કોરોનાની સ્થિતિ વચ્ચે ગુજરાત પર વધુ એક મુશ્કેલી મંડાઈ રહી છે. તાઉ-તે વાવાઝોડાનું આ સંકટ સર્જાયું છે. તાઉ-તે સમુદ્ર કિનારાથી દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વથી 400 કિલોમીટરના અંતરે છે. આ વાવાઝોડાને પગલે દરિયા કિનારે આવેલા જિલ્લાઓમાં આશરે 150 કિમી ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. રાજ્યમાં કુદરતી આપદાનો સામનો કરવા તમામ તૈયારી કરવામાં આવી છે તથા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. દરિયા કિનારાના વિસ્તારોમાંથી આશરે 1.50 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
બીજી બાજુ હવામાન વિભાગે એક બુલેટિન જારી કર્યું છે, જે પ્રમાણે વાવાઝોડુ વધારે તીવ્ર બને તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. આ વાવાઝોડુ 17-18 મે સુધીમાં ગુજરાતના દરિયા કિનારે પહોંચી શકે છે. આ ઉપરાંત રાજ્યભરમાં 20મી મે સુધી વરસાદ પડી શકે છે. આ વાવાઝોડાને લઈ 18મેના વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડુ 19મીના રોજ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લાઓમાં એનડીઆરએફની 44 ટીમની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે એસડીઆરએફની 6 ટીમ ગોઠવવામાં આવી છે.
આ સાથે રાજ્યમાં 18 મે દરમિયાન ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ, આણંદ, ખેડા, વલસાડ, નવસારી, સુરત જ્યારે 19મી મેના રોજ અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
બીજી બાજુ તાઉ-તે વાવાઝોડાને લીધે દેશમાં અન્ય રાજ્ય કેરળ, કર્ણાટક અને ગોવાના દરિયા કિનારે ભારે વિનાશ વેર્યો છે. છેલ્લા 24 કલાકમાં વાવાઝોડાને લીધે થયેલા વરસાદ અને ભારે પવનને લીધે કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Share your comments