સમગ્ર દેશમાં ભારે ગરમી પડી રહી છે, ત્યારે ગુજરાતમાં શરીર દઝાડી મૂકે તેવી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને બપોરના સમયે લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનુ ટાળી રહ્યા છે. ત્યારે હવે હવામાન વિભાગે ગરમી વધશે તેવી આગાહી કરી દીધી છે.
તાપમાન 43થી 44 ડિગ્રી સુધી પહોંચશે
શહેરમાં લગભગ 20 વર્ષ પછી એપ્રિલમાં જ મે મહિના જેવી ગરમી સાથે હીટવેવનો પ્રારંભ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારથી ફરી હીટવેવ આવશે અને ફરી એકવાર તાપમાન 43થી 44 ડિગ્રી સુધી પહોંચી જશે. હવામાન નિષ્ણાતોના મતે ક્લાઇમેટ ચેન્જની અસરથી હીટવેવનું જોર વધ્યું છે.
ગરમીમાં અસહ્ય વધારો
ઉનાળાની શરૂઆતથી જ હીટવેવમાં વધારો થયો છે. એન્ટી સાઈક્લોનિક સર્ક્યુલેશનને વાતાવરણમાંથી ભેજનું પ્રમાણ ઘટવાથી ઉપરના લેવલના ગરમ પવનો સીધા જમીન તરફ આવે છે, અને પવનની ગતિ ઓછી રહેતા ગરમીમાં અસહ્ય વધારો થાય છે. બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન મંગળવાર જેટલું જ 41.5 ડીગ્રી નોંધાયું હતું.
ક્યા કરાઈ હીટવેવની આગાહી
ગુજરાતમાં ગરમીનો કહેર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે અને 44 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે. તો બુધવારે રાજ્યના 6 શહેરમાં ગરમીનો પારો રહ્યો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. સૌથી ઊંચું તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. અમરેલીમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
બપોરના સમયે ભયંકર લૂ
મંગળવાર સુધી દક્ષિણ-પશ્રિમ દિશામાંથી ભેજવાળા પવન ફુંકાતા હતા. હવે ઉતર દિશામાંથી જમીન પરના પવન ફુંકાઇ રહ્યા હોવાથી તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. જમીન પરના ગરમ પવન શરૂ થયા હોવાથી આગામી દિવસોમાં ગરમી વધવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.
ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો
ભારે ગરમીને કારણે લોકોમાં બીમારીના કિસ્સાઓ પણ વધી ગયા છે, અને ભારે ગરમીને કારણે લોકો ઠંડા પીણાનું સેવન કરી રહ્યાં છે. છાશ, લીંબુ પાણી જેવા અનેક ઠંડાન પીણાથી ગરમીથી લોકો બચી રહ્યા છે. હવે એ તો જોવુ રહ્યુ કે એપ્રિલ મહિનામાં જ મે મહિના જેવી ગરમી પડી રહી છે તો મે મહિનામાં લોકોની શું હાલત થાય છે.
આ પણ વાંચો : તપાવી મૂકે તેવી ગરમીમાં છાશ પીવી છે ફાયદાકારક, અહીં જાણો તેના ફાયદા
આ પણ વાંચો : ગામડાના લોકોએ પૈસા મેળવવા માટે ખોલાવવું પડશે આ ખાતું, સાથે જ સરકારી યોજનાઓનો પણ મળશે લાભ
Share your comments