દુધને સંપૂર્ણ ખોરાક ગણવામાં આવે છે. તમે બધા જાણો છો જ કે દૂધ પીવું સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે. દૂધમાં ઘણા પોષક તત્વો હોય છે. જેના કારણે દૂધ પીવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ, ઘણી વખત એવી ચર્ચા ઉપડે છે કે કયા પ્રાણીનું દૂધ આરોગ્ય માટે વધુ ફાયદાકારક છે? કેટલીકવાર બકરીના દૂધની એટલી માંગ હોય છે કે તે 1000 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાવા લાગે છે. પરંતુ, મોટાભાગના લોકો ગાય અથવા ભેંસનું દૂધ પીવે છે.
દુધ એ સમતોલ આહાર છે. બાળક જન્મે ત્યારે તેને માતાનુ દુધ પીવડાવવામાં આવે છે અને બાદમાં તેને ગાય કે ભેંસનુ દુધ પીવડાવવામાં આવે છે. કોઇ પણ ઉંમરના માણસને ગાય કે ભેંસનુ દુધ આપવુ તે લાભદાયી છે. દૂધમાં કેલ્શિયમની માત્રા ભરપૂર હોય છે, જેના કારણે આપણા દાંત તેમજ હાડકા મજબૂત રહે છે. ડૉક્ટર્સ પણ આપણને એટલા માટે જ દૂધ પીવાની સલાહ આપતા હોય છે. ગાય અને ભેંસ બંનેનું દુધ ફાયદાકારક હોય છે.
આવી સ્થિતિમાં આજે અમે તમને ગાય અને ભેંસના દૂધ વિશે જણાવીએ છીએ. આ દૂધ તમારા સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક છે ઉપરાંત, અમે તમને જણાવીશું કે આમાંથી કયું દૂધ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે અને તમારે કયા દૂધનું સેવન કરવું જોઈએ.
ગાય અને ભેંસના દૂધ વચ્ચે શું છે અંતર?
ગાયનું દૂધ હળવું હોય છે અને તેમાં ભેંસના દૂધ કરતાં ચરબી ઓછી હોય છે. ઉપરાંત ગાયનું દૂધ સરળતાથી પચી જાય છે. આ જ કારણે જ બાળકોને ફક્ત ગાયનું દૂધ જ આપવામાં આવે છે. ગાયનું દૂધ 1-2 દિવસ પીવી શકાય છે. જ્યારે ભેંસનું દૂધ ઘણી રીતે વધુ દિવસો સુધી રાખી શકાય છે. ગાયના દૂધમાં પાણીની માત્રા વધુ હોય છે. 90% દૂધ પાણીથી બને છે. ભેંસના દૂધમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા વધુ ખનિજો હોય છે.
પોષકતત્વમાં વધુ સારું કયું?
જો આપણે પોષક તત્વોના આધારે ગાયના દૂધ વિશે વાત કરીએ તો ગાયના દૂધમાં ચરબીનું પ્રમાણ ભેંસના દૂધ કરતા ઓછું હોય છે. ગાયના દૂધમાં 3થી 4 ટકા ચરબી હોય છે, જ્યારે ભેંસના દૂધમાં 7 થી 8 ટકા ચરબી હોય છે. બીજી તરફ ગાયના દૂધની તુલનામાં ભેંસના દૂધમાં 10-11 ટકા પ્રોટીન હોય છે. જો આપણે કોલેસ્ટેરોલના આધારે વાત કરીએ, તો ભેંસના દૂધમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઓછું છે. તેથી તે પીસીઓડી, હાયપરટેન્શન, કિડનીની સમસ્યાઓ અને મેદસ્વીપણાથી પીડાતા લોકો માટે ઉત્તમ સાબિત થાય છે.
ગાયનું દૂધ કોણે પીવું જોઈએ?
જો તમે પાણી ઓછું પીવો છો અને એવું ઈચ્છી રહ્યા છો કે, શરીરમાં પાણીની કમી ન પેદા થાય તો તમારે ગાયનું દૂધ પીવું જોઈએ. ગાયના દૂધમાં 90 ટકા પાણી હોય છે. જે તમને હાઈડ્રેટ રાખે છે.
જે લોકો પોતાનું વજન ઘટાડવા માગે છે તેમના માટે પણ ગાયનું દૂધ ફાયદા કારક છે, કારણ કે, તેમાં ફેટનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ સાથે જ ગાયના 100 મિલી દૂધમાં માત્ર 61 ટકા કેલેરી જ હોય છે.
ભેંસનું દૂધ કોણે પીવું જોઈએ?
એવું કહેવામાં આવે છે કે, ભેંસના દૂધમાં ગાયના દૂધની તૂલનાએ 10 થી 11 ટકા વધુ પ્રોટીન હોય છે. એટલા માટે જેના શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તેમણે ભેંસનું દૂધ પીવું જોઈએ. વર્તમાન સમયેમાં દરેક વ્યક્તિ કેલરી પર વધારે ધ્યાન આપે છે અને જ્યારે તે બંને દૂધની કેલરીની વાત આવે છે, તો પછી ભેંસના દૂધમાં વધુ કેલરી હોય છે. કારણ કે તેમાં પ્રોટીન અને ચરબીનું પ્રમાણ વધુ હોય છે. એક કપ ભેંસના દૂધમાં 237 કેલરી હોય છે, જ્યારે એક કપ ગાયના દૂધમાં 148 કેલરી હોય છે. હવે તમે તમારા શરીરની જરૂરિયાતને આધારે નિર્ણય કરી શકો છો કે ક્યુ દૂધ તમારા શરીર માટે વધુ ફાયદાકારક છે
Share your comments