નવા વર્ષમાં કેન્દ્ર સરકાર ATM કાર્ડની માફક SMART RATION CARD આપશે. દેશના આશરે 81 કરોડ લોકોને આ સ્માર્ટ રેશન કાર્ડ મળશે. હકીકતમાં મોદી સરકાર વર્ષ 2021માં ‘વન નેશન વન રેશન’ કાર્ડ જેવી મહત્વાકાંક્ષી યોજના ક્ષેત્રે મોટાપાયે કામ કરવા જઈ રહી છે કે જે અંતર્ગત આ સ્માર્ટ કાર્ડની વહેંચણી કરવામાં આવશે. બિહાર જેવાં કેટલાક રાજ્યોમાં સ્માર્ટ રેશન કાર્ડને લઈને કામગીરી શરૂ થઈ ગઈ છે. આ કાર્ડ મારફતે આપ દેશના કોઈ પણ રાજ્યમાં રહીને આપની રેશનિંગની સામગ્રી મેળવી શકશો. તેનો સૌથી વધારે લાભ પ્રવાસીઓને અને ખાસકરીને પ્રવાસી શ્રમિકોને મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા કહ્યું હતું કે દેશના 80 કરોડથી વધારે લોકોને આ વિશેષ સોગાત મળશે.
સ્માર્ટ રેશન કાર્ડનો લાભ કેવી રીતે મેળવશો ?
સ્માર્ટ રેશન કાર્ડનો લાભ મેળવવા માટે આપની પાસે ગરીબી રેખાથી નીચેના વર્ગનું (BPL) કાર્ડ હોવું જરૂરી છે. જો આપની પાસે BPL રેશન કાર્ડ ન હોય, તો આપ બીપીએલ કાર્ડ પ્રાપ્ત કરવા માટેની ઑનલાઇન અરજી કરી શકો છો. દરેક રાજ્યની તે અંગેની પોતાની વેબાઇટ છે કે જ્યાં બીપીએલ રેશન કાર્ડ માટેની અરજી કરી શકાય છે. ઑનલાઇન અરજી કર્યા બાદ આપે એક સ્લિપ મળશે કે જેને આપ તાલુકા અન્ન પૂરવઠા અધિકારી (FSO) પાસે રજૂ કરવાની રહેશે.
ઘઉં 2 રૂપિયે કિલો મળે છે
દેશમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકોને BPL કાર્ડ આપવામાં આવે છે. હાલમાં દેશમાં આશરે 81 કરોડ લોકો છે કે જે ગરીબી રેખા નીચેની શ્રેણીમાં આવે છે અને તેમની પાસે BPL કાર્ડ છે. BPL કાર્ડધારકોને સરકાર 2 રૂપિયા કિલો ઘઉં અને 3 રૂપિયા કિલો ચોખા આપે છે. BPL કાર્ડધારકો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA)ની સબસીડી પર અનાજ ખરીદવાની યોગ્યતા ધરાવે છે.
Share your comments