ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં 58 વિધાનસભા બેઠકો માટે 623 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 73 મહિલા ઉમેદવારો છે. કેન્દ્રમાં સરકાર બનાવવી હોય તો કોઈપણ રાજકીય પક્ષે આ રાજ્ય પર કબજો હાંસલ કરવો આવશ્યક ગણાય છે. ત્યારે આજે યૂપી વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન છે.
સવારે 7 વાગ્યાથી મતદાન શરુ
ઉત્તર પ્રદેશ રાજ્ય વસ્તીની દ્રષ્ટ્રિએ દેશનું સૌથી મોટું રાજ્ય છે, ત્યારે આજે યૂપી વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન છે. 11 જિલ્લાની 58 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયુ છે, અને સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.
શામલી, મુઝફ્ફરનગર, બાગપત, મેરઠ, ગાઝિયાબાદ, ગૌતમ બુદ્ધ નગર, હાપુડ, બુલંદશહેર, અલીગઢ, મથુરા અને આગ્રામાં આજે મતદાન થઈ રહ્યુ છે. મતદાન માટે પોલિંગ પાર્ટીઓને પણ રવાના કરી દેવામાં આવી છે, આ સાથે ચૂંટણી પંચે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દીધી છે. મહત્વની વાત છે કે કડકડતી ઠંડીમાં પણ મતદારો વહેલી સવારથી જ ઉઠીને મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યાં છે. સાથે જ આ ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનારા વોટરોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી
ચૂંટણી પંચે નિષ્પક્ષ, સલામત અને શાંતિપૂર્ણ ચૂંટણીઓ માટે વિસ્તૃત વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા કરી છે. કોરોનાને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, થર્મલ સ્કેનર, હેન્ડ સેનિટાઈઝર, હાથના મોજા, પીપીઈ કીટ, સાબુ, પાણી વગેરેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. મતદારોની સુવિધા માટે મતદાર માર્ગદર્શિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. કોરોનાને જોતા ચૂંટણી પંચે મતદાન સ્થળો પર મહત્તમ મતદારોની સંખ્યા 1250 સુધી પહોંચાડવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
2.28 કરોડ લોકો કરશે મતદાન
તમને જણાવી દઈએ કે રાજ્યના મતદાતાઓની વાત કરવામાં આવે તો 58 વિધાનસભા સીટ પર કુલ 2.28 કરોડ મતદાતા છે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.24 કરોડ પુરુષ, 1.04 કરોડ મહિલા અને 1448 ટ્રાન્સજેન્ડર મતદાતા છે. ચૂંટણીના પ્રથમ તબક્કામાં 58 વિધાનસભા સીટો પર 623 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 73 મહિલા ઉમેદવારો છે. પ્રથમ તબક્કામાં 26,027 મતદાન સ્થળો અને 10853 મતદાન મથકો છે.
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે 7,057 ભારે વાહનો, 5,559 હળવા વાહનો અને 1,20,876 મતદાન કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીમાં તમામ 26,027 મતદાન સ્થળો માટે મતદાન માટે જરૂરી EVM અને VVPAT અને અલગ-અલગ જિલ્લાઓમાં પૂરતી સંખ્યામાં અનામત EVM અને VVPATની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં ટેકનિકલી પ્રશિક્ષિત કર્મચારીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી EVM અથવા VVPATમાં કોઈ સમસ્યા હોય તો તેને તાત્કાલિક ઉકેલી શકાય.
ચૂંટણીમાં ભાજપનો હતો દબદબો
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે પ્રથમ તબક્કામાં સમાવિષ્ટ 58માંથી 53 બેઠકો જીતી હતી. જ્યારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીને 2-2 બેઠકો મળી હતી. આ ઉપરાંત 1 સીટ આરએલડીના ફાળે ગઈ હતી.
મતદાર ઓળખ કાર્ડની ગેરહાજરીમાં, આધાર કાર્ડ, મનરેગા જોબ કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ સહિત 12 અન્ય વૈકલ્પિક ઓળખ કાર્ડનો ઉપયોગ કરીને મતદાન કરી શકાય છે.
આ પણ વાંચો : સ્માર્ટફોન ખરીદવા ખેડૂતોને સરકાર આપશે સહાય
આ પણ વાંચો : આબોહવા સ્માર્ટ કૃષિ: વાતાવરણ આધારિત કૃષિનો એક નવો અભિગમ
Share your comments