આજના સમયમાં ગુજરાતના ખેડૂતો મુખ્યત્વે રોકડીયા પાકો અને તેલીબિયાં પાકોને વાવવા માટે પસંદગી કરે છે, પરંતુ ખાસ કરીને કપાસ અને મગફળીનાં પાકોમાં વિષમ આબોહવા અને જમીનજન્ય રોગોના લીધે નુકશાન ભોગવવાની સ્થિતિ ઉદ્ભવી છે. ખેડૂતો વિષમ હવામાનના લીધે આવતા રોગો પર સહેલાઈથી નિયંત્રણ મેળવી લે છે, પરંતુ જમીનજન્ય રોગો જેવાકે ફૂગ, જીવાણુઓ (સફેદ મૂંડા / ધ્રોણ) અને ગાંઠીલા રોગોના (ગુલાબી ઈયળ) જમીનમાં રહેલા અવશેષો પર વધારે પડતા ખર્ચા કરવા છતાં અંકુશ લાવી શકતા નથી. જમીનજન્ય રોગો માટે ખેડૂતો ખર્ચાળ રાસાયણિક દવાનો ઉપયોગ કરે છે, જે બિન-અસરકારક અને જમીનની ફળદ્રુપતામાં નોંધપાત્ર ઘટાડો કરે છે. તેથી ખેડૂતો જમીનમાંથી ઉદ્ભવતા રોગોથી રક્ષણ અને અંકુશ મેળવવા અવનવા પ્રયાસો હાથ ધરે છે. સોઇલ (જમીન) સોલરાઇઝેશન એ કુદરતે આપેલી સૂર્યઉર્જાનો (સૂર્યપ્રકાશ) ઉપયોગ કરીને જમીનજન્ય રોગો પર પૂર્ણ અંકુશ મેળવા માટેની સરળ, અસરકારક અને નહીવત ખર્ચવાળી એક પધ્દતિ છે.
સોઇલ સોલારાઇઝેશન એટલે શું ?
સોઇલ (મૃદા) સોલારાઇઝેશન એ સૂર્ય દ્વારા જમીનને ઊંચા તાપમાને ગરમ કરીને તેમાં રહેલા બેક્ટેરિયા, જંતુઓ, જીવાતો અને નિંદણના બીજ વગેરેનો નાશ કરવા માટેની એક બિન-રાસાયણિક અને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિ છે. સોઇલ સોલારાઇઝેશનમાં, વર્ષના ગરમ સમયગાળા (સામાન્ય રીતે ઉનાળામાં) દરમિયાન જમીનને પારદર્શક પ્લાસ્ટિક (પોલિઇથિલિન) કવરથી ઢાંકીને (મલ્ચીંગ ની જેમ) સૂર્યપ્રકાશ થકી ગરમ કરવામાં આવે છે. જેના થકી બેક્ટેરિયા, ફૂગ, જંતુઓ, જીવાત જેવા માટી દ્વારા થતા રોગો અને નિંદણને સંપૂર્ણપણે નિયંત્રિત કરી શકાય છે.
જે રીતે ખેડૂતો ઉનાળામાં ખેડ કરીને જમીન તપાવે છે, એ જ રીતે સોઇલ સોલરાઇઝેશનમાં સિંચાઈ કરેલી જમીનને પ્લાસ્ટિક કવરથી (ઉચ્ચ તાપમાન માટે) ઢાંકીને ગરમ થવા દેવાથી ઉત્પન્ન થતી ગરમીના કારણે જમીનજન્ય રોગોનો નાશ થાય છે. સોઇલ સોલારાઇઝેશનમાં જમીનને કોઈપણ પ્રકારની રાસાયણિક અસર થતી નથી, તદુપરાંત જમીનમાં નાઇટ્રોજન, ફાયદાકારક ઘટકો (રાયજોબીયમ બેક્ટેરિયા) અને અન્ય પોષક તત્વોની ઉપલબ્ધતામાં વધારો કરીને જમીનની ફળદ્રુપતામાં વધારો અને તંદુરસ્તીમાં સુધારો કરે છે.
સોઇલ સોલારાઇઝેશનના ફાયદાઓ
- ઉનાળાના મહિનાઓ દરમિયાન સોલારાઇઝેશન જમીનના તાપમાનને તે સ્તર સુધી વધારી શકે છે જે ઘણા રોગ પેદા કરતા જીવાણુઓ અને ફૂગનો નાશ કરે છે અને જમીનની રોગપ્રતિરોધક ક્ષમતા વધારે છે.
- સોલારાઇઝેશનમાં માત્ર પારદર્શક પ્લાસ્ટિક (પોલિઇથિલિન) કવરની જ જરૂર પડે છે, જેથી કરીને આ પદ્ધતિ સરળ અને સસ્તી છે.
- જમીનના ઉચ્ચ તાપમાને તેમાં રહેલા નિંદણના બીજની અંકુરણ ક્ષમતા નષ્ટ પામે છે, જેથી સોલરાઇઝ્ડ જમીનમાં ઘાસ/નિંદણ ઉગતું નથી.
- જમીનમાં કાર્બનિક દ્રાવ્ય પોષક તત્વો જેવા કે નાઇટ્રોજન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમના પ્રમાણમાં વૃદ્ધિ થાય છે, પરિણામે જમીનને ઓછા ખાતરની જરૂર પડે છે.
