Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Agripedia

મગફળીના પાકમાં આવતી પીળાશનું નિદાન અને તેના નિવારણના યોગ્ય ઉપાયોથી સારું ઉત્પાદન મેળવી શકાય છે

મગફળી આપણે ત્યાં બહોળા વિસ્તારમાં વવાતો ઘણોજ અગત્યનો રોકડીયો પાક છે. જે ખાદ્યતેલ જ નહિ પરંતુ ખુબજ મહત્વનો ઢોર માટેનો ચારો પુરો પાડે છે. આમ સૌરાષ્ટ્રની ખેતી આ પાકની ઉત્પાદકતા પર આધારીત છે.

KJ Staff
KJ Staff
મગફળીના પાક
મગફળીના પાક

મગફળી આપણે ત્યાં બહોળા વિસ્તારમાં વવાતો ઘણોજ અગત્યનો રોકડીયો પાક છે. જે ખાદ્યતેલ જ નહિ પરંતુ ખુબજ મહત્વનો ઢોર માટેનો ચારો પુરો પાડે છે. આમ સૌરાષ્ટ્રની ખેતી આ પાકની ઉત્પાદકતા પર આધારીત છે.  મગફળીના પાકની ઉત્પાદકતાને અસરકર્તા પરિબળો જેવાકે અનુકુળ હવામાન, સમયસર અને પુરતો વરસાદ અથવા સિંચાઈની સગવડતા અને પાણીની ગુણવતા, મગફળીને અનુરુપ જમીનની વ્યવસ્થા, સુધારેલા બિયારણ, સુધારેલી ખેતપધ્ધતિઓ, રાસાયણિક ખાતરોનો સમતોલ સપ્રમાણ ઉપયોગ, સમજ પૂર્વકના પાક સંરક્ષણના પગલા વિગેરે આધુનિક વૈજ્ઞાનિક ખેતીમાં આ પાસાઓ સમયસર જરુરીયાત પ્રમાણે અપનાવવામાં ન આવે તો પાક ઉત્પાદન મર્યાદિત રહે છે. વળી આપણે ત્યાં મગફળીનો પાક એક ને એક ખેતરમાં વર્ષોથી લેવાતો હોઈ તેમજ બધાજ જરુરી તત્વો રાસાયણિક ખાતર તરીકે કે દેશી ખાતર દવારા અપાતા ન હોઈ આવા સંજોગોમાં કેટલીક જમીનોમાં ખાસ કરીને સુક્ષ્મતત્વોની ઉણપ જણાય છે.

આવા સંજોગોમાં લાંબો સમય  હરિતકણોની ઉણપને લઈને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા મંદ પડવાથી પાક ઉત્પાદન પર માઠી અસર થવાની શકયતા રહે છે. મગફળીમાં આવતી પીળાશ સામાન્ય રીતે બીજા ધાન્ય પાકોમાં જોવા મળતી નથી. પણ કેટલીકવાર ચોળી, તુવેર જેવા કઠોળ વર્ગના પાકમાં તથા સતત શેરેડી હેઠળના પાકમાં જોવા મળે છે. મગફળીના પાકની દેહધાર્મિક રચના  ખાસ પ્રકારની હોય છે. તે કેલ્શીયમ ચાહક પાક છે અને લોહના ભોગે કેલ્શીયમનું અવશોષણ થાય છે. થોડું ઘણું અવશોષણ પામેલ લોહ છોડમાં સક્રીય બની જાય છે. તેથી આ પીળાશ મગફળીના પાકમાં સવિશેષ જોવા મળે છે.મગફળીનાં પાકમાં પીળાશ વિવિધ પ્રકારના કારણોસર આવતી હોય છે. પીળાશ આવવા માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે. જેમ મનુષ્યને રોગ થાય ત્યારે તાવ એક અગત્યનું લક્ષણ છે. અને રોગના નિદાન માટે તેના ચિન્હો પર જવું પડે છે. તેમ પીળાશના કારણો માટે તેનું નિદાન થવું જરૂરી છે.

