Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Horticulture

જાણો..આંબાના પાનને કતરી ખાનાર ચાંચવું વિશે, જેઓ ઉપર નાખે છે મોટા પાચે અસર

ચોમાસાની શરૂઆતમાં નવી આંબાવાડીઓમાં તેમજ નર્સરીઓના મધર બ્લોકમાં નવી પીલવણી ઉપર ખૂબ જ નુક્શાન જોવા મળે છે. નવા કુમળા પાન પર વિવિધ જીવાતોથી જુદા જુદા પ્રકારના નુકસાન જોવા મળે છે,

Amansinh Jadeja
Amansinh Jadeja
ચાંચવુ (એક ખતરનાક જંતુ)
ચાંચવુ (એક ખતરનાક જંતુ)

ચોમાસાની શરૂઆતમાં નવી આંબાવાડીઓમાં તેમજ નર્સરીઓના મધર બ્લોકમાં નવી પીલવણી ઉપર ખૂબ જ નુક્શાન જોવા મળે છે. નવા કુમળા પાન પર  વિવિધ જીવાતોથી જુદા જુદા પ્રકારના નુકસાન જોવા મળે છે, જેમાં ઇયળો દ્વારા પાનની ધાર અથવા ટોચ પર અથવા પાન વાળીને તેના અંદરનો લીલો ભાગ ખાઇને નુકસાન પહોંચાડે છે, પાનમાં અનિયમિત આકારના નાના કાણાં અથવા અમુક જીવાતો તેમના મુખાંગો દ્વારા પાન ઉપર ઘસીને (સ્ક્રેપિંગ) કરીને સફેદ કલરના ધાબા જોવા મળે છે. પાંદડાની પાંખડીની બાજુમાંથી આખું પાન કાપીને નીચે ખરી પડેલ જોવા મળે  છે. જેના પરથી એવું ખ્યાલ આવે છે કે કોઈએ પાખંડીની બાજુમાંથી  પાન કાતરથી કાપી નાખેલા હોય. જીવાતોમાં પાન ખાનારી ઈયળો, પાન પરના ઢાલિયા, પાન કતરી ખાનાર ચાંચવુ (લીફ કટીંગ વીવ્હીલ) અને ભૂખરા ચાંચવા (એશ વીવ્હીલ) દ્વારા નુક્શાન જોવા મળે છે. એમાં પાન કતરી ખાનાર ચાંચવુ (લીફ કટીંગ વીવ્હીલ) જીવાતથી સૌથી વધારે નુક્શાન જોવા મળે છે. તો મિત્રો જાણીએ આ જીવાત વિશે....

આ જીવાતનું વૈજ્ઞાનિક નામ ડીપોરસ માર્જિનેટસ  [Deporaus marginatus Pascoe) (Coleoptera: Curculionida)] છે. સામાન્ય રીતે પાન કતરી ખાનાર ચાંચવુ (મેંગો લીફ કટીંગ વીવ્હીલ) તરીકે ઓળખાય છે અને તે ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, ચીન અને મલેશિયામાંથી નોંધાય છે. ભારતમાં નર્સરીઓમાં આંબાના રોપા તેમજ કલમોમાં ૫૩ થી ૫૭ ટકા નુકસાનની નોંધ કરવામાં આવેલ છે. પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી જેવા રાજ્યોમાં તેનો ઉપદ્રવ વધારે પ્રમાણમાં જોવા મળે છે જ્યારે ઓરિસ્સા, તામિલનાડુ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં ઉપદ્રવની માત્રા ઓછી જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં આ જીવાત એક ગૌણ જીવાત તરીકે પ્રચલિત હતી, પરંતુ હાલમાં તે એક મુખ્ય જીવાત તરીકે નર્સરીઓમાં તેમજ નવી આંબાવાડીઓમાં ચોમાસાની ઋતુમાં ભારે નુકસાન પહોંચાડે છે.