- સોલરાઇઝ્ડ જમીનમાં પાક ઝડપથી અને રોગમુક્ત રીતે વૃદ્ધિ પામે છે, તદુપરાંત રાસાયણિક રહિત ઉપજ મેળવી શકાય છે.
- સામાન્ય રીતે ગ્રીનહાઉસ કે પોલીહાઉસનો ઉપયોગ કરતા ખેડૂતો માટે સોઇલ સોલારાઇઝેશન અત્યંત લાભદાયી છે. તદુપરાંત એ જ આવરેલાં પ્લાસ્ટિકનો ઉપયોગ શાકભાજી કે અન્ય વેલાવાળા પાકોના મલ્ચીંગ માટે કરી શકાય છે.
જમીનનમાં સોલારાઇઝેશન કઈ રીતે કરવું ?
- જમીન : જમીનને સોલારાઇઝ્ડ કરવા માટે જમીનને ખેડીને, સમતળ (લેવલ) કરીને પથ્થરો, ઢેફાં અને ઘાસના અવશેષો વગેરેનો નિકાલ કરવામાં આવે છે.
સિંચાઈ : પર્યાપ્ત ભેજવાળી જમીનમાં સોલારાઇઝેશન વધારે અસરકારક રહે છે, તે માટે પૂરતા પ્રમાણમાં જમીનને સિંચાઈ (ફુવારા અથવા ડ્રિપ દ્વારા) આપવી જરૂરી છે. - પ્લાસ્ટિક : સામાન્ય રીતે ૨૫ થી ૧૦૦ માઈક્રોનનું પારદર્શક પ્લાસ્ટિક (કાળા કે અન્ય કલરનું નહીં) સોલારાઇઝેશન માટે સૌથી અસરકારક છે. સિંચાઈ પછી તરત જ (પવન મંદ અથવા ન હોય ત્યારે) જમીનને પારદર્શક પોલિઇથિલિનના કવરથી હવાચૂસ્ત રીતે ઢાંકવામાં આવે છે, જેથી સિંચાઈવાળી જમીન સુકાઈ ના જાય.
- સમયગાળો : સામાન્ય રીતે જમીન ને સંપૂર્ણ રીતે રોગમુક્ત કરવા માટે અંદાજિત ૪ થી ૬ અઠવાડિયા જેટલા સમય ગાળા માટે સોલરાઇઝડ (પ્લાસ્ટિક થી ઢાંકેલી) કરવામાં આવે છે.
- જમીન ની સોલારાઇઝેશન પ્રક્રિયાના સમયગાળા પૂર્ણ થયા બાદ પ્લાસ્ટિક કવરને દૂર કરીને થોડાક સમયમાં જ તે જમીન પર પાક ઉગાડવામાં આવે છે. જો કોઈ ખેડૂત મલ્ચીંગ થી શાકભાજી જેવા પાકો ઉગાડવા માંગતા હોઈ તો પ્લાસ્ટિક ને દૂર કર્યા વગર જ સીધા આવરેલાં પ્લાસ્ટિકનો (તેમાં બીજ વાવવા/સોંપવા માટે છિદ્રો પાડીને) ઉપયોગ કરી શકે છે.
સોઇલ સોલારાઇઝેશન દરમિયાન ધ્યાનમાં રાખવાની સાવચેતીઓ :
- સોલારાઇઝેશન કરેલી જમીનના પ્લોટ વચ્ચે અન્ય કામગીરી કરવા કે ચાલવા માટે પૂરતી જગ્યા રાખવી જરૂરી છે.
- પ્લાસ્ટિક કવરમાં કોઈ કારણસર છિદ્રો પડી જાય તો તેને વહેલી તકે સીલ કરી દેવા જોઈએ, જેથી કવર નીચે ગરમી અને ભેજ બંને જળવાઈ રહે.
- પ્લાસ્ટિક કવર વડે આવરી લેવાયેલા પ્લોટમાં શક્ય હોય તો પ્રવેશ (તેના પર ચાલવું) ટાળવો જોઇએ, જેથી આવરેલાં પ્લાસ્ટિકની આવરદા વધારી શકાય.
- પ્લાસ્ટિક કવરને પવન સામે રક્ષણ કરવા માટે કવર પર માટીથી ભરેલી થેલીઓ કે અન્ય (તીક્ષ્ણ ધાર ન હોય એવા) ભાર મૂકવા.
- સોલારાઇઝેશન પછી તે જમીન પર બિન-સોલરાઇઝડ જમીનમાંથી વહેતુ પાણી સંપર્કમાં ન આવવું જોઈએ. તે માટે ફુવારા અથવા ડ્રિપનો સિંચાઈ તરીકે ઉપયોગ કરવો હિતાવહ છે.
આમ, સોઇલ સોલારાઇઝેશન થકી ખેડૂત કુદરતની આપેલી સૂર્યપ્રકાશની દેન વડે નિંદામણ અને જમીનજન્ય રોગોમાં થતા ખર્ચમાં કાપ મૂકીને ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મેળવી આવકમાં વધારો કરી શકે છે.
Share your comments