અત્યારે દેશ-વિદેશમાં તાજાં ફૂલની માંગ ખૂબ જ વધી છે. આથી ફૂલની ખેતીનું ભાવી ઘણું ઊજળું દેખાય છે. પરંતુ ફૂલ અત્યંત નાશવંત હોઈ, તે કાપણી બાદ વધારે વખત તાજું ન રહેતાં, જલ્દી કરમાઈ જાય છે. ફૂલ ભાગ્યે જ એક દિવસ કરતાં વધારે તાજું રહે છે. તેથી તેનું વેચાણ ખૂબ જ ઞડપથી કરવું જરૂરી છે. આથી તેનો વેપાર મોટાભાગે સ્થાનિક બજાર અને તેની આસપાસનાં શહેરોમાં જ કરવામાં આવે છે.
ફૂલની ખેતીમાંથી સારું આર્થિક વળતર મેળવવા ગુલાબ, સેવંતી, કાર્નેશન, ઓર્કિડ, એન્થુરિયમ અને જર્બેરા જેવા અગત્યના ફૂલનું વેચાણ દૂરના બજારમાં અને તેના નિકાસ કરવાથી મળી શકે તેમ છે. આ ત્યારે જ શક્ય બને, જ્યારે તેની ટકાઉ શક્તિ વધારવામાં આવે. આ માટે ફૂલનું તાજાપણું, રંગ, સુગંધ, આકાર, દેખાવ, ગુણવત્તા વગેરે લાંબો સમય સુધી જળવાઈ રહેવું જોઈએ. ફૂલની જાળવણી અને ટકાઉ શક્તિ અંગે વૈજ્ઞાનિક જાણકારી મેળવવી જરૂરી છે, જે નીચે મુજબ છે:
ફૂલનું કરમાવું : ફૂલ કરમાઈને જલ્દી નાશ પામે છે આથી ફૂલોની ટકાઉ શક્તિને અસર કરતાં પરિબળોને જાણવું ખૂબજ જરૂરી છે, જે નીચે મુજબ છે.
- વાતાવરણની વધારે ગરમી
- હવામાનમાં ઓછો ભેજ
- રોગ-જીવાતની અસર
- ફૂલની દાંડીને પાણી/પ્રવાહી કે ખોરાક મળવો બંધ થવો
- ઇથિલીન,એસ્કોર્બિક એસિડ, જેવાં ઉત્સેચક રસાયણોની પ્રક્રિયા વધવી
ફૂલની જાળવણી :
ફૂલની ખેતીમાંથી સારું વળતર મેળવવા તેની ટકાઉ શક્તિ વધારવી ખૂબ જ જરૂરી છે. તેથી તેના વેચાણ માટે પૂરતો સમય મળી રહે અને દૂરના બજારમાં સરળતાથી પહોંચાડી શકાય, આ ઉપરાંત તેનો બગાડ પણ અટકાવી શકાય તે અગત્યનું છે.
પ્રકાશ :
ફૂલની જાળવણીમાં પ્રકાશ અગત્યનો ભાગ ભજવે છે. જે ફૂલઝાડને પૂરતો પ્રકાશ મળી રહે છે તેનાં ફૂલો કાપણી બાદ લાંબો સમય સુધી તાજાં રહે છે. તેમજ તેની કળી સારી રીતે ખૂલે છે. દા.ત., સેવંતી, કાર્નેશન જ્યારે ઓછા પ્રકાશવાળા બાગમાં આ શક્ય નથી. આવા વખતે ફૂલની કળીને ખીલવવા અને ટકાઉ શક્તિ વધારવા તેને ખાંડ(સૂક્રોઝ)ના દ્રાવણની માવજત આપવી જોઈએ.
કાપણી: ફૂલની કપણીને ઋતુ, પરિપક્વતા અને સમય વગેરે તેની જાળવણીને અસર કરનારા ઘટકો છે.
- ઋતુ : સામાન્ય રીતે શિયાળમાંફૂલની ટકાઉ શક્તિ, વસંત/ઉનાળુ ઋતુના ફૂલો કરતાં વધારે હોય છે પરંતુ ગ્રીનહાઉસમાં સારા ગુણવત્તાવાળા ફૂલોની ખેતી આખા વર્ષ દરમ્યાન કરી શકાય છે.
