા પદાર્થ અથવા સાબુનું સંતૃપ્ત દ્રાવણ 10 થી 20 મિલી અથવા કપડા ધોવાનો પાઉડર 1 થી 2 ચમચી મેળવી લને છોડના દરેક ભાગ પર છંટકાવ કરવો.
- જરૂર મુજબ 2 થી 3 છંટકાવ 8 થી 10 દિવસના અંતરે કરવાથી મિલીબગનું નિયંત્રણ થાય છે.
પાનકથીરી રોગના લક્ષણો
- કેટલાક વિસ્તારમાં ખેડૂતો આ જીવાતના ઉપદ્રવને ‘પિતળીયા’ના નામથી ઓળખે છે.
- પુખ્ત જીવાત બારીક, ગોળ અને લાલ રંગની હોય છે.
- જયારે બચ્ચા શરૂઆતમાં ઝાંખા પીળા રંગના હોય છે. જે ક્રમે ક્રમે રાતો રંગ ધારણ કરે છે.
- બચ્ચાં તથા પુખ્ત જીવાત પાનની નીચેના ભાગે રહી પાનમાંથી રસ ચૂસીને વિકસે છે. પરિણામે પાન ફિક્કો પડી જાય છે.
- ઉપદ્રવ વધે ત્યારે આ જીવાત પાનની નીચેના ભાગે મુલાયમ તાર કાઢી જાળા બનાવીને તેમાં રહે છે.
પાનકથીરી રોગને આ રીતે નિયંત્રણમાં લાવી શકાય છે
- આ જીવાતના નિયંત્રણ માટે ડાયકોફોલ 18.5 EC 15 મિલિ, ઈથીઓન 50 EC 20 મિલિ, મિથાઈલ-ઓ-ડીમેટોન 25 EC 12 મિલિ, પ્રોપરગાઈટ 57 EC 10 મિલિ પૈકી કોઈપણ એક દવા 10 લિટર પાણીમાં ઉમેરી જરૂર મુજબ છંટકાવ કરવો.
કપાસના પાકમાં આવતા રોગ માટે જો વધારે માહિતી જોઈતી હોય તો જયેશ મારૂ મો.9998156077 કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્સન સેલ,રાજુલા(CSPC)ગુજરાત પીપાવાવ પોર્ટ લિમિટેડ નો સંપર્ક કરી શકો છો
Share your comments