ભારતમાં નારિયેળીની ખેતી મુખ્યત્વે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, પોંડિચેરી, આંધ્ર પ્રદેશ, ગોવા, મહારાષ્ટ્ર, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત તેમજ આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપના ટાપુઓ પર થાય છે. ભારત સરકારના નારિયેળી વિકાસ બોર્ડના ૨૦૨૧ -૨૨ ના આંકડા મુજબ, દેશના કુલ ઉત્પાદનમાં દક્ષિણના ચાર રાજ્યોનો સંયુક્ત હિસ્સો લગભગ ૯૦ % છે જેમાં કર્ણાટક (૩૦.૮૩%), તમિલનાડુ (૨૭.૪૭ %), કેરળ (૨૪.૨૨ %) અને આંધ્ર પ્રદેશ (૮.૨૫ %) તથા ભારત ના કુલ નારિયેળ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો ૧.૦૮% છે. ગુજરાતના ગીર સોમનાથ, જુનાગઢ, ભાવનગર, વલસાડ, નવસારી જીલ્લા મુખ્યત્વે નારિયેળના ના ઉત્પાદનમા મોખરે આવે છે. નારિયેળના વૃક્ષ ને કલ્પવૃક્ષ પણ કેહવામાં આવે છે. કારણ કે તેનો દરેક ભાગ એકથી વધુ રીતે ઉપયોગી છે. નારિયેળના ગર્ભની અંદર રહેલું પાણી એક સ્વાદિષ્ટ પીણું છે અને તેના સુકા સ્વરૂપને કોપરા કહેવામાં આવે છે, આનો ઉપયોગ મુખ્યત્વે તેલ બનાવમાં થાય છે. નારિયેળમા વિવિધ પ્રકારની જીવાતો જેવી કે કાળા માથાવાળી ઈયળ, ગેંડાકીટક, ઉંદર, નારિયેળની કથીરી, લાલ સૂંઢીયુ, ચીકટો અને સફેદમાખી (રૂગોજ સ્પાઈરીલિંગ વ્હાઇટફ્લાય). નારીયેળીના પાકમાં જોવા મળે છે. માહિતી માટે જણાવી દઈએ કે સફેદમાખીનો ભારતમાં પ્રવેશ સુશોભનના તેલ પામ વૃક્ષ મારફતે થયો હતો. સૌપ્રથમ આ જીવાતનો નારિયેળીમાં ઉપદ્રવ ૨૦૧૬ દરિમયાન કેરળ અને તમિલનાડુમાં જોવા મળ્યો હતો. ગુજરાતમાં જુનાગઢ જીલ્લા ખાતે આવેલ માંગરોળના દરિયાકાંઠાના વિસ્તારમા ૨૦૧૯-૨૦ દરમિયાન સૌપ્રથમ વાર સફેદમાખીનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. સફેદમાખીનું અતિક્રમણ શરૂઆતમા બગીચાની બહારની બાજુના છોડ પર જોવા મળે છે અને ત્યારબાદ અંદરના ભાગમા પ્રસરે છે.
વર્ષ દરમિયાન જ્યારે તાપમાન વધારે હોય, ખાસ કરીને ઉનાળામા આ જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. જીવાતના વધુ પડતા આક્રમણથી ગભરાઈને, ખેડૂતોએ સફેદમાખીને નિયંત્રિત કરવા માટે રાસાયણિક જંતુનાશકોના છંટકાવ કરે છે. પરંતુ રાસાયણિક જંતુનાશકોના વધુ પડતા અને અનિયંત્રીત ઉપયોગના કારણે સફેદમાખી પર નિયંત્રણ થવાના બદલે વધુ પડતો ઉપદ્રવ જોવા મળે છે, સફેદમાખી જમીન અને પાણીને પ્રદુશીત કરે છે અને તેથી છંટકાવની કામગીરી સાથે સંકળાયેલા લોકો માટે આરોગ્યના જોખમોમાં પણ વધારો જોવા મળે છે.
ઓળખ: સફેદમાખીની માદા પાનની નીચેની બાજુએ અને ફળ પર સર્પાકાર આકાર ના સફેદ પડતા પીળા રંગના લંબગોળ ઈંડા મૂકે છે. જે મીણ જેવા દ્રવ્યથી આવરેલ હોય છે. સફેદમાખીમાં પાંચ અપરિપક્વ તબ્બકા જોવા મળે છે. ઈંડા માથી નીકળેલ પ્રથમ અપરિપકવ તબ્બકો ચલિત હોય છે એટલે કે તે પાનની નીચેની બાજુ એ સર્પાકાર વલયમાં ચાલી ને અનુકૂળ જગ્યા શોધી તેના સોય જેવા મુખાંગો વડે રસ ચુસે છે. જે ક્રાઉલર તરીકે ઓળખાય છે. ત્યારબાદના ચાર અપરિપક્વ તબ્બકા અચલિત હોય છે. આ અપરિપક્વ તબ્બકા સોનેરી પડતા પીળા રંગના હોય છે અને તેમજ સફેદ મીણ થી ઘેરાયેલા હોય છે. આ સફેદ મીણનો જથ્થો સમય જતાં વધતો જાય છે.અંતિમ અપરિપક્વ તબ્બકાને સ્યુડોપયુપેરિયમ (ખોટા કોશેટા) તરીકે ઓળખવામાં આવે છે. આ સફેદમાખીના પુખ્ત સામાન્ય સફેદમાખી કરતાં ત્રણ ગણા મોટા હોય છે.પુખ્તની પાંખો પર આછા ભૂરા રંગ ના અનિયમિત પટા જોવા મળે છે.
