બેટોસેરા જીનસમાં આંબાના મેઢનો સમાવેશ થાય છે, જે ભારતમાં આંબામા નુકશાન કરનાર સૌથી ગંભીર જીવાતોમાંની એક છે. આંબાના ઝાડને પાંચ બેટોસેરા પ્રજાતિઓ દ્વારા ઉપદ્રવિત કરવામાં આવ્યો છે: બેટોસેરા રુફોમાક્યુલાટા (ડી ગીર), બેટોસેરા રુબસ (લિનીયસ), બેટોસેરા રોયલી (હોપ), બેટોસેરા ન્યુમિટર (ન્યુમેન), અને બેટોસેરા ટિટાના ( થોમસન). તેમાંથી, બેટોસેરા રુફોમાક્યુલાટા સમગ્ર દેશમાં આંબાના બગીચાઓ માટે મોટી સમસ્યા બની રહ્યો છે. બેટોસેરા રુફોમાક્યુલાટા આંબામા સૌથી વધુ વિનાશક અને વ્યાપકપણે જોવા મળતી પ્રજાતી છે. કેરી ઉપરાંત, તેઓ અંજીર, જેકફ્રૂટ, શેતૂર, પપૈયા, સફરજન અને અન્ય ફળો અને શાકભાજીઓને નુક્શાન પહોંચાડે છે. કેટલાક અભ્યાસો અનુસાર, બેટોસેરા રુફોમાક્યુલાટા ઉપરાંત, ગ્લેનીયા મલ્ટીગુટ્ટાટા અને કોપ્ટોપ્સ એડિફિકેટર, બે અન્ય સેરેમ્બાયસીડ્સ કુળના કિટકોની પ્રજાતી આંબામા નુકશાન કરતી પ્રજાતિ તરીકે નોંધવામાં આવેલ છે. બાગની સ્વચ્છતા અને ઝાડમાંથી સૂકી ડાળીઓને વહેલા દૂર કરવા જેવા વ્યવસ્થાપનના પગલાંના અભાવને કારણે આંબામા મેઢના ઉપદ્રવમાં વધારો થયો છે, અને આ સમસ્યા ફક્ત ગુજરાતમાં જ નહીં, પણ સમગ્ર ભારતમાં માટે ગંભીર છે. છેલ્લા એક દાયકા દરમિયાન, આંબાના મેઢના કારણે જૂની અને નવી આંબાવાડીઓમાં ચિંતાજનક પરિસ્થિતિ સર્જાતી જોવા મળી છે, જે ભારતમાં આંબાની ખેતી માટે નોંધપાત્ર જોખમ ઊભું કરે છે.
ઓળખ :
તે પુખ્ત કીટક મજબુત બાંધાનું, પીળાશ પડતા બદામી રંગનું અને શરીર કરતાં મોટી શ્રૃંગિકાવાળુ ઢાલપક્ષ કીટક છે. જો કે યળ મેઢ કે ગ્રબ તરીકે ઓળખાય છે. જેની પૂર્ણ વિકસીત ખંડવાળી, માંસલ દેહધારી, પીળાશ પડતા સફેદ રંગની હોય છે જયારે માથુ બદામી રંગનું હોય છે. પૂર્ણ વિકસીત મેઢ આશરે ૭ થી ૮ સે. મી. લાંબી હોય છે.
જીવનચક્ર: આ જીવાતની ઇયળ શિયાળામાં સુકી ડાળીઓની અંદર એક વર્ષ સુધી સુષુપ્ત રહે છે અને જ્યારે અનુકૂળ સમય આવે ત્યારે તેઓ કોષેટા અને પછી પુખ્ત કિટક માટે સક્રિય બને છે. ૧૫ વર્ષથી વધુ જૂના ઝાડો અથવા અન્ય કારણોથી પહેલાથી જ નબળા પડી ગયેલા ઝાડો આ જીવાતના ઉપદ્રવ માટે વધુ સંવેદનશીલ હોય છે. પુખ્ત કિટક મજબૂત, ઘેરા બદામી રંગના હોય છે જેમાં નર ૫૦-૫૫ મીમી અને માદાઓ ૫૫-૬૦ મીમી કદની હોય છે. ચોમાસાની શરૂઆત સાથે,પુખ્ત કિટકો બહાર આવે છે અને સમાગમ શરૂ કરે છે. જૂન અને ઓગસ્ટની વચ્ચે, માદા કિટક ઝાડના મુખ્ય થડ પર થડની તિરાડમાં કે બે ડાળીઓના જોડાણ પાસે એકલદોકલ ઈંડા મૂકે છે.
