ખેડૂતોની આવકને બમણી કરવાના ઉદ્દેશથી કેન્દ્ર સરકારે અનેક યોજનાઓની શરૂઆત કરી છે. આ પૈકીની એક PM કુસુમ યોજના છે. પીએમ કુસુમ યોજનાની શરૂઆત વર્ષ 2019માં થઈ હતી. ત્યાર બાદ બજેટ 2020માં નાણાં પ્રધાન નિર્મલા સીતારમને આ યોજનાનું વિસ્તરણ કર્યુ છે.
શું છે પીએમ કુસુમ યોજના ?
પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને સબસીડી પર સોલાર પૅનલ આપવામાં આવે છે, જેમાંથી વીજળી બનાવી શકાય છે. આવશ્યકતા પ્રમાણે વીજળીનો ઉપયોગ કરી બાકી વીજળીનું વેચાણ કરી વધારાની કમાણી કરી શકાય છે. પીએમ કુસુમ યોજના હેઠળ 20 લાખ ખેડૂતોને સોલાર પંપ લગાવવામાં મદદ કરવામાં આવશે. આ ઉપરાંત 15 લાખ ખેડૂતોને ગ્રિડથી જોડી સોલાર પંપ લગાવવા માટે સબસીડી ઉપલબ્ધ કરાવવામાં આવશે. પીએમ કુસુમ યોજના પર સરકારે રૂપિયા 34,422 કરોડ ખર્ચ કરવાની જાહેરાત કરાઈ છે.
સોલાર પૅનલ પર 90 ટકા વળતર
પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન પર સોલાર પૅનલ લગાવવા માટે ફક્ત 10 ટકા રકમ જ આપવી પડે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતોના બૅંક ખાતામાં 60 ટકા સબસીડીની રકમ આપે છે. તેમાં કેન્દ્ર અને રાજ્યો તરફથી સમાન યોગદાન આપવાની જોગવાઈ છે. જ્યારે બૅંક તરફથી 30 ટકા ફી લોનની જોગવાઈ છે. આ લોનને ખેડૂતો તેમની આવકમાંથી સરળતાથી ભરી શકે છે.
કેવી રીતે અરજી કરી શકાય છે ?
પીએમ કુસુમ યોજના હેઠળ અરજી માટે અધિકૃત વેબસાઇટ પર જઈને અરજી કરી શકાય છે. આ ઉપરાંત વિવિધ રાજ્યોના ખેડૂતો તેમની નજીકના કૃષિ વિભાગ કેન્દ્રનો સંપર્ક કરી શકે છે.
સોલાર પ્લાંટ લગાવવા માટે શુ જરૂરી છે ?
સોલાર પ્લાંટ લગાવવા માટે આધાર કાર્ડ, પ્રૉપર્ટીના દસ્તાવેજ તથા બૅંક ખાતાની વિગતો જરૂરી છે. આ ઉપરાંત સોલાર પ્લાંટ લગાવવા માટે જમીન વિદ્યુત સબ-સ્ટેશનમાંથી 5 કિલોમીટરના ઘેરાવામાં હોવી જોઈએ. ખેડૂત સોલાર પ્લાંટ જાતે અથવા ડેવલપરને જમીનને પટ્ટે આપી લગાવી શકે છે.
ખેડૂતો વધારે માહિતી માટે https://mnre.gov.in/img/documents/uploads/file_s-1603101147203.pdf પર મુલાકાત લઈ શકે છે.
Share your comments