ગુજરાત રાજ્યમાં ઘઉં પકવતા જે પણ ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા હોય તેઓની ઓનલાઈન નોંધણી ફરજીયાત કરી દેવામાં આવી છે, આ માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવી પડશે.
ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સીઝન 2022-23માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 2015ના ભાવથી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફતે કરવામાં આવશે.
લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતોની ઓનલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા તથા તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉન ખાતે તારીખ 31 માર્ચ 2022 સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને અપીલ કરવામાં આવે છે.
ગુજરાત સરકાર દ્વારા જુદાજુદા ખરીફ અને રવિ પાકોની ટેકાના ભાવની ભલામણ કેન્દ્ર સરકારને કરવામાં આવે છે. જેના આધારે ભારત સરકાર દર વર્ષે મહત્વના પાકોના ટેકાના ભાવો નિયત કરી તેની સામાન્ય રીતે જે તે પાકોના માર્કેટીંગ સીઝન અગાઉ જાહેરાત કરી તેની પ્રસાર માધ્યમો દ્વારા બહોળી પ્રસિદ્ધિ કરે છે. ટેકાના ભાવોથી યોજનામાં સમાવિષ્ટ ખેત પેદાશોના પ્રવર્તમાન ભાવો નીચા જાય તો નિયુક્ત નોડલ એજન્સી દ્વારા આવી નિયત ગુણવત્તા ધરાવતી ખેત પેદાશોની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી એ.પી.એમ.સી. APMC સેન્ટર દ્વારા સીધી ખરીદી કરવામાં આવે છે .
આનો લાભ ઉઠાવવા માટે નોંધણી કરાવવા માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો- 7, 12, 8-અની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઈ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.
રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા હોય તેઓની ઓનલાઈન નોંધણી ફરજીયાત છે, આ માટે સંબંધિત ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કર્યો છે.
ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ ના નાયબ જિલ્લા મેનેજરે જણાવ્યું છે કે નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો તેમણે હેલ્પલાઇન નંબર 8511171718 તથા 8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે. ખેડૂતોએ નોંધણી માટે VCE કે ગોડાઉન કક્ષાએ કોઈ પણ રકમ ચૂકવવાની રહેતી નથી.
આ પણ વાંચો : 31 માર્ચ પહેલાં કરી લો આ કામ નહિતર થઈ શકે છે નુકસાન
આ પણ વાંચો : JEE-Main 2022ની તારીખ થઈ જાહેર, પરીક્ષા બે તબક્કામાં યોજાશે
Share your comments