સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર કરતા જીલ્લામાં મુખ્યત્વે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, ભાવનગર, અમરેલી, જામનગર અને દેવભુમિ દ્વારકાનો સમાવેશ થાય છે.
મગફળી પાકની અગત્યતા
- મગફળી છોડની ખાસ કરીને વેલડી પ્રકારની જાત જમીન પર પથરાઈ જતી હોઈ સુકા અને અર્ધ-સુકા વિસ્તારના ઢાળવાળા ખેતરોની જમીનનું ધોવાણ અટકાવે છે અને પાણીને વહી જતું રોકે છે. આ પાક વધારે વરસાદ કે વાવાઝોડામાં અન્ય પાકો માફક ઢળી પડતો નથી.
- ઉંચી માત્રામાં (પ૦%) ખાધ્ય તેલ ધરાવતો અગત્યનો પાક છે, જેમાંથી વનસ્પતિ ઘી બનાવી ઘી ની ગરજ પણ સારી શકાય છે. મગફળી તેલમાંથી બનતા વેજીટેબલ ઘી માંથી અનેક પ્રકારના ફરસાણ અને મીઠાઈઓ બને છે. મગફળી તેલ ઉત્તમ પ્રકારનું ખાઘ્ય તેલ હોવા ઉપરાંત, લાંબો સમય સંઘરી શકાય છે.
- કઠોળ વર્ગનો પાક છે તેથી છોડની મુળ ગંડીકાઓમાં રાઈઝોબીયમ બેકટેરીયાને લઈ હવાનો નાઈટ્રોજન ખેંચી તેને સ્થિર કરી પોતાનો વિકાસ કરે છે અને વધારાનો નાઈટ્રોજન જમીનમાં ઉમેરે છે તેથી જમીન ફળદ્રુપ બને છે.
- છોડ નાનો હોઈ અન્ય બીજા કેટલાય પાકો સાથે મિશ્ર પાક કે આંતરપાક તરીકે વાવી શકાય છે અને બે પાકોથી વધુ ઉત્પાદન લઈ શકાય છે તેમજ, મુખ્યત્વે વરસાદ આધારીત ચોમાસુ પાક હોઈ ખેતીનું જોખમ ઘટાડી શકાય છે. તુવેર, કપાસ, એરંડા, તલ વગેરે સાથે વાવી શકાય છે.
- મગફળી ખોળ ઢોર અને મરઘા બતકા માટે શકિતવર્ધક અને રુચીવાળો પાચ્ય ખોરાક છે. ઉપરાંત સેન્દ્રીય ખાતર તરીકે પણ તેનો ઉપયોગ કરી શકાય છે
જમીનની પ્રાથમિક તૈયારી
- મગફળીની સારી વૃઘ્ધી થાય અને ડોડવાનો સારો વિકાસ થાય તે માટે સારી ફળદ્રુપતા ધરાવતી પીયતની સગવડતા વાળી જમીન પસંદ કરવી જોઈએ. તેમજ જમીનને ખેડી પોચી અને ભરભરી બનાવવી જોઈએ.આ માટે હળની ઉંડી ખેડ કરી જડીયા અને કચરો વીણી લીધા બાદ બે વખત કરબની ખેડ કરી જમીન સમતલ બનાવવી જોઈએ. પછી જરુરી અંતરે ચાસ કાઢી લેવા. ઢાળની વિરુઘ્ધ દિશામા ચાસ કાઢી મગફળીનુ વાવેતર કરવું. આ ઉપરાંત રોગ જેવાકે કંઠનો સડો (કોલરરોટ), થડનો સડો (સુકારો) તથા નિદાંમણ પણ વધે છે. આની સામે ઉંડી ખેડ કરવાથી નીચે પ્રમાણેના ફાયદા થાય છે.
સેન્દ્રીય ખાતર
- મગફળીનું સારૂ ઉત્પાદન લેવા માટે જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૮ થી ૧૦ ટન સારૂ કોહવાયેલુ ગળતીયુ ખાતર આપવુ જોઈએ. જો સેન્દ્રીય ખાતર ન મળે તો હેકટરે પ૦૦ કિલોગ્રામ દિવેલીનો ખોળ જમીન તૈયાર કરતી વખતે આપવો જોઈએ.
