Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ખેડૂતોને ઉપયોગી બનશે થિયોસાયક્લૅમ હાઇડ્રોજન ઑક્ઝાલેટ – એક નવું કીટનાશક

પાક ઉત્પાદન ઉપર વિપરિત અસર કરતા વિવિધ પરિબળો પૈકી જીવાત એક મહત્વનું જૈવિક અંગ છે. ખેતીમાં આધુનિકરણ થતાં વિવધ પાકોમાં જીવાતના પ્રશ્નો વધુ જટિલ બનતા ગયા છે. જીવાતને અંકુશમાં રાખવા માટે જૈવિક, કર્ષણ, ભૌતિક, યાંત્રિક, રાસાયણિક વિગેરે પધ્ધતિઓ ઉપલબ્ધ છે.

KJ Staff
KJ Staff
Theocyclam hydrogen
Theocyclam hydrogen

પાક ઉત્પાદન ઉપર વિપરિત અસર કરતા વિવિધ પરિબળો પૈકી જીવાત એક મહત્વનું જૈવિક અંગ છે. ખેતીમાં આધુનિકરણ થતાં વિવધ પાકોમાં જીવાતના પ્રશ્નો વધુ જટિલ બનતા ગયા છે. જીવાતને અંકુશમાં રાખવા માટે જૈવિક, કર્ષણ, ભૌતિક, યાંત્રિક, રાસાયણિક વિગેરે પધ્ધતિઓ ઉપલબ્ધ છે. આવી અલગ અલગ પધ્ધતિઓમાં આપણા ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં ખેતી પાકોનું વધુ ઉત્પાદન મેળવવા ખેડૂતો કીટનાશી/રસાયણિક દવાઓ ઉપર વધુ આધાર રાખતા થયા છે. જીવાતોના નિયંત્રણ માટે આજે રાસાયણિક દવાઓની વિશાળ શ્રેણી બજારમાં ઉપલબ્ધ થયેલ છે. પરંતુ જો એક જૂથની કીટનાશકનો સતત ઉપયોગ કરવામાં આવે તો કીટકોમાં જે તે કીટનાશક સામે રક્ષણ માટે પ્રતિકારક શક્તિ કેળવાય છે. આથી તેના ઉકેલ માટે વૈજ્ઞાનિકો જુદા જુદા ભૈતિક તેમજ રાસાયણિક બંધારણ ધરાવતી કીટનાશકની શોધ કરતા રહે છે. જેમાં કીટકોને મારવા માટે અલગ પ્રકારના ગુણધર્મ રહેલ હોય છે. તાજેતરમાં આવી જ એક કીટનાશક થિયોસાયક્લૅમ હાઇડ્રોજન ઑક્ઝાલેટ બજારમાં ઉપલબ્ધ થયેલ છે. જે જુના કીટનાશક (કારટેપ હાઇડ્રોક્લોરાઇડ) જુથની જ છે પરંતુ રાસાયણિક બંધારણ (C7H16ClN3O2S2)ની સરખામણીમાં તફાવત હોઈ પ્રમાણમાં ઓછી માત્રામાં વધુ અસર ધરાવતી હોય છે.

