ગુજરાતમાં આકરી ગરમીને કારણે હાહાકાર મચી ગયો છે, અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો સતત નવી સપાટીઓ વટાવી રહ્યો છે. ત્યારે આગામી દિવસોમાં વાતાવરણને લઈને હવામાન વિભાગે મહત્વપૂર્ણ આગાહી કરી છે, તો વાંચો કે ગુજરાતીઓ ભરગરમીમાં શેકાશે કે મળશે ગરમામાંથી રાહત.
આગામી 2 દિવસ બાળી નાખે તેવી ગરમી
ઉનાળામાં રાજ્યમાં આભમાંથી સતત ગરમી વરસી રહી છે, ત્યારે હજુ પણ બે દિવસ ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં રાજ્યમાં ગરમીનો પારો 48 પર પહોંચી જશે, જેના પગલે બપોરના સમયે લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
અમદાવાદમાં રેડ એલર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો સતત નવી સપાટી વટાવી રહ્યો છે. અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ગાંધીનગર, બનાસકાંઠા, રાજકોટ, ભાવનગર અને કચ્છમાં બે દિવસ યલો એલર્ટ રહેશે. તો ગુરૂવારે રાજ્યના પાંચ શહેરોમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. 46 ડિગ્રી સાથે ગુરૂવારે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતુ. તો અમદાવાદમાં પણ ગરમીનો પારો 45.2 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.
આ પણ વાંચો : 1.8 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય : ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનંં પરિણામ જાહેર
સિઝનની સૌથી વધુ ગરમી નોંધાઈ
અમદાવાદ 46 ડિગ્રી ગરમીમાં શેકાયું હતું, જે વર્તમાન સિઝનમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 18 મે સુધી તાપમાન 43 ડિગ્રીથી નીચે જવાની સંભાવના નહિવત્ છે. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવું અનુભવાયું હતું અને જેના કારણે નાગરિકો ત્રસ્ત થઇ ગયા હતા.
બીમારીમાં ઉછાળો નોંધાયો
ડિહાઇડ્રેશન, ઝાડા-ઉલ્ટી, ચક્કર આવવાથી પડી જવાના કેસમાં આજે પણ વધારો જોવા મળ્યો હતો. વધતી જતી ગરમીને લીધે અમદાવાદમાં છેલ્લા બે દિવસથી બીમાર પડનારાઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સોલા સિવિલમાં સામાન્ય રીતે દરરોજ 800થી 850 ઓપીડી હોય છે. જે હવે વધીને 1100થી વધુ થઈ ગઈ છે. મોટા ભાગના દર્દીઓ ઝાડા-ઉલ્ટીના હોય છે. બાળકો પર પણ ગરમીની સૌથી વધુ અસર પડી રહી છે. સોલા સિવિલમાં ગરમીને લીધે સારવાર માટે આતા 40થી 45 ટકા બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.
આ પણ વાંચો : ભરગરમીમાં પણ ચા : ઉનાળાના તાપમાં ઠંડક આપશે આ ચા
Share your comments