Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

જાણવા જેવું : તુવેરમાં જોવા મળતી મુખ્ય જીવાતો અને તેનું અસરકારક વ્યવસ્થાપન

તુવેર એ તમામ કઠોળ પાકોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે પ્રોટીનના મુખ્ય સ્ત્રોત તરીકે કરવામા આવે છે. તે ખાસ કરીને ગુજરાતી થાળીમાં આગવું સ્થાન ધરાવે છે. તેના ઉપયોગમાં મુખ્યત્વે શાકભાજી તરીકે, મિઠાઈ, દાળ બનાવવા તથા અન્ય જુદી જુદી વાનગીઓ બનાવવામા વપરાશ થાય છે. તુવેરનાં ઉત્પાદનમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે, વર્ષો-વર્ષ ઉત્પાદનમાં વધારો જોવા મળે છે, પરંતુ અમુક પરિબળો જેવા કે રોગ, જીવાતો, નિંદણ વ્યવસ્થા, ખાતર વ્યવસ્થા વગેરે ઉત્પાદનમાં ઘટાડો કરે છે. તેમાં પણ ખાસ કરીને જીવાતો તુવેરનાં ઉત્પાદન તથા ઉત્પાદકતા પર ખાસ અસર કરે છે.

KJ Staff
KJ Staff
Major pests found in Tuvar
Major pests found in Tuvar

તુવેર એ તમામ કઠોળ પાકોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. તેનો ઉપયોગ મુખ્યત્વે પ્રોટીનના મુખ્ય સ્ત્રોત તરીકે કરવામા આવે છે. તે ખાસ કરીને ગુજરાતી થાળીમાં આગવું સ્થાન ધરાવે છે. તેના ઉપયોગમાં મુખ્યત્વે શાકભાજી તરીકે, મિઠાઈ, દાળ બનાવવા તથા અન્ય જુદી જુદી વાનગીઓ બનાવવામા વપરાશ થાય છે. તુવેરનાં ઉત્પાદનમાં ગુજરાત મોખરાનું સ્થાન ધરાવે છે, વર્ષો-વર્ષ ઉત્પાદનમાં વધારો જોવા મળે છે, પરંતુ અમુક પરિબળો જેવા કે રોગ, જીવાતો, નિંદણ વ્યવસ્થા, ખાતર વ્યવસ્થા વગેરે ઉત્પાદનમાં ઘટાડો કરે છે. તેમાં પણ ખાસ કરીને જીવાતો તુવેરનાં ઉત્પાદન તથા ઉત્પાદકતા પર ખાસ અસર કરે છે. આવી જીવાતોમાં મુખ્યત્વે લીલી ઈયળ, શીંગમાખી, શીંગના ચૂસિયા, પીછિયુ ફૂદું વિગેરે મુખ્યત્વે છે. તેથી આવી જીવાતોનું નિયત્રણ કરવુ અતિ આવશ્યક છે. તેની વિગતવાર માહીતી જેવી કે જીવાતની ઓળખ, નુકશાન, જીવન ચક્ર અને સંકલિત જીવાત વ્યવસ્થાપન વગેરે જેવી માહીતી અત્રે રજૂ કરેલ છે, જેથી ઉત્પાદનમાં વધારો કરી શકાય અને જીવાતથી થતા નુકશાનમાં મહદઅંશે ઘટાડો કરી શકાય.

મોલો-મશી:

આ જીવાતના બચ્ચાં તથા પુખ્ત અવસ્થા કાળાશ પડતા રંગની હોય છે કે જેના શરીરના પાછળના ભાગમાંથી કાળી ભૂગંળી જેવા બે ભાગો બહાર દેખાતા હોય છે. આ જીવાતના મુખાંગો ચૂંસિયા પ્રકારનાં હોવાથી તેના મોઢાનો સૂંઢ જેવો ભાગ કુમળી ડુંખોમાં ખોસી તેમાંથી રસ ચૂસે છે. પરિણામે છોડની ટોચ અને શીંગો કોકડાઈ જાય છે. તેની અસર ઉત્પાદન પર પડે છે. જ્યારે મોલો રસ ચૂસે છે, ત્યારે તેના શરીરમાંથી મધ જેવો ચિકણો પદાર્થ ઝરતો હોય છે, જે પાંદડાની સપાટી પર ચોટે છે, જેથી પ્રકાશ સંસ્લેષણની ક્રિયામાં અવરોધ ઊભો થાય છે.

