Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

News

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસમાં ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ ત્રણ વર્ષ અગાઉ ઇટી ગ્લોબલ બિઝનેસ સમિટમાં તેમની છેલ્લી વખતની મુલાકાત પછી થયેલા ફેરફારોની નોંધ લીધી હતી. તેમણે યાદ અપાવ્યું હતું કે, ગત સમિટના માત્ર ત્રણ દિવસ પછી જ ડબ્લ્યુએચઓએ કોવિડને મહામારી જાહેર કર્યો હતો, જે વૈશ્વિક સ્તરે અને ભારતમાં મોટા પાયે ઝડપી ફેરફારો તરફ દોરી ગયો હતો.

Rizwan Rashid Shaikh
Rizwan Rashid Shaikh

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં હૉટેલ તાજ પેલેસમાં ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ ત્રણ વર્ષ અગાઉ ઇટી ગ્લોબલ બિઝનેસ સમિટમાં તેમની છેલ્લી વખતની મુલાકાત પછી થયેલા ફેરફારોની નોંધ લીધી હતી. તેમણે યાદ અપાવ્યું હતું કે, ગત સમિટના માત્ર ત્રણ દિવસ પછી જ ડબ્લ્યુએચઓએ કોવિડને મહામારી જાહેર કર્યો હતો, જે વૈશ્વિક સ્તરે અને ભારતમાં મોટા પાયે ઝડપી ફેરફારો તરફ દોરી ગયો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ સંદર્ભે 'એન્ટિફ્રૅજાઇલ'ની વિભાવના પર ચર્ચાને જન્મ આપ્યો છે એટલે કે એવી વ્યવસ્થા કે જે પ્રતિકૂળતાઓનો સામનો કરવા માટે માત્ર સ્થિતિસ્થાપક કે અડીખમ જ નથી, પણ આ પ્રતિકૂળતાઓનો ઉપયોગ કરીને વધારે મજબૂત બને છે. તેમણે જણાવ્યું હતું કે, એન્ટિફ્રૅજાઇલની વિભાવનાએ 140 કરોડ ભારતીયોના સહિયારા સંકલ્પને તેમનાં મનમાં લાવ્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ત્રણ વર્ષનાં યુદ્ધ અને કુદરતી આપત્તિના સમયગાળા દરમિયાન ભારત અને ભારતીયોએ જબરદસ્ત દ્રઢ નિશ્ચયનો પરિચય આપ્યો છે. “ભારતે દુનિયાને બતાવી દીધું છે કે એન્ટિફ્રૅજાઇલ હોવાનો અર્થ શું થાય છે. જ્યાં પહેલા ફ્રૅજાઇલ ફાઇવની વાત થતી હતી ત્યાં હવે ભારતની ઓળખ એન્ટિફ્રૅજાઇલથી થઇ રહી છે.” ભારતે દુનિયાને દેખાડી દીધું છે કે આફતોને કેવી રીતે અવસરમાં પરિવર્તિત કરી શકાય. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, છેલ્લાં 100 વર્ષમાં સૌથી મોટી કટોકટી દરમિયાન ભારતે દાખવેલી ક્ષમતાનો અભ્યાસ કરીને માનવતાને પણ 100 વર્ષ પછી ગર્વ થશે." 

પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કર્યું
પ્રધાનમંત્રીએ દિલ્હીમાં ઇકોનોમિક ટાઇમ્સ ગ્લોબલ બિઝનેસ સમિટને સંબોધન કર્યું

આ વર્ષની સમિટની થીમ 'રિઈમૅજિન બિઝનેસ, રિઇમૅજિન ધ વર્લ્ડ'ની થીમનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, જ્યારે દેશે વર્ષ 2014માં વર્તમાન સરકારને સેવા કરવાની તક આપી હતી, ત્યારે કેવી રીતે પુનઃકલ્પના અમલમાં આવી હતી. તેમણે કૌભાંડોને કારણે દેશની પ્રતિષ્ઠા માટે કપરા સમયને યાદ કર્યો હતો, ભ્રષ્ટાચારને કારણે ગરીબો વંચિત રહી જતા હતા, રાજવંશની વેદી પર યુવાનોનાં હિતોનું બલિદાન આપવામાં આવ્યું હતું અને સગાવાદ અને નીતિગત પક્ષાઘાત-નિષ્ક્રિયતાને કારણે પ્રોજેક્ટ્સમાં વિલંબ થતો હતો. "આથી જ અમે શાસનનાં દરેકે દરેક તત્ત્વની નવેસરથી કલ્પના કરવાનું, નવેસરથી શોધવાનું નક્કી કર્યું. અમે ફરીથી કલ્પના કરી કે સરકાર ગરીબોને સશક્ત બનાવવા માટે કલ્યાણ વિતરણમાં કેવી રીતે સુધારો કરી શકે છે. અમે ફરીથી કલ્પના કરી કે સરકાર વધુ કાર્યક્ષમ રીતે કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકે છે. અમે નવેસરથી કલ્પના કરી કે સરકારે દેશના નાગરિકો સાથે કેવા પ્રકારનો સંબંધ રાખવો જોઈએ," એમ પ્રધાનમંત્રીએ કહ્યું.