થિયોસાયક્લૅમ હાઇડ્રોજન ઑક્ઝાલેટ (Thiocyclam Hydogen Oxalate) દવા સેંડોઝ લિમિટેડ નામની લેબોરેટરીમાં સને ૧૯૬૯ માં સ્વીટર્ઝલેન્ડમાં તૈયાર કરવામાં આવેલ છે. શરૂઆતમાં આ કીટનાશક સ્વીટર્ઝલેન્ડ, નાઈઝીરીયા, અમેરીકા, શ્રીલંકા, જાપાન અને બીજા કેટલાંક વિકસિત દેશોમાં ઈવીસેક્ટ અને સ્ટેમીના નામે ૫૦ એસસી અને ૫૦ એસપી સ્વરૂપે ઉપલબ્ધ હતી આ કીટનાશક નાઈઝીરીયામાં ઓઈલપામના પાનકોરીયાના ઈયળ, કોશેટો અને પુખ્તના નિયંત્રણ માટે ૪૦૦ લીટર પાણીમાં ૧.૧૭ કિ.ગ્રા. દવા ભેળવી ૨.૩ હેક્ટરમાં છંટકાવ કરવાથી સારા પરીણામો મળેલ છે. પરંતુ વર્ષ ૨૦૧૫થી આ કીટનાશકનો લાભ આપણા ભારતના ખેડૂતોને પણ મળતો થયો છે. પીઆઈ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ દ્રારા આ કીટનાશક વાઈબ્રન્ટ (Vibrant) ના નામે ૪ ટકા ગ્રેન્યુઅલ (દાણાદાર) સ્વરૂપે  આપણા દેશમાં ઉપલબ્ધ બનાવી છે.

આ કીટનાશક રસાયણ નેરેટૉક્શિન (Nereitoxin) જુથનું છે. આ  નેરીશટોક્સીન દરીયાઈ કૃમિ અથવા અળસિયાં જેવા કે લુમ્બ્રિનરીસ હેટરોપોડા (Lumbrineris heteropoda) અને લુમ્બ્રીનરીસ બ્રેવીસિરા (Lumbrineris brevicirra)માંથી અલગ પાડેલ છે. આ દરીયાઈ કૃમિના સંપર્કમાં આવતા માંસાહારી જંતુઓ/કીટકો તરત જ મરી જતા જોઈ તેમાંથી એક મેડીકલ ડૉક્ટરે આ  દરીયાઈ કૃમિમાં રહેલો કુદરતી જંતુનાશક પદાર્થને અલગ તારવ્યો અને જાણવા મળ્યું કે આ પદાર્થ સાચે જ જંતુનાશક ગુણધર્મ ધરાવે છે. આ કીટનાશક શોષક અને સ્પર્શદન પ્રકારના ગુણધર્મને આધારે છોડની અંદર દરેક ભાગમાં પ્રસરણ પામે છે. ચૂસીયા પ્રકારની જીવાતોમાં આ દવા છોડના રસરૂપે અને ચાવીને ખાનાર જીવાતના શરીરમાં ખોરાકરૂપે પ્રવેશે છે. જીવાતનાં નિકોટિનિક એસીટાઇલકોલાઇન સંવેદકો (nicotinic acetylcholine receptors) કે જે બે ચેતાકોષો વચ્ચે ચેતાપ્રસરણ માટે ઉત્તેજીત કરે છે અને તેમની સાથે સંપર્ક કરે છે. આ ઉપરાંત આ કીટનાશક દવા અવરોધક તરીકે પણ કામ કરે છે જે ચેતાકોષમાં આવેલ ગ્રાહક (Receptor) પ્રોટીન સાથે જોડાય છે. આથી ઉત્તેજીત થેયેલા આયનો પાછા પોતાની જગ્યા પર ગોઠવાતા નથી અને સતત ઉત્તેજીત રહે છે. પરિણામે સ્નાયુઓને એકની એક પક્રિયા કરવા માટે સંદેશો આપ્યા કરે છે. આથી વિપરિત આ કીટનાશક દવાથી ચેતાકોષોમાં ઉત્પન થતુ એસીટાઇલકોલાઇન તેના પ્રક્રિયક એસીટાઇલકોલાઇનએસ્ટરેઝ દ્વારા નિષ્ક્રિય થતુ નથી. જેના પરિણામે ચેતાતંત્રમાં ધીરે ધીરે નિષ્ક્રિતા આવે છે અને આ કીટનાશકની અસર વાળી જીવાતો મૃત્યુ પામે છે.