શીંગના ચૂસિયા:

આ જીવાતનુ પુખ્ત કીટક ઊંધા ત્રિકોણ આકારનુ અને બદામી રંગનું હોય છે. બચ્ચા પુખ્ત જેવા જ દેખાય છે. આ જીવાતની માદા શીંગ/પાન પર સમૂહમાં ઇંડા મૂકે છે. બચ્ચા તેમજ પુખ્ત કીટક શીંગ, પાન, કળી કે દાણામાંથી રસ ચૂસે છે. પરિણામે દાણાનો વિકાસ અટકે છે.

લીલી ઈયળ:

આ જીવાતનુ ફૂદું લીલાશ પડતા ભૂરા રંગનું, અગ્ર પાંખો ઝાંખી બદામી રંગની અને આગળની ધારની મધ્યમાં ગોળ ટપકું હોય છે. આ જીવાતની ઈયળમાં ઘણી જ વિવિધતા જોવા મળે છે કે જે આછા ગુલાબી, પીળા, લીલા, બદામી કે કાળા રંગની હોય છે. આ જીવાતના શરીરની બન્ને બાજુ પર જોઈ શકાય, તેવા ઊભા સફેદ પટ્ટા હોય છે. આ જીવાતની માદા ફૂદીએ મૂકેલ ઇંડામાંથી નિકળતી ઈયળ સૌપ્રથમ કુમળા પાન કે શીંગો પર ઘસરકા પાડે છે. આ ઈયળો ઝડપથી વિકાસ પામી કળી, ફૂલ અને શીંગ પર ખાવાનું શરુ કરી દે છે. આ જીવાત ઘણા પાકોમાં નુકસાન કરે છે, જે અતિશય ખાઊધરી અને બહુભોજી છે. તુવેરની શીંગો બેસે, ત્યારે તે શીંગોમાં કાણું પાડી શરીરનો અર્ધો ભાગ શીંગોમાં દાખલ કરીને નુકસાન કરવાની ખાસિયત ધરાવે છે.

શીંગ માખી:

માખી રંગે કાળી, ચળકતી ઉપસેલી આંખો વાળી તથા ઘરમાખી કરતા કદમાં નાની અને પાછળનો ભાગ અંડાકાર હોય છે. ઇંડા સેવાતા તેમાંથી નીકળેલ સૂક્ષ્મ ઈયળ દાણામાં દાખલ થઈ જાય છે અને દાણાની અંદર બોગદું બનાવીને ખોરાક લેતી હોય છે. આ પ્રકારના નુકસાનથી અવિકસિત, કોકડાઈ, કોહવાઈ અને દાણા સુકાઈ જાય છે.

પીંછિયું ફૂદું:

આ જીવાતની ઈયળ અવસ્થા લીલી અથવા બદામી રંગની અને ત્રાક આકારની હોય છે. ઈયળના આખા શરીરે ઝીણી રુંવાટી હોય છે. ફૂદું કદમાં નાનુ હોય છે. તેની પાંખો રાખોડી-બદામી રંગની લાંબી અને સાંકડી હોય છે. આગળની પાંખો બે અને પાછળની પાંખો ત્રણ ભાગોમાં વહેંચાયેલી હોય છે અને તેની ધાર પીંછા જેવી હોવાથી તેને પીંછિયું ફૂદું કહે છે. આ જીવાતની ઈયળો કુમળી શીંગો, કળી અને ફુલમાં કાણા પાડી નુકસાન કરે છે. શરુઆતમાં તે શીંગો ઉપરની સપાટી ખાય છે. ત્યાર બાદ ધીમે-ધીમે શીંગમાં દાખલ થાય છે અને દાણા કોરી ખાય છે.

