ગુજરાતમાં ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશ એટલે કે, એફપીઓને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રની યોજના મુજબ દસ હજાર એફપીઓ તૈયાર કરવાનું કાર્ય ચાલી રહ્યું હોઇ, ગુજરાતના ખેડૂતોમાં પણ દિવસે ને દિવસે ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન કંપની અંગે વિશેષ જાગરૂકતા ફેલાઇ રહી છે. દરમિયાન ઉત્તર ગુજરાત વિસ્તારમાં પણ એફપીઓ સંલગ્ન પ્રવૃત્તિએ વેગ પકડ્યો હોઇ, પાટણ જિલ્લા સ્થિત કાર્યરત FPO માટે ખાસ જિલ્લા સ્તરનો એક ટ્રેનિંગ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો, જેમાં સરકારના વિવિધ વિભાગો અને એજન્સીઓ સાથે સંકલન કરી જિલ્લા સ્તરે ખેડૂત અને ખેતી અંતર્ગત વિકાસનું ભાવિ આયોજન કરવામાં આવ્યું હતું.
સરકારી યોજનઓનું ગ્રામ્ય સ્તરે સુયોગ્ય અમલીકરણ થાય તે અંગેની કામગીરીને લઇને ખેડૂત કંપનીઓનું યોગદાન ખૂબજ જરૂરી ગણાવાયું હતું. કાર્યક્રમની શરૂઆત કરાવતા FPOના મુખ્ય અધિકારી ગૌતમભાઈ શર્મા દ્વારા પરિચય સાથે આ તાલિમનો હેતુ સ્પષ્ટ કરવામાં આવ્યો હતો. ખાનગી કંપની સાથે જોડાયેલા નીરપતસિંહ કીરાર દ્વારા ખેડૂત અને ખેતીલક્ષી પ્રોગ્રામની માહિતી આપવામાં આવી હતી. તાલિમ કાર્યક્રમને આગળ વધારતા પાટણ જિલ્લાના આત્મા પ્રોજેકટના મુખ્ય અધિકારી મયૂરભાઈ દ્વારા જિલ્લામાં કાર્યરત ખેડૂત કંપનીઓના સંકલન અને સહયોગ દ્વ્રારા જિલ્લાની વિવિધ ખેતી લક્ષી પ્રવૃત્તિઓ અને યોજનાઓને લોકો સુધી પહોંચાડી ખેડૂતોને વધુ પ્રમાણમાં લાભ કઇ રીતે મળી શકે, તે બાબતે વિશેષ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. દરમિયાન ગાય આધારિત ખેતી અને આત્મા ગ્રુપના સહયોગથી ઓર્ગેનિક ખેતીમાં ખેડૂત કપનીઓનું ભાવિ યોગદાન આપવામાં આવે તો પાટણ જિલ્લાની ખેતીને એક નવી દિશા મળી શકે તેવા અભિપ્રાય સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ત્યાર બાદ પાટણ જિલ્લા બાગાયત વિભાગના મુખ્ય અધિકારી મુકેશભાઈ ગલવાડીયા દ્વારા બાગાયતની વિવિધ યોજનાઓ અને સરકારની અન્ય યોજના અંતર્ગત ખેડૂત કંપનીઓ દ્વારા ખેતી લક્ષી વિકાસ અંગેની સમાયેલી તકો વિષે ઉત્તમ માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને બાગાયત પાક બાબતે અલગ અલગ ઝોનમાં ફળ ફળાદી પાકોના ઉત્પાદન માટે વિશેષ કાર્ય કરવા આહવાન કરાયું હતું.
તાલિમ કાર્યક્રમને આગળ વધારતા પાટણ નાબાર્ડના ડી.ડી. એમ.વર્માજી દ્વારા નાબાર્ડની ખેતી લક્ષી યોજના અને પ્રોજેક્ટમાં સહભાગી બની ખેડૂતો અને ખેતીના વિકાસને ધ્યાને રાખીને ખેડૂત કંપનીઓ કઇ રીતનું સફળ આયોજન કરી શકે તે અંગે વિશેષ માહિતી પુરી પાડી હતી. તેઓએ પાટણ જિલ્લાના ખેતી – વિકાસ સંલગ્ન મુદ્દાઓ દ્વારા તૈયાર કરાયેલો ખાસ મેપ રજૂ કર્યો હતો. ખેતીવાડી વિભાગના ધર્મેશભાઈ પટેલ દ્વારા ખેતી લક્ષી ઇનપુટ સપ્લાય દવા - બિયારણની પસંદગી અને પોતાના બ્રાન્ડ થી ગુણવત્તા યુક્ત સીડ ઉત્પાદન બાબતે આયોજન પૂર્વક આગળ વધવા અને ખેતી લક્ષી વ્યવસાયને ધ્યાનમાં રાખી ખેડૂત કંપનીઓને તે બાબતે બિઝનેસ પ્લાન નક્કી કરી કામગીરી કરવી જોઇએ તેવી શીખ આપી હતી. કંપનીઓ દ્વારા ખાસ ખેતી અને ખેડૂતોની મદદ કરવા પ્રેરણા આપી હતી. દરમિયાન પાટણ જિલ્લાના ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ દ્વારા સરકારના વિવિધ વિભાગો ના સંકલનથી ખેડૂત કંપનીઓ કઇ રીતે વિકાસ કરી અન્ય જિલ્લા તેમજ સમગ્ર રાજ્યને ખેતીના નવા મોડેલની ભેટ આપી શકે તે અંગે પણ સમાયેલી તક વિષે છણાવટભરી ચર્ચા કરી હતી. ખેડૂતોની મદદ માટે ખાસ એગ્રો મોલના કોન્સેપ્ટનું અમલીકરણ કરવા પણ અનુરોધ કરાયો હતો.
એફપીઓના આ વિશેષ તાલિમ કાર્યક્રમમાં પાટણ જિલ્લા સ્થિત કાર્યરત 9 જેટલા એફપીઓના અંદાજિત 35 જેટલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સહિતના લોકો હાજર રહ્યા હતા એવું વ્રજલાલ રાજગોર ની યાદી માં જણાવવામાં આવ્યું હતું.
Share your comments