એક માદા કિટક ૭ દિવસ સુધી રાત્રે આશરે ૨૦૦ જેટલા ઈંડા મૂકી શકે છે, જે સાતથી તેર દિવસમાં બહાર નીકળી જાય છે. ઇંડા ચળકતા સફેદ, અંડાકાર આકારના અને ૫-૭ મીમી લાંબા હોય છે. જ્યારે સંપૂર્ણપણે વિકસિત થાય છે, ત્યારે ઇયળ ૮૫-૯૫ મીમી લાંબી, મજબૂત, પીળાશ પડતા રંગના હોય છે. એકંદરે, આ જીવાતની ઇયળ ૭ અવસ્થામાથી (ઇન્સ્ટાર) પસાર થાય છે જેમાં પ્રથમ ઇન્સ્ટાર ૨-૩ દિવસ સુધી ચાલે છે અને બાકીના દરેક ૧૦-૧૮ દિવસ સુધી રહે છે. ત્યારપછી કોષેટા અવસ્થા ૧૯-૩૬ દિવસ અને પુખ્ત કિટક ૨૦-૩૪ દિવસમાં પુર્ણ થાય છે. કોષેટા ૨૦-૨૫ દિવસ ચાલે છે અને ઝાડની ટનલમાં થાય છે. પુખ્ત કિટક્નું આયુષ્ય ૬૦-૧૦૦ દિવસનું હોય છે, જેમાં કુલ જીવન ચક્ર પુર્ણ થતા ૧૭૦-૧૯૦ દિવસ લાગે છે.
નુક્શાન: પુખ્ત કીટક આંબાની કુમળી ડાળીઓ તથા પીલાઓ પર ઉઝરડા પાડીને, કરડીને કે ચાવીને નુકશાન કરે છે જે ગંભીર પ્રકારનું હોતું નથી. નાની ઇયળો શરુઆતમાં ઇંડામાંથી બહાર નીકળ્યા પછી સૌથી પહેલા છાલની નીચે ખોરાક લે છે. ધીમે ધીમે ઈયળ થડની છાલ કોરીને થડની અંદર ઉપરની બાજુએ કોરાણ કરી લગભગ ૨-૩ સેમી પહોળુ બોગદુ બનાવે છે. જે સત્વના પ્રવાહને અવરોધે છે અને પાન અને ઉત્પાદનને અસર કરે છે. ટનલ ઝાડની પરિઘમાં અથવા થડની અંદર ઊંડે મળી શકે છે. જેમ જેમ ઇયળનુ વિકાસ થાય છે તેમ, ટનલનું કદ ધીમે ધીમે વિસ્તરે છે. ઈયળ અવસ્થા ૬ મહિના જેટલી હોવાના કારણે શરૂઆતમાં ઉપદ્રવનો ખ્યાલ આવી શકતો નથી. પરંતુ ઈયળ જેમ જેમ મોટી થાય તેમ થડની અંદરના ભાગમાં કોરાણ કરતી હોવાથી વધારાના લાકડાનો વ્હેર થડની બહાર નીકળતો જોઈ શકાય છે. ઘણી વખત આવા કાણા કે છાલમાં કોરેલા બોગદામાંથી પણ કિટકની હગાર અને લાકડાનો વ્હેર થડ પાસે પડેલો જોવા મળે છે.
