Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

ગ્રીનહાઉસમાં જમીનની તૈયારી, મલ્ચીંગ અને શુદ્ધિકરણ (સોઈલ સોલારાઈઝેશન અને ફ્યુમીગેશન)

ગ્રીનહાઉસમાં જમીન સારા નિતારશક્તિ, મહતમ કાળી અથવા ગોરાળું જમીન જરૂરી છે. ગ્રીનહાઉસમાં જમીનની તૈયારીની શરૂઆત ડિસ્કિંગ, રોટોટીલિંગ અથવા માટીને હાથથી ફેરવી અને ઠેફાં ભાંગીને જમીનની સપાટીને સમતળ અથવા લીસી બનાવવી. સપાટીને સમતળ કરતાં પહેલા ઊંડી ખેડ માટીને જમીનની મુલાયમ બનાવવી જેથી જમીનમાં હવાની અવરજવર સરળતાથી થઈ શકે. કોઈ પણ મોટા ખડકો, નીંદણ અથવા વધારાનો કચરો જે પ્લાસ્ટિકમાં કાણા પાડી શકે તેને દૂર કરવો.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

ગ્રીનહાઉસમાં જમીન સારા નિતારશક્તિ, મહતમ કાળી અથવા ગોરાળું જમીન જરૂરી છે. ગ્રીનહાઉસમાં જમીનની તૈયારીની શરૂઆત ડિસ્કિંગ, રોટોટીલિંગ અથવા માટીને હાથથી ફેરવી અને ઠેફાં ભાંગીને જમીનની સપાટીને સમતળ અથવા લીસી બનાવવી. સપાટીને સમતળ કરતાં પહેલા ઊંડી ખેડ માટીને જમીનની મુલાયમ બનાવવી જેથી જમીનમાં હવાની અવરજવર સરળતાથી થઈ શકે.  કોઈ પણ મોટા ખડકો, નીંદણ અથવા વધારાનો કચરો જે પ્લાસ્ટિકમાં કાણા પાડી શકે તેને દૂર કરવો.

જમીનની તૈયારી
જમીનની તૈયારી

આચ્છાદન (મલ્ચીંગ) એટલે શું?

આચ્છાદન (મલ્ચીંગ) એટલે કે પાકની વાવણી પહેલાં કે પછી બે હાર વચ્ચેની ખુલ્લી જમીનને પ્લાસ્ટિક કે ખેતી પાકોની આડપેદાશ વડે જમીન ઢાંકીને ઉપર પથારો કરવામાં આવે છે. આચ્છાદન કરવાથી જમીનમાંનો ભેજ અને તાપમાન જળવાઈ રહેવાથી પાકનો વિકાસ સારો થાય છે અને ઉત્પાદન પણ સારું મળે છે. આચ્છાદન સામાન્ય રીતે જમીનની સૂક્ષ્મ આબોહવામાં ફેરફાર કરીને પાકની વૃદ્ધિ અને ઉત્પાદકતાના લાભ માટે પાકની આસપાસ એક રક્ષણાત્મક સ્તર રચે છે. તેમજ નીંદણના બીજનો ઉગાવો ઓછો થાય છે, નીંદણનો વિકાસ અટકે છે અને તે એકંદરે વનસ્પતિના સ્વાસ્થ્યને સુધારવા માટે પણ મદદરૂપ થાય છે.

આચ્છાદન (મલ્ચીંગ) શા માટે?

