દાડમ એ વિશ્વના ઉષ્ણકટિબંધીય પ્રદેશોનો એક વ્યાવસાયિક ફળ પાક છે અને વિશ્વભરમા દાડમની વ્યાપકપણે ખેતી કરવામાં આવે છે કારણકે તેની વ્યાપક વાતાવરણીય અનુકૂલનક્ષમતા, સુકારા સામે પ્રતીકારકતા, ઉચ્ચ ગુણવત્તા અને ખુબજ બહોળી માત્રામાં પોષક ગુણો ધરાવે છે. ભારતમાં, ૨,૩૪,૦૦૦ હેક્ટર વિસ્તારમાં દાડમની ખેતી કરવામાં આવે છે અને તેનું વાર્ષિક ઉત્પાદન ૨૮,૪૫,૦૦૦ મેટ્રિક ટન મળે છે. ભારતમાં તેની ખેતી ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં થાય છે. ગુજરાતમાં દાડમનુ વાવેતર બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, ધોળકા, ભાવનગર વગેરે જીલ્લાઓમાં થાય છે. દાડમએ ૧00 ગ્રામ દીઠ આશરે ૮૩ ગ્રામ કેલરી ધરાવે છે જે સફરજન કરતાં સહેજ વધુ છે. તેમાં કોઈપણ પ્રકારનું કોલેસ્ટ્રોલ હોતુ નથી. દાડમના ફળમા ખુબજ સારી માત્રામાં વિટામિન-સી હોય છે, જે દરરોજની જરૂરિયાતના ૧૦૦ ગ્રામ દીઠ લગભગ ૧૭ ટકા પૂરો પાડે છે. દાડમનું નિયમિત સેવન પ્રોસ્ટેટ કેન્સર, સૌમ્ય પ્રોસ્ટેટિક હાયપરપ્લાસિયા (BPH), ડાયાબિટીસ અને લિમ્ફોમા જેવા રોગો સામે પણ અસરકારક હોવાનું જણાયું છે.
વૈજ્ઞાનિકો દ્વારા દાડમના પાક પર ૯૧ કીટકો, ૬ કથીરી અને ૧ ગોકળગાયનો ઉપદ્રવ નોંધવામાં આવ્યો છે. દાડમનુ પતંગિયુ, ફળ ચૂસનાર ફૂદુ, છાલ ખાનાર ઈયળ વગેરે તેમજ ચાવીને ખાનાર જીવાતો અને મોલો, થ્રીપ્સ, સફેદમાખી, મીલીબગ, કથીરી વગેરે ચુસીયા જીવાતો પાકના ફૂલ અને ફળ આવવાની અવસ્થા દરમિયાન ઉપદ્રવ જોવા મળે છે. દાડમનું પતંગિયું એ દાડમના ઉત્પાદનને મર્યાદિત કરતી મુખ્ય જીવાત છે. આ જીવાત રોમપક્ષ શ્રેણીની લાયકેનીડી કુળની છે અને તેનું વૈજ્ઞાનિક નામ વિરાકોલા આઈસોક્રેટસ છે. આ જીવાત દાડમના ફળમાં ખૂબ નુકસાન કરે છે. આ પતંગિયનો ચોમાસાના અંતમાં અને શિયાળામાં વધુ ઉપદ્રવ જોવા મળે છે.
ઓળખ: દાડમનુ પતંગિયુ મધ્યમ કદનું ચળકતા ભુખરા થી કથ્થાઇ રંગની આગળની પાંખો તથા તેની ઊપર નારંગી રંગના ટપકાં હોય છે. નરમાં પાંખોની ઉપરની બાજુ આછા જાંબલી વાદળી રંગની તથા માદામા ભૂખરા રંગની અને છેવાડે વાદળી રંગ જોવા મળે છે. ઈંડા ગોળ ચપટા અને લીલાશ પડતા વાદળી રંગના હોય છે. માદા ફૂદુ કુમળા પાન, ફૂલની કળીઓ પર એકલા દોકલ
ઈંડા મુકે છે. આ જીવાતની ઇયળ મજબુત બાંધાની ઘાટા ભૂખરા રંગની, સંપૂર્ણ શરીર પર ટૂંકાવાળ અને સફેદ અનિયમિત આકારના ટપકાં ધરાવે છે. કોશેટો ઘાટા લીલા રંગનો તથા તેના પર કાળા ટપકા જોવા મળે છે તથા ખુંધ જેવો મધ્યભાગ અને તેનો ઉંદર પ્રદેશ માથાના ભાગ કરતા પહોળો જોવા મળે છે.
