ડુંગળીના નિકાસ પર મુકાયો હતો પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે સરકારે હાલમાં જ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે અને યૂએઈ અને અન્ય દેશોને કેટલીક શરતો સાથે છૂટછાટ આપી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડુંગળીની કિંમત ઘણી વધારે છે, પરંતુ યૂએઈમાં ડુંગળી સસ્તી મળી રહી છે. જેના કારણે ભારતના ખેડૂતો અને વેપારીઓએ આ અંગે સરકાર વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે. મળતી માહિતી મુજબ ભારત સરકાર પ્રાથમિકતાના આધારે કેટલાક દેશોમાં ડુંગળીની નિકાસ ચાલુ રાખી છે. રાજદ્વારી વિનંતી પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.જો કે ભારત હાલમાં વિશ્વમાં ડુંગળીનો સૌથી મોચો ઉત્પાદક દેશ છે. ડિસેમ્બર 2023 માં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
ડુંગળીની કિંમત રૂં 100 ને વટાવી
અધિકારિઓ મુજબ પ્રતિબંધનું કારણ એ હતું કે દેશમાં ડુંગળીની કિંમત સતત વધી રહી હતી અને 40 ટકા નિકાસ કર હોવા છતાં તેમાં કોઈ સુધારાનો અવકાશ નહોતો. કેટલાક શહેરોમાં તેની કિંમત 100 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગઈ હતી. જેના કારણે 1 માર્ચના રોજ, ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો અને UAEમાં 14,400 ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી. જેમાં દર ક્વાર્ટરમાં 3600 ટનની મર્યાદા રાખવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે ભારતમાંથી એક ક્વાર્ટરમાં 3600 ટન ડુંગળીની નિકાસ થઈ શકે છે. જો કે, ગયા અઠવાડિયે વાણિજ્ય મંત્રાલયે આ મર્યાદાથી વધુ 1000 ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે.
ભારતના ઉદ્યોગપતિઓ નારાજ
સરકારના આ નિર્ણયથી ભારતીય ઉદ્યોગપતિઓ નારાજ છે. તેઓ આક્ષેપ કરે છે કે દેશના ખેડૂતો પાસેથી 12-15 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી ખરીદવામાં આવી રહી છે, જ્યારે UAEના વેપારીઓ તેમના સ્ટોર્સમાં તે જ ડુંગળી 120 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી રહ્યા છે. બાંગ્લાદેશ, ભૂતાન, મોરેશિયસ અને બહેરીનની પણ આવી જ સ્થિતિ છે. સરકારે બાંગ્લાદેશને 50,000 ટન, ભૂટાનને 550 ટન, બહેરીનમાં 3,000 ટન અને મોરેશિયસને 1200 ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે.
આંતરરાષ્ટ્રીય બજારોમાં ડુંગળીની કિંમત
જ્યારથી ભારતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે ત્યારથી વિશ્વના ઘણા દેશોમાં તેની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. હાલમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં આ કિંમત 1200-1500 ડોલર પ્રતિ ટન સુધી પહોંચી ગઈ છે. આ દરો પણ વધી રહ્યા છે કારણ કે પાકિસ્તાન અને ઇજિપ્તે પણ સમાન પ્રતિબંધો લાદ્યા છે. આ બંને દેશો ડુંગળીના મોટા ઉત્પાદકો પણ છે. નામ ન આપવાની શરતે કર્ણાટકના એક ખેડૂતે જણાવ્યું હતું કે હાલમાં ભારતમાંથી પ્રતિ ટન 500-550 ડૉલરના દરે નિકાસ થઈ રહી છે જેના કારણે અહીંના ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે.
Share your comments