ડ્રોનના ઉપયોગથી સમય, પાણી અને ખર્ચમાં બચત થાય છે અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
ખેતીમાં પણ થઈ રહ્યુ છે આધુનિકીકરણ
દેશ અને રાજ્યમાં હવે દિવસેને દિવસે ખેડૂતો ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે અને ટેકનોલોજીનો સદુપયોગ કરીને ટેકનોલોજીનો લાભ લેતા થઈ ગયા છે .બનાસકાંઠામાં પણ હવે ખેડૂતો આધુનિકીકરણ ખેતી કરવા માટે અપનાવી રહ્યા છે. ડીસાના એક પ્રગતિશીલ ખેડૂતે ડ્રોનની મદદથી શાકભાજીના પાક પર દવા છાંટવાનું શરૂ કર્યું છે. જેનાથી તેઓને મજૂરી ખર્ચની સાથે સાથે સમય અને પાણીનો પણ બચાવ થાય છે. બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય વ્યવસાય તે ખેતી છે અને મોટી સંખ્યામાં લોકો ખેતી કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવે છે.
દવા છાંટવામાં મુશ્કેલી
બનાસકાંઠામાં પાણીની તંગી હોવાના લીધે ખેતીમાં પાણી ખુબજ કરકસર કરીને વાપરવામાં આવે છે. બનાસકાંઠામાં ખેડૂતોને સહુથી મોટી મુશ્કેલી કોઈ હોય તો તે ખેતરમાં દવાનો છંટકાવ કરવાની કામગીરીની છે. કારણ કે ખેડૂત પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરે છે ત્યારે તે દવા ખેડૂતના શરીર સાથે ચોંટી જવા ઉપરાંત શ્વાસમાં પણ જતી હોવાના લીધે ખેડૂતોને મોટું શારીરિક નુકશાન થાય છે. જ્યારે પણ ખેતરમાં દવા છાંટવાનુ થાય તો ખેડૂતોને ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. ખેતીમાં દવાનો છંટકાવ કરવાની કામગીરી ખૂબ જ પડકારજનક છે. આવા સમયે ડીસા તાલુકાના રાણપુર ગામના કનવરજી ઠાકોર નામના પ્રગતિશીલ ખેડૂતે ખેડૂતોને પડતી આ મુશ્કેલીનો ઉપાય શોધી કાઢ્યો છે. જેમ ડ્રોનની મદદથી ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી થઈ શકતી હોય તો ખેતી કેમ ના થઈ શકે તે વિચારને ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાનો વિચાર લાવ્યો હતો. ત્યારે આ ખેડૂત તેના ખેતરમાં ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરી રહ્યા છે.
દવાની હાનિકારક અસરથી ખેડૂતને રક્ષણ મળે છે
કનવરજી ઠાકોરે જણાવ્યું હતું કે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાનો છંટકાવ ખૂબ જ સારી રીતે થાય છે અને તેમાં પાણીનો ઉપયોગ પણ ખૂબ જ ઓછો કરવો પડે છે. આ ઉપરાંત ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવાથી દવાની હાનિકારક અસરથી ખેડૂતને રક્ષણ મળે છે. પ્રગતિશીલ ખેડૂત કનવરજી ઠાકોરનું માનવું છે કે ડ્રોનથી દવાનો છંટકાવ કરવાથી સમય, પાણી અને ખર્ચનો બચાવ થાય છે. ખેતરમાં મજૂરો દ્વારા દવા છાંટવા માટે બે દિવસ લાગતા હોય તે હવે ડ્રોનની મદદથી માત્ર 1 દિવસ જ લાગે છે અને મજૂરી ખર્ચ પણ ઘટે છે
ખેતીમાં અવનવી ક્રાંતિ
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો જે રીતે આધુનિકતાના રંગે રંગાઈને ખેતીમાં અવનવી ક્રાંતિ સર્જી રહ્યા છે તે ખરેખર આશ્ચર્યચકિત કરી નાંખે તેમ છે. ત્યારે ડીસા તાલુકાનાં રાણપુર ગામના આ ખેડૂત દ્વારા કરવામાં આવેલા આધુનિક પ્રયાસને જોવા માટે ડીસાના ધારાસભ્ય પણ પહોંચી ગયા હતા. તેમનું માનવું છે કે હવે જિલ્લાના ખેડૂતો આધુનિક ખેતી તરફ વળ્યા છે જેથી ખેડૂતોની આવક પણ બમણી થશે. આમ, કનવરજી ઠાકોર જે પ્રકારે જિલ્લામાં નવી વવી પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે તેમની ખેતી કરવાની પદ્ધતિને જોવા આજે દૂર -દૂરથી બીજા અન્ય ખેડૂતો જોવા આવી રહ્યા છે અને કનવરજી આજે બીજા ખેડૂતો માટે પણ પ્રેરણાદાઈ બન્યા છે
Share your comments