ગ્લોબલાઈઝેશન અને લોકોમાં આરોગ્ય જાગૃતિની વર્તમાન પરિસ્થિતિમાં ફળો અને શાકભાજીની વધતી જતી માંગ અને બજારની સ્પર્ધાએ ખેડૂતોને વધુ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરવું જરૂરી છે. પાકની ઉપજ અને ઉત્પાદકતા વધારવા માટે બદલાતા ટેકનોલોજીકલ પરિદ્રશ્યને ધ્યાનમાં રાખીને ભારતીય કૃષિ માટે પ્લાસ્ટીકલ્ચર મહત્ત્વપૂર્ણ છે. લીનિયર લો ડેન્સિટી પોલિઇથિલિન (એલએલડીપીઇ) ને મલ્ચ ફિલ્મ તરીકે ઉપયોગ કરવાથી કૃષિ જળ વ્યવસ્થાપનમાં ક્રાંતિ આવી છે. તે વાસ્તવમાં સૂકી જમીનના ખેડૂતો માટે વરદાન સમાન છે. આ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી પ્લાસ્ટિક કલ્ચર પદ્ધતિ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, પાણી પીએ છીએ અને જે હવા આપણે શ્વાસ લઈએ છીએ તેની ગુણવત્તા હકીકતમાં તમામ વનસ્પતિ અને પ્રાણીઓના જીવનની સુખાકારી આપણી ટોચની જમીનની ગુણવત્તા દ્વારા નક્કી થાય છે. પૃથ્વીનો નિર્ણાયક પાતળો પડ એટલે કે ઉપરની માટી સુરક્ષિત, જાળવણી અને પોષણયુક્ત હોવી જોઈએ. જમીનની તંદુરસ્તીને પુનઃસ્થાપિત કરવી અને જમીનમાં છોડના પોષક તત્વોનો ઉમેરો મલ્ચિંગ દ્વારા કરી શકાય છે.

આચ્છાદન
આચ્છાદન

આચ્છાદન (મલ્ચીંગ) ના પ્રકાર:

મલ્ચીંગ બે પ્રકારના હોય છે.

  • કાર્બનિક
  • અકાર્બનિક

ગ્રીનહાઉસમાં મલ્ચીંગ કાળાપ્લાસ્ટિક, ચોખાનું ભૂસું, ઘઉંનું ભૂસું, રાયડાનું ભૂસું, એરંડાની ફોતરી, શેરડી જેવા પાકોના સૂકા પાન, કપાસ કરાંઠીના ટુકડા, પારદર્શક સફેદ પ્લાસ્ટિક, ખરી પડેલા વધારાના પાંદડાઓ, વગેરે જેવા કાર્બનિક અને અકાર્બનિક પદાર્થો વડે કરવામાં આવે છે.

મલ્ચીંગ
મલ્ચીંગ

આચ્છાદન (મલ્ચીંગ) ના હેતુઓ:

(૧) વાવણી કરેલા બીજને પક્ષીઓ, જંતુઓ અને પ્રાણીઓથી બચાવવા માટે કુદરતી રીતે આવરણ બને છે.

(૨) સૂક્ષ્મજીવો તેમજ અળસિયાંઓને જમીનમાં રહેવા માટે કુદરતી આવરણ બને છે.  

(૩) સેન્દ્રિય આચ્છાદન કરવાથી જમીનમાં કાર્બનિક પદાર્થ (ઓર્ગેનિક મેટર) ઉમેરો થવાથી જમીનની ફળદ્રુપતા વધે છે. 

(૪) ભેજ જમીનમાંથી ઉડતો અટકાવી જમીનમાં ભેજ જાળવી રાખે છે.

(૫) કુદરતી આચ્છાદન જમીનની ૧૦ સે.મી. ઉપરની સપાટીમાં એકઠો થયેલ હ્યુમ્સ, જમીનના રજકણો અને જમીનના સૂક્ષ્મજીવોને શિયાળુ ઋતુમાં ઠંડીથી, ચોમાસામાં ભારે વરસાદના ટીપાંથી અને ઉનાળામાં સૂર્યપ્રકાશની તીવ્ર ગરમીથી બચાવે છે.

આચ્છાદન (મલ્ચીંગ) ના ફાયદા:

(૧) આચ્છાદનને કારણે જમીનની સપાટી પર સૂર્યપ્રકાશ અને સૂર્ય કિરણોનો પ્રવેશ થતો નથી અને જેને લીધે બાષ્પીભવનથી થતો પાણીનો વ્યય અટકે છે

(૨) આચ્છાદન કરવાથી નીંદણના બીજને પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળતો નથી આથી બધી જ અનુકૂળતા હોવા છતાં ઘણાબધા નીંદણના બીજ ઉગી શકતા નથી. વળી ઘણા નીંદણના બીજ દિવસના ઉષ્ણતામાનમાં વધુ વધઘટ હોય તો જ ઉગતા હોય છે. જે આચ્છાદન કરવાથી ઉગતા નથી.      