ઓળખ :તાજાં મૂકેલાં ઈંડાં નાના, સફેદ અને નળાકાર આકારના જે એક છેડા તરફ નમેલા અને બીજા છેડે થોડાં બુઠ્ઠું હોય છે જે પાછળથી મલાઇ જેવા સફેદ રંગના થઈ જાય છે. ઇંડાની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે ૦.૬૨ મીમી અને ૦.૨૭ મીમી હોય છે. ઇયળ ત્રણ અવસ્થામાથી પસાર થાય છે. પ્રથમ અવસ્થાની ઇયળ ખૂબ જ નાની, અર્ધપારદર્શક અને થોડું બહિર્મુખ શરીર ધરાવે છે જે બન્ને બાજુઓ ચપટી હોય છે. બીજા અવસ્થાની ઇયળ મેલા લીલાથી ભૂખરા કાળા રંગની અને નળાકાર  આકારની અને અગ્રવર્તી અને પાછળના છેડા અણીદાર હોય છે. સંપૂર્ણ રીતે વિકસિત ત્રીજા અને છેલ્લા અવસ્થાની ઇયળ મલાઇ જેવા સફેદથી પીળો રંગની જે પાછળથી રંગ બદલી કાળા કે ભુખારા રંગમા પરાવર્તિત થાય છે. પ્રથમ અવસ્થાની જેમ બીજા અને ત્રિજા અવસ્થાની ઇયળો પણ બન્ને બાજુ તરફ  ચપટી હોય છે. પ્રથમ, બીજા અને ત્રિજા અવસ્થાની ઇયળની સરેરાશ લંબાઈ અને પહોળાઈ અનુક્રમે ૧.૩૨ મીમી અને ૦.૫૯ મીમી, ૩.૬૪ મીમી અને ૧.૩૯ મીમી, ૪.૭૮ મીમી અને ૧.૬૦ મીમી હોય છે. કોશેટા શરૂઆતમાં મોટી કાળી સંયોજન આંખોની જોડી સાથે ચમકદાર સફેદ રંગના અને પછીથી ક્રીમી સફેદ થઈ જાય છે. કોશેટા અવસ્થાનું સરેરાશ સમયગાળો ૮ થી ૯ દિવસનું હોય છે. કોશેટાની સરેરાશ લંબાઈ અને પહોળાઈ ૪.૩૯ મીમી અને ૧.૬૨ મીમી કદની હોય છે.

ચાંચવુ
ચાંચવુ

સાનુકુળ પરિબળો: સવાર અને સાંજનો સાપેક્ષ ભેજ અને વરસાદી વાતાવરણ આ જીવાત માટે અનુકુળ હોય છે.

જીવનક્રમ : જમીનમાં સુષુપ્ત અથવા નિષ્ક્રિય અવસ્થામાં રહેલા કોશેટા ચોમાસાની શરુઆત કે તાત્કાલીક પુખ્ત નર અને માદા કિટકો બહાર નિકળે છે. નર અને માદા કિટકોના સમાગમ પછી, માદા પુખ્ત કિટક ડાળીના ટોચ પરની પીલવણી ઉપરના કુમળા પાનોની નીચેની બાજુ નસના બંને બાજુ સમાંતરે  અને એકાંતરે  તેમના તીક્ષ્ણ મુખાંગ દ્વારા નાના પોલાણ/પાઉચ બનાવે છે અને દરેક પોલાણ/પાઉચમાં ઈંડુ મુકે છે. આ જીવાતની પુખ્ત માદા કીટક તેના સંપૂર્ણ જીવનકાળ દરમિયાન ૨૦૦ થી ૩૫૦ જેટલા ઈંડા મૂકે છે. એક પાન ઉપર ૨ થી ૧૪ ઇંડા જોવા મળે છે. ઇંડા મુક્યા પછી માદા પુખ્ત કિટક મુખાંગ (સ્નોટ) ના મદદથી પાંદડાની પાંખડીની નજીક (૧ થી ૩ સેમી) તીક્ષ્ણ અને સીધો આડુ પાન કાપી નાખે છે. આ રીતે ઇંડા મુકેલ કુમળા પાન ઈંડાં સાથે જમીન પર પડે છે અથવા પીલવણીના નીચેના બીજા પાકટ પાન ઉપર પડી સતત ચાલુ વરસાદના પાણીથી ચોટી લટકી રહે છે. ઇંડામાથી સેવાયેલી ઇયળો પાનના લીલા ભાગના બે પટ વચ્ચે રહી સર્પાકાર લીલો ભાગ કોતરી ખાય છે. અને પરીપક્વ ઇયળો જમીનમાં કોશેટા મુકે છે જેમાંથી પુખ્ત કિટકો બહાર નીકળી જીવનચક્ર ચાલુ રાખે છે.