મગફળી
મગફળી

મગફળીમાં પીળાશ આવવાનાં કારણો

સામાન્યરીતે આપણા વિસ્તારમાં મગફળીમાં આવતી પીળાશ જુદા જુદા સંજોગો જેવા કે

(૧) જમીનમાં લભ્ય પોષક તત્વની ઉણપ હોવાથી (ર) જમીનમાં ચુનાનું પ્રમાણ વિશેષ હોવાથી (૩) બાયકાર્બોનેટ ક્ષારોનું પ્રભુત્વ ધરાવતા પાણીનો સતત ઉપયોગ કરી મગફળીનું વાવેતર કરવામાં આવે અગર અગાઉ આવા પાણીથી પિયત કેટલા ઘઉં, રજકો, જેવા વાડીમાં / પડામાં મગફળી વાવવાથી (૪) જમીન રેચક હોય, હવામાન વાદળવાળુ રહેતું હોય અને સતત ઝરમર વરસાદ પડતો હોય ત્યારે જમીનમાં હવાનું પ્રમાણ ઘટતું, જમીનમાં હવાની અવરજવરની પરિસ્થિતિ નબળી હોય, જમીન ઘટૃ બની ગયેલ હોય અથવા દબડાઈ ગયેલ (પ) વધુ ચુનાયુકત અને ઢોળાવવાળી ધારોળ જમીન કે જેમાં ધોવાણ વધુ થવાથી (૬) જમીન ભાષ્મિક પ્રકારનો ગુણ ધરાવતી હોય (૭) જમીનનું લેવલીંગ કરવાથી ઉપરનું પડ ખસેડી લેવાતા તળ જમીનમાં વાવેતર કરવાથી.આ ઉપરાંત રોગ જીવાતના વધુ ઉપદ્રવથી પણ મગફળી પીળી પડે છે. આમ જુદી જુદી પરીસ્થીતીઓને કારણે મગફળીમાં પીળાશના ચીન્હો જોવા મળતા હોય છે.

મગફળીમાં પીળાશમાં નાઈટ્રોજન, ગંધક અને લોહતત્વની ઉણપથી આવે છે.સામાન્યરીતે ગંધકતત્વોની ઉણપને કારણે આવતી પીળાશ પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળતી નથી. જે કંઈ પીળાશ જણાય છે તે મુખ્યત્વે લોહતત્વની ઉણપને લીધે જ છે.

મગફળીમાં લોહતત્વની ખામીથી આવતી પીળાશ

મગફળીના ટોચના વિકસતા કુમળા પાન પહેલા પીળા થાય છે. ત્યારબાદ આ પીળાશ ધીમેધીમે નીચેના પાન તરફ વધતી જાય છે. સામાન્ય રીતે નીચેના ઘરડા પાન લીલા દેખાય છે. જો કે આ પીળાશ ખેતરમાં એક સરખી ન હોઈ છુટક છુટક ધાબામાં સવિશેષ જોવા મળે છે. આવા છોડનું પૃથ્થકરણ કરવામાં આવે તો લોહતત્વ છોડમાં પુરતુ મળે છે પરંતુ આ પીળાશ લોહતત્વની છોડમાં અક્રિયાશીલતાના કારણે હોય છે. લોહતત્વ પૂરતા પ્રમાણમાં ન મળે, અગર છોડમાં અવશોષાયા પછી પણ જો લોહતત્વ છોડમાં નિષ્ક્રીય બની જાય તો છોડમાં નીકળતા કુમળા પાન પીળા પડવા માંડે છે.

