સરકારે ત્રણ કૃષિ વિધેયકો સંસદમાં પસાર કર્યા છે. તે પછી સરકારના સાથી પક્ષમાંથી રાજીનામુ આપવાની ઘટના બની અને દેશના ઉત્તરીય રાજ્યોમાં આ બિલ વિરુદ્ધ દેખાવો શરુ થયા. ત્યારે ઘણા બધા ખેડૂતો આ બિલ વિશે દ્વિધા અનુભવી રહ્યાં છે.
આપ સૌ ખેડૂત મિત્રો જાણતા જ હશો કે કૃષિ ક્ષેત્ર એવું છે કે જેને લગતા કાયદાઓ કેન્દ્ર અને સરકારોના કૃષિ વિભાગો દ્વારા પોત-પોતાની રીતે ઘડવામાં આવે છે એટલે કે કૃષિ વિષયક કાયદાઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને ઘડી શકે છે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર એટલે કે કેન્દ્રીય કૃષિ વિભાગે સંસદમાં જે ત્રણ કૃષિ વિધેયકોને પસાર કર્યા છે, તે દરેક રાજ્ય સરકારો જરૂરી સુધારા વધારા સાથે પોતાની રાજ્ય વિધાનસભાઓમાં બહુમતીથી પસાર કરશે અને ત્યાર બાદ તે વિધેયકો તે રાજ્યમાં લાગુ પડશે.
કેન્દ્ર સરકારના આ કૃષિ સુધારાઓનો કેટલાક રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે કે જેમાં કેન્દ્રમાં સત્તારૂઢ એનડીએના પંજાબ ખાતેના સાથી પક્ષ શિરોમણિ અકાળી દળે એનડીએથી છેડો ફાડી લીધો, તો કૉંગ્રેસ સહિતના વિપક્ષો પણ તેનો વિરોધ કરી રહ્યા છે. જોકે ગુજરાતમાં આ વિધેયકનો વ્યાપક વિરોધ જોવા મળ્યો નથી.
આમ છતાં ગુજરાતના ઘણા ખેડૂતો આ બિલને લઈને મિશ્ર પ્રતિભાવો આપી રહ્યા છે, તો કેટલાક ખેડૂતો આ બાબતે અવઢવમાં પણ છે. હકીકતમાં તો જે ખેડૂતો પોતાના માલનું વેચાણ સીધા ખેતરથી નજીકના માર્કેટ યાર્ડમાં જઈને કે ટેકાના ભાવના ખરીદ કેન્દ્રોમાં જઈને કરતા હોય, તેવા ખેડૂતોને આ વિધેયકોથી શું અસર પડશે ? તેનો વધુ ખ્યાલ આવતો નથી, પરંતુ હા, આ કૃષિ સુધારા બાદ માર્કેટ યાર્ડોનું જે-તે વિસ્તાર ઉપરથી નિયત્રંણ ખતમ થઈ જશે અને લાયસંસ રાજ જેવી સ્થિતિ સર્જાશે, ત્યારે આપણા વિસ્તારોમાં બીજા જિલ્લાઓના વેપારીઓ ખરીદી કરવા આવે, તો નવાઈ ન પામતા.
કૃષિ વિધેયકો વચ્ચે ખેડૂતોને લાભ થવામાં વચેટિયાઓનો કમિશનનો મુદ્દો જોરશોરથી ચગ્યો છે. આપણે ત્યાં ફળ પાકોમાં ૧૦% જેવું ઊંચું કમિશન લોકલ એજંટો વસૂલતા હોય છે. આ વચેટિયાઓ નાબૂત થતા ખેડૂતોને સીધો જ ૧૦% નો ફાયદો થશે. ખેડૂતોની આવક વધારવામાં આ એક પગલું કારગત નિવડી શકશે.
કૃષિ વિધેયકોનું પસાર થવું એ સરકારના વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યના એક ભાગરૂપે જ લાગી રહ્યું રહ્યું છે, પણ અહીં એ વાત નોંધનીય છે કે જ્યાં સુધી કૃષિ નીતિના ઘડતરમાં ખેડૂતોનો મત, અભિપ્રાય કે હાલાકી જાણવામાં નહીં આવે અને કહેવાતા ખેડૂત નેતાઓ કે નિષ્ણાતોના મત મુજબ જ કૃષિ નીતિ ઘડાશે, ત્યાં સુધી ખેડૂતનું હિત એ કાયદાઓથી દૂર જ રહી જશે કે જેમાં શંકાને કોઈ સ્થાન નથી.
પસાર કરેલા ત્રણ વિધેયકો પૈકી એક વિધેયકમાં કૉંટ્રાક્ટ ફાર્મિંગની જોરશોરથી ચર્ચા થઈ રહી છે. અહિંયા એ જાણવું જરૂરી છે કે આપણે ત્યાં બટાટાની ખેતી ઘણા સમયથી કૉંટ્રાક્ટ ફાર્મિંગ હેઠળ જ થાય છે. એક આંતરરાષ્ટ્રીય કંપનીએ બટાટાના બિયારણના ઉપયોગની પૅટર્નનો ભંગ કરવાના આરોપ હેઠળ સામાન્ય ખેડૂતો ઉપર કરોડો રૂપિયાના વળતરના કોર્ટ કેસો કર્યા છે કે જે આજે પણ ચાલી રહ્યા છે. કૉંટ્રાક્ટ ફાર્મિંગની આ એક ડાર્ક સાઇડ છે.
આશા છે કે ગુજરાતમાં આ ત્રણેય વિધેયકો ખેડૂતોના હિત સાથે પસાર થશે.
Share your comments