ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને અંહી દેશના 70 ટકા લોકો ખેતી કરે છે પછી તે બાગાયતી ખેતી હોય કે પછી અન્ય કોઈ પણ પ્રકારની. ભારતમાં બાગાયતી ખેતીમાં કેરીની ખેતી મોટા પ્રમાણમાં કરવામાં આવે છે અને ફળોનો રાજા કેરીને ગણવામાં આવે છે પરંતુ આ કેરીની સીઝન ઉનાળામાં માત્ર 2 થી 3 મહિના જ રહે છે અને માત્ર આ સિઝન દરમિયાન જ કેરી મળે છે પરંતુ કેરીના રસીયાઓએ હવે ચિંતા કરવાની જરૂર નથી. ભારતમાં કેરીની ઘણી બધી પ્રજાતી છે એમાં પણ જો કચ્છી કેરીની વાત કરતાની સાથે જ કેરી ખાનારના મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે હવે તમને કચ્છી કેરીનો સ્વાદ તમને બારે માસ ચાખવા મળશે કેમ કે કચ્છના એક એવા ખેડૂતની, જે કેરી રસિયાઓને આખુ વર્ષ કેસર કેરીનો રસ તો ખવડાવે જ છે સાથે-સાથે 10 પ્રકારના આમ પાપડ, મેન્ગો જ્યૂસ, મિલ્ક શેક, મેન્ગો કેન્ડી સહિત ઘણી અવનવી ઑર્ગેનિક પ્રોડક્ટ્સ ખવડાવે છે. સંપૂર્ણ ઑર્ગેનિક પદ્ધતિથી ઉગાડેલ ઓર્ગેનિક કેરીમાં કોઈપણ જાતનાં કેમિકલ નાખ્યા વગરની પ્રોડક્ટ્સ મળવી આજકાલ બહુ મુશ્કેલ છે, પરંતુ આ કચ્છી ખેડૂત લોકોના આ સપનાને પણ સાકાર કરે છે. તો આજે આપણે આ ખેડૂત અંગે વિસ્તારથી જાણીશુ.
હરિસિંહ જાડેજા નામના ખેડૂત જે મૂળ કચ્છના છે અને કચ્છના ગાંધી ધામમાં જ તેમની પાસે અંદાજે 13 એકર જમીન છે અને જેમાં તેઓ છેલ્લા ચાર વર્ષથી કેસર કેરી, દેશી કેરી, નારિયેળી, સિતાફળ, બીજોરા, રાયણ, ચીકુ, મોસંબી વગેરેની દેશી પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. હરિસિંહે મનોમન નક્કી કરી લીધુ કે જો હુ ખેતી કરીશ તો માત્રને માત્ર જૈવિક પદ્ધતિથી અને ત્યારથી તેઓ જૈવિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. હરિસિંહને વિચાર આવ્યો કે જો ખેડૂતોએ આ જમાનામાં નફો કમાવો હશે તો જાતે જ વેપારી બનવુ પડશે કેમ કે આ સમયમાં વેપારીઓ જ વધારે નફો કમાય છે અને ખેડૂતો બીચાર વેપારીઓ સામે લાચાર બની જાય છે. આમ બજારમાં વેપારીઓનો દબદબો જોઈને હરિસિંહે જાતે જ ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવવાનું શરૂ કરી દીધું.
કેરીની ઑર્ગેનિક પ્રોડક્ટ્સ ઘરે જ બનાવવાની શરૂ કરી
હરિસિંહ હાલામાં પોતાના ઘરે જે 10 પ્રકારના આમ પાપડ, બે વપ્રકારના મેન્ગો જ્યૂસ, બે પ્રકારના મેન્ગો મિલ્કશેક, આઈસ્ક્રિમ, મેન્ગો પેંડા અને મેન્ગો કુલ્ફી બનાવી ઘરે જ પેકિંગ કરે છે અને આ કામમા તેમના પત્ની એન બાળકો પણ તેમની મદદ કરે છે.
આમ પાપડ
હરિસિંહ સાદા આમ પાપડ, સૂંટ ફ્લેવર, કાળા મરી પાવડર, ગોળમાં મરી-સૂંઠ ફ્લેવર, ઈલાઈચી આમ પાપડ, દેશી ગોળ આમ પાપડ, ખડી સાકરવાળા આમ પાપડ સહિત 10 ફ્લેવરના આમ પાપડ બનાવે છે અને જેમાં કોઈપણ પ્રકારના રસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પાપડની કિંમત 100 રૂપિયામાં 100 ગ્રામ છે.