- પરિપક્વતા : ફૂલને કળી અવસ્થાએ કાપણી કરવાથી તેની ટકાઉ શક્તિ, ખુલ્લાં ફૂલ કરતાં વધારે હોય છે. તદ્ઉપરાંત કળી અવસ્થાએ કાપણી કરવાથી તેની હેરફેર કરવામાં પણ ઘણી સરળતા રહે છે, તેમજ વધારે પડતું ઉષ્ણતામાન કે ઇથિલીનની આડ અસર ઓછી થાય છે. પરંતુ ગુલાબ અને જર્બેરા જેવા ફૂલને અપરિપક્વ કળી અવસ્થાએ કાપણી કરવાથી ફૂલ ખીલતાં નથી, અગર તો કરમાઈ જાય છે.
મહત્વના ફૂલો તેમજ તેની કપણીની અવસ્થા નીચે પ્રમાણે છે.
ફૂલ |
કાપણીની અવસ્થા |
ગુલાબ |
પુખ્ત વયની બંધ કળી |
કાર્નેશન |
પુખ્ત કળી કલરના બ્રશ જેવી દેખાય ત્યારે |
જર્બેરા |
રે ફ્લોરેટસ પૂરા ખીલે અને ડીસ્ક ફ્લોરેટસના બે વર્તુળ ખૂલે તેમજ સીધા રહે ત્યારે |
સેવંતી |
સ્ટાન્ડર્ડ – પૂર્ણ ખીલેલા પરંતુ સેન્ટ્રલ ડીસ્કના પુખ્ત થવા પહેલા |
સ્પ્રે – ચાર ફૂલ પૂર્ણ ખીલેલા હોવા જોઈએ પરંતુ પરાગકણ ખરે એ પહેલા કાપવું |
|
ડેકોરેટીવ – સૌથી પહેલું ફૂલ પૂર્ણ ખીલે ત્યારે |
|
ઓર્કિડ |
મુખ્યત્વે બધા ફૂલો ખીલે ત્યારે (ડેન્ડ્રોબિયમ : દાંડી પરના ફૂલો ૭૫% ખીલે ત્યારે) |
એન્થુરિયમ |
સ્પેડીક્સમા ૨૫ – ૫૦% કલર બદલાય ત્યારે |
ગ્લેડીયોલસ |
ફૂલદાંડીમા જ્યારે નીચેના પ્રથમ કળીઓમાં ફૂલનો રંગ જોવા મળે એટલે કે પ્રથમ ફૂલ ખીલવાની શરૂઆત થાય ત્યારે છોડની નીચેનો ૪ થી ૬ પાનવાળો ભાગ રહેવા દઈ ફૂલદાંડી કાપી લેવી |
ગલગોટા |
પૂરેપૂરા ખીલ્યા પછી ફૂલોને હાથથી ચુંટવા |
ગેલાર્ડિયા |
પૂરેપૂરા ખીલ્યા પછી ફૂલોને હાથથી ચુંટવા |
ગુલછડી |
કટ ફ્લાવર : પહેલી ફૂલની જોડી ખૂલે ત્યારે છૂટાં ફૂલ : ખીલેલા ફૂલ |
સ્પાઈડર લીલી |
બંધ પરંતુ પૂરેપૂરી પરિપક્વ કળી |
- સમય : ફૂલની ટકાઉ શક્તિ, દિવસના કયા ભાગમાં તેની કાપણી કરવી તેના પર પણ નિર્ભર છે. જેમ કે, બપોર બાદ ચૂંટેલા ફૂલની ટકાઉ શક્તિ સવારે ચૂંટેલા ફૂલ કરતાં ઓછી હોય છે.
- કાપવાની પધ્ધતિ : ફૂલ કાપવા માટે ધારદાર હથિયાર વાપરવું જરૂરી છે. જેથી ધારદાર તેમજ ત્રાંસો કાપ આવી શકે.
ફૂલોની કાપણી વખતે : કેટલાક મહત્વના ઘટકો ધ્યાનમાં રાખવા જરૂરી છે જેથી ફૂલોને લાંબા સમય સુધી ટકાવી શકાય. જે નીચે પ્રમાણે છે.