માદા કિટક ડાળીના ટોચ પરની પીલવણી ઉપરના કુમળા પાનોની નીચેની બાજુ નસના સમાંતરે  અને એકાંતરે  ઇંડા મુકે છે. ત્યાર પછી પાનના ડીચાના નજીક (૧ થી ૩ સેમી)થી આડુ પાન કાપી નાખે છે. એવા કાપેલા પાન જમીન પર પડે છે અથવા પીલવનીના નીચેના બીજા પાકટ પાન ઉપર પડી સતત ચાલુ વરસાદના પાણીથી ચોટી લટકી રહે છે. ઇંડામાથી સેવાયેલી ઇયળો પાનના લીલા ભાગના બે પટ વચ્ચે રહી સર્પાકાર લીલો ભાગ કોતરી ખાય છે. અને પરીપક્વ ઇયળો જમીનમાં કોશેટા મુકે છે જેમાંથી પુખ્ત કિટકો બહાર નીકળી જીવનચક્ર ચાલુ રાખે છે.

ચાંચવુ પાનને ગળી જાય છે
ચાંચવુ પાનને ગળી જાય છે

ખરી પડેલા પાંદડાઓમાં ઇંડામાંથી સેવાએલી ઇયળ પાનની અંદર કોરાણ કરી અંદરનુ લીલો ભાગ ખાઇ બોગદુ બનાવે છે. આવા ઉપદ્રવીત પાનને પ્રકાશ તરફ જોતા, એક કરતા વધુ ઇયળો દ્વારા એક કરતા વધુ પ્રમાણમાં બોગદા જોવા મળે છે જે કાળા રંગના હગારથી ભરેલા હોય છે. ત્રીજા અવસ્થાની પરિપક્વ ઇયળો જમીનમાં દાખલ થઈ કોશેટા બનાવે છે. માદા કિટક નર પુખ્ત કીટક ૩૨ થી ૩૮ દિવસ જીવન જીવે છે જ્યારે માદા પુખત ઘટક ૪૩ થી ૫૧ દિવસ જીવે છે. આ જીવાત ના માદા પુખ્ત કીટક નું સંપૂર્ણ જીવન ચક્ર ૬૦ થી ૭૫ દિવસમાં પૂર્ણ થાય છે જ્યારે નરપુખ્ત કીટકો નું ૪૯ થી ૬૨ દિવસમાં પૂર્ણ થાય છે. જુલાઈ થી સપ્ટેબર મહિના સુધી આ જીવાતની ૨ થી ૩ પીઢીઓ પુર્ણ થાય છે અને ચોમાસુ પુરુ થાય પછી કોશેટા જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહે છે, જે આવતા ચોમાસાની શરુઆતમાં સક્રિય થઇ બહાર નિકળે છે. 

નુકસાન: સામાન્યતા જીવાતોની નુકસાન કરનાર વિવિધ અવસ્થાઓમાં ઈયળ અથવા બચ્ચા અવસ્થા વધારે નુકસાન કરતી જોવા મળે છે અને પુખ્ત કીટક મુક્તપણે સંચાર કરે છે, પરંતુ આ જીવાતમાં પુખ્ત કીટકો દ્વારા સીધું નુકસાન જોવા મળે છે. ત્યાં તેમા બે પ્રકારના નુકસાનની નોંધ કરવામાં આવી છે. જેમાં લીફ સ્ક્રેપિંગ  એટલે પુખ્ત કીટકો તેમના મુખાંગો દ્વારા પાન ઉપરનું લીલો પટ (અવરણ) માં ઘસરકા કરીને સફેદ કલરના ધાબા ઉત્પન્ન કરે છે. છૂટાછવાયા પાંદડાઓ કરમાઇ જાય છે, ઉપરની તરફ વળે છે, કથ્થઈ રંગના થઈ અંતે સૂકાઈ જાય છે. આ જીવાત નવી કલમ અથવા રોપાઓના વિકાસને અટકાવે છે. મુખ્ય અથવા પ્રાથમિક પીલવણીમાં પાન કાપી નુકશાન કરવાથી ગૌણ ડાળીઓ (સેકંડરી શૂટસ) બાજુમાંથી વધારે પ્રમાણમાં જન્મે છે. પ્રાથમિક પીલવણી પાકટ થઇ છેલ્લે એમાથી તંદુરસ્ત એક્જ મોર નીકળવાની શક્યતા હોય છે. પરંતુ પાન કતરી ખાનાર ચાંચવુ જીવાતના નુક્શાનથી જ્યારે વધારે પ્રમાણમાં ગૌણ ડાળીઓ (સેકંડરી શૂટસ)  નીકળે છે, ત્યારે એકજ ડાળી ઉપર ત્રણ  થી ચાર પાકટ થયેલ પીલવની માથી ત્રણ થી ચાર મોર નિકળવાની શક્યતા હોય છે અને ફળ ધારણ વખતે યોગ્ય પ્રમાણમાં ખોરાક ન મળવાથી ઉપજ પર મોટી અસર થઈ શકે છે.