થિયોસાયક્લૅમ હાઇડ્રોજન ઑક્ઝાલેટ શોષક તથા સ્પર્શદન પ્રકારની કીટનાશક છે જે સરળતાથી રોમપક્ષ (લેપીડોપ્ટેરા) અને ઢાલપક્ષ (કોલીયોપ્ટેરા) શ્રેણીની જીવાતો સામે અસરકારક જોવા મળેલ છે. વધુમાં આ કીટનાશકનો ડાંગર, મકાઈ, શેરડી, બટાકા, લીંબુ, સફરજન, ડુંગળી અને ગુલાબ જેવા મહત્વના પાકોમાં આવતી જીવાતો જેવી કે ગાભમારાની ઈયળ, પાનવાળનાર ઈયળ, શેરડીના વેધકો, થ્રીપ્સ, તડતળીયા, સફેદમાખી, મોલો, કોલોરાડો પોટેટો બીટલ, પાન કોરીયું વગેરેના નિયંત્રણ માટે ઉપયોગી છે. નાઈઝીરીયામાં આ કીટનાશક સ્ટેમીના ૫૦ ના નામથી મળે છે અને તેનો ઉપયોગ ઓઈલપામમાં જોવા મળતા પાન કોરીયાના નિયંત્રણ માટે કરવામાં આવે છે. ભારત દેશમાં (પંજાબમાં) લેવામાં આવેલ અખતરાનાં પરિણામો પરથી જાણવા મળેલ છે કે ડાંગરમાં જોવા મળતી ગાભમારાની ઈયળ તથા પાનવાળનાર ઈયળ સામે આ કીટનાશક ૫૦ એસપીના રૂપમાં સારા પરીણામો આપે છે. આ કીટનાશકનો ઉપયોગ ડાંગરની ફેરરોપણીના ૧૫-૨૫ દિવસ પછી અને સીધી રોપણીમાં ૨૦-૩૦ દિવસ પછી પૂંકીને અથવા રેતી કે ખાતર સાથે ભેળવીને આપી શકાય છે. પરંતુ ડાંગરના ખેતરમાં જો પૂરતો ભેજ અથવા ૩-૪ સેંમી પાણી અઠવાડીયા સુધી ભરેલ રહે તો આ કીટનાશકની અસરકારકતા સારી મળે છે. વધુમાં આ કીટનાશક ૧૨.૫ કિ.ગ્રા./હેક્ટર પ્રમાણે ઉપયોગમાં લેવી જોઈએ અને બજારમાં ૧ કિ.ગ્રા તથા ૫ કિ.ગ્રાના પેકીંગમાં ઉપલબ્ધ છે.

ડાંગર જેવા પાકોમાં આ કીટનાશકનો છંટકાવ કાપણી કર્યાના ત્રીસ દિવસ પહેલા કરવો જેથી તેમાંથી બનતી ચીજવસ્તુઓમાં આ કીટનાશકના કોઈ અવશેષો આવવાનો ભય રહે નહીં અને મનુષ્ય અને પ્રાણીઓનું સ્વાસ્થય જળવાય રહે. આ કીટનાશક સસ્તન પ્રાણીઓ અને મધમાખી માટે પ્રમાણમાં ઓછી ઝેરી (Moderately toxic) જણાયેલ છે. પરંતુ તે જળચર પ્રાણીઓ (માછલી) અને પક્ષીઓ માટે ઝેરી માલૂમ પડેલ છે તેથી જળચર પ્રાણીઓ અને પક્ષીઓને આ કીટનાશકથી રક્ષણ મળે તે ધ્યાનમાં રાખી ઉપયોગ કરવો. આ કીટનાશકનો ભલામણ મુજબ જે તે પાકમાં ઉપયોગ કરવો જોઈએ અને દવાના પેકીંગ પરની સૂચનાઓનું ચોકસાઈ પૂર્વક ખાસ પાલન કરવુ જોઈએ. જેથી કરીને આ દવાનો આપણે ખૂબ જ લાંબા સમય માટે ઉપયોગ કરી શકીએ.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More