અ) ઇથિલીનની અસર : ઇથિલીન કાપેલા ફૂલોમાં વધારે જોવા મળે છે અને ફૂલના કરમાવાની શરૂઆતમાં સૌથી વધુ ઇથિલીન ઉત્પન્ન થાય છે. બધા ફૂલોમાં ઇથિલીનની વિવિધ અસર જોવા મળે છે, જેમ કે ગુલાબ, કાર્નેશન, સેવંતી વગેરેમાં ઇથિલીનની આડ અસર વધુ હોય છે. ઇથિલીનની અસર ઓછી કરવા માટે એન્ટી ઇથિલીન વાપરવાથી ફૂલોનો ટકાઉ સમય અને ગુણવત્તા સુધારી શકાય છે.
બ) ગ્રાહકોની પસંદગી : ગ્રાહકોની પસંદગી દાંડીની લંબાઈ, ફૂલનું કદ, રંગ, કળીની અવસ્થા વગેરે પર નિર્ભર કરે છે. આથી અલગ-અલગ ગ્રાહકોની પસંદગી પ્રમાણે ફૂલોની કાપણી કરવામાં આવે છે.
ક) બજારનું અંતર : ફૂલની કાપણીની અવસ્થા બજારના અંતર પ્રમાણે નિર્ધારિત કરવામાં આવે છે. દૂરના બજાર માટે ફૂલને કળી અવસ્થામાં કાપી લેવું અને પલ્સીંગ કરવું. ત્યારબાદ પેકિંગ સારી રીતે કરવું જેથી લાંબા અંતરના બજાર સુધી ફૂલોની ગુણવત્તા જળવાઈ રહે. સ્થાનિક બજાર માટે તેમજ સીધા વેચાણ માટે ફૂલો અર્ધા ખીલેલી અવસ્થાએ કાપવા જોઈએ.
ડ) બજારની સ્થિતિ : બજારમાં કયા ફૂલની કેટલી કિંમત છે અને તેની માંગણી કેટલી છે એનો અભ્યાસ જરૂરી છે. જેમ કે તહેવારોના સમયમાં ફૂલોની માંગણી વધી જાય છે. જે માટે કાપણી બાદની જાળવણીમાં સંગ્રહ અને પેકિંગનો આગ્રહ રાખી લાંબા સમય સુધી ફૂલોને સાચવી રાખીને વધુ ભાવ મેળવી શકાય છે.
ફૂલની કાપણી પછીની માવજત
કન્ડીશનીંગ/ હાર્ડનીંગ : કન્ડીશનીંગ કે હાર્ડનીંગ કરવાથી ફૂલોની કુદરતી આદ્રતા જળવાઈ રહે છે. આ પ્રક્રિયા માટે ડીમિનરાલાઈઝડ પાણીમાં ખાંડ સાથે જંતુનાશક જેમ કે એસટીએસ, ૮-એચકયુસી, ૮-એચક્યુએસ નાંખવું. લીંબુના ફૂલ (સાઈટ્રિક એસિડ)ના વપરાશથી પાણીની આમ્લતા ૪-૫ સુધી રાખવી. ફૂલોને કાપ્યા પછી આવા દ્રાવણમાં એક કલાક સુધી રાખ્યા બાદ હૂંફાળા પાણીમાં દાંડી બોળી ઠંડકવાળી ઓરડીમાં મૂકી દેવું.
પ્રીકુલિંગ : ફૂલોની કાપણી કર્યા બાદ તુરંત જ પાણી ભરેલી ડોલમાં મૂકી દેવ અને પછી એમને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા. પ્રીકુલિંગ કરવાથી ફિલ્ડ હીટ નીકળી જશે જેથી ફૂલોની મેટાબોલિક પ્રક્રિયા મંદ થઈ જશે અને ફૂલ વધુ સમય સુધી તાજાં રહેશે. પ્રીકુલિંગનું તાપમાન દરેક ફૂલ પ્રમાણે અલગ હોય છે જેમ કે ગુલાબ (૧૩° સે.) જ્યારે સેવંતી અને ઓર્કિડ (૦.૫°-૪° સે.) રૂમ કુલિંગ, ફોસર્ડ એયર કુલિંગ, હાઈડ્રો કુલિંગ, વેક્યુમ કુલિંગ અને આઇસબાર કુલિંગ જેવી પધ્ધતિઓને અવલંબ પ્રીકુલિંગ માટે કરી શકાય છે.
