વડોદરા નજીકના બિલ ગામમાં દેશી ગુલાબની ખેતીની સાથે કાશ્મીરી ગુલાબની ખેતી કરવામાં આવી રહી છે. ફૂલોની ખેતી કરતા વિશાલ પટેલ જણાવે છે કે, તેમના બાપ દાદાના જમાનાથી તેઓ ફુલોની ખેતી કરતા આવ્યા છે. તેઓ કહે છે વડોદરા જિલ્લાના ફૂલના ખેડૂતો અગાઉ કાશ્મીરી ગુલાબની ખેતીથી એટલા આકર્ષાયા હતા કે દેશી ગુલાબની ખેતી કરવાનુ બંધ કરીને કાશ્મીરી ગુલાબનું વાવેતર કર્યું હતું. કાશ્મીરી ગુલાબ દેશી ગુલાબની સરખામણીમાં વધુ ટકાઉ અને હાર બનાવવા માટે વધુ સારા,વજનમાં હલકા હોય છે.
હવે ફૂલ બજારોમાં ખુશ્બુવાલી પત્તી ધરાવતા ફૂલોની માંગ વધી છે. એટલે દેશી ગુલાબની નવેસરથી માંગ ઊભી થઈ છે અને ખેડૂતો ફરીથી ખેતરોમાં કાશ્મીરીની સાથે દેશી ગુલાબ વાવતા હોવાનું જાણવા મળ્યુ છે. હવે વિશાલભાઈએ પણ 5 વિંઘા જમીનમાં કાશ્મીરીને બદલે દેશી ગુલાબ વાવવાનું શરૂ કર્યુ છે.
પહેલાના જમાનામાં દેશી ગુલાબના ફુલને રાત્રીના સમયે જે ગુલાબના ફુલ અડધા ખીલેલા હોય તેને ચૂંટીને વહેલી સવારે બજારમાં મોકલવા પડતા હતા અને વહેલા દેશી ગુલાબના ફુલ ચૂંટવામાં આવતા હોવાથી તેની ખરાબ થવાની શક્યતા વધારે રહેતી હતી પરંતુ હવે તેમાં પણ બદલાવ આવ્યો છે. હવે સ્થાનિક બજારોમાં મોકલવા માટે વહેલી સવારે વીણી કરવામાં આવે છે. અમદાવાદ,મુંબઈ,રાજસ્થાન જેવા દૂરના શહેરી બજારોમાં મોકલવા માટે દેશી ગુલાબ સાંજે ચુંટીને રાત્રે જ વિમાન મારફતે કે અન્ય રીતે ટ્રાન્સપોર્ટેશ કરી મોકલાય છે જેથી ત્યાંના બજારોમાં સવાર સવારમાં જ વડોદરાના દેશી ગુલાબ તાજેતાજા મળે છે.વિશાલભાઈ જણાવે છે કે દેશી ગુલાબ ખૂબ સુગંધિત હોવાથી પૂજા અને અન્ય પ્રસંગો માટે માંગ વધારે રહે છે.
દેશી ગુલાબ અને કાશ્મીરી ગુલાબ એ બંને આમ તો સ્વદેશી પ્રજાતિઓના ગુલાબ છે. પરંતુ કાશ્મીરીની સરખામણીમાં દેશી ગુલાબની સુંગધ વધારે હોય છે જેના કારણે દેવ પૂજા, ધાર્મિક ઉત્સવો,દરગાહમાં ચડાવવાની ફૂલોની ચાદર,મરણ પ્રસંગોએ શ્રધ્ધાંજલિ ઈત્યાદિમાં સુગંધિત દેશી ગુલાબ વધારે વપરાય છે જેના કારણે દેશી ગુલાબની માંગ વધી છે અને બજારમાં એની તંગી વર્તાય એવી સ્થિતિ છે તેવું વિશાલભાઈ નું કહેવું છે.
કરજણ તાલુકામાં પણ દેશી ગુલાબની ની ખેતી વધે એવી આશા છે. પારસના સફેદ સુગંધિત ફૂલોની પણ ફૂલ બજારમાં સારી માંગ છે. બિલ ગામમાં ફુલોની ખેતી કરતા ખેડૂતોએ લગભગ 100 વિંઘામા પારસ ઉછેર્યા છે. વિશાલભાઈ ના કેહવા પ્રમાણે વડોદરાના પારસની માંગ હૈદરાબાદ,ચેન્નાઇ, બેંગલુરુના બજારોમાં માંગ વધારે હોવાથી પારસ છેક ત્યા ટ્રાન્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે અને પારસના સારા એવા ભાવ પણ તેમને મળી રહ્યા છે. અને આવા દૂરના બજારોમાં કોરુગેટેડ બોક્સમાં બરફ વચ્ચે પેક કરીને ફૂલો મોકલવામાં આવે છે જેથી ફુલો પહોંચતા પહોંચતા ખરાબ ન થઈ જાય અને એની તાજગી જળવાઈ છે.
રાજ્ય સરકારનો બાગાયત વિભાગ ફ્લોરીકલ્ચર એટલે કે ફૂલોની ખેતીને પ્રોત્સાહિત કરે છે. વડોદરા ખાતેની નાયબ બાગાયત નિયામકની કચેરીના બાગાયત અધિકારી યોગેશભાઈ જણાવે છે કે મુખ્યત્વે ફૂલોની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે નાના અને સીમાંત ખેડૂતોને તેમજ મોટા ખેડૂતોને નિર્ધારિત માપદંડો પ્રમાણે હેકટર દીઠ વાવેતર સહાય આપવામાં આવે છે. વિગતવાર જાણકારી માટે કચેરીનો સંપર્ક કરવો જરૂરી છે.
Share your comments