દક્ષિણ ગુજરાતમાં છેલ્લા દાયકામાં આંબામાં ડુંખ વેધક જીવાત એક ગૌણ જીવાત તરીકે નોંધ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં થતી એકને એકજ આંબા પાક પદ્ધતિ અને વાતાવરણમાં થતા બદલાવથી હાલમાં આ જીવાતએ એક નવી ઉભરતી મુખ્ય જીવત તરીકે પોતાનું સ્થાન પ્રસ્થાપિત કરેલ છે. દક્ષિણ ગુજરાતમાં જુલાઈ થી માર્ચ મહિનાસુધી થી આ જીવાતનું ઉપદ્રવ જોવા મળે છે. આંબામાં ડુંખ વેધકની વિવિધ પ્રજાતિઓનું ઉપદ્રવ જોવા મળે છે. તેમાં ક્લુમેટિયા ટ્રાન્સવર્સા વોકર, ક્લુમેટિયા અલ્ટરનન્સ મૂર, ગેટ્સક્લાર્કેના એરોટીઆસ મેરિક, એનાર્સિયા મેલાનોપ્લેક્ટા મેરિક, એ. લાઇનેટેલા ઝેલર, ચેલેરિયા સ્પાથોટા મેરિક અને ડુડુઆ એપ્રોબોલા (મેરિક)નો સમાવેશ થાય છે. તેમાંથી, ક્લુમેટિયા ટ્રાન્સવર્સા સૌથી વધુ વ્યાપક છે અને નવી તેમજ જુની આંબાવાડીઓમાં નુકસાન પહોંચાડે છે. આ પ્રજાતિ સમગ્ર ભારતમાં જોવા મળે છે. ભારત સિવાય તે બાંગ્લાદેશ, શ્રીલંકા, ચીન, જાવા અને ફિલિપાઇન્સ માંથી પણ નોંધાયેલ છે.
યજમાન પાકો:
કેરી, જામફળ, પપૈયા, મોસંબી, એવોકાડો, કાજુ, લીચી, આલૂ, અખરોટ, ચીકુ અને કેળા.
સાનુકુળ પરિબળો:
ઉચ્ચ તાપમાન અને મધ્યમથી વધુ વરસાદવાળી આબોહવા આ જીવાતના વિકાસ માટે અનુકૂળ છે. વાડીમાં યોગ્ય વ્યવસ્થાપન અને ચોખ્ખાઇના અભાવના કારણે આ જીવાતની વસ્તીમાં વધારો થયેલ જોવા મળે છે.
જીવનક્રમ:
માદા પુખ્ત કીટક દ્વારા નાના, પીળાશ પડતા સફેદ અને અંડાકાર આકારના લગભગ ૫ થી ૧૦ ઇંડા એકલ-દોકલ રીતે નાના ઝુંડમાં નવી કુપળો અથવા પુષ્પવિન્યાસ/મોર પર મુકવામાં આવે છે, જેમાંથી ૨-૩ દિવસમાં ઇયળ જન્મે છે જે આછા ગુલાબી રંગની અને માથું કાળા રંગનું હોય છે. ઈયળ ૧૦ થી ૧૨ દિવસમાં પૂર્ણ વિકસિત થાય છે જે ગુલાબી રંગની હોય છે અને તેની નીચેની બાજુએ આછા સફેદ ફોલ્લીઓ જોવા મળે છે. કોશેટા મુકવા માટે તે નુક્શાન કરેલ ડુંખ/ટનલમાંથી બહાર આવી ઝાડની છાલની તિરાડોમાં તેમજ જમીનમાં કોશેટા મુકવા માટે પ્રવેશ કરે છે. જમીન ઉપર ખરેલ સૂકા પાંદડાઓમાં પણ કોશેટા મુકવામાં આવે છે. કોશેટા અવસ્થા ૧૫ થી ૧૮ દિવસની હોય છે. ફેબ્રુઆરી-માર્ચ પછીની આ જીવાતની પેઢીમાં કોશેટા નિષ્ક્રિય અવસ્થામાંથી પસાર થાય છે જે છાલની તિરાડોમાં સુષુપ્ત રહે છે અને ચોમાસાની શરૂઆતમાં પુખ્ત કીટકો બહાર નીકળે છે. આ રીતે આ જીવાતની એક વર્ષમાં ચાર પેઢીઓ જોવા મળે છે.
