ડાંગર પાક દક્ષિણ ગુજરાતમાં મુખ્ય ધાન્ય પાક છે. વર્ષોથી ખેડૂતો ડાંગર પાકની ખેતી કરે છે. કૃષિ યુનિવર્સિટીએે ડાંગર પાક ઉત્પાદન વધારવા સંશોધનથી ઘણી નવી જાતો આપી છે. છેલ્લા ઘણા વર્ષેથી ડાંગર પાક ઉત્પાદન વધારવા સંશોધનથી ઘણી નવી જાતો આપી છે. છેલ્લા ઘણા વર્ષેથી ડાંગર પાક ઉત્પાદન વધારવા ''શ્રી'' પધ્ધતિ પ્રચલિત બની છે.
પરંતુ હજુ જોઈએ એટલા પ્રમાણમાં ખેડૂતો અપનાવતા નથી. આ પધ્ધતિમાં મુખ્યત્વે સમતલ નિતાર કરી શકાય તેવી ઉંચાઈવાળી જમીન અને જરૂર પડે ત્યારે પિયત આપી શકાય તેવી વ્યવસ્થા ખાસ જરૂરી છે. ખેડૂતે ફકત રાસાયણિક ખાતર પર આધાર ન રાખતા ભરપૂર સેન્દ્રિય ખાતર જમીન તૈયાર કરે ત્યારે અથવા ઘાવલ પહેલા વાપરે તે પણ એટલું જ જરૂરી છે. આ પધ્ધતિમાં ધરૂ ૮ થી ૧ર દિવસનું કુમળું વાપરવાનું હોઈ, માટી સાથે ધરૂ ઉખેડી શકાય તે રીતે ગાદી કયારા કરી ખાસ કાળજીથી તૈયાર કરવાનું હોય છે. વળી ધરૂ ઉખાડયા પછી ટુંકા ગાળામાં તરત જ રોપાણ કરવું અત્યંત જરૂરી છે. રપ સે.મી. ×રપ સે.મીનાં અંતરે એક જ છોડ રોપવાનો છે. તથા ત્યારબાદ ત્રણ થી ચાર વખત પેડી વિડર / કોનોવીડર થી આંતરખેડ કરવાથી ફુટનું પ્રમાણ ઘણું જ વધારે મળે છે. દરેક ફુટમાં કંઠી સારી આવે છે. અને દરેક કંઠીમાં દાણા વધારે ભરાય છે. અને પરિણામે ઉત્પાદન સારૂ મળે છે.
૧પ૦ નિદર્શનો પૈકી ઓછામાં ઓછું ઉત્પાદન ૮૦૧પ કિગ્રા/હેકટર અને વધુમાં વધુ ઉત્પાદન ૧ર૬પ૦ કિગ્રા/હેકટરે ખેડૂતોનાં ખેતરે મળેલ હતું. આ પધ્ધતિ ખેડૂતો ન અપનાવવાનાં કારણોમાં ૮ થી ૧ર દિવસનું કુમળું ધરૂ તૈયાર કરી સમયસર રોપણી કરવી તેઓ માટે થોડી મુશ્કેલ લાગે છે. તથા એક જ છોડ રપ સેમી×રપ સે.મીનાં અંતરે રોપણી કરતા શરૂઆતમાં ખેતર ખાલી લાગે. આપણા ખેડૂતો મોટા ધરૂથી આંઘણું રોપાણ કરે અથવા બે થી ચાર છિપા રોપે એટલે રોપણીના દિવસથી જ આખું ખેતર લીલુંછમ લાગે જેથી ''શ્રી'' પધ્ધતિમાં પહેલી નજરે ખેડૂતને વિશ્વાસ નથી બેસતો તથા ધરૂ ઉખાડયા પછી તરત જ રોપણી માટી સાથે જ મૂળ સહિત રોપાય તો ઉત્તમ પરિણામ મળે. આપણા ખેડૂતો આગલા દિવસે ધરૂ ઉખાડવાનું અને બીજા દિવસે રોપણી કરવાથી ટેવાયેલા છે. જે ''શ્રી'' પધ્ધતિને અનુંકુળ નથી.
વિશેષમાં શ્રી પધ્ધતિમાં હાથ કરબડી બે થી ત્રણ વખત ચલાવવાની હોય છે. જેનાથી પણ ખેડૂતો ટેવાયેલા નથી. આમ શ્રી પધ્ધતિમાં ઉત્પાદન વધારે ચોકકસ મળે છે. પરંતું સેન્દ્રિય ખાતરની ઉપલબ્ધતા પણ નાના ખેડૂતોને નડે છે.જે ખેડૂતને ઉંચાણ વિસ્તારની જમીન હોય, પૂરતું સેન્દ્રિય ખાતર મળે તથા પિયતની વ્યવસ્થા હોય અને રોપણીથી લઈ આંતરખેડ કરવાની તૈયારી હોય તો એકમ વિસ્તારમાંથી બે થી ત્રણ ગણું ડાંગરનું ઉત્પાદન ચોકકસ મળે છે. જે નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટીનાં ઘણા ખેડૂતોએ સાબિત કરી સારામાં સારૂ ઉત્પાદન મેળવેલ છે. આગામી દિવસોમાં ટ્રાયબલ વિભાગ દ્વારા આ પધ્ધતિનો વ્યાપ વધારવા કેવિકે, નવસારીને યોજના આપેલ છે.
આ પણ વાંચો: મગફળીના પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ
Share your comments