જે ના પરથી ઉપદ્રવનો ખ્યાલ આવી શકે છે. એક થડમાં એક કે એકથી વધુ ઈયળો જોઈ શકાય છે. વધુ ઉપદ્રવ હોય તો ઝાડની ડાળીઓ ઉપર આવેલ પાન મુરઝાતા જોવા મળે છે આખરે ડાળી સુકાઈ જાય છે અને છેલ્લે આખુ ઝાડ સુકાઈ જાય છે. શરૂઆતમાં, નુકસાન સ્પષ્ટ દેખાતું નથી, પરંતુ ઝાડના થડ અને ડાળીઓ પરના વિવિધ સ્થળોમાંથી ચીકણું પ્રવાહી લીક થતું જોઈ શકાય છે. છાલ પર ચીકણું પ્રવાહી, થડ ઉપર છિદ્ર અને થડ પાસે જમીન ઉપર ભેગા થયેલ લાકડાનો વ્હેર આ જીવાતના ઉપદ્રવના શરૂઆતના ગાળામાં દૃશ્યમાન સંકેતો છે. હાફુસ, લંગરા અને જહાંગીર જેવી જતો સૌથી વધુ સંવેદનશીલ છે (૨૫-૫૦ ટકા નુકસાન). મેઢની ઇયળ આંબાના ઝાડના મુખ્ય થડ તથા ડાળીઓમાં પ્રવેશ્યા પછી ઉપદ્રવીત ઝાડની ડાળીને કાબૂમાં રાખવી મુશ્કેલ છે કારણ કે તે અંદરથી ખાય છે. એકવાર ઉપદ્રવિત ઝાડ તેના રાસાયણિક સંકેતોને કારણે તે જ ઝાડ માટે વધુ પુખ્ત કિટકો આકર્ષવાની સંભાવના ધરાવે છે. ઉપદ્રવીત ઝાડની છાલ આલ્કોહોલનું ઉત્સર્જન કરે છે જે અગાઉના ઉપદ્રવિત ઝાડને ઉપદ્રવ કરવા માટે અન્ય પુક્થ કિટકોને/ભમરોને આકર્ષે છે. આંબાના ઝાડના છાલમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતા રસાયનોમાં ૧,૨,૩ બેન્ઝનેટ્રિઓલ (૮૮.૧૧%) હોય છે જ્યારે બ્યુટાનોઈક એસિડ, ૨ એથિલહેક્સિલ એસ્ટર (૫૪.૬૮%) લેટેક્સમાં સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે.
નિયંત્રણ વ્યવસ્થાપન : આ જીવાતને ઇચ્છિત માત્રામાં નિયંત્રિત કરવું ખૂબ જ મુશ્કેલ છે કારણ કે ઇયળ થડની અંદર રહે છે તેથી તેના ઇંડા મૂકવાના સમયગાળા વિશે અને આ જીવાતના જીવન ચક્ર વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
- આંબાવાડીમાં નિયમિત રીતે મોજણી કરતા રહેવું. જેથી સમયસર ઉપદ્રવનો ખ્યાલ આવી શકે. આ જીવાતના નુકસાનથી બચવા માટે અગત્યનુ પગલુ એ છે કે જીવાતથી અસરગ્રસ્ત ઝાડને ઓળખવા અને અંદર રહેલ ઇયળને ભૌતિક અથવા યાંત્રિક રીતે દૂર કરવા.
- ઉપદ્રવિત થડમાં પાતળી સળી દાખલ કરી થડને હળવી ટપલી મારવાથી અંદર રહેલી ઈયળ બહાર આવવા પ્રયત્ન કરે છે. આ રીતે બહાર નીકળવા પ્રયત્ન કરતી ઈયળને તારથી પકડીને બહાર ખેંચી તેનો નાશ કરવો. ઈયળ ખૂબ જ ઉંડે સુધી દાખલ થઈ ગયેલ હોય તો અણીવાળા લોખંડના તારથી ઈયળને થડની અંદર જ મારી નાંખવી. ત્યારબાદ મોનોક્રોટોફોસ ૩૬ ટકા પ મી. લી. દવા ૧ લીટર પાણીમાં ભેળવી તૈયાર કરેલ મિશ્રણને મોટા ઈંન્જેકશનની મદદથી કાણાંમા દાખલ કરવું. ત્યારબાદ કાણાંને ભીની માટીથી બંધ કરી દેવું. કોઈ પણ સંજોગોમાં કેરોસીનનો ઉપયોગ કરવો નહી.
- કાણાંમાં એલ્યુમીનીયમ ફોસ્ફાઈડની અડધી ટીકડી મૂકી કાણાં તેમજ થડના બહારના ભાગમાં ભીની માટીથી લીપી દેવાથી અંદર રહેલી ઈયળોનો નાશ થઈ શકે છે.
- મે-ઓગસ્ટ મહિના દરમિયાન, થડ ઉપર નાયલોનની જાળી વડે ઢાંકવાથી નવા ઉભરેલા પુખ્ત કિટકોને પકડવામાં મદદ મળે છે. થડની અંદરના જીવીત ઇયળને પેટ્રોલમાં પલાળેલા કપડાથી પ્લગ કરીને પણ મારી નાખવામાં આવે છે.
