કોરોના કાળમાં પણ ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે અનેક ગણો નફો મેળવ્યો છે. મહામારીની અસર કૃષિ ક્ષેત્રે થઈ નથી. ઉપરાંત સરકાર દ્વારા ખેડૂતોને આ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા અનેક યોજનાઓ થકી નાનામાં નાના ખેડૂતોને પણ પૂરતી સહાય આપવામાં આવી રહી છે. ખેડૂતો કૃષિ ક્ષેત્રે સારી ઉપજ મેળવી ખૂબ જ નફો મેળવી શકે તેવા હેતુથી સરકાર નવી નવી ટેકનોલોજી અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન આપી રહી છે. આ માટે પણ સરકાર એ દિશામાં અનેક કાર્યક્રમો કરી રહી છે અને ઘણા ખેડૂતો સરકારના આ લાભ થકી અનેક ગણો નફો મેળવી રહી છે.
ત્યારે ખાસ કરીને રાજ્યભરમાં બાગાયત ખેતીને સરકાર પ્રોત્સાહન આપી રહી છે. વાવણીથી લઈને વેચાણ સુધીની તમામ પ્રક્રિયામાં સરકાર ખેડૂતને દરેક પગલે પ્રોત્સાહન અને સહાય આપી રહી છે. ત્યારે સરકારના પ્રોત્સાહન સાથે આધુનિક ખેત પદ્ધતિઓ, નવા પાકો અને ખેતી માટેની નવી વિચારધારા થકી હાલ જામનગરના ખેડૂતો પણ સમૃદ્ધિ તરફ પગલું માંડી રહ્યા છે. જામનગરના લાલપુર તાલુકાના ચાર ગામો ભોજાબેડી, ગઢકડા, નાના ખડબા અને બાઘલા ગામના ૨૫ ખેડૂતો પોતાની અંદાજીત ૩૨૪ વીઘા જમીન પર સમુહખેતીના વિચાર સાથે હાલ ખેતી કરી રહ્યા છે.
વિઘા દીઠ 50 હજારથી પણ વધુ નફો
આ ૨૫ ખેડૂતો પોતાના ખેતરોમાં તરબૂચ અને અન્ય બાગાયતી પાકોની ખેતી કરી વીઘા દીઠ 50 હજારથી વધુ નફો મેળવી રહ્યા છે. સમૂહના કોઈ પણ ખેડૂતને વાવણીથી વેચાણ સુધીમાં કોઈ પણ માર્ગદર્શન, સહાયની જરૂર હોય તો આ સમૂહ એકબીજાને મદદ કરે છે. ખેડૂતોનો આ સમૂહ પોતાના સમૂહના કોઈપણ ખેડૂતને ખેતીમાં પડતી કોઈપણ મુશ્કેલી, મૂંઝવતા પ્રશ્નો કે સરકારની યોજનાઓની માહિતી, કે તે અંગે માર્ગદર્શન મેળવવાથી લઈ વેચાણ દરમિયાન વ્યાપારીઓની મુલાકાત, સારા ભાવ મેળવવા અંગે પણ એકબીજાને મદદરૂપ બને છે. આ સમૂહના ખેડૂતો આધુનિક ખેત પદ્ધતિ અને સાધનો જેવા કે ડ્રીપ ઈરીગેશન, મલ્ચીંગ, ક્રોપ કવરનો ઉપયોગ કરી પાણીની બચત, નિંદામણની અટકાયત, જીવાત નિયંત્રણનો લાભ પણ મેળવી રહ્યા છે.
મલ્ચીંગ પાકની સાચવણી અને વિકાસ ન માટે ફાયદાકારક
મલ્ચીંગ વિશે જણાવતા આદમભાઈ સપીયા કહે છે કે તરબૂચના પાકમાં જમીનમાંથી ભેજનું પ્રમાણ ખૂબ અગત્યતા ધરાવે છે ત્યારે મલ્ચીંગ દ્વારા ઓછા પાણીએ જમીનમાં ભેજ જળવાય છે અને પાકને જરૂરિયાત સમયે આ ભેજનો લાભ મળી રહે છે. સાથે જ આ વર્ષે અનેક વિસ્તારોમાં તરબૂચમાં ફૂગજન્ય રોગ જોવા મળ્યો હતો. જે મલ્ચીંગના કારણે અમારા સમૂહના ખેડૂતોના તરબૂચના પાકમાં લાગી શક્યો નથી. મલ્ચીંગના કારણે નિંદામણ પણ ખૂબ ઓછૂં થઈ જાય છે. આમ મલ્ચીંગ પાકની સાચવણીને અને તેના વિકાસ બંને માટે ફાયદાકારક છે. તો ક્રોપ કવરના લાભ વિષે જણાવતા અશરફભાઇ સપીયા કહે છે કે, ક્રોપ કવર દ્વારા ખેડૂતને વીઘે આઠ હજાર જેટલો જંતુનાશક દવાઓનો ખર્ચો બચે છે. જીવાત નિયંત્રણ માટે ક્રોપ કવર મીની ગ્રીનહાઉસ જેવું કામ આપે છે. આબોહવાના ફેરફારો સમયે પણ પાકની જાળવણી કરવામાં મદદરૂપ બને છે.
અક્કલકરોની ખેતી ખેડૂતોને કરે છે માલામાલ: રોકાણ ઓછું અને નફો અનેકગણો, જાણી લો આખી ડિટેઇલ
ક્રોપ કવરના ફાયદાથી જામનગરના ખેડૂતોએ વીઘાએ 7 થી 8 ટન જેટલા તરબૂચનું ઉત્પાદન મેળવ્યું
જંતુનાશક દવાઓનો છંટકાવ ઘટતા લોકોને વધુ ગુણવત્તાલક્ષી પાક મળે છે. ક્રોપ કવરના કારણે પણ અમે ઉત્પાદનમાં 2 થી 4 ટનનો વધારો મેળવી શક્યા. તો વળી સરકાર દ્વારા પણ બાગાયત વિભાગની ક્રોપ કવર માટેની 50ટકા સબસિડી ઉપલબ્ધ હોવાથી ખેડૂતને પાકની ઉત્પાદન પ્રક્રિયાના ખર્ચમાં અને ગુણવત્તામાં બંનેમાં ખૂબ જ ફાયદો મળી રહે છે. મલ્ચીંગ અને ક્રોપ કવરના ફાયદાથી આ સમૂહના ખેડૂતોને એક વીઘાએ 7 થી 8 ટન જેટલા તરબૂચનું ઉત્પાદન મળ્યું છે. આ સમગ્ર પાક સુરત, અમદાવાદ, ડીસા, પોરબંદર, જામનગર, જુનાગઢ, રાજકોટ જિલ્લાઓમાં વેચાણ કરવામાં આવે છે. આ સમૂહ દ્વારા તરબૂચ, ટેટી ઉપરાંત મરચાં, ટામેટાં, રીંગણ, કાકડી વગેરે જેવા શાકભાજીની ખેતી પણ કરવામાં આવે છે. હાલ સુધીમાં આ સમૂહ દ્વારા 65થી 70હજાર ટન તરબૂચનું વેચાણ કરવામાં આવ્યું છે.
Share your comments