(૩) આચ્છાદનથી ઉપરની ફળદ્રુપ જમીનનું ધોવાણ અટકે છે અને છોડના મૂળ સાથે જમીનના માટીના કણોને જકડી રાખવામાં મદદરૂપ થાય છે.

(૪) આચ્છાદનથી પાકના મૂળ વિસ્તારમાં દિવસ અને રાત્રિ સમયના તાપમાનમાં થયેલ બદલાવમાં આચ્છાદન દ્વારા નોંધપાત્ર ઘટાડો થાય છે

(૫) જો પારદર્શક પ્લાસ્ટિકથી સોઇલ સોલારાઇઝેશન કરવામાં આવે તો જમીનજન્ય રોગોને અટકાવી શકાય છે. સોલારાઇઝેશન દરમિયાન ઉત્પન્ન થતા ભેજ અને ગરમી હાનિકારક રોગકારકોને મારી નાખે છે.

(૬) તમામ પ્રકારના પ્લાસ્ટિક નીંદણના અંકુશ માટે અસરકારક છે. સામાન્ય રીતે નીંદણ નિયંત્રણ માટે અન્ય રંગના પ્લાસ્ટિક કરતાં કાળા રંગનું પ્લાસ્ટિક વધુ કાર્યક્ષમ પુરવાર થયેલ છે.

(૭) સેન્દ્રિય (પાકના અવશેષો) મલ્યનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે, તેમજ જમીનમાં ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓની પ્રવૃતિમાં વધારો થાય છે. આથી શક્ય હોય ત્યાં સુધી ખેતીમાં સેન્દ્રિય મલ્યનો ઉપયોગ કરવો જોઇએ.

ગ્રીનહાઉસમાં સોઈલ સોલારાઈઝેશન અને ફ્યુમીગેશન

ભારતમાં હાલની પરિસ્થિતિમાં બાગાયતી પાકોના વિસ્તાર વધી રહ્યા છે અને જેની ઉત્પાદકતા અન્ય પાકો કરતા વધારે છે. તેથી ખેડૂતો દિવસે અને દિવસે બાગાયતી પાકોની વાવણી તરફ ખેચાય રહ્યા છે. કારણ કે બીજા પાકો કરતા બાગાયતી પાકોથી વધારે આવક મળે છે. મોટા ભાગના શાકભાજી પાકોનો ધરૂ ઉછેર નર્સરીમાં કરવામાં આવે છે ત્યારબાદ તેની ફેરરોપણી કરવામાં આવે છે. આથી જો તંદુરસ્ત ધરૂની જ ફેરરોપણી કરવામાં આવે તો શાકભાજી પાકોમાં સારું ઉત્પાદન મેળવી શકાય. પરંતુ હાલની ખેડૂતોની સમસ્યા એ છે કે શાકભાજી પાકોમાં ધરુંવડીયામાં તેમજ પાકમાં કૃમિ અને અન્ય જમીજન્ય રોગોથી  નુકસાન થાય છે. જેનું અસરકારક નિયંત્રણ સોઇલસોલારાઈઝેશન દ્વારા કરી શકાય છે.

