ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન તે પણ પાછું કચ્છમાં ? ઘણાને આ વાતનું આશ્ચર્ય છે, પરંતુ કચ્છના ખેડૂતોએ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં સુધારા સાથે જે ઉત્પાદકતા વધારી છે તેની નોંધ વડાપ્રધાને `મન કી બાત'માં લીધી ત્યારે આગામી દિવસોમાં આ વાવેતર એકરમાંથી હેક્ટરમાં થાય તેવા આત્મનિર્ભરતા સાથેનાં શુભ સંકેત મળ્યાં હતાં. સમગ્ર દેશ તથા ગુજરાતમાંથી કચ્છમાં ડેગન ફ્રૂટનું વાવેતર અને ઉપ્તાદન ઝડપથી વધી રહ્યું છે.
ડ્રેગન ફ્રૂટની ખેતી સમગ્ર ભારતમાં ર014-201પના વર્ષમાં' અંદાજિત માત્ર 199 એકરમાં જ વાવેતર હતું, જેમાંથી 60 એકર કચ્છમાં હતું જે આજે કચ્છના ખેડૂતોએ તેમાં પણ પ્રગતિ અને આત્મનિર્ભતા સાથે માત્ર પાંચ વર્ષના ટૂંકા ગાળામાં 1000થી વધુ એકરમાં ડ્રેગન ફ્રૂટનો વાવેતર વિસ્તાર પહોંચાડી દીધો છે. આવનારા વર્ષમાં આ એકરમાંથી હેકટરમાં વાવેતર વિસ્તાર આવી જશે.
ડ્રેગન ફ્રૂટ તેની ગુણવત્તા, રંગ, સ્વાદ, ઉત્પાદકતામાં એ ર1મી સદીનું સુપર ફળ સાબિત થશે. તેના માટે કચ્છના ખેડૂતોએ વાવેતરની સાથે ડ્રેગન ફ્રૂટની હાર્વેસ્ટિંગ પછી અનેક રૂપ અને સ્વરૂપ આપવા પોતાની શકિત કામે લગાડી દીધી છે. ડ્રેગન ફ્રૂટ એક બારમાસી, ત્રિકોણાકારની સાથે માવાવાળું, વેલા પ્રકારનું કેકટસ પ્રજાતિનું છે. જે એક સજાવટી છોડ તરીકે માન્યતા પ્રાપ્ત છે. જે નોબલવૂમન અથવા રાતરાણી તરીકે હુલામણા નામે ઓળખાય છે.
કચ્છમાં પણ ડ્રેગન ફ્રૂટ એક નવા પાક તરીકે વ્યાપારિક ધોરણે વાવેતર તેજીથી શરૂ થયું છે. આ ફળના બજારભાવ 100થી 3પ0 રૂપિયા કિલો છે. એક એકરમાં 1ર બાય 8 ફૂટ મુજબ 400 પોલ લગાવવામાં આવે છે. એક પોલમાં ફરતે ચાર છોડ વાવવામાં આવે છે, જેનું વાવેતર જૂન-જુલાઈમાં અનુકૂળ રહે છે. વાવેતર બાદ એક વર્ષમાં ફળ આવવાનું શરૂ થઈ જાય છે. એક પોલમાં પ્રથમ વર્ષે ર કિલો, બીજા વર્ષે 8 કિલો, 3 વર્ષે 1ર કિલો, 4 વર્ષે ર0 કિલો ઉત્પાદન મળે છે. ડ્રેગન ફળ વિટામિન સીથી ભરપૂર છે.
વળી ખાવામાં પણ સ્વીટ અને સ્વાદિષ્ટ છે. તેના ફળમાં સમૃદ્ધ પોષ્ટિક તત્ત્વો હોય છે. હાડકા મજબૂત બનાવે છે તેથી ઈમ્યુનિટી પાવર વધારે છે. મજાની વાત એ છે કે હાલ મુંબઈ વસતા યુકેમાંથી એમએસસી વીથ ફાયનાન્સ અને માસ્ટર્સ ઈન ચાર્ટટ એકાઉન્ટ એવા વિશાલ ગડાએ અબડાસાના ખારુઆમાં ર014થી ડ્રેગન ફ્રૂટની ખેતીની શરૂઆત કરી. વિશાલે ડ્રેગન ફ્રૂટની ટૂંકાગાળામાં નોંધપાત્ર સફળ ખેતી કરીને પ્રગતિશીલ ખેડૂત તરીકોના એવોર્ડથી પણ સન્માનિત થયા છે.
