ભારત એ ખેતી પ્રધાન દેશ છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સામે વર્તમાન સમયમાં પશ્વિમી સંસ્કૃતિ હાવી જઈ રહી છે ત્યારે ખેડુતોની આવતી કાલ ઉજ્જવળ અને સમૃધ્ધ બંને તે માટે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેતી અને ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલી બનાવી છે. ત્યારે સુરતના ગોપીન ગામ સ્થિત પ્રાકૃતિક ફૂડ એક્સ્પોમાં જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મુંડીયા રાવણી ગામથી આવેલા પ્રાકૃતિક ખેતી આધારિત ખેત પેદાશના વેચાણ માટેની કોઠાસુઝ ધરાવતા ખેડુત લાલજીભાઈ વાછાણીની વાત જ કંઈક અલગ છે.
લાલજીભાઈ વાછાણીએ જણાવ્યું કે, એમ તો વર્ષોથી ખેતી કરતા આવ્યા છીએ પણ આજથી ૬ વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું અને પહેલા જ વર્ષે કડવા કોઠીંબડાનું વાવેતર કરવાનું નક્કી કર્યું. લોકો કોઠીંબડાના પાકના વાવેતરને હસવામાં કાઢી નાંખતા અને ગામના લોકોએ મારી ખૂબ જ મજાક-મશ્કરી કરી હતી. લોકો કહેતા ‘બાપ-દાદાની જમીન છે વધુ નહી તો કંઈ નહી પણ વેચીના નાંખે’. આ વાક્યને ખોટું પુરવાર કરવા પરિવારે તનતોડ મહેનત કરીને ઓષધિ સમાન કડવા કોઠીંબડાની કાસરી કરીને વેચાણ કર્યું તો ન ધાર્યું પરિણામ મળ્યું. સમાજને સારૂ પીરસવાનું આત્મજ્ઞાન થયું અને પ્રાકૃતિક ખેતી અપનાવી આજે સમગ્ર પરિવાર ઓર્ગેનિક ખેતી કરીને વર્ષે લાખ્ખોની કમાણી કરીએ છીએ.
આ પણ વાંચો: અમરેલી જીલ્લાની મહિલાઓ માટે ફળ-શાકભાજી પરિરક્ષણની તાલીમ યોજાશે
વધુમાં લાલજીભાઈ કહ્યું હતું કે, કોઠીંબાએ અઢી મહિનાનો પાક છે. બિયારણ સસ્તું છે એટલે બિયારણ ખર્ચ લાગતો નથી. રાસાયણિક ખાતરની જરૂરીયાત રહેતી નથી એટલે આ પાક સંપૂર્ણ પણે પ્રાકૃતિક છે. એક વિધામાં અંદાજે ૬૦થી ૭૦ મણ કોઠીંબડાનું ઉત્પાદન મળે છે. જેનો માર્કેટ ભાવ ૩૦૦થી ૪૦૦ રૂપિયા મળે છે અને તેનું વેલ્યુએડિશન કરવામાં આવે તો કોઠીંબડાની સુકવણી પછી ૩થી ૪ કિલો કાચરી બંને છે. અને કોઠીબડાની કાચરીના એક કિલોના ભાવ રૂપિયા ૭૦૦થી ૮૦૦ રૂપિયા ઘર બેઠા જ મળી રહ્યા છે. અન્ય ખર્ચ બાદ કરતા અઢી મહિનામાં ૩૦ થી ૯૦ હજારની આવક મળી રહી છે. કાચરીએ ગૃહ ઉદ્યોગ છે. જેમાં કાપણી, સુકવણી માટે માનવશ્રમની જરૂર પડે છે જેના થકી ગામડાની બહેનોને રોજગારી પણ મળે છે.
ખેડુતો માટે વાવેતરથી વેચાણ સુધી વિવિધ યોજનાઓના લાભ લઈ વેલ્યુ એડિશન કરીને ખેડુત પોતાનું ઓર્ગેનિક ઉત્પાદન મણમાં નહી પણ ગ્રામ અને કિલોગ્રામમાં વેચાણ કરતા થઈ રહ્યા છે. આજના ટેક્નોલોજીના યુગમાં ખેડુતો અર્થાગ મહેનત સાથે વિવિધ જાણકારી અને જ્ઞાન મેળવી પોતાની ખેત પેદાશો આંગળીના ટેરવે વહેંચતા થઈ ગયા છે. કોઠીંબા કાચરીની સાથે સાથે વિવિધ ઓર્ગેનિક ખેત પેદાશ થકી કારેલા કાચરી, ગુવાર કાચરી, ભરેલ મરચા કાચરી, ભીંડા કાચરી, ટામેટા કાચરી, ગુંદા કાચરી, મરચા કાચરીનું ઓનલાઈન પ્લેટફોર્મ થકી વેચાણ કરીને ખૂબ સરસ આવક મળી રહી છે એમ ખેડૂત લાલજીભાઈ વાછાણીએ ઉમેર્યું હતું.
Share your comments