પ્રધાનમંત્રીએ કલ્યાણ વિતરણની પુનઃકલ્પના કરવા વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું અને બૅન્ક ખાતાઓ, લોન, આવાસ, સંપત્તિના અધિકારો, શૌચાલયો, વીજળી અને સ્વચ્છ રાંધણ ઇંધણની ડિલિવરી વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, "અમારું ધ્યાન ગરીબોને સશક્ત બનાવવા પર કેન્દ્રિત હતું, જેથી તેઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે દેશના ઝડપી વિકાસમાં યોગદાન આપી શકે." પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ(ડીબીટી)નું ઉદાહરણ આપીને પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી રાજીવ ગાંધીની લિકેજ પરની એ ટિપ્પણીને યાદ કરી હતી કે, એક રૂપિયામાંથી 15 પૈસા ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચે છે. તેમણે ઉમેર્યું હતું કે, "અમારી સરકારે અત્યાર સુધીમાં વિવિધ યોજનાઓ હેઠળ ડીબીટી મારફતે રૂ. 28 લાખ કરોડ ટ્રાન્સફર કર્યા છે. જો શ્રી રાજીવ ગાંધીની આ ટિપ્પણી આજે પણ સાચી રહી હોત તો તેમાંથી 85 ટકા એટલે કે 24 લાખ કરોડ રૂપિયા લૂંટાઈ ગયા હોત. પરંતુ આજે તે પણ ગરીબો સુધી પહોંચી રહ્યાં છે," એમ પ્રધાનમંત્રીએ કહ્યું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, નહેરુજી પણ જાણતા હતા કે, જ્યારે દરેક ભારતીયને શૌચાલયની સુવિધા મળશે, ત્યારે તેનો અર્થ એ થશે કે ભારત વિકાસની નવી ઊંચાઈએ પહોંચી ગયું છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વર્ષ 2014 પછી 10 કરોડ શૌચાલયોનું નિર્માણ થયું હતું જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતાનો વ્યાપ 40 ટકાથી ઓછો હતો તેનાથી 100 ટકા સુધી લઈ જવાયો.

આકાંક્ષી જિલ્લાઓનું ઉદાહરણ ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2014માં 100થી વધારે જિલ્લાઓ અતિ પછાત હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અમે પછાતપણાની આ વિભાવનાની પુનઃકલ્પના કરી અને આ જિલ્લાઓને આકાંક્ષી જિલ્લાઓ બનાવ્યા." પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશનાં આકાંક્ષી જિલ્લા ફતેહપુરમાં સંસ્થાગત પ્રસૂતિ 47 ટકાથી વધીને 91 ટકા થઈ હોવા સહિતનાં કેટલાંક ઉદાહરણો ટાંક્યાં હતાં. મધ્ય પ્રદેશના આકાંક્ષી જિલ્લા બરવાનીમાં સંપૂર્ણ રસીકરણ કરાયેલાં બાળકોની સંખ્યા હવે 40 ટકાથી વધીને 90 ટકા થઈ ગઈ છે. મહારાષ્ટ્રના આકાંક્ષી જિલ્લા વાશીમમાં વર્ષ 2015માં ટીબીની સારવારની સફળતાનો દર 48 ટકાથી વધીને આશરે 90 ટકા થયો છે. હવે કર્ણાટકના યાદગિરના આકાંક્ષી જિલ્લામાં બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ધરાવતી ગ્રામ પંચાયતોની સંખ્યા 20 ટકાથી વધીને 80 ટકા થઈ ગઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ પ્રકારના ઘણા માપદંડો છે, જેમાં આકાંક્ષી જિલ્લાઓનું કવરેજ સમગ્ર દેશની સરેરાશ કરતાં વધારે સારું થઈ રહ્યું છે." સ્વચ્છ પાણીના પુરવઠાના સંબંધમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વર્ષ 2014માં ફક્ત 3 કરોડ નળનાં જોડાણો હતાં. છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં 8 કરોડ નવાં નળ જોડાણો ઉમેર્યાં છે.

