ગુજરાતમાં ખેડૂતોની આવક વધારવા માટે સરકાર સક્રીય હોવાનું જણાવતા નાણાં પ્રધાને કહ્યુ કે, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. આ સાથે જ તેમણે જણાવ્યું કે,ગુજરાતના કૃષિ કલ્યાણ અને સહકાર ક્ષેત્ર માટે 7737 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં પાકકૃષિ વ્યવસ્થાની વિવિધ યોજનાઓની જોગવાઈ માટે 2310 કરોડની જોગવાઈ કરવામાં આવી છે..
1 : કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)
કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને તેમની ખેતી અને અન્ય જરૂરિયાતો માટે સિંગલ વિન્ડો હેઠળ બેંકિંગ સિસ્ટમમાંથી પર્યાપ્ત અને સમયસર લોન સહાય પૂરી પાડવાનો છે. જો ખેડૂતો ઈચ્છે તો કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન લઈને ખેતી કરી શકે છે. ખાસ વાત એ છે કે અન્ય ક્રેડિટ કાર્ડની સરખામણીએ આ કિસાન ક્રેડિટ કાર્ડ પર લોન લેવા પર વ્યાજ ઓછું ચૂકવવું પડે છે. તે જ સમયે, બેંક સમયસર પૈસા પરત કરવા પર 3 ટકાનું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપે છે.
2 : પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના (PM-KMY)
આ યોજના વર્ષ 2019 માં શરૂ કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી કિસાન માન-ધન યોજના એ નાના અને સીમાંત ખેડૂતો માટે સ્વૈચ્છિક અને યોગદાન આપતી પેન્શન યોજના છે. તે દેશના ખેડૂતો માટે સારી આવક સુનિશ્ચિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી. 18 થી 40 વર્ષની વય જૂથમાં આવતા બે હેક્ટર સુધીની ખેતીલાયક જમીન ધરાવતા તમામ નાના અને સીમાંત ખેડૂતો, જેમના નામ 01.08.2019 ના રોજ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથેના જમીન રેકોર્ડમાં છે, તેઓ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર છે.
આ પણ વાંચો: સોલાર લાઈટ ટ્રેપ યોજના: ખેડૂતોને પાક ઉત્પાદન તથા પાક સંરક્ષણ કરવા માટે અપાશે સબસીડી
3. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY):
કેન્દ્ર સરકારે 2015 માં ‘હર ખેત કો પાણી’ ના સૂત્ર સાથે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના શરૂ કરી હતી. PMKSY માત્ર ખાતરીપૂર્વકની સિંચાઈ માટેના સ્ત્રોતો બનાવવા પર જ નહીં પરંતુ ‘જલ સંચય’ અને ‘જલ સિંચન’ દ્વારા સૂક્ષ્મ સ્તરે વરસાદી પાણીનો ઉપયોગ કરીને રક્ષણાત્મક સિંચાઈ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે.
4. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM કિસાન):
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ઉદ્દેશ્ય તમામ નાના અને સીમાંત ખેડૂત પરિવારોને તેમની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે આવક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તમામ સીમાંત ખેડૂતોને વર્ષમાં 6000 રૂપિયા આપે છે. અત્યાર સુધીમાં 12 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. આ માટે કેન્દ્ર સરકારે 2 લાખ કરોડથી વધુનો ખર્ચ કર્યો છે.
Share your comments