આ પણ વાંચો: નારીયેળીની ખેતી કરતા ખેડૂતો માટે વૈજ્ઞાનિક સલાહ, જો દેખાયે સફેદમાખી તો આવી રીતે કરો સારવાર

ચાંચવુના કારણે ખરી પડેલા પાન
ચાંચવુના કારણે ખરી પડેલા પાન

બીજા પ્રકારના નુકસાનમાં માદા પુખ્ત કિટક પાંદડાની પાંખડીની બાજુમાંથી આખું પાન કાપી નાખે છે જે સીધું જમીન પર પડે છે, જેની ગંભીર નુકસાન તરીકે નોંધ કરવામાં આવી છે. આ પ્રમાણે આ જીવાતની ઇયળો નીચે ખરી પડેલા પાન ઉપર નભે છે તેથી ફક્ત પુખ્ત કિટકો દ્વારા સીધા નુક્શાન થાય છે. 

નિયંત્રણ:

આ જીવાતના જીવનચક્રને અટકાવવા અને પુખ્ત કિટકો (જે નુકશાન માટે વધુ જવાબદાર હોય છે)ની વસ્તીને કાબુમા રાખવા માટે કાપી નાખેલા પાંદડાઓ (ઇંડા અને ઇયળો સહીતના) એકત્રિત કરી નાશ કરી શકાય છે. વ્યાપારી ધોરણે વિકસાવેલી આંબાવાડીઓમાં આ પદ્ધતિ શક્ય નથી. પરંતુ નર્સરીઓમાં અથવા નવી બનાવેલી આંબાવાડીઓમા આ તકનીક હાથ ધરી શકાય છે.

  • નર્સરીઓમાં અથવા નવી બનાવેલી આંબાવાડીઓમાં શક્ય હોય તો થડની બાજુમાં ગોડ કરવાથી કોશેટાઓનું નાશ કરી શકાય છે (ભારે વરસાદમાં વ્યાપારી ધોરણે વિકસાવેલી જુની આંબાવાડીઓમાં આ શક્ય નથી)
  • નર્સરીઓમાં અથવા નવી બનાવેલી આંબાવાડીઓમાં વરસાદ પહેલા થડ પાસે પ્લાસ્ટિક મલ્ચિંગ પાથરવાથી પણ જીવાતનુ જીવનચક્ર અટકાવી શકાય છે.
  • ગ્રીન શેડ નેટ હાઉસ અથવા પોલીટનેલોમાં પણ કલમો તેમજ રોપા ગોઠવતા પહેલા જમીન ઉપર વીડ મેટ પાથરવાથી પણ જીવાતનુ જીવનચક્ર અટકાવવામાં મદદ મળે છે.
  • દક્ષિણ ગુજરાત જેવા ભારે વરસાદવાળા વિસ્તારોમાં રાસાયણિક જંતુનાશકોનુ ઉપયોગ અસરકારક નથી. પરંતુ વધુ ઉપદ્રવ હોય ત્યારે શક્ય હોય તો નવી આંબાવાડીઓમાં વરસાદ ખુલ્લો હોય ત્યારે છંટકાવ કરી શકાય. માટે લીમડા આધારીત જંતુનાશક જેવા કે એઝાડિરેક્ટીન ૧૦૦૦૦ પીપીએમ ૨ મીલી પ્રતિ લીટર પાણીમાં નાખીને છંટકાવ કરવુ.
  • સંશોધન મુજબ એવુ સાબિત થયેલ છે કે, જ્યારે પીલવણીના કુમળા પાંદડા ૩ સેમી પહોળા હોય ત્યારે પુખ્ત માદા કિટક પાન કાપી નાખવાનુ વધારે પસંદ કરે છે. તે સમયે જંતુનાશક છાંટવાથી માદા કિટક અથવા ઈંડાનું અથવા ઇંડામાથી સેવાયેલ ઇયળોનું નાશ કરી શકાય છે.

સૌજન્ય: 

ડો. સચિન.એમ.ચવ્હાણ , ડો. આશિષ એચ.પટેલ અને ડો.ચિરાગ આર.પટેલ

અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના- ફળ (એ.આઈ.સી.આર.પી.-ફ્રૂટ્સ),

કૃષિ  પ્રાયોગિક કેન્દ્ર,નવસારી કૃષિ યુનિવર્સિટી,પરીયા, તા. પારડી, જી. વલસાડ

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More