ફળપાકોમાં જેને રાજાની ઉપમા આપવામાં આવી છે એવું આંબો દુનિયાના લગભગ 111 જેટલા દેશોમાં જોવા મળે છે. તે ભારતનું અતિ પ્રાચીન ફળ છે અને તેને રાષ્ટ્રીય ફળ તરીકેનું બહુમાન આપવામાં આવ્યું છે. કેરીના ઉત્પાદનને અસર કરતા વિવિધ પરિબળોમાં જીવાતનો ઉપદ્રવ એ ઘણુ અગત્યનું પરિબળ છે.
ફળપાકોમાં જેને રાજાની ઉપમા આપવામાં આવી છે એવું આંબો દુનિયાના લગભગ 111 જેટલા દેશોમાં જોવા મળે છે. તે ભારતનું અતિ પ્રાચીન ફળ છે અને તેને રાષ્ટ્રીય ફળ તરીકેનું બહુમાન આપવામાં આવ્યું છે. કેરીના ઉત્પાદનને અસર કરતા વિવિધ પરિબળોમાં જીવાતનો ઉપદ્રવ એ ઘણુ અગત્યનું પરિબળ છે. આપણા દક્ષિણ ગુજરાત વિસ્તારમાં આંબાવાડિયામાં નુકસાન કરતી જીવાતો પૈકી આંબાનો મધિયો, ફળમાખી, આંબાનો મેઢ, ચીકટો (મીલીબગ), છાલ કોરતી ઈયળ, ડૂંખ ખાનાર ઈયળ, ભીંગડાવાળી જીવાત, ગાંઠીયા માખી (ગોલ મીજ), થ્રીપ્સ, રાતી કીડી તથા પાન કથીરી અગત્યની છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી દક્ષિાણ ગુજરાત અને જુનાગઢ વિસ્તારમાં આંબાની ફૂલ ભમરી (બ્લોસોમ મીંજ) નો ઉપદ્રવ જોવા મળે છે.
આંબાની વિવિધ જીવાતોમાં આંબાનો મધિયો વધુ નુકસાન કરતી જીવાતો પૈકીની એક જીવાત છે. આ જીવાત ભુખરા રંગની અને ફાચર આકારની હોય છે. આ જીવાતના બચ્ચાં અને પુખ્ત પાન અને મોરની ડાંડી પર ત્રાંસા ચાલતા હોવાથી તેને સહેલાઈથી ઓળખી શકાય છે.
સામાન્ય રીતે ઈંડા મૂકવાની શરૂઆત નવેમ્બર મહિનામાં જોવા મળતી નવી કૂંપળોના પાન ઉપર થાય છે. માદા કીટક પાનની નીચેની બાજુએ મધ્યનસ તેમજ પુષ્પ વિન્યાસમાં કૂમળા ભાગોમાં એકલ દોકલ રીતે ઈંડા મૂકે છે. એક માદા કીટક અંદાજીત ૧૦૦ થી ર૦૦ જેટલા ઈંડા મૂકે છે. ઈંડા અવસ્થા ૪ થી ૭ દિવસની હોય છે. બચ્ચાં અવસ્થા ૧૦ થી ૧પ દિવસની હોય છે. આ રીતે રપ થી ર૯ દિવસમાં જીવનક્રમ પુરો થાય છે. સામાન્ય રીતે મધિયાનો ઉપદ્રવ આખા વર્ષ દરમ્યાન જોવા મળે છે. પરંતુ મોર બેસવાના સમયે તેની સંખ્યામાં એકાએક વધારો થતા જોવા મળે છે. કેરીની સીઝન પુરી થયા બાદ પુખ્ત કીટક સુષુપ્ત અવસ્થા ઝાડના થડ પર રહેલી તીરાડોમાં પસાર કરે છે અને ફરીથી ઓકટોબર મહિનાના અંતમાં સક્રિય થાય છે.
