ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું છે કે ઉત્તરી બાંગ્લાદેશમાં નીચા દબાણના વિસ્તારને કારણે આગામી 2 દિવસ દરમિયાન આસામ, મેઘાલય અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. 24 થી 27 ઓગસ્ટ દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની ગતિવિધિ વધી શકે છે. ગત દિવસની વાત કરીએ તો, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કોંકણ અને ગોવા, લક્ષદ્વીપમાં જુદા જુદા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો હતો. આસામ અને મેઘાલય, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ મધ્ય પ્રદેશ, ગુજરાત, તમિલનાડુ, પુડુચેરી, દક્ષિણ આંતરિક કર્ણાટક, તટીય આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં પણ ભારે વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તરી બાંગ્લાદેશ પરનું લો પ્રેશર હજુ પણ આ વિસ્તારમાં યથાવત છે. તે આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળમાં પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. કર્ણાટક-ગોવાના કિનારા નજીક પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર વધુ એક લો પ્રેશર વિસ્તાર રચાયો છે. આગામી 24 કલાક દરમિયાન તે ધીમી ગતિએ ઉત્તર તરફ આગળ વધે તેવી શક્યતા છે. બંગાળની ખાડીના ઉત્તર ભાગમાં અને તેની આસપાસના વિસ્તારોમાં 24 ઓગસ્ટની આસપાસ ચક્રવાતી પરિભ્રમણ સર્જાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગે શું કહ્યું?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં ઘણી જગ્યાએ હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએ છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આ સપ્તાહ દરમિયાન પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, પશ્ચિમ રાજસ્થાનમાં ઘણી જગ્યાએ વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
મધ્ય ભારત, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્યમાં ઘણા સ્થળોએ હળવા અથવા મધ્યમ વરસાદની શક્યતા છે. સપ્તાહ દરમિયાન મરાઠવાડામાં છૂટાછવાયાથી વ્યાપક વરસાદ થઈ શકે છે. આગામી 7 દિવસ દરમિયાન કોંકણ અને ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશમાં 26 ઓગસ્ટ સુધી, છત્તીસગઢમાં 25 ઓગસ્ટ સુધી, મધ્ય મહારાષ્ટ્રમાં 23થી 26 ઓગસ્ટ દરમિયાન, ગુજરાતમાં 24થી 28 ઓગસ્ટ દરમિયાન અને વિદર્ભ અને મરાઠવાડામાં 24 અને 25 ઓગસ્ટ સુધી વરસાદ પડી શકે છે.
24-25 ઓગસ્ટે ભારે વરસાદ
24 અને 25 ઓગસ્ટે પૂર્વ મધ્ય પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે 23 થી 26 ઓગસ્ટ દરમિયાન કોંકણ અને ગોવામાં, 24 ઓગસ્ટે છત્તીસગઢમાં, 24 અને 26 ઓગસ્ટે પશ્ચિમ મધ્ય પ્રદેશમાં, 24થી 26 ઓગસ્ટ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રમાં અને 27 ઓગસ્ટે ગુજરાત વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. 24 થી 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્થળોએ, 25 અને 26 ઓગસ્ટે પશ્ચિમ મધ્યપ્રદેશમાં, 26 અને 27 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.
Share your comments