નુકશાન:
આ જીવાતના નુકસાનના પ્રાથમિક લક્ષણમાં આંબાની કુમળી ડુંખોમાં નાના છિદ્રો જોવા મળે છે. ઈંડામાંથી નીકળેલી નાની ઈયળો શરૂઆતની અવસ્થામાં થોડા દિવસો માટે ૨ થી ૩ દિવસ કુમળા પાનની મધ્યનસમાં દાખલ થાય છે અથવા ડુંખોની કુમળી છાલ ઉપર નભે છે અને ત્યારબાદ ઈયળ ડૂંખમાં કાણું પાડી દાખલ થઈ ઉપરથી નીચેની તરફ કોરાણ કરે છે. આ રીતે ડૂંખમાં ૧૦૦ થી ૧૫૦ મિમી જેટલી ટનલ બનાવી નુકશાન કરી આગળ વધે છે. ડુંખમાં પ્રવેશ કરવા માટે બનાવેલ છિદ્ર પર મળમૂત્રની હાજરી જોવા મળે છે તેના પરથી નુક્શાનવાળી ડુંખોને ઓળખી શકાય છે. નુકશાનવાળી ડૂંખના પાન ચીમળાઈ જાય છે અને નવા પાંદડા સુકાઈને નીચે ખરી પડે છે. ઉપદ્રવિત ડુંખ સુકાઇ જવાથી તેની વૃદ્ધિ અટકી જાય છે અને તેનાં ઉપર નવી કુપળો ઝુમખામાં વિકસેલી જોવા મળે છે.
નર્સરીમાં નુકશાન:
નર્સરીઓમાં કલમ કરવા માટે માત્રુ છોડમાંથી છંટણી નિયમીત ચાલતી હોવાથી નવી કુપળો વધારે નીકળે છે તેથી આ જીવાતનુ ઉપદ્રવ નર્સરીઓમાં વધુ જોવા મળે છે. નવી બાંધેલી કલમોમાં ઉપદ્રવ ગંભીર પ્રમાણમાં જોવા મળે છે.
પુષ્પવિન્યાસમાં નુકશાન:
આંબામાં મોર આવે ત્યારે ઇયળ કુમળા પુષ્પવિન્યાસનો અંદરનો ભાગ ખાઈ જતી હોવાથી મોર સુકાઈ જાય છે. તેથી કેરી બેસતી નથી. આ રીતે આ જીવાત દક્ષિણ ગુજરાતમાં “આંબામાં ડુંખ અને મોર વેધક” તરીકે પોતાની એક નવી ઓળખ પ્રસ્થાપિત કરેલ છે.
નિયંત્રણ વ્યવસ્થાપન :
- ઉપદ્રવવાળી ડૂંખો અને મોરની ડાળીઓ કાપીને ઈયળ સહિત નાશ કરવો.
- ક્વિનાલફોસ ૨ મિલી અથવા પ્રોફેનોફોસ ૧.૫ મિલી અથવા લીમડાનું તેલ ૫ મિલી પ્રતિ લીટર પાણીમાં ભેળવી બે વાર પખવાડિયાના અંતરાલમાં નવી પીલવની નિકળવાની શરૂઆત થયેથી જંતુનાશકોને વારાફરથી બદલીને છંટકાવ કરવો.
સૌજન્ય:
ડો. સચિન.એમ.ચવ્હાણ , ડો. આશિષ એચ.પટેલ અને ડો.ચિરાગ આર.પટેલ
અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના- ફળ (એ.આઈ.સી.આર.પી.-ફ્રૂટ્સ),
કૃષિ પ્રાયોગિક કેન્દ્ર,નવસારી કૃષિ યુનિવર્સિટી,પરીયા, તા. પારડી, જી. વલસાડ
Share your comments