આ વખતે ગુજરાતમાં ભારે વરસાદે નવરાત્રિની મજા બગાડી નાખી. આ દરમિયાન રાજ્યના 15 જિલ્લામાં વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. નવરાત્રિના સાતમા દિવસે રાજ્યના 15 જિલ્લામાં સતત 24 કલાક વરસાદ નોંધાયો છે. રાજ્યના 15 જિલ્લાના તમામ 54 તાલુકાઓમાં આ વરસાદ નોંધાયો છે. આ સાથે IMD એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 12 ઓક્ટોબર સુધી મધ્યમથી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે તેમ જ ખલાસિઓને 13 ઓક્ટોબર સુધી દરિયામાં ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
લો પ્રેશરના કારણે નોંઘાઈ વરસાદ
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર અશોક કુમાર દાસે જણાવ્યું હતું કે, લક્ષદ્વીપ નજીક લો પ્રેશર યથાવત છે. જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ થયો છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રને ચોમાસાએ વિદાય આપી દીધી છે પરંતુ તે પછી પણ કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ થયો છે. હવામાન વિભાગે જણાવ્યું કે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સુધી રહેશે. વધુમાં જણાવી દઈએ કે વરસાદના કારણે સમગ્ર ગુજરાતમાં નવરાત્રી દરમિયાન થતું રાસ ગરબાના આયોજકોને મુશ્કેલીનો સામનો કરવાનું વારો આવ્યો છે..
આ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ
ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. 11 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલીમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.
ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો સમગ્ર સિઝનમાં સરેરાશ 138 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 185 ટકા, સૌરાષ્ટ્રમાં 148 ટકા, દક્ષિણ ગુજરાતમાં 142 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 133 ટકા અને ઉત્તર ગુજરાતમાં 115 ટકા વરસાદ નોંધાયો છે
Share your comments