મોટાભાગના શાકભાજી પાકોમાં ગ્રીનહાઉસમાં કૃમિ અને અન્ય જમીનજન્ય રોગોનું ઉપદ્રવ જોવા મળે છે. આ કૃમિ સૂક્ષ્મદર્શી હોય છે, તેને નરી આંખે જોઈ શકાતા નથી તેથી જમીનમાં તેની હાજરીનો ખ્યાલ આવી શકતો નથી. ગુજરાતમાં પાકમાં રોગ કરનાર કૃમિમાં મુખ્યત્વે ગંઠવા કૃમિ, કીડની આકારના કૃમિ, મૂળ કાપી ખાનાર કૃમિ, મૂળ પર ડાઘા કે ચાંદા પાડનાર કૃમિ, કવચ કૃમિ વગેરે જોવા મળે છે. તેમાં પણ ગંઠવા કૃમિનો ઉપદ્રવ સવિશેષ હોય છે. રીંગણ, મરચી, ટામેટી, કોબીજ અને વેલાવાળા શાકભાજીના પાકોમાં ગંઠવા કૃમિ મૂળ ઉપર ગંડીકાઓ બનાવી તેમાંથી રસ ચૂસે છે, જેથી છોડને પૂરતો ખોરાક મળતો નથી. કાળજી લેવામાં ન આવે તો છોડ અકાળે સૂકાઇ જઇ નાશ પામે છે. કૃમિના નિયંત્રણ માટે સેન્દ્રિયખાતરો જેવા કે દેવેલાનું ખોળ, લીબોળીનો ખોળ અને છાણીયા ખાતરનો બહોળો વપરાશ, પાકની ફેરબદલી, રોગપ્રતિકારક જાતો, ઘણીબધી કૃમિનાશક દવાઓ તથા ટ્રેપ પાકોની વાવણી વગેરેનો અમલ કરી કૃમિથી થતા રોગોને કાબૂમાં રાખવામાં આવે છે. રાસાયણિક “કૃમિનાશક” દવાઓના ઉપયોગથી જમીન અને પાણી પ્રદૂષિત થાય છે, જે માનવ સ્વાસ્થ્ય અને વાતાવરણ માટે હાનિકારક છે. આથી સોઇલસોલારાઈઝેશન એ કૃમિ અને જમીનજન્ય રોગોના અસરકારક નિયંત્રણ માટેનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. જેનાથી વાતાવરણ, પાક તથા પાણીનું પ્રદૂષણ ઘટાડી શકાય છે. આમ કૃષિ ક્ષેત્રે સોઇલસોલારાઈઝેશન દ્વારા જમીનનું તાપમાન વધારી રોગ-જીવાતનું નિયંત્રણ સમગ્ર વિશ્વમાં વર્ષોથી કરવામાં આવે છે. ગ્રીનહાઉસમાં સોલોરાઈજેશનનો વ્યાપક પણે ઉપયોગ દક્ષિણ યુરોપ અને જમીનમાં સ્ટ્રોબેરી, કાકડી, ટામેટાં, રીંગણ અને અન્ય સઘન પાકોમાં રોગોના નિયંત્રણ માટે થાય છે.

સોઇલસોલારાઈઝેશન એટલે શું?

સોઇલસોલારાઈઝેશન એટલે જમીનનું સૌરીકરણ. જમીન પર ખાસ સમય માટે પારદર્શી પ્લાસ્ટિકનું હવાચુસ્ત આવરણ કરવાથી સૂર્યના કિરણોની મદદથી જમીનનું તાપમાન લગભગ ૧૦ °સે. જેટલુ વધી જાય છે, જેના કારણે જમીનમાં રહેલ પાકને નુકસાન કરતા કૃમિ, સૂક્ષ્મ જીવાણુઓ, રોગકારક ફૂગ વગેરે નાશ પામે છે અને જમીનજન્ય રોગો અટકે છે તેને સોઇલસોલારાઈઝેશન કહે છે. સોઇલસોલારાઈઝેશનમાં જમીનમાં રહેતા તમામ જીવોની સાથેસાથ નીંદણના બીજનો પણ નાશ થઈ જાય છે અને જમીન એક પ્રકારે સ્ટરીલાઈઝ થઈ જાય છે.

સોઇલસોલારાઈઝેશન ક્યારે કરી શકાય?

ઉનાળાની ઋતુ સોલારાઈઝેશન માટે ઉત્તમ સમય છે. એપ્રિલ, મે અને જૂન મહિનામાં જયારે ગરમીનું પ્રમાણ વધુ હોય અને ન્યૂનતમ પવન હોય ત્યારે સોલારાઈઝેશન કરવામાં આવે તો સચોટ પરિણામ મેળવી શકાય.