રાસાયણિક ખાતર
- મગફળીના પાકમાં હેકટર દીઠ ૧ર.પ કીલોગ્રામ નાઈટ્રોજન, રપ કીલોગ્રામ ફોસ્ફરસ અને પ૦ કીલોગ્રામ પોટાશ આપવા. આ ખાતરો બને તો એમોનિયમ સલ્ફેટ અને સીંગલ સુપર ફોસ્ફેટમાં ૧૬ ટકા ફોસ્ફરસ ઉપરાંત ર૦ ટકા કેલ્શીયમ, ૧ર.પ ટકા ગંધક અને જસત તેમજ મોલીબ્લેડમ જેવા સુક્ષ્મ તત્વો પણ હોય છે. જે સુક્ષ્મ તત્વોની જમીનમાં ઉણપ સુધારી પાકને ફાયદો કરે છે.
વાવેતર સમય
- ચોમાસુ વાવેતર માટે વાવેતર સમયના ત્રણ તબકકામા વાવેતર થાય છે,
- ખૂબ સારુ ઉત્પાદન મેળવવા ચોમાસામાં વરસાદ થાય તે પહેલા એટલે કે મે મહિનાના છેલ્લા અઠવાડીયાથી જુન મહિનાના પ્રથમ અઠવાડીયા સુધીમાં પિયત આપીને મગફળીનું આગોતરુ વાવેતર કરવુ હોય તો જીએયુજી-૧૦ અથવા જીજી-૧૧ અથવા જીજી-૧૩ અથવા જીજેજી-૧૭ જેવી મોડી પાકતી વેલડી મગફળીનુ વાવેતર કરવું.
- ૧પ-જુનથી ૩૦ જુન સુધીમાં વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ઉભડી અથવા અર્ધવેલડી અથવા વેલડી એમ કોઈપણ પ્રકારની મગફળીની જાતનું વાવેતર કરી શકાય. જેમા અર્ધવેલડી, જીજી-ર૦ અને જીજેજી-રર ને પ્રાધાન્ય આપવું.
- જુલાઈ માસમા મોડો વરસાદ થાય તો વહેલી પાકતી જીજી-ર અથવા જીજી-પ અથવા જીજી-૭ અથવા જીજેજી-૯ જેવી ફકત ઉભડી જાતોનું વાવેતર કરી શકાય. આમ આગોતરું, સમયસરનું અને મોડું એમ ત્રણ પ્રકારનુ વાવેતર મગફળીમાં થાય છે.
બીજ માવજત
- ઉગસુક (કોલરરુટ), થડનો કોહવારો જેવા રોગના નિયંત્રણ માટે બીજને વાવતા પહેલા ૧ કીલોગ્રામ બિયારણ દીઠ ૩ ગ્રામ પ્રમાણે થાયરમ અથવા કાર્બેન્ડેઝીમ અથવા મેન્કોઝેબ જેવી ફૂગનાશક દવાનો પટ આપી વાવેતર કરવું. ઘૈણ અથવા સફેદ મુડાંના નિયંત્રણ માટે કવીનાલફોસ રપ ટકા ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ટકા ઈસી માહેની કોઈપણ એક દવા પસંદ કરી ૧ કીલોગ્રામ બીજ દીઠ ૧પ થી ર૦ મી.લી. દવા બીજને વાવતા પહેલા ૩-૪ કલાક અગાઉ પટ આપી પછી છાંયડામા સુકવી વાવેતર કરવું. પ્રથમ ફૂગનાશક દવાનો પટ આપ્યા પછી જંતુનાશક દવાનો પટ આપવો.
બિયારણ, જાતો, દર અને વાવણી અંતર
- હેકટર દીઠ જરુરી છોડની સંખ્યા જાળવવા માટે જાતવાર નકકી થયેલ અંતર મુજબ બીજનો દર ખુબ અગત્યનો છે. ત્રણેય પ્રકારની મગફળીની જાતો માટે વાવણી અંતર અને બિયારણના દરની માહિતી નીચે મુજબ છે.
