ગુજરાતમાં એક તરફ ભારે ગરમીનો માહોલ છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ઓચિંતા માવઠાના કારણે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો છે. આજે પડેલા વરસાદના લીધે ધરતીપુત્રોની ચિંતામાં પણ વધારો થયો છે. અને કેરીનો પાક બગડે તેવો ભય સેવાઈ રહ્યો છે.
સુરત શહેરના વાતાવરણમાં વહેલી સવારથી પલટો જોવા મળ્યો હતો. જે પછી શહેરમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. વરાછા અને લીંબાયત વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તો બફારાનો પણ અનુભવ લોકો કરી રહ્યા છે.
બીજી તરફ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. વલસાડ શહેરના આજુ બાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભર ઉનાળે વલસાડમાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો છે. જો કે વરસાદને કારણે લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી છે. તો બીજી તરફ વલસાડમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેરીના તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ ખેડુતોને સતાવી રહી છે. વલસાડના ગુંદલાવ,ઘડોઈ, ગોરવાળા પાલણ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો: જાણો કઈ રીતે ઘરે કરશો કેસરની ખેતી
સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. આજે સુરેન્દ્રનગર સૌથી ગરમ રહ્યું છે. સુરેન્દ્રનગરમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલીમાં 40.8 અને રાજકોટમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના અનુસાર ઉત્તર દિશાથી સૂકા પવન ફૂંકાવાને લઈ તાપમાનમાં વધારો થશે. બે દિવસ બાદ અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 1 ડિગ્રી વધી શકે છે.
હવામાન વિભાગની આગાહી સામે આવી છે. સાથે જ અમદાવાદવાસીઓને ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. બે દિવસ બાદ અમદાવાદમાં ગરમીમાં આંશિક રાહત મળશે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે 2 દિવસ બાદ 1 ડિગ્રી તાપમાન ઘટશે. આજથી બે દિવસ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં 1 ડિગ્રી તાપમાન વધવાની શકયતા છે.
Share your comments