પલ્સીંગ : આ પ્રક્રિયામાં ફૂલોને ઓછા સમય માટે વધુ ખાંડ (સુક્રોઝ)ના દ્રાવણમાં બોળી રાખવામાં આવે છે. આથી ફૂલોને ખોરાક પૂરતા પ્રમાણમાં મળી રહે અને ફૂલને વધુ સમય ટકાવી શકાય છે. આ સાથે ૮-એચકયુ, ૮-એચકયુસી, ૮-એચક્યુએસ, સિલ્વર નાઇટ્રેટ, સાઈટ્રિક એસિડ જેવા રસાયણો નાંખવાથી સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થાય છે તેમજ ખાંડ અને પાણી પૂરતા પ્રમાણમાં ફૂલને મળી રહે છે. ગુલાબ અને કાર્નેશન માટે ૫-૮% ખાંડનું દ્રાવણ તેમજ ગ્લેડીયોલસ અને રજનીગંધા જેવા ફૂલો માટે ૧૦-૨૦% ખાંડનું દ્રાવણ કરવું જરૂરી છે. આ પ્રક્રિયા સવારે અને સાંજે ફૂલોની કાપણી બાદ તરત જ કરવાની હોય છે. જે કર્યા બાદ ફૂલોને બજારમાં મોકલી શકાય છે.
રસાયણો દ્વારા ફૂલોની માવજત : ફૂલની જાળવણી માટે વિવિધ રસાયણોના બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જેમાં વિવિધ ગુણધર્મો જેવા કે જંતુઘ્ન, ખોરાક, અમ્લતા, રસ પ્રવાહની જાળવણી વગેરે હોય છે તેમજ આ રસાયણો ઇથિલીન, એબસીસીક એસિડ અને ઉત્સેચકની આડ અસર ઓછી કરવામાં મદદ કરે છે.
રસાયણો શું કાર્ય કરે છે?
- ૮-એચકયુએસ, ૮-એચકયુસી, મોરથુથુ (કોપર સલ્ફેટ), સિલ્વર નાઇટ્રેટ, એલ્યુમિનિયમ નાઇટ્રેટ, ઝિન્ક એસીટેટ, સોડિયમ હાઈડ્રોક્લોરાઇડ વગેરે રસાયણો દ્રાવણમાં બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે.
- વધારે અમ્લતાવાળું દ્રાવણ (પી.એચ. ૩-૪), એજાઈડ, ડી. એન. પી., ૮-એચક્યુ વગેરે ઉત્સેચકની પ્રક્રિયા ઓછી કરવામાં મદદરૂપ બને છે.
- દ્રાવણમાં ખાંડ(સુક્રોઝ) ૧-૪% હોય છે, જે શક્તિ આપવા ઉપરાંત પાણી શોષવામાં મદદ કરે છે. ફૂલની સંગ્રહશક્તિ વધારવા ખાંડ (સુક્રોઝ) કે સિલ્વર થાયોસલ્ફેટ, કાપણી બાદ વાપરવું જોઈએ. સિલ્વર થાયોસલ્ફેટ, ઇથિલીનથી થતી આડ અસરથી ફૂલને બચાવે છે.
- સાયટોકાઈનીન અને કાઈનેટીન હરિત દ્રવ્યનો નાશ થતો અટકાવે છે.
- લીંબુનાં ફૂલ (સાઈટ્રીક એસિડ), વેટિંગ એજન્ટ અને પ્રિઝર્વેટીવ સાથે વાપરવાથી તે સૂક્ષ્મ જીવાણું સામે રક્ષણ આપે છે. તદ્ઉપરાંત પાણી શોષવામાં અને અમ્લતા વધારવામાં મદદ કરે છે.
- દ્રાવણ બનાવવા માટેનું પાણી :
ફૂલની જાળવણી માટેનું દ્રાવણ બનાવવા સારી ગુણવત્તાવાળું પાણી વાપરવું જરૂરી છે. પાણીમાં લિટરે ૦.૨ ગ્રામથી વધારે કુલ દ્રાવ્ય ઓગળેલ ન હોવા જોઈએ. ખાસ કરીને ક્ષારયુકત કે ક્લોરાઇડવાળું પાણી વાપરવું ન જોઈએ. દ્રાવણ બનાવવા માટે ડીઆયોનાઈઝડ, ડીસ્ટીલ કે રીવર્સ ઓસ્મોસીસવાળું પાણી વાપરવું સારું ગણાય.
