વડોદરા. સમગ્ર દેશમાં નવું વર્ષ ઊજવવાની પદ્ધતિ અલગ-અલગ સ્થળોએ વિવિધ પ્રકારની જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતમાં કે જ્યાં બાર ગાઉએ બોલી બદલાય છે, ત્યાં લોકો દિવાળી પછીના દિવસે નૂતન વર્ષ ઊજવતા હોય છે તથા પોતાની રીતે આવકારતા હોય છે અને એની પદ્ધતિ પોતાની પારંપરિક અથવા અલગ જ પ્રકારની હોય છે. વાસ્તવમાં આ વિવિધતા જ નવા વર્ષના ઉત્સવની ઉજવણીમાં નવીન ઉમંગ અને ઉત્સાહ ઉમેરતી હોય છે.
વાત છે ‘રતનમહાલ’ અભયારણ્યની કંજેઠા રેંજમાં ફૉરેસ્ટર તરીકે ફરજ બજાવતા શ્રી મુકેશ અરવિંદભાઈ બારિયાની. ગુજરાતી ભાષામાં ફૉરેસ્ટરના આ હોદ્દાને વનપાલ તરીકે ઓળખવામાં આવે છે. નવું વર્ષ ઊજવવાની મુકેશભાઈ તથા તેમના સાથીઓની નવીન પદ્ધતિએ સમાચાર ઊભા કર્યા. મુકેશભાઈએ પોતાના પરિક્ષેત્ર વન અધિકારી શ્રી રમેશભાઈ ચૌહાણ તથા અન્ય સાથી વનરક્ષકોની સાથે પવિત્ર સાગેનના વૃક્ષની પૂજા કરીને નૂતન વર્ષની ઉજવણીમાં નવો ચીલો પાડ્યો છે. આ પ્રતિબદ્ધ અને પ્રકૃતિપ્રેમી વનરક્ષકોએ પ્રકૃતિના ખોળે બેસીને પ્રકૃતિને સૌપ્રથમ સાલ મુબારક પાઠવ્યા, નૂતન વર્ષાભિનંદન પાઠવ્યાં. તેમણે સૌએ જાણે કે સૌપ્રથમ વૃક્ષ દેવતાને નવા વર્ષના પ્રણામ કરીને નવા વર્ષનાં શ્રીગણેશ કર્યાં.
ક્યાં આવેલું છે રતનમહાલ?
મધ્ય ગુજરાતમાં દાહોદ અને વડોદરા જિલ્લાઓની વચ્ચેના કેટલાક પ્રદેશોમાં ઘનઘોર જંગલો આવેલાં છે. કાળા માથાનો માનવી જ્યાં દિવસે પણ બી જાય, એવાં જંગલોમાં આ વનરક્ષકો તથા વન અધિકારીઓ ચોવીસ કલાક રહે છે અને ફરજ બજાવે છે.
વૃક્ષ સજીવ કે નિર્જીવ ?
આપણા ભારતીય વિજ્ઞાની શ્રી જગદીશચંદ્ર બોઝે સાબિત કર્યું છે કે વૃક્ષ અને વનસ્પતિ સજીવ છે. આ દૃષ્ટિએ જોઇએ, તો વૃક્ષો અને વનસ્પતિઓને આપણે એક પ્રાણ લેતા એટલે કે પ્રાણી કે જીવ તરીકે ગણી શકીએ. આપણા મૂર્ધન્ય ગુજરાતી કવિ શ્રી ઉમાશંકર જોશીએ પણ ગાયું છે, ‘વિશાળ જગ વિસ્તારે નથી એક જ માનવી-પશુ છે, પક્ષી છે, પુષ્પો-વનોની છે વનસ્પતિ’, પરંતુ આપણી સંકુચિત દૃષ્ટિએ કદી આ વિચાર ચડ્યો નથી.
જોકે વનપાલ મુકેશભાઈ અલગ માટીના બનેલા છે. એમની વિચારધારા સાવ અલગ છે. આ અલગ પ્રકારના વન કર્મયોગીએ જંગલ ખાતાની નોકરીની શરૂઆત વડોદરા જિલ્લાના વાઘોડિયાથી વડોદરા વન વર્તુળ હેઠળ સન 2008માં કરી હતી. તેઓ કહે છે, ‘વૃક્ષો કોની સાથે નવું વર્ષ ઊજવે ? અમારી સાથે જ ને ! અમે વન વિભાગ વાળા જંગલ અને વૃક્ષોનાં સગાં-વહાલાં કહેવાઇએ. એટલે મેં નવા વર્ષની શરૂઆત વૃક્ષ પૂજા કરીને કરવાનો રિવાજ મારી નોકરીના પહેલા વર્ષથી જ રાખ્યો છે.’