નુકશાન: આ જીવાતના અપરિપક્વ અવસ્થાઓ સમૂહમાં નારીયેળીના પાંદડાની નીચે જોવા મળે છે અને પાન માંથી સતત રસ ચુસીને નુકશાન કરે છે અને અસરગ્રસ્ત પાન પીળા રંગનાં થઈ સુકાય જાઈ છે. આ જીવાતના શરીરમાથી મધ જેવા પદાર્થનો સ્ત્રાવ થાય છે જેનાથી કાળી ફૂગ વિકસે, જો કે પ્રકાશસંશ્લેશણની ક્રિયામાં અવરોધ ઉત્પન્ન કરે છે. આ મધ જેવો પદાર્થ મીઠો અને પાણીયુક્ત હોવાથી કિડીઓને પણ આકર્ષે છે.આ જીવાતનું નુકશાન ખાસ કરીને નારીયેળીની ઠીંગણી જાતોમાં વધારે તથા કેળા, ચીકુ, કેરી, સીતાફળ, પપૈયા તેમજ અન્ય પાકમાં પણ જોવા મળે છે. સફેદમાખીના કુદરતી દુશ્મનમા એન્કાર્સિયા ગોડેલોપાઈ, એન્કાર્સિયા નોયેસી, એલ્યુરોકટોનુસ અને પરભક્ષી જેવા કે નેફાસ્પિસ ઓક્યુલાટા, ચિલોકોરસ થોર, ક્રીપ્ટોલેમસ મોન્ટ્રોજીરી, ડેલ્ફાસ્ટસ પેલીડસ, હાર્મોનિયા એકસીરીડિસ, હાયપરસ્પિસ બિગેમિનાટાનું સમાવેશ થાય છે.
પરોપજીવીની ઓળખ: એન્કાર્સિયા ગોડેલોપાઈ, પરોપજીવી ભમરી એ ભમરીના કુળની એફેલિનીડી પરિવારની છે. સૌપ્રથમ વૈજ્ઞાનિકો દ્વારા તેની હાજરી કેરેબીયન ટાપુઓમાં નોંધવામાં આવી હતી, તેની પુખ્ત ભમરી ખૂબ જ નાના કદની લગભગ ૧ થી ૨ મીમી જેટલી હોય છે અને તેની માદા અંતપરોપજીવી તરીકે વિકસે છે. એન્કાર્સિયા ગોડેલોપાઈ એ એક જૈવિક જંતુનાશક તરીકે જાણીતી છે. આ પરોપજીવી ભીંગડાવાળી જીવાત, સફેદમાખી, મોલોમશી જેવી ચૂસીયા પ્રકારની જીવાત તેમજ પતંગીયા/ફૂદાંના ઈંડાનું પણ પરજીવીકરણ કરે છે. સફેદમાખીની વિવિધ જાતો જેવી કે તમાકુની સફેદમાખી (બેમીસીયા ટેબેકી), ગ્રીન હાઉસની સફેદ માખી (ટ્રાયલેયુરોડ્સ વેપોરેરીયમ) અને નારિયેળીની સફેદમાખીનું પણ પરજીવિકરણ કરતી નોંધવામાં આવી છે. આ પરોપજીવી ભમરી કુદરતી રીતે શ્રીલંકાના કુદરતી જંગલોમાં જોવા મળે છે. ખાસ કરીને બાગાયતી પાકો અને પોલીહાઉસના પાકોમાં આવતી જીવાતો (સફેદમાખી, મોલોમશી વગેરેનું) અસરકારક નિયંત્રણ કરતી હોવાથી એન્કાર્સિયાની વિવિધ પ્રજાતીઓ ખૂબજ અગત્યની છે. એન્કાર્સિયાની બે પ્રજાતીઓ નારિયેળીની સફેદમાખીનું પરજીવિકરણ કરે છે. આ પ્રજાતીયો માંથી એન્કાર્સિયા ડિસ્પ્રેસા દ્વારા ૫ થી ૧૦% જેટલું પરજીવિકરણ જયારે એન્કાર્સિયા ગોડેલોોપાઈ એ ૫૬ થી ૮૨% જેટલું નારિયેળીની સફેદમાખીનું કુદરતી રીતે પરજીવિકરણ કરે છે.