મેન્ગો પલ્પ (કેરીનો રસ):
કરીનો રસ ખાવો કોને ન ગમે કેરીની સીઝન આવે કે તરત જ લોકો કેરીના રસ પર તૂટી પડતા હોય છે પરંતુ આ રસ માત્ર કેરીની સીઝન દરમિયાન જ મળતો હોય છે પરંતુ હવે હરિસિંહ બારે માસ આ કેરીના રસનું વેચાણ કરે છે. વર્ષ દરમિયાન જ્યારે પણ કેરીના રસની યાદ આવે ત્યારે આ સીલ પેક ડબ્બાને તોડી મજા માણી શકાય છે. બજારમાં મળતા અન્ય મેન્ગો પલ્પમાં પ્રોઝર્વેટિવ તરીકે રસાયણો ઉમેરવામાં આવે છે, પરંતુ હરિસિંહ સંપૂર્ણ રીતે જૈવિક પ્રક્રિયા કરી આ રસ તૈયાર કરે છે. હરિસિંહ જે કેરીનો રસ બનાવે છે તેને આખુ વર્ષ બહાર સામાન્ય વાતાવરણમાં રાખવામાં આવે તો પણ બગડતો નથી. હરિસિંહે આ એક લિટર કેરીના રસનો ભાવ લગભગ 300 રાખી છે.
હરિસિંહના ઘરે બનતા આમ પાપડ, કેરીનો રસ, મિલ્કશેક, આઈસ્ક્રિમ, પેંડા, કેન્ડી બધી જ સંપૂર્ણપણે ઑર્ગેનિક અને ફરાળી હોય છે. તેમનાં બધાં જ ઉત્પાદનો ‘માં આશાપુરા ઑર્ગેનિક કેસર ફાર્મ’ ના નામે મળે છે. અન્ય પ્રોડક્ટ્સ હરિસિંહ તેમના ઘરેથી જ વેચે છે. આ સીવાય હરિસિંહ રાજ્યમાં જ્યાં ખેડૂત હાટ ભરાય ત્યાં પણ તેમનાં ઉત્પાદનો વેચવા જાય છે અને ફેસબુકના માધ્યમથી પોતાનાં ઉત્પાદનોનું માર્કેટિંગ કરે છે. અત્યારસુધીમાં હરિસિંહ તેમનાં ઉત્પાદનો આખા ગુજરાત સહિત બેંગાલુરુ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા સહિત અનેક જગ્યાઓએ મોકલી રહ્યા છે.
સ્વચ્છતા અને ગુણવત્તા જ સર્વોપરી
હરિસિંહે એક ખાનગી ન્યુઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, “અમે સ્વચ્છતા અને ગુણવત્તાની બાબતે જરા પણ બાંધછોડ કરવા નથી માંગતા. ગ્રાહકો ભાવ ચૂકવવા તૈયાર હોય છે પરંતુ તેમને સામે યોગ્ય ગુણવત્તા મળી રહે તે ખૂબજ જરૂરી છે. એટલે જ બધાં ઉત્પાદનો હું, મારી પત્ની, બે દીકરીઓ અને એક દીકરો સાથે મળીને જ અમારા ઘરમાં જ બનાવીએ છે. આ ઉપરાંત ખેતરની પણ સંભાળ હું જાતે રાખુ છું. સાથે-સાથે ખેતરના કામમાં મદદ માટે મેં ત્રણ માણસો રાખ્યા છે, જેથી તેમને રોજગારી મળી રહે.”
સરકારનું સર્ટિફિકેટ
હરિસિંહ પાસે ઉત્પાદનોની પ્રોસિસિંગ અને વેચાણ માટે સરકારનું સર્ટિફિકેટ પણ છે અને સાથે-સાથે ગુજરાત સરકાર અને બીજી અનેક સંસ્થાઓ દ્વારા તેમને પ્રગતિશીલ ખેડૂતનો અવોર્ડ અને સન્માનપત્રો પણ આપવામાં આવ્યાં છે. આ ઉપરાંત હરિસિંહના ખેતરમાં કેસૂડો, ગળો, ગોખરૂ વગેરેનું પણ વાવેતર કરવામાં આવે છે. ગળો તો તેઓ લોકોને મફતમાં જ સેવા અર્થે આપે છે. તો ગોખરૂને સુકવીને પાવડર બનાવી તેનું પણ વેચાણ કરે છે. તો કેસૂડાના ફૂલનું પણ વેચાણ કરે છે. આ ઉપરાંત ખૂબજ પૌષ્ટિક એવાં બિલીનાં ફળનો શરબત પણ બનાવે છે.
જો તમને આ લેખ ગમ્યો હોય અને તમે હરિસિંહ જાડેજાનો સંપર્ક કરવા ઈચ્છતા હોવ તો તેમને +91 98254 96996 કૉલ કે વૉટ્સએપ કરી શકો છો.
તમારે જો અમારા આવા જ કૃષિને લગતા લેખ વાંચવા પસંદ હોય તો અમારી "કૃષિ જાગરણ" નામની વેબસાઈટની મુલાકાત લેતા રહો અને આપ તમારો કોઈ સુઝાવ પણ અમને ઈ-મેલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવી શકો છો.
Share your comments