- ફૂલદાનીમાં રાખવાનું દ્રાવણ :
આ દ્રાવણમાં ખાંડ, સૂક્ષ્મજીવાણુંનાશક તેમજ ફૂલને વધુ સમય તાજા રાખી શકનાર રસાયણોનો સમાવેશ થાય છે. જેમાં ફૂલો કાયમ સ્વરૂપે રાખવામાં આવે છે. સૂક્ષ્મ જીવાણુંનાશકમાં ૮-એચકયુસી, ૮-એચકયુએસ, એલ્યુમિનિયમ સલ્ફેટ હોય છે, જ્યારે એસટીએસ, સિલ્વર નાઇટ્રેટ એ એન્ટી ઇથિલીન એજન્ટ છે. વૃધ્ધિ નિયંત્રિત કરનાર રસાયણો જેમ કે જીબરેલિક એસિડ, બેનઝાઈલ એડેનીન વગેરેનો ઉપયોગ પણ વાજ સોલ્યુશન તરીકે થાય છે.
વર્ગીકરણ :
વર્ગીકરણ એટલે બજારમાં ફૂલો મોકલવા પહેલા ગુણવત્તાના આધારે જુદા જુદા જુથ બનાવવા. ફૂલોનું વર્ગીકરણ દેખાવ, પરિપક્વતા, રંગ, કદ, દાંડીની લંબાઈ અને રોગ-જીવાત દ્વારા કરવામાં આવતી ઇજાઓના આધારે કરવામાં આવે છે. નિકાસ માટે વિવિધ ફૂલોની ગુણવત્તા નિર્ધારિત કરેલ હોય છે તેથી બધી જ જરૂરીયાતો પૂર્ણ થયેલી હોવી જોઈએ. જરૂરિયાત પ્રમાણે ફૂલો તાજાં તેમજ ડાઘા વગરના અને યોગ્ય કદની પરિપક્વ કલીવાળા હોવા જોઈએ. અમેરિકાની સોસાયટી ઓફ અમેરિકન ફ્લોરીસ્ટ એ નિકાસ માટેના ફૂલોનું વર્ગીકરણ વાદળી (ફેન્સી), લાલ (સ્પેશ્યલ), લીલા (સ્ટાન્ડર્ડ) અને પીળા (ઉપયોગીતા/યુટીલીટી) એમ ચાર પ્રકારે કરેલ છે.
પેકેજીંગ :
પેકેજીંગ એ ફૂલની ગુણવત્તા, દેખાવ તેમજ ખીલવાની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. ખરાબ પેકેજીંગના કારણે ફૂલોને નુકસાન થાય છે તેમજ તેનો બજારભાવ પણ બરાબર મળતો નથી. પેકેજીંગ બરાબર ના કરવામાં આવે તો ફૂલના સેલમાં પાણીની અછત થઈ જાય છે, જે તેના દેખાવ માટે હાનિકારક હોય છે અને તેથી તેમની ટકાઉ ક્ષમતામાં ઘટાડો થાય છે. પેકેજીંગ દ્વારા ઘસાવાથી થતું નુકસાન અટકાવી શકાય છે તેમજ સંગ્રહ દરમ્યાન થતી ચિલીંગ ઇન્જરીથી બચાવી શકાય છે.
પેકેજીંગના મુખ્ય બે પ્રકાર છે.
૧) આંતરિક પેકેજીંગ: આ પ્રકારના પેકેજીંગમાં સીધા એક કે બે સ્તરના ફિલ્મનો વપરાશ કરી ફૂલો પેક કરવામાં આવે છે. જેમાં હવાની અવર જવર સરળતાથી થઈ શકે. આ માટે સેલોફેન પેપર, પોલીપ્રોપેલિન, બટર પેપર, પર્ચમેન્ટ પેપર, છાપાનો કાગળ અથવા કોરૂગેટેડ પેપર વાપરી શકાય છે.