પરજીવીકરણ: એન્કાર્સિયા ગોડેલોપાઈની માદા સફેદમાખીના અપરિપક્વ તબ્બકાની અંદર ઈંડા મૂકે છે. ઈંડામાંથી નીકળતી પરોપજીવીની ઇયળ સફેદમાખીના અંદર પોષક તત્વો ખાઈને વિકાસ પામે છે. આ પરોપજીવીની માદા મુખ્યત્વે બીજા સફેદમાખીના અપરિપક્વ તબ્બકાને ઈંડા મુકવા માટે વધુ પસંદ કરે છે. આ પરોપજીવીઓ પહેલેથી જ કુદરતી રીતે નારિયેળીના છોડમાં રહે છે જે સફેદમાખીનું નિયંત્રણ કરે છે. વર્તમાનમાં બદલાતા જતા વાતાવરણના પરિણામે સફેદમાખીની સંખ્યામાં ઝડપી વધારો થયો છે અને એન્કાર્સિયા ગોડેલોપાઈ ને કુદરતી રીતે વિકસીત થવામા અને પરોપજીવી બનવામાં લાગતા સમયને કારણે, પરોપજીવીઓને કૃત્રિમ રીતે ઉછેરી અને છોડવું જરૂરી બન્યું છે.
અસરકારક અને ટકાઉ ઉકેલ તરીકે જૈવિક નિયંત્રણ
પરોપજીવીનો ઉછેર: પરોપજીવીના ઉછેર માટે છોડ, યજમાન કીટક અને પરોપજીવીની ભમરી જેવા ખોરાક શૃંખલના ત્રણ તબ્બકામાં ઉછેરની જરૂર પડે છે. એન્કાર્સિયા ગોડેલોપાઈના સામુહીક ઉછેર માટે સફેદમાખીનો યજમાન કીટક તથા બીડી તમાકુના છોડનો યજમાન છોડ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ સફેદમાખીના પુખ્તને યજમાન છોડના વાવ્યા બાદ ચારથી આઠ અઠવાડિયા પછી તેના પર મૂકવામાં આવે છે. બે-ત્રણ અઠવાડીયામાં આ સફેદમાખીના પુખ્ત તેના ઈંડા યજમાન છોડ પર મુકશે અને તેમાંથી નીકળતા અપરિપક્વ અવસ્થા યજમાન છોડમાંથી ખોરાક મેળવાનું ચાલુ કરશે. ત્યારબાદ એન્કાર્સિયા ગોડેલોપાઈની પુખ્ત ભમરીને તે છોડ પર મુકત કરવામાં આવે છે. ભમરીને મુકત કર્યાના બે અઠવાડીયા પછી યજમાન છોડના પાન પરથી પરજીવીકરણ થયેલ કાળા કોશેટાને પીંછી ની મદદથી એકઠા કરી લેવામાં આવે છે.
આ પરોપજીવી ગેરહાજર હોય અથવા અપૂરતી સંખ્યામાં જોવા મળે ત્યાં પરોપજીવીઓનું પુનઃ વિતરણ કરવું જોઈએ તથા પરોપજીવીના અપરિપક્વ તબક્કાની વૃદ્ધિ માટે ઉપદ્રવિત વનસ્પતિમાં અથવા તેની બાજુમાં એકત્રિત કરી અને આગળ કોઈપણ રાસાયણિક જંતુનાશકોનો છંટકાવ ન કરવો જોઈએ. એવા વિસ્તારોમાં જ્યાં રસાયણોનો છંટકાવ કરવામાં આવ્યો ન હોય ત્યાં પરોપજીવીઓનો ઝડપથી વૃદ્ધિ થતી જોવા મળે છે અને કુદરતી પરજીવીકરણમાં પણ અસાધારણ વધારો થાય છે. કેળાના ખેતરમાં તેમજ નેટ-હાઉસમાં પરોપજીવીઓની મહત્તમ વસ્તી જોવા મળે છે માટે નારયેળીના બગીચામા કેળાના છોડની જાળવણી અને વૃદ્ધિ માટે વૈકલ્પિક છોડ તરીકે ઉગાડવાની સલાહ આપવામાં આવે છે.
સૌજન્ય:
શ્રી ડી. એન. પરમાર૧, શ્રી એમ. એન. પરમાર૨, શ્રી આર. ડી. ડોડીયા૧, શ્રી આર. એમ.
પટેલ૧ શ્રી બી. એ. ચાચપરા૧ અને શ્રી જી. એચ. દેસાઇ૩
૧કીટકશાસ્ત્ર વિભાગ, ચી. પ. કૃષિ મહાવિદ્યાલય, સ.દાં.કૃ.યુ., સરદારકૃષિનગર – ૩૮૫ ૫૦૬
૨રોગશાસ્ત્ર વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, ન..કૃ.યુ., ભરૂચ – ૩૯૨ ૦૧૨
૩ એગ્રોનોમી વિભાગ, ચી. પ. કૃષિ મહાવિદ્યાલય, સ.દાં.કૃ.યુ., સરદારકૃષિનગર – ૩૮૫ ૫૦૬
Share your comments