તે જ રીતે, આંતરમાળખામાં, રાજકીય મહત્વાકાંક્ષાને દેશની જરૂરિયાતો કરતાં વધારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું અને આંતરમાળખાની શક્તિની કદર કરવામાં આવી ન હતી. "અમે વાડાબંધીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોવાની પ્રથા બંધ કરી દીધી હતી અને એક ભવ્ય વ્યૂહરચના તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણની ફરીથી કલ્પના કરી હતી. આજે ભારતમાં દરરોજ 38 કિમીની ઝડપે હાઈવે બની રહ્યા છે અને દરરોજ 5 કિલોમીટરથી વધુ રેલવે લાઈનો નાખવામાં આવી રહી છે. આવનારાં 2 વર્ષમાં આપણી પોર્ટની ક્ષમતા 3000 એમટીપીએ સુધી પહોંચવાની છે. વર્ષ 2014ની સરખામણીએ ઓપરેશનલ એરપોર્ટ્સની સંખ્યા બમણી થઈને 74થી વધીને 147 થઈ ગઈ છે. આ 9 વર્ષોમાં લગભગ 3.5 લાખ કિલોમીટરના ગ્રામીણ રસ્તાઓ અને 80 હજાર કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ 9 વર્ષોમાં 3 કરોડ ગરીબોનાં ઘર બનાવવામાં આવ્યાં છે."

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં વર્ષ 1984થી મેટ્રોની કુશળતા છે, પણ વર્ષ 2014 સુધી દર મહિને માત્ર અડધો કિલોમીટરની મેટ્રો લાઇન નાંખવામાં આવતી હતી. જે વધીને દર મહિને ૬ કિ.મી. થઈ છે. આજે ભારત મેટ્રો રૂટની લંબાઈના મામલે 5માં નંબર પર છે અને ટૂંક સમયમાં ભારત ત્રીજા નંબર પર આવી જશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "પ્રધાનમંત્રી ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન માળખાગત સુવિધાનાં નિર્માણને વેગ તો આપે જ છે સાથે ક્ષેત્રના વિકાસ અને લોકોના વિકાસ પર પણ ભાર મૂકી રહ્યો છે." તેમણે ગતિશક્તિ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેપિંગનાં 1600થી વધારે ડેટા સ્તરો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, ભારતના એક્સપ્રેસવે કે અન્ય માળખાગત સુવિધાઓને પણ એઆઇ સાથે જોડવામાં આવી છે, જેથી ટૂંકામાં ટૂંકો અને સૌથી અસરકારક માર્ગ નક્કી કરી શકાય. તેમણે વધુમાં ઉમેર્યું કે વસ્તી ગીચતા અને કોઈપણ એક ક્ષેત્રમાં શાળાઓની ઉપલબ્ધતાનું મેપિંગ પણ કરી શકાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટેકનોલોજીના ઉપયોગથી, શાળાઓને માગ કે રાજકીય વિચારણાના આધારે ફાળવવાને બદલે જ્યાં જરૂર હોય તેવા વિસ્તારોમાં શાળાઓનું નિર્માણ થઈ શકે છે.

