રાજકોટના ડો.રમેશ પીપળિયા વ્યવસાયે ડેન્ટિસ્ટ છે, પરંતુ પ્રાકૃતિક ખેતી કરવાના શોખના કારણે તેઓએ રાજકોટ નજીક જશવંતપુર ગામે તેના બાપ-દાદાની 20 વીઘા જમીનમાં 12થી 15 ગીર ગાય વસાવી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી બીજા ખેડૂતોને પ્રેરણા મળે એવા આવિષ્કારો કર્યાં છે.
ડો.રમેશ પીપળીયા છેલ્લા 7 વર્ષથી ગાય આધારીત ખારેકની ખેતી કરી રહ્યા છે. તેઓના જણાવ્યા અનુસાર તેઓ પહેલા પીપળીયાના નામથી હોસ્પિટલ ચલાવતા હતા અને ત્યાંજ ડોક્ટરની પ્રેક્ટિસ કરતા હતા. તેઓની હોસ્પિટલ રાજકોટમાં આવેલ બસ સ્ટેન્ડની સામે જ હતી હોસ્પિટલ પણ સારી ચાલતી હતી પરંતુ તેમને ખેતી કરવાનો ખુબ જ શોખ હોવાના કારણે તેઓએ ડોક્ટરની પ્રક્ટિસ બંધ કરીને બાપ દાદાની 20 વીઘા જમીનામા ગાય આધારીત ખેતી કરવાનું શરૂ કર્યુ અને આ જમીન પર તેમણે ખારેકની ખેતી કરવાનું શરૂ કર્યુ છે.
60થી 70 વર્ષ સુધી પાક મેળવી શકાય છે
ડો.રમેશ પીપળીયા જણાવે છે કે, મેં 10 વીઘા જમીનમાં 7 વર્ષ પહેલા ખારેકનું વાવેતર કર્યું હતું, ત્યારે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. ખારેકની ખેતી વિશે મેં યુટ્યૂબમાંથી માહિતી મેળવી હતી. એકવાર ખારેકના રોપા વાવો અને યોગ્ય જતન કરો તો તે ઝાડ બનીને 60થી 70 વર્ષ સુધી ઉત્પાદન આપે છે.
ડો.રમેશ પીપળીયાએ ખારેકની ખેતી વીશે નીચે મુજબ જણાવ્યુ છે
ગાયનું ખાતર
- ખારેકના રોપા મેં ગાયના ગોબરમાંથી બનેલા ખાતરમાંથી જ ઉછેર્યા છે.
- તેમજ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિને કારણે પાણીનો ખોટો બગાડ પણ થતો નથી અને જરૂરી પાણી મળી રહે છે.
- મેં ઇઝરાયેલ બારાહી ખારેકના રોપા વાવ્યા હતા અને છેલ્લા પાંચ વર્ષથી સારૂ એવું ઉત્પાદન મેળવી રહ્યો છું.
એક એકર જમીનમાં ખારેકના 60 ઝાડ
- ગાય આધારિત અને સંપૂર્ણ નેચરલ ખાતરનો ઉપયોગ કરવાથી બીજી કોઇ દવાનો ઉપયોગ કરવો પડતો નથી.
- એક એકર જમીનમાં ખારેકના 60 ઝાડ વાવવામાં આવ્યાં છે. એટલે કે 4 એકર જમીનમાં 240 ખારેકના ઝાડ વાવ્યા છે.
- દરેક ઝાડ પર માર્ચ મહિનાથી ખારેક આવવાનું શરૂ થાય છે અને જૂન-જુલાઈમાં ખારેક પાકી જતા તેનો ઉતારો લેવામાં આવે છે.
- આ વર્ષે એક ઝાડ પર 50થી 60 કિલો ખારેકનો ઉતારો આવ્યો હતો.
- આ રીતે 10 વીઘા જમીનમાં કુલ 10 હજાર કિલોથી વધુ ખારેકનું ઉત્પાદન થયું છે.
- અન્ય પાકના પ્રમાણમાં તેઓને ખારેકમાં મબલખ ઉત્પાદન મળ્યું છે.
એક-બે વીઘા જમીનમાં પણ દોઢ-બે લાખનું ઉત્પાદન મળે
- નાનો ખેડૂત તેની ટૂંકી જમીનમાં ખારેક વાવે તો એક બે વીઘા જમીનમાં પણ દોઢ-બે લાખનું ઉત્પાદન આરામથી મેળવી શકે છે.
- પ્રાકૃતિક ખેતી અને સ્ટાન્ડર્ડ કંપનીના ટિશ્યૂ કલ્ચર પાકથી બધી જ ખારેકમાં મીઠાશ જળવાય રહે છે અને ખેડૂત પોતે મહેનત કરી રીટેલ વેચાણ કરે તો વધારે ફાયદો થાય છે.
ખારેકની સાથે બીજા પાક પણ લઇ શકાય છે
- બે ઝાડ વચ્ચે વધારે અંતર રહેતું હોવાથી આંતર ખેતીથી પણ પૂરક આવક મેળવી શકાય છે.
- ઇઝરાયેલી પદ્ધતિથી ખારેકના ઝાડ વચ્ચે હવે આંબાના વાવેતરના પ્રયોગો પણ સફળ થયા છે સૌરાષ્ટ્રમાં હવે પાણી અને વીજળીનો વિસ્તાર વધ્યો છે. એટલે બાગાયતી પ્રાકૃતિક ખેતી પણ ખેડૂતો માટે નિયમિત અને કાયમી રોજગારીનું માધ્યમ બની શકે છે.
ગાય આધારિત ખારેકની ખેતી કરવા માટે સરકાર તરફથી મળતી સહાય
- દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
- ખારેકની ખેતીમાં એક રોપાદીઠ નોંધપાત્ર સબસીડી પણ મળે છે અને 33 ટકા જેટલા ખર્ચમાં પણ રાહત મળે છે.
- હાલ ખારેકના વાવેતર માટે એક રોપાદીઠ રૂ.1250 મહતમ એક હેક્ટર સુધી સબસીડી સહાય આપવામાં આવે છે.
- ખારેકની ખેતીમાં બહુ પાણીની પણ જરૂર રહેતી નથી
નોંધ – ફોટા ગૂગલમાંથી લીધેલ છે અને આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવામાં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે. આ આર્ટીકલ અન્ય સોર્સના માધ્યમથી લેવામાં આવેલ છે અને તેથી કૃષિ જાગરણ પુષ્ઠી કરતુ નથી
Share your comments