સાગેન વૃક્ષનો પરિચય
સાગેન વૃક્ષ ખૂબ પવિત્ર ગણાતું વૃક્ષ છે. વાઘોડિયા પાસેના વેડપુર નજીક સાગના જ એક પ્રકારનું અને ખૂબ જૂજ પ્રમાણમાં જોવા મળતું વૃક્ષ સાગેનનું હોય છે. સાગેનના થડ ઉપર ઝીણા ઝઈણા વાળ જેવા તાંતણા હોય છે. શ્રી મુકેશભાઈ ઉમેરે છે, ‘શરૂઆતમાં હું ને મારા બીટગાર્ડ સાથી મિત્રો નવા વર્ષે એ વૃક્ષની પૂજા કરતા તથા થોડી વાર એ વૃક્ષની સાથે બેસીને મૌન-સંવાદ કરતા. આમ કરવાથી અમને ખૂબ જ શાંતિ મળતી. ત્યારથી મેં આ પરંપરાને જાળવી રાખી છે. હાલમાં હું આ નવા સ્થળે બદલી પર આવ્યો છું. મેં પરિક્ષેત્ર વન અધિકારી શ્રી રમેશભાઈ ચૌહાણને વાત કરી અને એમણે સંમતિ આપી. એટલું જ નહીં, તેઓ પોતે પણ આ વૃક્ષ પૂજામાં જોડાયા અને અમને પ્રોત્સાહિત કર્યા.’
વૃક્ષને માળા ચડાવીને શ્રીફળ વધેર્યુ
રમેશભાઈ કહે છે, ‘લોકો નવા વર્ષે પોતાના ધંધા-રોજગારના સ્થળે ધન-લક્ષ્મીની પૂજા કરે છે, ત્યારે અમારાં ધન-લક્ષ્મી તો આ વૃક્ષો છે. એમની પૂજા અમે કેમ ન કરીએ ?’ મુકેશભાઈએ આ પૂજા કરતી વખતે સાગેનના વૃક્ષને પુષ્પમાળા ચડાવી, અગરબત્તી કરી, શ્રીફળ વધેર્યું અને વૃક્ષ દેવતાને નમન કરીને નવું વર્ષ શરૂ કર્યું.
જંગલ છે, તો આ નોકરી છે
મુકેશભાઈ લાગણીભીના સ્વરે કહે છે, ‘જંગલ છે, તો વૃક્ષો-વનસ્પતિઓ છે અને એ બધું છે એટલે અમારી નોકરી પણ છે. વનકર્મી તરીકે અમારાં ધન-લક્ષ્મી તો આ જંગલની સંપત્તિ જ છે. આ જ અમારી રોજી-રોટી છે. એટલે એમનો આભાર માનવા માટે દર વર્ષે હું વૃક્ષ પૂજા કરું છું. મને આનંદ છે કે મારા ઉચ્ચ અધિકારીઓ તથા સાથી વન કર્મચારીઓનો મને આ કાર્યમાં જીવંત સહકાર મળે છે.’
પ્રાચીન રત્નેશ્વર મહાદેવજીની પૂજા
વૃક્ષ પૂજા બાદ મુકેશભાઈ અને સાથીઓએ રતનમહાલની ટોચે પીપર ગોટા ગામની નજીક બિરાજતા રત્નેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરે જઈને પૂજા કરી. પરિક્ષેત્ર વન અધિકારી શ્રી રમેશભાઈ ચૌહાણે જણાવ્યું, ‘આ રત્નેશ્વર મહાદેવ દાદાનો પુરાણોમાં પણ ઉલ્લેખ છે અને છેક મધ્ય પ્રદેશથી પગદંડી માર્ગે લોકો તેમનાં દર્શને આવતા હોય છે. વૃક્ષ ઉછેર અને વૃક્ષોની જાળવણી કોઈ એક માણસથી થઈ શકે, એવું કામ નથી. આ એક ટીમવર્ક છે. વૃક્ષ પૂજનથી અમારું ટીમવર્ક પણ મજબૂત બને છે. પ્રાણી વિભાગના મદદનીશ વન સંરક્ષક શ્રી ડૉ. ધવલ ગઢવીએ પણ આ પહેલને બિરદાવી અને સહુને પ્રોત્સાહિત કર્યા છે.’
વૃક્ષપૂજા, પશુ પૂજા દિવાળી સાથે સંલગ્ન
વાસ્તવમાં દિવાળી પ્રકૃતિનો તહેવાર છે. દીપાવલીના તહેવારોમાં ખરેખર તો પ્રકૃતિની જ પૂજા થાય છે. આપણે ફટાકડા ફોડીએ છીએ, રંગરોગાન કરીએ છીએ, રોશની કરીએ છીએ. એનાથી એક નવીન તાજગીનો અનુભવ થાય છે. દિવાળીમાં ગોવર્ધન પૂજાનું અનેરું મહત્ત્વ હોય છે. ભગવાન શ્રી કૃષ્ણની પ્રેરણાથી ગોવર્ધન સ્વરૂપે પર્વત અને વન સંપદાની જ પૂજા પ્રાચીનકાળથી કરવામાં આવે છે. ગોપૂજા પણ એનું એક અંગ છે. આ બધું જોતાં મુકેશભાઈએ પરંપરા અને સંસ્કૃતિ મુજબ જ આ પૂજાને આગળ ધપાવીને આપણને સ્મરણ કરાવ્યું છે એ પૂજાનું કે જેને કદાચ આજે લોકો વીસરી ગયા છે.
Share your comments