કચ્છમિત્ર સાથે વાત કરતા કહે છે કે ડ્રેગન ફ્રૂટને લોકો સુધી પહોંચાડવા ગણી મહેનત કરી છે. સગા-સબંધિઓ, મિત્રોમાં આ ફળને ઓળખાવ્યું છે. કચ્છની સાથે મુંબઈ, દિલ્હી સહિત દેશમાં કચ્છના ડ્રેગન ફ્રૂટનો ટેસ્ટ કરાવ્યો છે.' વિશાલ ગડા કચ્છમિત્ર સાથે વાત કરતા કહે છે કે ડ્રેગન ફ્રૂટ વિયેતનામા, થાઈલેન્ડ, શ્રીલંકા માંથી દેશમાં આયાત થતું હતું, પરંતું કચ્છના ખેડૂતોમાં તાકાત છે કે દેશને આ ફ્રૂટ પાડીને આત્મનિર્મર બનાવી શકશે. કલ્પેશ લક્ષ્મીચંદ હરિયા, વિશાલ ગડા અને સાગર ચંદુલાલ ઠકકર આ ત્રણેય યુવા ખેડૂતો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેનો મેઈન બિઝનેસ છોડીને ડ્રેગન ફ્રૂટની ખેતીમાં કાઠું કાઢયું છે.
તેઓ ગાય આધારિત પાકૃતિક ખેતીની હિમાયત કરે છે. તેઓએ કંપની બનાવીને `માઇશા' બ્રાન્ડથી દેશમાં ડેગન ફ્રૂટ બાય પ્રોડકટ બનાવીને ખેડૂતોને બાયબેક સાથે વાવેતર કરાવી રહ્યા છે. વિશાલ ગડા કહે છે કે સરકાર સપોર્ટ કરે તો આમાંથી ડ્રાય ફ્રૂટ બને અને વાઈન પણ બનાવી શકાય. આ મલ્ટિ ટેસ્ટ ફ્રૂટ છે. ગાંધીધામના ફ્રેન્ડ એન્ડ ફ્રેન્ડ ગ્રુપના મયંક રમેશભાઈ સિંઘવી પણ ર014થી 40 એકરમાં ડ્રેગન ફળની ખેતી કરે છે તેના માર્ગદર્શન હેઠળ અન્ય નાના મોટા મળીને 300 એકરમાં આ ફળથી ખેતી થાય છે.
મયંક સિંઘવી કચ્છમિત્ર સાથે વાત કરતાં કહે છે કે ડ્રેગન ફ્રૂટની આયાત સંપૂર્ણ બંધ થવી જોઈએ, તો જ દેશના કિસાનોને તેના ઉપજના ભાવ મળશે. મયંકે પણ ડ્રેગન ફ્રૂટ માંથી જામ, જેલી, આઈક્રીમ, શેક વગેરે બનાવીને માર્કેટ કરી રહ્યા છે. ભુજ તાલુકાના બળદિયા ગામના યુવા અભ્યાસુ ભરત શામજીભાઈ રાઘવાણી ર014થી' બંગાળથી રોપા લાવીને પ0 પ્લાન્ટ સાથે શરૂઆત કરી આજે પોતાના જ સારી ગુણવત્તાવાળા બે એકરમાં ડ્રેગન ફ્રૂટ છે. આઈ.ટી.માં બીસીએ કરેલા અને અમદાવાદમાં મોટો કારોબાર છોડીને ખેતી કરતા ભણેલા યુવાન ભરતભાઇ કહે છે કે ખેડૂતો એગ્રોફોરેસ્ટ્રી કરીને કુદરતી રીતે ગ્રીન હાઉસ ઊભું કરી તાપ, તડકા, પવનથી પાકને બચાવી શકાય છે.
નખત્રાણા તાલુકાના જિયાપર ગામના ઉત્સાહી યુવા ખેડુ મિતુલ એ. પોકાર પણ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં પોતાની બ્રાન્ડ બનાવી છે. મિતુલ પોકાર કહે છે કે નવા ખેડૂતો આ ફળના રોપાની પસંદગી કરવામાં ધ્યાન રાખવું પડશે કેમ કે હવે નર્સરીમાંથી રોપાની ખાતરી મળતી નથી એટલે ફળમાં ટેસ્ટ મળતો નથી. ડ્રેગન ફળના રોપા ગુણવત્તા પ્રમાણે પસંદ કરવા સલાહ આપે છે. આ ફળમાં ખેડૂત વાર્ષિક વિસેક હજારના ખાતર-મજૂરીના ખર્ચ સામે ખૂબ ઊચું વળતર મેળવી શકે છે એમ તેમનું કહેવું છે.
નખત્રાણા તાલુકાના વડવા (કાંયા)ના સતીશ આર. વાસાણી, પીયૂષ પી. વાસાણી, સચિન એસ. વાસાણી, વેસલપર (રોહા)ના ધીરજભાઈ દીવાણી, લક્ષ્મીપર નેત્રાના રવજીભાઈ એન. છાભૈયા, જિયાપરના કાન્તિભાઈ વી. પોકાર, માંડવી તાલુકાના દુર્ગાપરના ધીરજભાઈ લીંબાણી સહિત કચ્છમાં ર00થી વધુ ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરી દેશને આત્મનિર્મર બનાવી ફળની આયાત અટકાવવા પ્રયત્નો કરી રહ્યા છે.'
Share your comments