સોઇલસોલારાઈઝેશન કેવી રીતે કરી શકાય?

ગુજરાતમાં ૧૫મી અપ્રિલ થી ૧૫મી જૂન સુધી ગરમીનું પ્રમાણ વધુ હોય છે આ સમયગાળો સોઇલસોલારાઈઝેશન માટે ઉત્તમ સમય ગણી શકાય. આ સમયગાળા દરમિયાન જમીનને ખેડીને ભરભરી બનાવવી અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું પિયત આપવું. ત્યારબાદ તરત જ ધરૂવાડિયા કે ખેતરનાક્યારા પ્રમાણે ૨૫ માઇક્રોનની (૧૦૦ ગેઝની) એલ.એલ.ડી.પી.ઈ પારદર્શી પ્લાસ્ટિક શીટને જમીન પર પાથરી હવાચુસ્ત રહે એ માટે પ્લાસ્ટિકની ખુલ્લી ધારોને નાની ખાઈ બનાવીને જમીનમાં દાબી દેવી. જો ટપક સિંચાઈની વ્યવસ્થા હોય તો ટપકની લેટરલ લાઈનને પ્લાસ્ટિક પાથર્યા પહેલાં ગોઠવી દેવી. કૃમિ અને અન્ય જમીનજન્ય રોગોના અસરકારક નિયંત્રણ માટે પ્લાસ્ટિક શીટને ઓછામાં ઓછા ૧૫- ૨૦ દિવસ સુધી જમીન પર પાથરેલી રાખવી. આ રીતે પ્લાસ્ટિકને હવાચુસ્ત રાખવાથી જમીનમાં રહેલો ભેજ વરાળમાં રૂપાંતરિત થઈને પરપોટીઓ સ્વરૂપે પ્લાસ્ટીકની નીચે અંદરની સપાટી પર જમા થશે જે જમીનનું તાપમાન ૧૦ સે. થી ૧૫ સે. વધારવામાં મદદરૂપ થશે. ૧૫ દિવસ પછી પ્લાસ્ટિકને કાળજીપૂર્વક કાઢી લેવું. સામાન્ય રીતે પ્લાસ્ટિક બે થી ત્રણ વખત સોલારાઈઝેશન માટે ઉપયોગમાં આવી શકે તેથી તેને સાફ કરીને બીજી જગ્યાએ મૂકી દેવું જેથી કરીને ફરી ઉપયોગમાં લઇ શકાય. ત્યારબાદ જે પાકનું ધરૂવાડિયું નાખવાનું હોય કે વાવણી કરવાની હોય તેની ભલામણ મુજબ જમીન તૈયાર કરી વાવણી કરવી.

ઉદાહરણ

કેલિફોર્નિયાના ગરમ વિસ્તારોમા સોલોરાઈજેશન દરમિયાન કાળા પ્લાસ્ટિકની સ્લીવ્ઝની અંદરની સપાટીનું તાપમાન ૧૫૮ ફેરનહિટ (૭૦ °સે.) સુધી પહોંચી શકે છે જે વાયુયુક્ત વરાળ દ્વારા જીવાનુને નાશ કરવાના તાપમાનને સમકક્ષ છે. આ તાપમાનને જમીન ૧ અઠવાડિયામાં શુદ્ધ થઈ જાય છે. પ્લાસ્ટિકનું બે પડનું આવરણ જમીનમાં ૫૦ ફેરનહિટ (૧૦ °સે.) જેટલું તાપમાનમાં વધારો કરી શકાય છે.