મગફળીની ચોમાસુ જાતો
મગફળીનો પ્રકાર |
મગફળીની જાતો |
વાવણીનું અંતર (બે હાર વચ્ચે ) સે.મી. (ઈંચ) |
બિયારણનો દર (દાણા) કી.ગ્રા./હે. |
ઉભડી |
જીજી-ર,જીજી-પ, જીજી-૭, ટીજી-ર૬, ટીજી-૩૭ એ, જીજેજી-૯અને જીજેજી-૩ર |
૪પ×૭.પ થી ૧૦ (૧૮"× ૩ થી૪") |
૧૦૦ |
અર્ધવેલડી |
જીજી-ર૦, જીજેજી-રર અને જીજી-એચપીએસ-ર |
૬૦×૧૦ (ર૪"×૪") |
૧ર૦ |
વેલડી |
જીએયુજી-૧૦,જીજી-૧૧, જીજી-૧ર અને જીજેજી-એચપીએસ-૧, જીજેજી-૧૭ |
૭પ×૧૦ થી ૧પ (૩૦"× ૪ થી ૬") |
૧૦૦-૧૧૦ |
આંતરખેડ અને નિંદામણ
મગફળીના પાકને પ્રથમ દોઢ મહીના સુધી નિંદામણમુકત રાખો. એટલા માટે વાવણી પછી ર૦ દિવસે પ્રથમ આંતરખેડ અને હાથ નિંદામણ કરવા. ત્યારબાદ ર૦ દિવસ પછી બીજી વાર આંતરખેડ અને હાથ નિંદામણ કરવા અથવા મજુરીના દર ખૂબ ઉંચા હોય ત્યાં નિંદામણ નિયંત્રણ માટે ઓકઝીફલુરાફેન ૦.ર૪ કી.ગ્રા./હે. (૧લી./હે.) અથવા પેન્ડિમીથાલીન ૧ કી.ગ્રા./હે (૩ લી./હે.) અથવા ફલુકલોરાલીન ૦.૯ કિ.ગ્રા/હે (ર લી./હે.) દવાપ૦૦ લી. પાણીમા ઓગાળી વાવણી બાદ તુરત જ અને બિયારણના સ્ફૂરણ પહેલા જમીન ઉપર છંટકાવ કરવો અને મગફળી ર૦ દિવસની થાય ત્યારે કિવઝાલોફોપ ઈથાઈલ ૦.૦પ કિ.ગ્રા. અથવા ઈમીઝેથાપાયર નિંદામણનાશક દવા ૦.૦૭પ કિ.ગ્રા. પ્રતિ હેકટર પ્રમાણે છંટકાવ કરવો. આ ઉપરાંત ૪૦ થી પ૦ દિવસે એક આંતરખેડ અને એક હાથ નિંદામણ કરવાની ભલામણ છે.
મગફળીનો પાક પીળો પડી જાય તો શું કાળજી રાખવી ?
સામાન્ય રીતે મગફળીના પાનમાં પીળાશ પડવા માટે મુખ્યત્વે લોહની ઉણપ અથવા રેચક જમીન અથવા તાજા સેન્દ્રીયખાતરનો ઉપયોગ કે રોગ જીવાતની અસરની પરિસ્થિતી જવાબદાર છે. જો લોહ તત્વની ખામી હોય તો મગફળીનો પાક પીળો દેખાય ત્યારે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફેટ(હીરાકસી)ની સાથે ૧૦ ગ્રામ સાયટ્રીક એસિડ(લીંબુના ફુલ) ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો છંટકાવ ૮ થી ૧૦ દિવસના અંતરે કરવો. જો રેચક પ્રકારની જમીન હોય તો પાણીના નીકાલની વ્યવસ્થા કરી, વરાપ થયે આંતર ખેડ કરવી તેમજ જમીનમાં એમોનીયમ સલ્ફેટ ખાતર આપવું.
પાક સંરક્ષણ
જીવાત નિયંત્રણ
- ચુસીયા પ્રકારની જીવાતનો ઉપદ્રવ વધારે હોય ત્યારે બજારમાં મળતી રાસાયણીક જંતુનાશકો જેવી કે, ડાયમીથોએટ ૩૦ ઈ.સી. ૧૦ મિ.લિ. અથવા ઈમીડાકલોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મિ.લિ. અથવા થાયોમિથોક્ષામ રપ ડબલ્યુ .એસ ૩ ગ્રામ અથવા એસીટામીપ્રીડ ર૦ એસ.પી. ર થી ૩ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૦ થી ૧ર દિવસ બાદ બીજો છંટકાવ કરવો.
