કપાસ લાંબા ગાળાનો પાક હોવાથી ચોમાસા દરમ્યાન વરસાદથી પાણી મળે છે, પરંતુ વરસાદ બંધ થયા પછી પાકને પિયતની જરૂરીયાત રહે છે. કપાસના પાકને છોડની વાનસ્પતિક વૃધ્ધિ, ફુલભમરી (છાપવા), ફુલ તેમજ જીંડવાના વિકાસ અવસ્થા પિયત માટે કટોકટીની અવસ્થાઓ હોવાથી આ સમયે પિયતની ખાસ જરૂરીયાત પડે છે. આ અવસ્થાએ જો જમીનમાં ભેજની અછત વરતાય તો કપાસના ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે, તેથી આ અવસ્થાએ જમીનમાં પૂરતો ભેજ ન હોય તો પિયત અવશ્ય આપવુ જોઈએ. બિનજરૂરી અને વધારે પડતુ પિયત આપવાથી કપાસના પાકને માઠી અસર થાય છે અને ફુલ-ભમરી ખરી પડે છે. આથી, ફુલભમરી આવવાના સમયે વધુ પડતું પિયત આપવુ હિતાવહ નથી. વળી, પિયતની ખેંચ વધુ પડતા ભેજની અછત ઉભી થવાના લીધે પણ ફુલભમરી ખરી પડે છે. આમ કપાસના પાકમાં પિયત વ્યવસ્થા માટે પુરતી કાળજી રાખી પિયત આપવુ જોઇએ
ટપક પિયત પધ્ધતિ
કપાસમાં ટપક પિયત પધ્ધતિ દ્વારા પિયત આપવામાં આવે તો પિયતનું નિયમન સારી રીતે કરી શકાય છે અને પાકને જરૂરીયાત પ્રમાણે જ પાણી આપી શકાય છે. ટપક પધ્ધતિ દ્વારા પિયતની સાથે રાસાયણિક ખાતર આપવાથી રાસાયણિક ખાતરની જરૂરીયાત પણ ઓછી રહેવાથી ખાતરનો બચાવ થાય છે. આમ, કપાસના પાકમાં ટપક પિયત પધ્ધતિ દ્વારા પિયત સાથે ખાતર આપવાથી હેક્ટરે ૬૦ કીલો નાઈટ્રોજન ખાતરની બચત થાય છે અને પાટલામાં રેલાવીને પિયત આપવાની પધ્ધતિમાં જેટલા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે તેટલા જ જથ્થાનું પાણી ટપક પધ્ધતિ દ્વારા આપવાથી પિયત હેઠળનો વિસ્તાર દોઢ ગણો કરી શકાય છે. કપાસનું આગોતરું વાવેતર ચોમાસા પહેલા કરવાનું હોય ત્યારે ટપક પિયત પધ્ધતિ અપનાવી વાવેતર કરવાથી ઓછા પાણીએ વધારે વિસ્તારમાં કપાસનો પાક ઉગાડી શકાય છે.
કપાસના પાકમાં છેલ્લા વરસાદ પછી ૨૦ થી ૨૫ દિવસે પ્રથમ પિયત આપવું જોઈએ. વરસાદ પછી ૨૦ થી ૨૫ દિવસના અંતરે કપાસના પાકને ૨ થી ૩ પિયતની જરૂર પડે છે. પિયત પાણીની સગવડ મર્યાદિત હોય તો એકાંતરે પાટલે પિયત આપવાથી ઓછા પાણીએ વધારે વિસ્તારમાં પિયત આપી શકાય છે અને આવી રીતે પિયત આપવાથી ભેજનું પ્રમાણ નિયંત્રણમાં રહેવાથી રોગ, જીવાત અને નિંદામણનો ઉપદ્રવ ઓછો રહે છે અને સરવાળે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થાય છે.
પાક વૃધ્ધિકારકોની માવજત
કપાસના પાકમાં ભમરી બેસવાની અવસ્થાએ (૪૦-૪૫ દિવસ પછી) ઈથીલીન ૪૫ પીપીએમનો છંટકાવ કરવાથી કપાસમાં ભમરી બેસવાનું પ્રમાણે વધશે, જેથી કપાસનુ ઉત્પાદન વધારે મળશે.
સંકલિત નિંદણ નિયંત્રણ વ્યવસ્થાપન
કપાસનુ વધુ ઉત્પાદન મેળવવા માટે પાકની શરૂઆતની વૃધ્ધિના ૫૦ થી ૬૦ દિવસ સુધી પાકને નિંદામણથી મુક્ત રાખવો ખુબ જ જરૂરી છે, કારણ કે શરૂઆતની અવસ્થામાં પાકમાં નિંદામણનો ઉપદ્રવ હોય તો પાક સાથે નિંદામણ પણ જમીનમાંથી ભેજ, પોષક તત્વો અને પાકના વિકાસ માટે જરૂરી જગ્યા અને સૂર્યપ્રકાશની હરીફાઈ કરી પાકના વિકાસને અવરોધે છે. જેથી કપાસના શરૂઆતના વિકાસ પર માઠી અસર થાય છે અને સરવાળે ઓછુ ઉત્પાદન મળે છે. આ માટે કપાસના પાકમાં થતા નિંદામણને આંતરખેડ દ્વારા અને હારમા રહેલ નિંદામણને મજુર દ્વારા નિંદામણ કરી દૂર કરવું જોઈએ.
કપાસના પાકમાં નિંદામણના નિયંત્રણ માટે પેન્ડિમીથાલીન નિંદામણનાશક દવા દ્વારા અસરકારક નિંદામણ નિયંત્રણ કરી શકાય છે. કપાસના પાકમાં આંતરખેડથી, હાથથી તેમજ રાસાયણિક નિંદામણનાશક દવાનો સમન્વય કરી નિંદણ વ્યવસ્થાપન કરવાથી પાકને નિંદામણના ઉપદ્રવથી બચાવી શકાય છે. આમ, કપાસના પાકમાં સંકલિત નિંદણ નિયંત્રણ વ્યવસ્થા માટે કપાસની વાવણી બાદ તુરત જ પેન્ડિમીથાલીન નિંદામણનાશક દવા ૧.૦ કીલોગ્રામ સક્રીય તત્વ ૫૦૦ લીટર પાણીમાં ઓગાળી પ્રતિ હેક્ટરે છંટકાવ કરવો અને ત્યાર બાદ ૨૦ અને ૪૦ દિવસે બે વખત આંતરખેડ અને હાથથી નિંદામણ કરવાથી અસરકારક નિંદણ નિયંત્રણ થઈ શકે છે.
માહિતી સ્ત્રોત
રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત, પાક સંરક્ષણ મનીષ બલદાનીયા, વિષય નિષ્ણાત, પાક વિજ્ઞાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજા સીમેંટ ફાઉન્ડેશન ગીર સોમનાથ, મો.ન. 9427147891
Share your comments