ભારતનાં ઉડ્ડયન ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓની નવેસરથી કલ્પના કરવા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, અગાઉ એરસ્પેસનો મોટો હિસ્સો સંરક્ષણ માટે મર્યાદિત હતો, જેના કારણે વિમાનને તેમનાં ગંતવ્ય સ્થાને પહોંચવામાં વધારે સમય લાગતો હતો. આ સમસ્યાનું સમાધાન શોધવા માટે, પ્રધાનમંત્રીએ વિસ્તારથી જણાવ્યું કે, સરકારે સશસ્ત્ર દળો સાથે વાત કરી, જેનાં પરિણામે આજે નાગરિકોનાં વિમાનોની અવરજવર માટે 128 હવાઈ માર્ગો ખોલવામાં આવ્યાં છે. આનાથી ફ્લાઇટના માર્ગો ટૂંકા થઈ ગયા, જેનાથી સમય અને બળતણ બંનેની બચત થઈ. તેમણે નોંધ્યું હતું કે, આ નિર્ણય સાથે આશરે 1 લાખ ટન કાર્બન ડાયોકસાઇડનાં ઉત્સર્જનમાં પણ ઘટાડો થયો છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતે ભૌતિક અને સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસનું નવું મૉડલ દુનિયાની સામે પ્રસ્તુત કર્યું છે, જ્યાં ભારતનું ડિજિટલ માળખું એનું સંયુક્ત ઉદાહરણ છે. છેલ્લાં 9 વર્ષમાં પ્રાપ્ત થયેલી ઉપલબ્ધિઓ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, દેશમાં 6 લાખ કિલોમીટરથી વધારે ઓપ્ટિકલ ફાઇબર પાથરવામાં આવ્યાં છે, મોબાઇલ ઉત્પાદન એકમોની સંખ્યામાં અનેકગણો વધારો થયો છે અને દેશમાં ઇન્ટરનેટ ડેટાનાં દરમાં 25 ગણો ઘટાડો થયો છે, જે દુનિયામાં સૌથી સસ્તો છે. તેમણે નોંધ્યું હતું કે, વર્ષ 2012માં વૈશ્વિક મોબાઇલ ડેટા ટ્રાફિકમાં ભારતનું યોગદાન 2 ટકા હતું, જ્યારે પશ્ચિમી બજારે 75 ટકા યોગદાન કર્યું હતું, પરંતુ વર્ષ 2022માં વૈશ્વિક મોબાઇલ ડેટા ટ્રાફિકમાં ભારતનો હિસ્સો 21 ટકા હતો, જ્યારે ઉત્તર અમેરિકા અને યુરોપ માત્ર એક ચતુર્થાંશ હિસ્સા પૂરતું મર્યાદિત હતું. તેમણે વધુમાં નોંધ્યું હતું કે, અત્યારે દુનિયામાં રિયલ ટાઇમ ડિજિટલ પેમેન્ટ્સના 40 ટકા ભારતમાં થાય છે.

ભૂતકાળની સરકારોની પ્રચલિત 'માઈ-બાપ' સંસ્કૃતિનું અવલોકન કરતાં પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, જેમણે શાસન કર્યું હતું તેઓ તેમના જ દેશના નાગરિકોમાં માલિકોની જેમ વર્ત્યા. તેમણે વધુમાં સમજાવ્યું હતું કે, 'પરિવારવાદ' અને 'ભાઈ-ભતીજાવાદ' (સગાવાદ) સાથે ગૂંચવાવું નહીં. તે સમયનાં વિચિત્ર વાતાવરણ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્થિતિ એવી હતી કે, સરકાર તેના નાગરિકોને શંકાની નજરે જોતી હતી, પછી ભલેને તેઓ ગમે તે કરે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નાગરિકોએ કંઇ પણ કરતા પહેલા સરકારની પરવાનગી લેવી પડતી હતી.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, તેનાથી સરકાર અને નાગરિકો વચ્ચે પારસ્પરિક અવિશ્વાસ અને શંકાનું વાતાવરણ ઊભું થયું. તેમણે આ પ્રસંગે ઉપસ્થિત વરિષ્ઠ પત્રકારોને ટીવી અને રેડિયો અથવા અન્ય કોઈ પણ ક્ષેત્રને ચલાવવા માટે જરૂરી નવીનીકરણીય લાઇસન્સ વિશે યાદ અપાવ્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે, નેવુંના દાયકાની જૂની ભૂલો મજબૂરીનાં કારણે સુધારવામાં આવી હતી તેમ છતાં જૂની 'માઈ-બાપ' માનસિકતા સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ન હતી. પ્રધાનમંત્રીએ એ બાબતનું વિસ્તૃત વર્ણન કર્યું હતું કે, વર્ષ 2014 પછી 'સરકાર-પ્રથમ'ની માનસિકતાને 'પીપલ-ફર્સ્ટ' અભિગમ તરીકે પુનઃકલ્પિત કરવામાં આવી હતી અને સરકારે તેના નાગરિકો પર વિશ્વાસ મૂકવાના સિદ્ધાંત પર કામ કર્યું હતું. પ્રધાનમંત્રીએ સેલ્ફ-એટેસ્ટેશન, નીચલા દરજ્જાની નોકરીઓમાંથી ઇન્ટરવ્યૂ નાબૂદ કરવા, નાના આર્થિક અપરાધોને ડીક્રિમિનલાઇઝ કરવા, જન વિશ્વાસ બિલ, કોલેટરલ-ફ્રી મુદ્રા લોન અને સરકાર એમએસએમઇ માટે ગૅરેન્ટર બનવાનાં ઉદાહરણો ટાંક્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "દરેક કાર્યક્રમ અને નીતિમાં લોકો પર વિશ્વાસ મૂકવો એ અમારો મંત્ર રહ્યો છે."

