10 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે,ઉલ્લેખનીય છે કે 10 ફેબ્રુઆરી 2019ના રોજ સૌ પ્રથમવાર પલ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કઠોળના મહત્વને ઉજાગર કરવા માટે વર્ષ 2016ને આંતરરાષ્ટ્રીય કઠોળનું વર્ષ જાહેર કરવામાં આવ્યુ હતુ.
કઠોળનું સેવન કરવાથી પ્રોટીનની કમી નહીં રહે
કઠોળ નામથી તો આપણે બધા જ લોકો વાકેફ છીએ તે માત્ર બીજ નથી પરંતુ પોષક તત્વોનો ખજાનો છે. રોજિંદા જીવનમાં કઠોળનું સેવન કરવાથી શરીરને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે. લોકો દિવસેને દિવસે કઠોળનું મહત્વ ભૂલી રહ્યા હતા તેથી સયુંકત રાષ્ટ્રસંઘ દ્વારા કઠોળનું મહત્વ સમજાવવા માટે 10 ફેબ્રુઆરી 2019થી દર વર્ષે 'વિશ્વ કઠોળ' દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આપણા રોજિંદા જીવનમાં આપણે ચણા, મગ, મઠ, રાજમા,લીલા વટાણા, તુવેર, લીલા ચણા, વગેરે જેવા કઠોળનો ઉપયોગ કરવો જોઈએ.જો દરરોજ કઠોળનું સેવન કરવામાં આવે તો ડોક્ટરની જરૂર જલ્દી પડતી નથી.
દરરોજ કઠોળના સેવન દ્વારા વ્યક્તિ પોતાના શરીરને મેન્ટેઈન રાખી શકે છે. કઠોળ ચરબી મુક્ત અને ફાયબર યુક્ત હોવાથી તે વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે.
કઠોળના નિયમિત ઉપયોગથી થશે આ લાભ
- લોહીને શુદ્ધ કરે છે.
- પાચન તંત્ર મજબૂત થાય છે.
- હાડકાંને મજબૂત બનાવે છે.
- વજન નિયંત્રણમાં રાખે છે.
- વાળની અનેક સમસ્યાઓમાંથી છૂટકારો આપે છે.
- કેન્સર સામે લડવામાં પણ મદદરૂપ થાય છે.
- બ્લડપ્રેશર પણ કન્ટ્રોલમાં રહે છે.
કઠોળનું મહત્વ
કઠોળ પોષણથી સમૃદ્ધ હોય છે, અને તેમાં પ્રોટીનની માત્રા પણ વધારે છે. તે ખાસ કરીને તે વિસ્તારો માટે ઉપયોગી છે જ્યાં માંસ અને ડેરી ઉત્પાદનોની અછત છે. કઠોળમાં ઓછી ચરબી હોય છે જ્યારે દ્રાવ્ય ફાઈબર વધુ હોય છે. તે કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગર ઘટાડવા માટે ખૂબ ઉપયોગી છે. મેદસ્વીતા ઘટાડવા માટે કઠોળ પણ ખૂબ ઉપયોગી છે. ઉપરાંત ખાદ્ય સુરક્ષાની દ્રષ્ટિએ કઠોળ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે વિશ્વની મોટી વસ્તીનો મુખ્ય ખોરાક છે. કઠોળની ખેતી કરતા ખેડૂતો માટે તે આવકનો મહત્વપૂર્ણ સ્રોત છે. ઉલ્લેખનીય છે કે કઠોળ કૃત્રિમ ખાતરોનો ઉપયોગ ઘટાડે છે. અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને પણ ઘટાડે છે.
સૌથી વધુ આ કઠોળનો થાય છે ઉપયોગ
મગ
કહેવત છે કે ‘મગ ચલાવે છે પગ’ મગ એક એવો કઠોળ છે જે બધા જ વિટામિન, પ્રોટીન, ખનીજ તત્ત્વોથી ભરપૂર હોય છે. મગએ એક પ્રકારની દાળ જ છે. મગની દાળ કેન્સર સામે લડવામાં મદદરૂપ થાય છે. કારણ કે મગમાં રહેલો એમીનો ઍસિડ ભરપૂર માત્રામાં હોય છે. ફણગાવેલા મગની સાથે મગનું પાણી પણ તેટલું જ મદદરૂપ છે.
લીલા વટાણા
લીલા વટાણામાં વધારે પ્રમાણમાં વિટામિન હોય છે. જે હાડકા મજબૂત કરે છે. તે ઓસ્ટીયોપોરોસિસ સામે અસરકારક રીતે કાર્ય કરે છે. લીલા વટાણા વજનને નિયંત્રિત કરવાનું કામ કરે છે. વટાણામાં લો કેલરી અને લો ફેટ હોય છે. લીલા વટાણામાં હાઈ ફાઈબર હોય છે, જે વજન વધવાથી રોકે છે.ઉપરાંત વટાણામાં એન્ટિઓક્સિડેટ હોય છે. જે શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. લીલા વટાણામાં એવા સ્વાસ્થ્યવર્ધક ગુણ હોય છે જે શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા દેતા નથી.
રાજમા
આમ તો ગુજરાતીઓમાં રાજમા-ચાવલનું ચલણ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. રાજમા ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. રાજમાને બાફીને સલાડ તરીકે પણ ખાઈ શકાય છે. રાજમામાં વિટામિન બી પ્રમાણમાં વધુ હોય છે. જે મગજની કોશિકાઓ માટે ખૂબ જરુરી હોય છે. રાજમામાં પ્રોટીન અને ફાઇબરની પૂરતી માત્રા હોવાથી શરીરમાં શુગરના પ્રમાણને કંટ્રોલમાં રાખે છે.
આ પણ વાંચો : આધુનિક ખેતી માટે જૈવિક ખાતર કેટલા જરૂરી ?
આ પણ વાંચો : શિયાળામાં કરો કોથમીરનું સેવન, જુઓ તેના ચમત્કારિક ફાયદા
Share your comments