- જો ઇયળ થડની અંદર ઊંડે સુધી પહોંચી ગઈ હોય તો કોઈ રાસાયણિક ઉપયોગ અસરકારક નથી. ભારે ઉપદ્રવીત ડાળીઓને કાપી નાખવા જોઈએ. આ તમામ જીવાત નિયંત્રણ અભિગમોનો ઉપયોગ ઝાડની અંદર ઇયળની ચોક્કસ સ્થિતિ જાણ્યા વિના અથવા નુકસાનની માત્રાને સમજ્યા વિના કરવામાં આવે છે.
- જે વિસ્તારમાં વધુ ઉપદ્રવ હોય તે વિસ્તારમા થડ ઉપર ક્લોરોપીરીફોસ 20 ઇસી 3 મીલી/લી. અથવા, ઇમિડાક્લોપ્રિડ 17.8 એસએલ 1 મીલી/લી. અથવા થાયોમોથોક્ઝામ 1 ગ્રામ/લી. ના દરે સાપ્તાહિક અંતરાલમાં ત્રણ વખત રસાયણો બદલીને છંટકાવ કરવાથી ચોમાસાના આગમન પછી ઉપદ્રવ ટાળવામાં મદદ મળે છે.
સીલર કમ હીલર' ટેકનોલોજી
ભારતીય બાગાયત સંશોધન કેંદ્ર (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોર્ટિકલ્ચર રિસર્ચ), બેંગાલુરુએ 'સીલર કમ હીલર' નામનું એક જૈવિક જંતુનાશક ફોર્મ્યુલેશન વિકસાવ્યું છે જે પુખ્ત કિટકો દ્વારા ઇંડા મૂકવાથી થડને બચાવવામાં મદદ કરે છે. પરંતુ ગુજરાતમાં ચોમાસા દરમિયાન વધુ વરસાદના કારણે સદર જૈવિક જંતુનાશકની પેસ્ટ ધોવાઇ જવાની શક્યતાઓ વધારે રહેલી છે. સીલર કમ હીલર બિન-ઝેરી,રેઝિનસ પાવડર ફોર્મ્યુલેશન છે જે ઘણા કોલોઇડ્સ, બફરિંગ એજન્ટો, ઔષધીય વનસ્પતિઓના અર્ક અને ઉપદ્રવીત ઝાડના પેશીઓના પુનર્જીવીત કરવા માટે સૂક્ષ્મ પોષકતત્ત્વો સાથે મિશ્રિત છે.
સીલર કમ હીલરનો પાતળો કોટ પુખ્ત કિટક દ્વારા મૂકેલા ઈંડામાંથી બહાર નીકળતા ઇયળને અટકાવે છે અને ઇયળથી બનાવેલ બોગદા/ટનેલને બ્લોક કરે છે અને ટનલની અંદર રહેલ ઇયળને મારી નાખે છે. સીલર કમ હીલરમાં સમાવિષ્ટ ઔષધીય વનસ્પતિઓનો અર્ક ઉપદ્રવીત ઝાડના પેશીઓને સાજા કરવા માટે તેમની પુનર્જીવનની પ્રક્રિયાને વેગ આપે છે. વધુમાં, પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં ઉમેરવામાં આવેલા સૂક્ષ્મ પોષકતત્ત્વો ઝાડની પેશીઓમાં સેહલાઇથી પ્રવેશ કરે છે અને પાંદડા અથવા મૂળ સુધી પહોંચે છે અને વૃક્ષને જરૂરી પોષક તત્વો ઉપલબ્ધ કરાવે છે. તેથી સીલર કમ હીલરની ઉપરોક્ત તમામ ક્રિયાઓ દ્વારા, મેઢના કારણે થતા નુકસાનને અટકાવવા માટે સમાવિષ્ટ કરવામાં આવે છે. જો મેઢ જીવાતને આવતા અટકાવવા માટે તંદુરસ્ત આંબાના વૃક્ષો પર સીલર કમ હીલર લાગુ કરવામાં આવે તો તંદુરસ્ત વૃક્ષો ઇંડા મુકવાથી સુરક્ષિત રહે છે અને સંભવિત નુકસાનને અટકાવી શકાય છે.
Share your comments