સંકલિત વ્યવસ્થાપન:

ઉનાળામાં જમીનની સારી ખેડ કરી તપવા દેવી. ખેડવાથી જમીનમાં રહેલા કોશેટા બહાર આવવાથી ઉનાળાની સખત ગરમીથી નાશ પામશે તથા પરભક્ષી પક્ષીઓથી તેમનું ભક્ષણ થશે.

લીલી ઈયળ બહુભોજી હોવાથી શેઢા પાળાના નિંદણ તથા અન્ય વનસ્પતિ ઉપર પાકોની ગેરહાજરીમાં નભતી હોય છે. તેથી આવા નિંદણનો નાશ કરવો.

તુવેરમાં લીલી ઈયળના ફેરોમેન ટ્રૅપ હૅક્ટરે ૪૦ ની સંખ્યામાં લગાવવાથી તેમાં નર ફુદા પકડાય છે. આમ ખેતરમાં નર ફુદીની સંખ્યામાં ઘટાડો થવાથી માદા દ્વારા જે ઇંડા મૂકાય, તે અફલિત રહે છે. આમ, પેઢી દર પેઢી તેનો ઉપદ્રવ ઘટતો જાય છે. આ પદ્ધતિનો સામૂહિક ધોરણે ઉપયોગ કરવાથી સારા પરિણામો મેળવી શકાય છે.

લીલી ઈયળ તથા શીંગમાખીના નિયંત્રણ માટે ફેનવાલરેટ ૨૦ ઈસી ૧૦ મિ. લી. અથવા મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ. લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

શાકભાજી માટેની તુવેરમાં ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧૦ મિ. લી. અથવા લીંબડાની લીંબોળીનો મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

તુવેરના પાકમાં ૫૦ ટકા ફૂલ બેસવાની અવસ્થાએ મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિ. લી. અથવા ડાયક્લોરોવોસ ૭૬ ઈસી ૭ મિ. લી. અથવા ઇંડોકસાકાર્બ ૧૫.૮ ઈસી ૪ મિ. લી. ૧૦ લીટર પાણીમા ભેળવી છંટકાવ કરવો.

ઉધઈ ઉપદ્રવિત પાકમાં પિયત સાથે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨.૫ લીટર દવા સાથે ટીપે ટીપે આપવી. વધારે ઉપદ્રવ હોય ત્યારે પિયત કર્યા પછીના દિવસે પંપની નોઝલ કાઢી ક્લોરપાયરીફોસ છોડના થડ પાસે આપવી.

ચૂસિયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ક્ષમ્યમાત્રા કરતા વધારે હોય ત્યારે ડાયમેથોએટ ૩૦ ઈસી ૧૦ મિ. લી. અથવા ફૉસ્ફામીડોન ૪૦ ઈસી ૧૦ મિ. લી. અથવા ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૩ મિ. લી. ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

લીલી ઈયળનુ એનપીવી ૨૫૦ એલઈ પ્રતિ હૅક્ટરે જરૂરી પાણીના જથ્થામાં ઉમેરી છંટકાવ કરવો. એનપીવી પર સીધા સૂર્ય પ્રકાશના કિરણોની માઠી અસર થતી હોવાથી તેનો છંટકાવ દિવસના ઢળતા સમયે કરવો.

બેસીલસ થ્યુરિંજિન્સિસ નામના જીવાણુયુક્ત પાવડર ૧૫ ગ્રામ અથવા બીવેરીયા બેસિયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સ્વસ્થ લીલી ઈયળને રોગ લાગૂ પાડી વસતીમાં ઘટાડો કરી શકાય.

લીંબોળીનો મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં ઉમેરી ૨થી ૩ છંટકાવ કરવાથી લીલી ઈયળનુ અસરકારક નિયંત્રણ મળે છે.

Related Topics

Major pests Tuvar

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More