સોઇલસોલારાઈઝેશનના ફાયદાઓ

જમીનના તાપમાનમાં વધારો:

સોલારાઇઝેશનથી જમીનના તાપમાનમાં વધારો થાય છે. જમીનની સપાટી પર સૌથી વધુ અને  ઊંડાઈ સાથે ઘટે છે.  ઉપરના ૫ સે.મી. સુધીમાં ભાગ ૧૦° સે. થી ૧૫° સે. સુધી વધી જાય જે લગભગ ૪૨° સે. થી ૫૫° સે. સુધી પહોંચી જાય છે, જ્યારે ઊંડાઈમાં ૪૫ સેમી સુધીમાં ૩૨° સે. થી ૩૭° સે. સુધી પહોંચી જાય છે.  મોટા ભાગમાં ધરૂવાડીયામાં ૫-૧૦ સેમી અને શાકભાજીમાં ૧૫-૨૦ સે.મી. ઊંડાઈમાં કૃમિની હાજરી હોય છે. કૃમિ ૫૦°-૫૫° સે. તાપમાનમાં મરી જાય અથવા તો નિષ્ક્રીય થઈ જાય છે, જ્યારે લાંબાગાળા એટલે કે ૧૫ દિવસ સુધી હલકાં પીયત સાથે સોલારાઈઝેશન કરીયે તો કૃમિની સંખ્યામાં ઘટાડો થાય છે. જો પોલીહાઉસમાં સોલારાઈઝેશન કરીયે તો ત્યાંની ૧૦ સેમી ઊંડાઈ સુધી ૬૦° સે. સુધી તાપમાન વધી જાય છે જે કૃમિ નિયંત્રણ માટે ખૂબજ ઉપયોગી થઈ શકે.

નીંદણ નિયંત્રણમાં:

જમીનનું તાપમાન લાંબાગાળાસુધી વધવાથી અને પૂરતો ભેજ રેહવાથી ઘણાબધા નીંદણના બીજ અંકુરણ પછી તરત જ મરી જાય અને ઘણા બધા સામાન્ય તાપમાન કરતાં વધારે તાપમાનને કારણે પણ સોલારાઈઝેશન પછી ઉગી શકતા નથી જે નીંદણ નિયંત્રણ માટે સારો ઉપાય છે.

જમીનજન્ય ફૂગ અને જીવાણુઓના નિયંત્રણમાં:

ફૂગ અને જીવાણુઓથી થતા જમીનજન્ય રોગો જેવા કે ફ્યૂઝેરિયમ વીલ્ટ, વર્ટિસીલિયમ વીલ્ટ, ફાયટોપ્પોરા રૂટ રોટ, ડેમ્પિંગ ઓફ, ક્રાઉન ગોલ, ટામેટીનું કેંકર, બટાકાનોસ્ક્રેબ જેવા ઘણાબધા રોગો સોલારાઈઝેશનથી નિયંત્રણ કરી શકાય છે. વધારે તાપમાન સહન કરી શકે તેવા ફૂગ અને જીવાણુ અને તેનાથી થનાર રોગો સોઈલસોલારાઈઝેશનથી નિયંત્રણ કરી શકાય નહીં.

  • જીવાતની સામે: ઘણાબધા જીવાતોના ઈંડા અને કોશેટા જમીનમાં પડેલા હોય તે લાંબા સમય સુધી વધારે તાપમાન રહેવાથી મરી જાય છે. જેનાથી જીવાતોના પ્રશ્નો પણ ઓછા જોવા મળે છે.
  • જમીનના રાસાયણિક ગુણધર્મો પર: જમીનના રાસાયણિક ગુણધર્મ જેમ કે પી.એચ., ઈ.સી., ઉપલબ્ધ ફોસ્ફોરસ અને નાઈટ્રોજનના સ્તર ઉપર કોઈપણ નોંધપાત્ર અસર કરતું નથી.
  • સોઇલસોલારાઈઝેશન દ્વારા કૃમિ વ્યવસ્થાપન :

જામી ઉપર ઉનાળામાં પિયત આપ્યા બાદ વરાપે ખેડી ખાતર ભેળવી પારદર્શક ૨૫ માઈક્રોન (૧૦૦ ગેજ) એલ.એલ.ડી.પી.ઈ. પ્લાસ્ટિક દ્વારા ૧૫ દિવસ સુધી સોઇલસોલારાઈઝેશનની માવજત કરવામાં આવે તો કૃમિનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે.