કરવેરાની વસૂલાતનાં ઉદાહરણનું વિસ્તૃત વિવરણ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2013-14માં દેશની કુલ કરવેરાની આવક આશરે રૂ. 11 લાખ કરોડ હતી, પણ વર્ષ 2023-24માં તે રૂ. 33 લાખ કરોડથી વધારે હોવાનો અંદાજ છે. પ્રધાનમંત્રીએ ગ્રોસ ટેક્સ રેવન્યુમાં વધારા માટે કરવેરામાં થયેલા ઘટાડાને શ્રેય આપ્યો હતો અને કહ્યું હતું કે, "9 વર્ષમાં ગ્રોસ ટેક્સ રેવન્યુમાં 3 ગણો વધારો થયો છે અને આવું ત્યારે થયું છે જ્યારે અમે કરવેરાના દરમાં ઘટાડો કર્યો છે." પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, કરદાતાઓને જ્યારે ખબર પડે કે ચૂકવેલ કરવેરાનો અસરકારક રીતે ખર્ચ થઈ રહ્યો છે, ત્યારે તેઓ પ્રેરિત થાય છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે તમે તેમના પર ભરોસો કરો છો, ત્યારે લોકો તમારા પર વિશ્વાસ મૂકે છે." તેમણે ફેસલેસ આકારણી પર પણ વાત કરી, જ્યાં પ્રક્રિયાઓને સરળ બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

અગાઉ સરેરાશ 90 દિવસમાં આવકવેરા રિટર્ન્સ પ્રોસેસ થતાં હતાં  તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આવકવેરા વિભાગે ચાલુ વર્ષે 6.5 કરોડથી વધારે રિટર્ન્સ પ્રોસેસ કર્યાં છે, જેમાં 24 કલાકની અંદર 3 કરોડ રિટર્ન્સ પ્રોસેસ થયાં અને થોડા જ દિવસોમાં નાણાં પરત કરવામાં આવ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતની સમૃદ્ધિ એ વિશ્વની સમૃદ્ધિ છે અને ભારતનો વિકાસ એ વિશ્વની વૃદ્ધિ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જી-20 માટે પસંદ કરાયેલી વન વર્લ્ડ, વન ફેમિલી, વન ફ્યુચરની થીમમાં વિશ્વના અનેક પડકારોનું સમાધાન છે. તેમણે કહ્યું હતું કે, સમાન સંકલ્પો લઈને અને દરેકનાં હિતોનું રક્ષણ કરીને જ દુનિયા વધારે સારી થઈ શકે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ દાયકો અને આગામી 25 વર્ષ ભારતમાં અભૂતપૂર્વ વિશ્વાસ ધરાવે છે. સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 'સબ કા પ્રયાસો' (સૌનો પ્રયાસ) દ્વારા જ ભારતનાં લક્ષ્યાંકો ઝડપથી હાંસલ કરી શકાશે. તેમણે ઉપસ્થિત દરેકને શક્ય તેટલી વધારે ભારતની વિકાસ યાત્રામાં જોડાવા અપીલ કરી હતી. તેમણે અંતમાં જણાવ્યું હતું કે, "જ્યારે તમે ભારતની વિકાસયાત્રા સાથે જોડાવ છો, ત્યારે ભારત તમને વિકાસની ગૅરંટી આપે છે."

Rizwan Shaikh (FTJ)

Plot No. 484/2,

Sector. 12 B,

Gandhinagar, Gujarat.

Pin : 382006

Mob : 9510420202

 

આ પણ વાંચો :  ખેડૂત ભાઈઓને ટૂંક સમયમાં તમામ સરકારી યોજનાઓના સમાચાર WhatsApp પર મળશે

Share your comments

Subscribe Magazine

More on News

More