આ પીળાશ લોહતત્વની ખામીને કારણે હોય છે.લોહતત્વની ખામીને કારણે આવતી પીળાશ દુર કરવા માટે ૧૦૦ ગ્રામ હીરાકસી તથા ૧૦ ગ્રામ લીંબુના ફુલ (સાયટ્રીક એસીડ) ૧૦ લીટર પાણીમાં ઓગાળી પાકના તબકકાને ધ્યાનમાં રાખી પ્રતિ વિઘે ૩૦ થી ૬૦, અથવા હેકટરે ર૦૦ થી ૪૦૦ લીટર દ્રાવણ ૧૦ થી ૧ર દિવસના અંતરે બે થી ત્રણ વખત છંટકાવ કરવાથી પીળાશ કાબુમાં આવે છે.હિરાકસી જો જમીનમાં નાંખવામાં આવે તો હવાનાં તથા ચૂનાનાં રજકણોનાં સંપર્કમાં આવવાથી તેનું ત્રણ સંયોજકતાવાળા લોહતત્વના અદ્રાવ્ય રુપાંતર થઈ જાય છે. જેથી તે ક્રિયાશીલ રહેતું નથી. અને તેથી છોડ તેનો ઉપયોગ કરી શકતો નથી એટલા માટે જ જમીન દવારા આપવાની ભલામણ નથી. ગફળીમાં પીળાશ અટકાવવા માટે હિરાકસીની અવેજીમાં લોહનો સંકિર્ણ સેન્દ્રિય ક્ષાર જેને ફેરસ ઈ.ડી.ટી.એ. તરીકે ઓળખાય છે જેનું ૦.ર ટકા દ્રાવણ છાંટી શકાય. એટલે કે ૧૦ લીટર પાણીમાં ર૦ ગ્રામ ઓગળવું જોઈએ.

મગફળીમાં નાઈટ્રોજનની ઉણપથી આવતી પીળાશ

જયારે નાઈટ્રોજનની ઉણપને કારણે પીળાશના ચિન્હો લોહ કરતાં ઉલ્ટા છે. નાઈટ્રોજન તત્વની છોડમાં ગતિશીલતા વધારે હોવાથી જમીનમાં તેની ઉણપ જણાય ત્યારે શરુઆતમાં ઘરડા પાન પહેલા પીળા પડે છે. અને ધીમે ધીમે પીળાશ ઉપરનાં ટોચના કુમળા પાન તરફ વધતી જાય છે. તો નાઈટ્રોજન ઉણપની તીવ્રતા વધે તો આખો છોડ પીળો પડી બટકો રહે છે. વળી આવી પીળાશ સમગ્ર ખેતરમાં એક સરખી જોવા મળે છે. તેના ઉપાય તરીકે યુરીયા 1 ટકા દ્વારણનાં બેથી ત્રણ છંટકાવ કરવા જોઈએ તથા જમીનમાં એમોનીયમ સલ્ફેટ 20 કિગ્રા પૂરતા ખાતર તરીકે નાંખવું.

મગફળીમાં ગંધકની ઉણપથી આવતી પીળાશ

જો જમીનમાં લભ્ય ગંધક તત્વની ઉણપ હોય તો મગફળીમાં પીળાશ આવે છે. આ તત્વની ઉણપને લીધે આખે આખો છોડ પીળો બની જાય છે અને પાન ઢીલા પડી નમી જાય છે. તેના ઉપાય માટે જમીનની ચકાસણી કરવી પછી ગંધક તત્વયુક્ત ખાતર એમોનીયમ સલ્ફેટ આપવું.