સોઇલ સોલારાઈઝેશનમાં ધ્યાનમાં રાખવાની બાબતો:

  • જમીનને ખેડીને તૈયાર કર્યા બાદ તેની સપાટી પર માટીના મોટા ઢેફાં કે અન્ય કચરો ન રહે તેની કાળજી રાખવી કેમ કે તેના લીધે પ્લાસ્ટિક શીટને નુકસાન થવાની સંભાવના રહે છે.
  • સોલારાઈઝેશન કરતા પહેલાં જમીન ઉપર પિયત આપ્યા બાદ વરાપે ખેડી ખાતર ભેળવ્યા બાદ પારદર્શક પાથરવાનું હોય છે.
  • સોલારાઈઝેશનની માવજતના સમયગાળા દરમિયાન પ્લાસ્ટિક શીટને પ્રાણીઓ દ્વારા નુકસાન ના થાય તેની કાળજી રાખવી.
  • સોઇલસોલારાઈઝેશન માટે હંમેશા પારદર્શક પોલીથીલીન પ્લાસ્ટિક શીટનો ઉપયોગ કરવો.

ફ્યુમીગેશન (ધૂણી):

ફોર્માલ્ડિહાઇડ: ફોર્માલ્ડીહાઈડ એ એક સારી ફૂગનાશક છે જેનો ઉપયોગ જમીનને ફ્યુમીગેશન કરવા માટે થાય છે. સૂક્ષ્મજીવો અને નીંદણના બીજને મારવામાં અસરકારક છે. જમીનને જીવાણુનાશિત કરવા માટે પાણીના પચાસ ભાગમાં ફોર્મેલીનનો એકભાગ અથવા પાણીના નવ ભાગમાં સોડિયમ હાઇપોકલોરાઇડનો એક ભાગ વાપરવો. આ તૈયાર કરેલ દ્રાવણને જમીનમાં છાંટવામાં આવે છે ત્યાર બાદ જમીન ને તરત જ પ્લાસ્ટિક વડે ઢાંકી દેવી જેથી ધૂમાડાને બહાર આવતા અટકાવી શકાય. ૨૪  કલાક પછી, પ્લાસ્ટિક આવરણ દૂર કરવામાં આવે છે અને લગભગ બે અઠવાડિયા માટે જમીન ને  ખુલ્લી મૂકવામાં આવે છે તેથી સંપૂર્ણપણે ફોર્મેલિનની ગંધ જમીનમાંથી ઉડી જાય છે, ધૂમાડો સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયા પછી, જમીનનો ઉપયોગ બીજ વાવવા અથવા વાવેતર માટે થાય છે.

ફાયદાઓ

(૧) ગ્રીનહાઉસમાં જમીનનું તાપમાન ૬૦° સે., ૧૦ સે.મી. ઊંડાઈ સુધી અને ૫૩° સે., ૨૦ સે.મી. ઊંડાઈ સુધી થાય છે.

(૨) જમીનમાં કાર્બનિક પદાર્થોના ભંગણમાં વધારો કરે છે જેના પરિણામે નાઇટ્રોજન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ફ્લુવિક એસિડ જેવા પોષકતત્વો છોડ માટે વધુ ઉપલબ્ધ બનાવે છે.

(૩) જમીનને એકત્રીકરણ દ્વારા જમીનની ખેતીમાં સુધારો કરે છે.

(૪) રોગ, જીવાત અને નીંદણના ઉપદ્રવનું નિયંત્રણ કરે છે.

આ પણ વાંચો:જમીનની ફળદ્રુપતા જાળવવા માટે અળસિયાનું ખાતર જરૂરી છે

સનિ કે. પટેલ, ડો. આર. કે. જાટ, એ. એચ. રાઠવા અને એ. એચ. ચૌધરી

ફળ વિભાગ, બાગાયત મહાવિધાલય, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી

જગુદણ- 384 460

Mobile No.: 9737968346                                                     

E-mail: sanipatel243@gmil.com

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More