આ જીવાતના ઉપદ્રવની શરૂઆત આંબામાં નવા પાન ફુટવાની શરૂઆતથી થાય છે. આંબા પર નવા પાન કે મોર ન હોય ત્યારે પુખ્ત કીટકો આંબાના થડ અથવા જાડી ડાળીઓની તિરાડમાં ભરાઈ રહે છે અને આંબાને પાન ફુટવાની કે મોર આવવાની શરૂઆત થાય ત્યારે સક્રિય બને છે. આ જીવાતની માદા કુમળા પાનોની કે મોરની ડાંડીમાં તેના ઈંડા મુકે છે. ઘણીવાર મોરની ડાંડીમાં વધુ પડતાં ઈંડા મુકાવાના લીધે મોર ખરી પડે છે. બચ્ચાં અને પુખ્ત કીટક કુમળા પાન અને મોરમાંથી રસ ચૂસે છે જેના પરિણામે પણ આંબાના પાન કોકડાઈ જાય છે અને મોર ખરી પડતો હોય છે.
આ જીવાત વનસ્પતિમાંથી રસ ચૂસીને નુકસાન કરતી હોય તે તેના શરીરમાંથી નકામા પદાર્થ તરીકે ચીકણો મધ જેવો પદાર્થ બહાર કાઢે છે આથી આ જીવાત મધિયા તરીકે પણ ઓળખાય છે. આ ચીકણા પદાર્થ પર કાળી ફૂગ વિકાસ પામે છે આથી પાનના ઉપરની સપાટી પર કાળા આવરણથી પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય છે જે ઝાડની વૃદ્ધિ અને ફળાઉ શકિતને અસર કરે છે. આ જીવાતનો ઉપદ્રવ વાદળછાયા ભેજવાળા વાતાવરણમાં વધી જતો જોવા મળે છે.
નિયંત્રણ:-
૧. આ જીવાતના આંબા પર નવા પાન કે મોર ન હોય ત્યારે થડ અને જાડી ડાળીઓ પરની તિરાડમાં ભરાઈ રહે છે આથી આ અવસ્થામાં આપણે એનો સહેલાઈથી નાશ કરી શકીએ છે.
૨. બ્યુવેરીયા બેઝીયાના અને મેટારીઝીયમ એનીસોપ્લી જેવી કીટભક્ષી ફૂગોથી આ જીવાતનું નિયંત્રણ થઇ શકે છે. આ ફૂગોનું હાલમાં વ્યાપારી ધોરણે ઉત્પાદન કરવામાં આવે છે તે બજારમાં સહેલાઇથી ઉપલબ્ધ છે.
૩. આંબાવાડીમાં પાણીના નિતારની પુરતી વ્યવસ્થા કરવી.
૪. આંબાવાડિયામાં સ્વચ્છતા રાખવી અને નીંદામણનો નાશ કરવો.
૫. જીવાતનો ઉપદ્રવ ઘનિષ્ટ આંબાવાડી જેમાં હવાની/પ્રકાશની અવરજવર ખુબ જ ઓછી અને ભેજવાળુ હોય તેવા આંબાવાડિયામાં વધુ રહેતુ હોય છે. આથી આ જીવાતના ઉપદ્રવને આંબાવાડિયામાં આવતો/વધતો અટકાવવા આંબાની છટણી કરી આંબાવાડિયામાં પુરતો પ્રકાશ અને હવાની અવર જવર રહે તેવી વ્યવસ્થા કરવી.
૬. જો મધિયાનો ઉપદ્રવ સામાન્ય પ્રમાણમાં હોય તો લીમડાની લીંબોળીના મીંજનું તાજુ બનાવેલ પ ટકાનું અથવા લીમડાનું તેલ પ ટકા (૧૦ લિટર પાણીમાં પ૦ મિલિ) પ્રમાણે ભેળવી છાંટવું પાણીમાં તેલને ફાડવા માટે સારી ગુણવત્તાવાળો ડીટરજન્ટ પાવડર ઉમેરવો. બજારમાં મળતી એઝાડીરેકટીન યુકત દવા ૧૦૦૦૦ પીપીએમ સાંદ્રતાવાળી દવા ૧૦ લિટરમાં પ મિલિ પંમાણે અને ૧પ૦૦ પીપીએમ સાંદ્રતા ધરાવતી દવા ૧૦ લિટરમાં રપ થી ૩૦ મિલિ જેટલી લઈ છાંટવી.
૭. દક્ષિણ ગુજરાતમાં કુદરતી અવસ્થામાં આ જીવાતનું નિયંત્રણ એપીપાયરોપ્સ નામના બાહય પરજીવી દ્વારા થતુ હોય છે જેનું પણ આપણે જંતુનાશક દવાના છંટકાવ ઘટાડી સરક્ષણ કરી શકાય છે.
Share your comments