ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્ છે, અને 6 શહેરમાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચી ગયુ હતું. અમદાવાદમાં સતત ત્રીજા દિવસે તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થયો હતો અને 44.2 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આજે અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રીને પાર જઈ શકે છે અને જેના પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
-
અમદાવાદમાં આજે રેડ એલર્ટની આગાહી
વધતી ગરમી વચ્ચે અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર છે, હવામાન વિભાગે અમદાવાદમાં ગરમીને પગલે રેડ એલર્ટની આગાહી કરી છે. અને કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા માટેની સલાહ આપવામાં આવી છે. હાલ અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તર પશ્ચિમના સીધા ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે. અને આગામી બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી તેમજ કચ્છમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા તાપમાનનો પારો 43થી 45 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે.
-
આગામી 4-5 દિવસ ગરમીમાંથી રાહત નહીં
ઉલ્લેખનીય છે કે 2 મે સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે, અને લૂ લાગવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે. આ દરમિયાન ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આગાહીને પગલે લોકોને સાવચેતી રાખવા માટેની ટકોર કરવામાં આવી છે. વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસો સુધી ગરમીથી રાહત નહીં મળે. આ દરમિયાન હીટવેવની સ્થિતિ બની રહેશે. આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં અને આગામી 3 દિવસો દરમિયાન પૂર્વી ભારતમાં લૂની સ્થિતિ બની રહેશે અને ત્યારબાદ તેમાં ઘટાડો થશે. પૂર્વોત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદ અને પવન સાથે વીજળી પડવાની સંભાવના છે. હવામાન વિભાગે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ઓડિશા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે.
-
ઈડરિયા ગઢમાં ગરમીનો પ્રકોપ
સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે રાજ્યમાં જ્યાં સૌથી વધારે ગરમી પડે છે તે સાબરકાંઠાના ઈડરમાં બપોરના સમયે કર્ફ્યુ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઈડરમાં ગરમીનો પારો હાલ 41થી 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. ઈડર શહેર ગુજરાત જ નહીં સમગ્ર દેશમાં ઈડરિયા ગઢને કારણે ખ્યાતિ ધરાવે છે. ઈડરિયા ગઢના કાળા પર્વતોને કારણે ઈડરમાં સૌથી વધારે ગરમી પડે છે.
આ પણ વાંચો : Potable Water Benefits : માટલાનું પાણી પીવો અને દરેક મોસમી રોગો સામે મેળવો રક્ષણ
- તાપમાનો પારો 44 ડિગ્રી સુધી પહોંચશે
- મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડશે ખતરનાક ગરમી
- અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં હીટવેવની આગાહી
- સુરેન્દ્રનગર અને જામનગરમાં પણ હીટવેવ
- જૂનાગઢ, અમરેલી અને કચ્છમાં હીટવેવની આગાહી
આ પણ વાંચો : લાલ લસણના ફાયદા અનેક, મહીસાગરનું લાલ લસણ છે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત
આ પણ વાંચો : પીવાના પાણીને ઘરે જ કરો સરળતાથી સ્વચ્છ, અને બનાવો પીવા લાયક
Share your comments