૨) બાહ્ય પેકેજીંગ: બાહ્ય પેકેજીંગ દ્વારા ફૂલોને પરિવહન સમયે બાહ્ય ઘટકોથી થતી ઇજાઓ, ઉજરડાઓથી બચાવી શકાય છે. કલર ફૂલોના પેકેજીંગ માટે કોરૂગેટેડ ફાઈબર બોર્ડના છીદ્રો અથવા છીદ્રો વિનાના ખોખાનો ઉપયોગ કરવામાં આવે છે. આવા ખોખાની લંબાઈ એની પહોળાઈ કરતાં બે ગણી વધુ હોવી જોઈએ તેમજ પહોળાઈ ઊંચાઈના બે ગણી વધુ હોવી જોઈએ.
સંગ્રહ: સંગ્રહ માટે ફૂલોને ઓછા તાપમાને રાખવા જરૂરી છે. જે માટે નીચે આપેલ પ્રકારે સંગ્રહ કરી ફૂલોને વધુ સમય માટે ટકાવી શકાય છે.
રેફ્રીજરેશન : ફૂલોને ઓછા તાપમાને સંગ્રહ કરવાથી તેની શ્વાચ્છોશ્વાસની ક્રિયા ઘટે છે, તેથી ખાંડનો વપરાશ ઓછો થાય છે, તેમજ ઇથિલીન ઓછું ઉત્પન્ન થાય છે અને સૂક્ષ્મ જીવાણુની પ્રક્રિયા પણ ઘણી જ ઘટી જાય છે. આ સ્થિતિ ફૂલની ટકાઉ શક્તિ વધારવામાં મદદરૂપ બને છે. સામાન્ય રીતે મોટા ભાગનાં ફૂલો ૧° થી ૨° સે. તાપમાન અને ૯૦-૯૮ ટકા ભેજમાં સંગ્રહવામાં આવે છે. સંગ્રહ દરમ્યાન ફૂલ કરમાઈ ન જાય તે માટે ભેજ ૯૦-૯૨ ટકા જાળવી રાખવામાં આવે છે, જ્યારે કાર્નેશન માટે ૯૮ ટકા ભેજ નિયંત્રિત કરવામાં આવે છે. આથી ફૂલમાંથી પાણી ઓછું ઊડે છે અને લાંબા સમય સુધી તાજાં રહે છે. કાપણી બાદ ફૂલોને નિયત બોક્સમાં ભરી, જરૂરી તાપમાને (૧°-૨° સે.) લાવવામાં આવે છે. ત્યારબાદ તેનો સંગ્રહ કે વાહન કરવામાં આવે છે. સંગ્રહ દરમ્યાન હવાનું પૂરતું ભ્રમણ થવું જોઈએ, જેથી ઉત્પન્ન થયેલ ગરમીનો જલ્દી નિકાલ થઈ શકે. આ માટે શક્ય હોય ટો પેકિંગની એક બાજુ ખુલ્લી રાખવી, જેથી ગરમી જલ્દી શોષાઈ જાય. સંગ્રહ દરમ્યાન સામાન્ય રીતે હવાની ગતિ ૫૦-૭૫ ફૂટ દર મિનિટે હોય છે. પરંતુ જ્યારે ગરમી વધારે શોષાવાની હોય કે ભેજનું પ્રમાણ વધારે હોય ત્યારે હવાની ગતિ ૧૦૦ ફૂટ દર મિનિટે રાખવી જોઈએ.
એમ. એ. (મોડીફાઇડ એટમોસફીઅર) સ્ટોરેજ : આ પધ્ધતિમાં ફૂલને પ્લાસ્ટિક સ્લીવ/બેગ, કન્ટેઇનરમાં પેક કરવામાં આવે છે. આ કારણે ફૂલોનો શ્વાચ્છોશ્વાસ મંદ ગતિએ થાય છે જેથી ફૂલો વધુ સમય માટે સારી રીતે સંગ્રહ કરી શકાય છે.
ઘર-ગથ્થુ ઉપાય :
- ફૂલની કાપણી કરી તુરંત જ દાંડીને પાણીમાં મૂકવી
- તાપ કે પંખા પાસે ફૂલ ન રાખવા
- સ્પ્રેયરથી પાણી છાંટી ભેજ વધારવો
- જરૂર મુજબ દાંડીનો છેડો કાપતાં રહેવું
- પાણીમાં થોડી ખાંડ (સુક્રોઝ) અને મોરથુથુ (કોપર સલ્ફેટ) નાંખવું
Share your comments