મગફળીમાં આવતી પીળાશનાં અન્ય કારણો

1. પિયત પાણીની ભાષ્મિકતાથી આવતી પીળાશ

મગફળીના પીયત માટે વપરાતુ પાણી ભાષ્મિક પ્રકારનું હોય  અને તેમાં અવશેષિત સોડીયમના કાર્બોનેટ કે બાયકાર્બોનેટ ઉપસ્થિત હોય અથવા તો જમીન ચુનાયુક્ત હોય તેવા સંજોગોમાં પણ મગફળી પીળી પડી જાય છે. આવી પરિસ્થિતિમાં મગફળીની પીળાશ દૂર કરવા ચિરોડી (જીપ્સમ)નો ઉપયોગ કરી શકાય છે. પ્રત્યેક આર.એસ.સીનાં આંક મુજબ પિયત હેઠળની જમીનમાં હેક્ટરે 8.6 ક્વિન્ટલ એટલે કે વિધે 150 કિગ્રા જીપ્સમ ઉમેરવાથી આનુ પ્રભૂત્વ દૂર થાય છે.

2. જમીનની રેચક પરિસ્થિતિથી આવતી પીળાશ

વળી જમીન રેચક હોય, હવામાન વાદળવાળુ રહેતુ હોય અને સતત ઝરમર વરસાદ પડતો હોય ત્યારે મગફળીનાં પાકમાં પીળાશ આવતી હોય છે. આવા સંજોગોમાં હવામાનમાં સુધારો થાય અને ઉઘાડ નીકળે તથા વરાપ થાય કે તરત જ આંતરખેડ કરવાથી આકાશ વાદળા વગરનું પ્રકાશમય રહેવાથી આવી પીળાશ દૂર થાય છે. આમ છતાં જમીન સતત રેચક રહેતી હોય તો જમીનમાં એમોનિયમ સલ્ફેટ (એમોનિયાયુક્ત) નાઈટ્રોજન ખાતર ઉમેરવું અથવા છોડના પાન પર યુરિયાના 2 ટકા દ્વાવણ (10 લીટર પાણીમં 200 ગ્રામ યુરિયા ભેળવવું)ના બેથી ત્રણ દિવસના અંતરે છંટકાવ કરવો જોઈએ તથા વરાપ થયે તાત્કાલિક જ આંતરખેડ કરવી જોઈએ.

3. રોગ જીવાતની અસરથી જોવા મળતી પીળાશ

મગફળીમાં ટીકા અને ચુસીયા પ્રકારની જીવાતના ઉપદ્રવથી પણ પીળાશ પડતા ડાધા જોવા મળે છે. એ માટે જરૂરી પાક સંરક્ષણના સમયસર પગલાં લેવા જોઈએ.

મગફળીમાં પીળાશ દૂર કરવા ધ્યાનમાં રાખવાના મુખ્ય મુદ્દા

- મગફળીની પીળાશ પ્રતીરોધક જાત ટી.જી.-26 વાવેતર કરવું (ઉનાળુ)

- પાણીની ચકાસણી કરવી.

- ભાષ્મીક પિયત પરિસ્થિતિ હેઠળ બધી જમીનમાં કે ચાસમાં જીપ્સમ ઉમેરવું.

- ઉંડી નીકો કરવી

- ઉંડા ચાસ કરી ટાંચ અથવા રેતી એકરે 25 ટન ઉમેરી વાવેતર કરવું

- તળમાં ગોરમટુ હો તો 8 ફૂટ ઉંડો બોર કરી પથ્થર નાંખી ભરી દેવો

- યુરીયાના 1 ટકા દ્વાવણના બેથી ત્રણ છંટકાવ કરવા તથા જમીનમાં એમોનિયમ સલ્ફેટ 20 કિલો ગ્રામ આપુરતી ખાતર તરીકે નાંખવું.

- દેશી ખાતરનો વધુ ઉપયોગ કરવો. દેશી ખાતરો પૂરા કોહવાયેલા તથા વધુ ગળતીયુ ખાતર જ વાપરવું.

આ લેખના લેખકો ડો.એસ.જી.સાવલીયા, શ્રી ડીવી પારખીયા, કુ મોનાલી એ. ડાવરા અને પી.આઈ.જેતપરા છે

કૃષિ રસાયણ શાસ્ત્ર વિભાગ, જુ.કુ.યુ.જુનાગઢ

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More