નુકશાન: આ જીવાતની ઈયળ અવસ્થા નુકશાનકારક છે. ઈંડાંમાંથી નીકળેલ ઇયળ ફળમાં છિદ્ર પાડીને અંદર દાખલ થાય છે અને વિકાસ પામતા દાણા ખાય છે. આવા નુકસાન પામેલા દાડમમાં ફૂગ અને જીવાણુંનું આકમણ થતાં ફળ કોહવાય જાય છે અને તેમાંથી ખરાબ વાસ આવે છે તથા છિદ્રમાથી ઈયળની હંગાર બહાર નીકળે છે. ઉપદ્રવિત ફળ સડવા લાગે છે અને નીચે પડી જાય છે. ફળની ગુણવત્તા બગડતા ઉત્પાદન પર માઠી અસર થાય છે. આ જીવાતનું નુકસાન ચોમાસાની ઋતુમાં વધારે જોવા મળે છે. વિકસીત ઇયળ નુકસાન પામેલ ફળમાં કોશેટા અવસ્થામાં ફેરવાઇ જાય છે.
સંકલિત વ્યવસ્થાપન
- દાડમના ફળની કાપણી પછી તરત જ ઝાડની આસપાસ ખોદવું અથવા ખેડવું જેથી પતંગિયાના કોશેટા જમીન માંથી બહાર ખુલ્લા થતા પરભક્ષી પક્ષીઓ, અન્ય કુદરતી દુશ્મનો ખાઈ જશે અથવા સૂર્યના તાપથી નાશ પામશે.
- આ જીવાતના વૈકલ્પિક યજમાનો જેવા કે નીંદણ અને છોડને ખેતરમાંથી કે આસપાસના વિસ્તારમાંથી દૂર કરવા.
- ખરી પડેલ અને ઉપદ્રવિત ફળોને નિયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો.
- નાના ફળો જયારે લીંબુ જેવા કદના થાય (ફલીકરણ થયાના ૩૦-૪૦ દિવસ બાદ) ત્યારે શંકુ આકારની કાગળની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુકસાન ઓછું થાય છે.
- પુખ્ત ફૂદીના નિયંત્રણ માટે પ્રતિ હેક્ટર એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરવો જોઈએ.
- આર્થિક નુકશાન સ્તર: ફૂલ ની કળીઓ પર ૫ ઈંડા પ્રતિ ઝાડ જોવા મળે ત્યારે નિયંત્રણ ના પગલા લેવાના ચાલુ કરવા.
- પરજીવી ભમરી ટ્રાઈકોગ્રામા ચીલોનીસ ને ૧,૦૦,૦૦૦ પ્રતિ એકર ની સંખ્યામાં દાડમના બગીચામાં ફૂલ અવસ્થાએ છોડવાથી પતંગિયાના ઈંડાનું પરજીવીકરણ કરી તેનો ઉપદ્રવ અટકાવે છે.
- ફૂલ અવસ્થાએ લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા એઝાડીરેકટીન ૧૫૦૦ પીપીએમ ૩૦ મિ.લિ. ૧૦ લિટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવાથી ફળ કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ કરી શકાય છે.
- ઉપદ્રવ વધારે હોય ત્યારે બ્યુવેરીયા બેસીયાના ૧% વે.પા. ૧૦ ગ્રામ અથવા બેસીલસ થુરીન્જીન્સીસ ૧% વે.પા. ૧૫ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
- રાસાયણિક રીતે જીવાતના નિયંત્રણ માટે ઈન્ડોક્સાકાર્બ ૧૪.૫% એસ.સી. (0.૫ મિ.લી./લિટર) અથવા સ્પિનોસાડ ૪૫% એસ.સી. (0.૫ મિ.લી./લિટર) અથવા સાયપરમેથ્રિન ૨૫% ઈ.સી. (૧.૦ મિ.લી./લિટર) થી પખવાડિયાના અંતરે ફૂલથી ફળના વિકાસ દરમિયાન છંટકાવ કરવો.
- કોઈપણ રાસાયણિક દવાના છંટકાવ કર્યાના એક અઠવાડીયા બાદ ફળની કાપણી કરવી.
આ પણ વાંચો: સાઉથ અમેરિકન પીનવોર્મ: સંરક્ષિત (ગ્રીન હાઉસ) ટામેટાની આક્રમક જીવાત
સૌજન્ય:
શ્રી આર. ડી. ડોડીયા, ડો. એ. એચ. બારડ અને ડો. એન. પી. પઠાણ
પીએચ.ડી. વિદ્યાર્થી, કીટકશાસ્ત્ર વિભાગ, ચી. પ. કૃષિ મહાવિદ્યાલય, સ.દા.કૃ.યુ., સરદારકૃષિનગર
પાક સંરક્ષણ વિભાગ, બાગાયત કૃષિમહાવિદ્યાલય, આ.કૃ.યુ., આણદ
પાક સંરક્ષણ વિભાગ, બાગાયત કૃષિમહાવિદ્યાલય, સ.દા.કૃ.યુ., જગુદણ
Share your comments