- લીલી ઈયળ (હેલીયોથીસ) અને મગફળીના પાન ખાનર ઈયળ (પ્રોડેનીયા) ના નિયંત્રણ માટે બજારમાં મળતી રાસાયણીક જંતુનાશકો જેવી કે, પ્રોફેનોફોસ પ૦ ઈ.સી. ૧૦ -૧પ મિ.લિ. અથવા કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. ર૦ મિ.લિ. અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.પ એસ.સી. પ મી.લી. અથવા એમાકેકટીન બેન્ઝોએટ પ એસ.જી. પ ગ્રામ અથવા કલોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.પ એસ.સી. ૩ મી.લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
સફેદ ર્ઘૈણ
- ઉનાળામાં ઉંડી ખેડ કરવી
- પ્રકાશ પીંજર નો ઉપયોગ કરવો
- શરૂઆતનો સારો વરસાદ થયા બાદ ખેતરના સેઢા પાળા પરના તેમજ આજુબાજુના બધા જ ઝાડો ઉપર કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. ૩૦-૪૦ મીલી દવા ૧૦ લિ. પાણીમાં મિશ્રણનો છંટકાવ કરવો.
- બીયારણ ને કલોરપાયરીફોસ ર૦ ઈ.સી. અથવા કવીનાઈફોસ રપ% ઈ.સી. દવાનો ૧ કિ. બીજ દીઠ ૧પ થી ર૦ મી.લી. પ્રમાણે બીજને પટ આપવો
- કલોરપાયરીફોસ ૪-જી અથવા ફોરેટ-૧૦-જી દાણાદાર દવા હેકટરે ૧૦ થી ૧પ કિ.ગ્રા. પ્રમાણે વાવેતર પહેલા ચાસમાં આપવી.
- એરંડીનો ખોળ હેકટરે રપ૦ - ૩૦૦ કિ.ગ્રા.ના હિસાબે વાવેતર પહેલા ચાસમાં આપવો
- મેટારીઝીયમ એનોસોપ્લી નામની ફુગ ૧ થી ૧.પ કિ.ગ્રા. પ્રતિ હે.ચાસમાં આપવુ
- ઉભા પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ હેકટરે ૪ લીટર પ્રમાણે પિયત પાણી સાથે આપવાથી સારૂ નિયંત્રણ મળે છે.
રોગનિયંત્રણ
ઉગસુકનો રોગ
- બીજને વાવતા પહેલા એક કિલોગ્રામ બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ કેપ્ટાન કે થાયરમ કે મેન્કોઝેબ દવા અથવા કાર્બેન્ડેઝીમ દવા નો પટ આપીને વાવેતર કરવું.
મગફળીના થડનો કોહવારો
- આ રોગના નિયંત્રણ ઉપર મુજબ દવાનો પટ આપવો
- ટ્રાયકોડર્માં ફુગ આધારીત પાવડર ર.૫ કિલો ૫૦૦ કિલો એરંડીના ખોળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી મગફળી વાવતી વખતે ચાસમાં આ૫વો.
પાનના ટ૫કાનો રોગ
- મગફળીનો પાક ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે કાર્બેન્ડેઝીમ ૦.૦ર૫ ટકા (૧૦ લીટર પાણી માં ૫ ગ્રામ) અથવા ૦.ર ટકા મેન્કોઝેબ કે કલોરોથેલોનીલ (૧૦ લીટર પાણી માં ર૫ ગ્રામ) અથવા ૦.૦૦૫ ટકા હેકઝાકોનાઝોલ (૧૦ લીટર પાણી માં ૫ મી.લી.) દવાના ૩ છંટકાવ ૧ર થી ૧૫ દિવસના અંતરે કરવા.
કાપણી, ગ્રેડીંગ અને સંગ્રહ
જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે પરિપકવ મગફળીની ઉભડી જાતો હાથથી ઉપાડવી જયારે વેલડી, અર્ધ-વેલડી જાતોને કરબ મારી છોડ ભેગા કરી લઈ નાના નાના ઢગલામાં (પાથરા) એક અઠવાડિયુ સુકવવા. આ દરમ્યાન પાથરા એક વખત ફેરવી નાખવા. ડોડવામાં ૮ ટકાથી વધુ ભેજ ન રહે ત્યારે થ્રેસરમાં નાખી છુટા પાડી ગ્રેડીંગ કરી, પ્રાથમિક સફાઈ કરવી.
ઉત્પાદન
હવામાન, જમીન, વાવણીનો સમય, વગેરેની અનુકૂળતા મુજબ આડી મગફળીનુ ઉત્પાદન હેકટરે ૧૮૦૦ થી રપ૦૦ કિલોગ્રામ મળે છે. જયારે ઉભડી મગફળીનુ ઉત્પાદન ૧પ૦૦ થી ર૦૦૦ કિલો ગ્રામ મળે છે.
આ પણ વાંચો:
Share your comments